Search Icon
Nav Arrow
Weight Loss Tips by ASI Vibhav
Weight Loss Tips by ASI Vibhav

સતત વધી રહેલાં વજનથી પરેશાન ASIએ 9 મહિનામાં 150 કિલોમાંથી 102 વજન કરી નાખ્યું

સતત વધી રહેલ વજનથી કંટાળેલ ASI વિભવ તિવારીએ માત્ર 9 જ મહિનામાં તેમનું વજન 150 કિલોમાંથી 102 કરી બતાવ્યું છે (weight loss).

સ્થૂળતા એ મોટાભાગના રોગોનું મૂળ છે. તેનાંથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગોનું જોખમ વધી જાય છે. યુવા પેઢી પણ તેનો શિકાર બની રહી છે. જો આ સ્થૂળતા તમારા રોજિંદા કામમાં અડચણ બનવા લાગે છે, તો પડકારો બમણા થઈ જાય છે. પરંતુ વજન ઘટાડવું પણ સરળ કાર્ય નથી? પરંતુ જો કોઈ વ્યક્તિ નક્કી કરી લે, તો તે શું ન કરી શકે? છત્તીસગઢના કોરબા જિલ્લાનાં ASI વિભવ તિવારીએ આવું જ કંઈક કર્યું છે.

ASI વિભવ તિવારી કહે છે, “પોલીસના જીવનમાં સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ હોય છે. પરંતુ જો તે ફિટ નથી, તો તે પોતાની ફરજો નિભાવવામાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે.”

ASI વિભવે સખત મહેનત અને મજબૂત ઇચ્છાશક્તિને કારણે માત્ર નવ મહિનામાં તેનું વજન 150 કિલોથી ઘટાડીને 102 કિલો કર્યું છે. જે ઉંમરમાં લોકો કહે છે કે, હવે કંઈ નવું કરવું શક્ય નથી. તે ઉંમરે, ASI વિભવ પરિવર્તનનો સફળ ચહેરો બનીને લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

કાર્યસ્થળમાં સ્થૂળતા પડકાર બની ગઈ હતી
આજથી લગભગ નવ મહિના પહેલા ASI વિભાવ તિવારીનું વજન 150 કિલો હતું. વધારે વજન હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમનું મુખ્ય કામ ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન અને દેખરેખ રાખવાનું છે. તેથી જ તે કોરબા જિલ્લાના ચોકમાં કામ કરતી વખતે ક્યારેક થાકી જતો હતો. કાર વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તેમને માત્ર અસ્વસ્થતા જ નહીં, પણ ઘણો સમય પણ લાગતો હતો. તે કામ કરતી વખતે ખૂબ થાકી જતો હતો, તેમ છતાં તે કામ કરતો રહ્યો. 28 વર્ષ પહેલા જ્યારે તે પોલીસની નોકરીમાં જોડાયો ત્યારે તેનું વજન માત્ર 60 કિલો હતું. પરંતુ સમય જતાં વજન અને સમસ્યાઓ વધી. તેના કારણે તેને સરળતાથી ચાલવું પણ મુશ્કેલ થવા લાગ્યુ હતુ.

A Weight Loss Winner ASI Vibhav

આ પણ વાંચો: માત્ર 6 મહિનામાં ડાયટ વગર જાતે જ ઘટાડ્યું વજન, પછી ‘2500’ લોકોને પણ બનાવ્યા ‘ફેટમાંથી ફિટ’

9 મહિનામાં 48 કિલો વજન ઘટાડ્યું
ASI વિભવે વારંવાર વજન ઘટાડવાનું વિચાર્યું, પણ ના થઈ શક્યું. ફરજ પર હતા ત્યારે તેમના સાથીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ તેમને કહેવા લાગ્યા કે જો તેમણે વજન ઓછું ન કર્યું તો શારીરિક અને માનસિક સમસ્યાઓ વધી જશે. લોકડાઉન પહેલા વિભવે નક્કી કર્યું કે તેણે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને વજન ઓછું કરવું પડશે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું, “સૌ પ્રથમ, મેં મારા ખોરાકને સંપૂર્ણપણે નિયંત્રિત કર્યો. નવ મહિના સુધી, મેં એક વાર પણ હોટેલનું ભોજન નથી ખાધું. મેં મીઠાઈ અને મેંદામાંથી બનેલી બધી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધું. અને રોજ ઘરે જ રાંધવામાં આવતો ખોરાક લેતો હતો. શરૂઆતમાં હું માનસિક રીતે તૈયાર નહોતો, પરંતુ મારી જાતને સમજાવતો હતો કે આજનું આ બલિદાન આવતીકાલના મારા સારા સ્વાસ્થ્યનો પાયો છે. મારા ભોજનને નિયંત્રિત કરવાની સાથે, મેં કસરત પણ શરૂ કરી. હું પરિણામની ચિંતા કર્યા વગર રોજ મહેનત કરતો હતો.”

