Search Icon
Nav Arrow
Organic Farming
Organic Farming

1200+ ખેડૂતોને જોડ્યા જૈવિક ખેતીમાં, એક મહિલાએ તેમની ઉપજ ખરીદી ઊભી કરી લાખોની કંપની

પ્રતિભા તિવારીએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોના ખેડૂતોને જૈવિક ખેતી સાથે સાંકળ્યા અને સાથે-સાથે તેમની ઉપજ ખરીદી પોતાની કંપની ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ ની શરૂઆત કરી. આજે કમાઈ રહી છે લાખોમાં તો ખેડૂતોની આવક પણ થઈ બમણી.

મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતી 41 વર્ષિય પ્રતિભા તિવારી એક સફળ મહિલા ખેડૂત અને વ્યવસાયી છે. ગત લગભગ સાત વર્ષોથી તે જૈવિક ખેતી સાથે સંકળાયેલ છે. સાથે-સાથે, પોતની બ્રાન્ડ ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ દ્વારા જૈવિક અને પ્રાકૃતિક ખાધ્ય ઉત્પાદનો લોકો સુધી પહોંચાડી રહી છે. મહત્વની વાત તો એ છે કે, પ્રતિભા પોતાની સાથે-સાથે 1200 કરતાં વધારે ખેડૂતોને પણ આગળ વધારી રહી છે.

ગણિતમાં માસ્ટર્સ કરનાર પ્રતિભાએ ક્યારેય ખેતી વિશે વિચાર્યું નહોંતુ. સ્ટડી પૂરી થયા બાદ લગ્ન થઈ ગયાં. સાસરીમાં ગયા બાદ તેણે પહેલીવાર ખેતીને નજીકથી જોઈ અને સમજી. ધીરે-ધીરે તે પણ ખેતીમાં જોડાવા લાગી. તેણે ખેતી સાથે સંકળાયેલ બાબતો અંગે ગંભીરતાથી વાંચવાનું શરૂ કર્યું અને જાણ્યું કે, રસાયણયુક્ત ખેતી લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. એટેલ તેણે જૈવિક રીતે ખેતી કરવાનો નિર્ણય લીધો. સાથે-સાથે બીજા ખેડૂતોને પણ જૈવિક ખેતી કરવાની સલાહ આપી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેણે પોતાની આખી સફર અંગે વિસ્તૃતમાં જણાવ્યું.

Farmer

એક-એક કરી જોડ્યા 1200 ખેડૂતોને

પ્રતિભા જણાવે છે કે, શરૂઆતમાં તેની પાસે ખેતીનો કોઈ અનુભવ નહોંતો, પરંતુ તેણે હાર ન માની. ધીરે-ધીરે તેણે અલગ-અલગ પ્રકારની ખેતી કરવાનું શીખ્યું. તેણે જણાવ્યું, “આ દરમિયાન મેં જાણ્યું કે, ખેડૂતોની સૌથી મોટી સમસ્યા બજારની છે. જો ખેડૂત જૈવિક ખેતી કરે તો પણ તેને તેની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. એટલે સૌથી પહેલાં ખેડૂતો માટે એક મંચ તૈયાર કરવાની યોજના બનાવી. જેના મારફતે ખેડૂતો પોતાનો પાક યોગ્ય ભાવે વેચી શકે.”

શરૂઆતમાં પ્રતિભાએ ખેડૂતોને જૈવિક ખેતી માટે તૈયાર કરવાનું શરૂ કર્યું. તે જણાવે છે, “મેં બહુ મુશ્કેલીઓ બાદ માંડ ચાર-પાંચ ખેડૂતોને ઑર્ગેનિક ખેતી માટે તૈયાર કર્યા. સાથે-સાથે દિવસ-રાત મહેનત કરી ઉજપના માર્કેટિંગ પર પણ કામ કર્યું. મેં લાગભગ ત્રણ વર્ષ સુધી જમીન સ્તરે ખેડૂતો સાથે કામ કર્યું. તેની સાથે-સાથે તેમના માટે ‘હૉલસેલ માર્કેટ’ પણ તૈયાર કર્યું. મેં અલગ-અલગ કંપનીઓ અને જૈવિક સ્ટોરના માલિકો સાથે ટાઈ-અપ કર્યું અને ખેડૂતોની ફસલ સીધી તેમના સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. તેનાથી ખેડૂતોને સારા ભાવ મળવા લાગ્યા. જ્યારે કેટલાક ખેડૂતોને સફળતા મળી ત્યારે મેં બીજા ખેડૂતોને પણ તેમના વિશે જણાવ્યું અને એક બાદ એક વધુને વધુ ખેડૂતો જોડાતા રહ્યા.”

2016 માં તેણે ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ ની શરૂઆત કરી, જેમાં આજે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોના ખેડૂતો જોડાયા છે. તો આજે તે 1200 કરતાં પણ વધારે ખેડૂતો સાથે કામ કરી રહી છે. પ્રતિભા જણાવે છે કે, જે પણ ખેડૂતો ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ સાથે જોડાયા છે, તેમને જૈવિક ખેતીથી લઈને માર્કેટિંગ સુધીની બધી જ ટ્રેનિંગ આપવામાં આવે છે. સૌથી પહેલાં તો ખેડૂતોને બજારની આંગ આધારે ફસલ ઉગાડવાની સલાહ આપવામાં આવે છે. તેમની સાથે જોડાયેલ બધા જ ખેડૂતો જૈવિક ખેતી કરે છે.

Farmers

તે કહે છે, “અમારી સાથે બધા જ નાના-નાના ખેડૂતો જોડાયા છે, એટલે અમે તેમની જમીન પ્રમાણે તેમને ખેતીની સલાહ આપીએ છીએ. જેમ કે, જો તેમની પાસે એક એકર જમીન હોય તો, હું તેમને ઘઉંની જગ્યાએ ગુલાબ કે કૈમોમાઈલની ખેતીની સલાહ આપું છું. ગત એક વર્ષમાં જડી-બુટ્ટીઓની માંગ ખૂબજ વધી છે. એટલે અમે ઘણા બધા ખેડૂતો પાસે અલગ-અલગ જડીબુટ્ટીઓ વવડાવીએ છીએ. અમારી સાથે જોડાયેલ ખેડૂતોની આવક અત્યારે પહેલાં કરતાં બમણી થઈ ગઈ છે.”

ગત ઘણાં વર્ષોથી ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ સાથે જોડાયેલ ખેડૂત વિશાલ મીણા જણાવે છે, “હું પહેલાં નોકરી કરતો હતો, પરંતુ કોઈ કારણવશ નોકરી છૂટી ગઈ. ત્યારબાદ મેં બિઝનેસ શરૂ કર્યો, પરંતુ તેમાં નુકસાન થયું. પછી થયું કે, મારે મારાં ખેતરો જ સંભાળવાં જોઈએ. લગભગ સાત વર્ષ પહેલાં, મેં ખેતી શરૂ કરી. શરૂઆતમાં એક-બે ફસલમાં રાસાયણિક ખાતર નાખ્યાં, પરંતુ પછી મને લાગ્યું કે, લોકોને ઝહેર ખવડાવવાથી આપણા દેશને નુકસાન થાય છે. એટલે મેં સંપૂર્ણપણે જૈવિક ખેતી કરવાનું નક્કી કરી દીધું.”

બહુ સમય સુધી વિશાલને એક ઉપજના માર્કેટિંગ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ હવે ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ ની મદદથી તેમને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે. તેમણે કહ્યું, “ધીરે-ધીરે મેં બીજા ખેડૂતો સાથે મળીને એક સમૂહ પણ બનાવ્યું. હવે અમે બધાં મળીને લગભગ 500 એકર જમીનમાં જૈવિક ખેતી કરી રહ્યા છીએ, જેમાં ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ દરેક પ્રકારના ખેડૂતોને મદદ કરે છે. હવે આનાથી વધારે સારું બીજું શું હોય, જેમાં ખેડૂતોને પાક ઉગાડવાથી લઈને ઉપજ વેચવા સુધી, દરેક પગલે કોઈ તમારો સાથ આપે.”

Organic Farming

બનાવે છે 70 કરતાં વધારે ઉત્પાદનો
વધુમાં પ્રતિભા જણાવે છે કે, વર્ષ 2020 માં તેમણે પોતાના પ્રોસેસિંગ યૂનિટની શરૂઆત કરી અને આ વર્ષે તેમણે પોતાનો સ્ટોર શરૂ કર્યો છે. પોતાના પ્રોસેસિંગ યૂનિટમાં તેમણે 10 મહિલાઓને રોજગાર પણ આપ્યો છે. અત્યારે તેઓ ગ્રાહકો માટે 70 કરતાં વધારે ઉત્પાદનો બનાવે છે. તેમનાં બધાં ખાધ્ય ઉત્પાદનો ત્રણ અલગ-અલગ શ્રેણીઓમાં મૂકવામાં આવ્યાં છે – જૈવિક પ્રામાણિક, રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉત્પાદનો. તેમણે આ ત્રણ શ્રેણી ખેડૂતો પ્રમાણે બનાવી છે. જે ખેડૂતોએ પોતાના ખેતરો માટે ‘ઓર્ગેનિક ફાર્મિંગનું સર્ટિફિકેટ લીધું છે, તેમનાં ઉત્પાદનો જૈવિક પ્રામાણિઅ શ્રેણીમાં આવે છે. કેટલાક ખેડૂતો, તેમની સાથે જોડાઈ જૈવિક ખેતી કરે છે, પરંતુ તેમણે જૈવિક પ્રમાણતા નથી લીધી, એવા ખેડૂતોનાં ખાધ્ય ઉત્પાદનો રસાયણમુક્ત શ્રેણીમાં આવે છે.