તેમણે કહ્યું કે, “આજે મારું વજન 102 કિલો છે, જે કમર અગાઉ 54 ઇંચ હતી, આજે તે 42 ઇંચ થઇ ગઈ છે. હું હજી પણ મારા આહાર પર સંપૂર્ણ નિયંત્રણ રાખું છું અને નિયમિત કસરત કરું છું.”

A Weight Loss Winner ASI Vibhav

થાક્યો પણ હાર્યો નહીં
ASI વિભવ કહે છે, “મેં શરૂઆતના દિવસોમાં વજન ઘટાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ પરિણામ દેખાતું ન હતું. ઓછા ખોરાક અને નિયમિત ચાલવાને કારણે જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. પણ તેમ છતાં વજન ઉતરતું નહોતું. હું રોજ સાંજે થાક અનુભવતો હતો. પરંતુ મેં ક્યારેય ઉદાસી અને નકારાત્મકતાને મારા પર હાવી થવા દીધી નથી. જ્યારે મને લાગ્યું કે આ કાર્ય અશક્ય છે, ત્યારે હું મારી મહેનત બમણી કરતો હતો. પોતાની જાતને સમજાવતો અને સંપૂર્ણ મહેનત અને ખંતથી પ્રેક્ટિસમાં સામેલ થતો. જો તમે કંઈપણ નવું કરશો, વધુ સારા ફેરફાર માટે કામ કરશો, તો શરૂઆતના દિવસોમાં મુશ્કેલી આવી શકે છે. પરંતુ આપણે દુ:ખી થઈને તે બંધ ન કરવું જોઈએ.”

IG રતનલાલ ડાંગી પાસેથી મળી પ્રેરણા
વિભવને વજન ઘટાડવાની સાચી પ્રેરણા છત્તીસગઢના વરિષ્ઠ આઈપીએસ આઈજી રતનલાલ ડાંગી પાસેથી મળી. સારું કામ કરવા ઉપરાંત આઇજી ડાંગી સોશિયલ મીડિયા દ્વારા લોકોને ફિટનેસની માહિતી પણ આપે છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વીડિયો દ્વારા, તે લોકોને વ્યાયામ માટે પ્રેરણા આપે છે. આઇજી ડાંગીએ એએસઆઇ વિભાવને આ કામ માટે સન્માનિત કર્યા, અને બે હજાર રૂપિયાનું ઇનામ પણ આપ્યું છે.

આ પણ વાંચો: ભૂખ્યા રહ્યા વગર પણ 22 કિલો વજન ઘટાડ્યું 23 વર્ષીય યુવતીએ, જાણો તેની પાસેથી ટિપ્સ

A Weight Loss Winner ASI Vibhav

એક પ્રેસ કોન્ફરન્સમાં આઈજી ડાંગી કહે છે, “હું પોલીસમાં છું, પણ મારો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પ્રોત્સાહિત કરવાનો છે. મેં નક્કી કર્યું હતું કે, મારે યોગમાં પણ નિપુણ બનવું પડશે, જેના માટે મેં ઘણી પ્રેક્ટિસ કરી હતી. પરિણામે, હું તાલીમમાં જે ન કરી શક્યો, તે હવે કરું છું. આપણે બાળકોને જે પણ શીખવાડવા માંગતા હોય તે પહેલા આપણે જાતે કરવું પડશે. કારણ કે બાળકો માટે, માતાપિતા તેમના રોલ મોડેલ હોય છે.”

આઈજી ડાંગી પાસેથી પ્રેરણા લઈને વિભવે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “આપણને તે દરેક કાર્ય અશક્ય લાગે છે, જે આપણે ક્યારેય કર્યું નથી. લોકો મને પહેલા કહેતા હતા કે મારા માટે વજન ઓછું કરવું અશક્ય છે. પણ મેં આ સ્વીકાર્યું નહીં. જ્યારે મેં કસરત શરૂ કરી ત્યારે મને મારા ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતો હતો. પણ મેં ક્યારેય આ પીડાને મારા મગજમાં પ્રવેશવા દીધી નથી. મને વજન ઘટાડવાનો