ત્રીજી શ્રેણીમાં, એ ખેડૂતોનાં ખાધ્ય ઉત્પાદનો આવે છે, જે વર્ષોથી પ્રાકૃતિક રીતે ખેતી કરે છે. પરંતુ તેમની પાસે ઑર્ગેનિક ખેતીનું સર્ટિફિકેટ નથી. પ્રતિભા કહે છે કે, ગ્રાહકો પોતાની ઈચ્છાનુસાર, ત્રણ શ્રેણીમાં ઉત્પાદનો ખરીદી શકે છે. તેમણે તૈયાર કરેલ ખાધ્ય ઉત્પાદનો કાબુલી ચણા, મસાલા, દાળિયા, જડી બુટ્ટીઓ, ઘણા પ્રકારનાં અથાણાં અને કાળા ઘઉંના લોટનો સમાવેશ થાય છે. તેઓ ‘સુપરગ્રેન્સ’ ના નામથી ઓળખાતી અળસી અને ક્કિનોઆ પણ લોકો સુધી પહોંચાડે છે. થોડા સમય પહેલાં તેમણે આંબળાંનાં ઉત્પાદનો, જેમ કે, કેન્ડી, અથાણાં અને મુરબ્બાનો પણ સમાવેશ કર્યો છે.

Organic Products

ખેડૂતોની આવક વધારવાની સાથે-સાથે, તેમનો ઉદ્દેશ્ય મધ્ય-વર્ગીય પરિવારોના દૈનિક ભોજનમાં જૈવિક ખાધ્ય ઉત્પાદનોનો સમાવેશ કરવાનો છે. તે કહે છે, “વધારે નફો કમાવાના ચક્કરમાં લોકોએ જૈવિક વસ્તુઓને એટલી મોંઘી બનાવી દીધી છે કે તેને માત્ર અમીર લોકો જ ખરીદી શકે છે. પરંતુ જો મોટાભાગના સ્થાનિક ખેડૂતો જૈવિક ખેતી કરે અને સ્થાનિક બજારોમાં તેનું વેચાણ કરે તો, લોકો તેને યોગ્ય ભાવમાં ખરીદી શકે છે. એટલે, અમારો પ્રયત્ન મોટાં શહેરોના ગ્રાહકોની સાથે-સાથે સ્થાનિક ગ્રાહકો સુધી પણ પહોંચવાનો છે.”

તેમનાં ખાધ્ય ઉત્પાદનો દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ જેવાં શહેરો સુધી પણ પહોંચે છે. 150 કરતાં વધારે પરિવારો કરિયાણાના સામાન માટે, તેમની સાથે જોડાયેલ છે. છેલ્લાં અઢી વર્ષથી, તેમની પાસેથી જૈવિક ઉત્પાદનો ખરીદી રહેલ અનીતા બિષ્ટ જણાવે છે, “હું વ્યવસાયે ડાયટીશિયન છું અને મને ખબર છે કે, સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું નથી? હું મારા પરિવારને શુદ્ધ, સ્વચ્છ અને જૈવિક ઉત્પાદનો ખવડાવવા ઈચ્છું છું, પરંતુ દરેક જગ્યાએ સારી ગુણવત્તાનાં ઉત્પાદનો મળવાં શક્ય નથી. ઘણી જગ્યાઓએ પ્રયત્ન કર્યા બાદ, હું ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ સાથે જોડાઈ અને હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. કારણકે તેમનાં ઉત્પાદનોની ગુણવત્તાનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.”

પ્રતિભા કહે છે કે તેમણે નાના સ્તરે શરૂઆત કરી હતી, પરંતુ આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ રૂપિયા કરતાં વધારે છે. તેમની આગામી યોજના છે કે, તેઓ ભોપાલની જેમજ બીજા શહેરોમાં પણ પોતાના સ્ટોર ખોલ્યા છે. સાથે-સાથે, તે બીજા ખેડૂતોને પણ જોડવા ઈચ્છે છે, જેથી વધુમાં વધુ ખેડૂતો જૈવિક ખેતી કરે અને સારી આવક કમાય.

જો તમે ‘ભૂમિશા ઑર્ગેનિક્સ’ વિશે વિસ્તારથી જાણવા ઈચ્છતા હોવ તો, તેમના ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: મોબાઈલ ગેમ છોડી બાળકોએ આપ્યો ખેડૂત પિતાનો સાથ, થોડા જ મહિનાઓમાં થયો અઢી લાખનો નફો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon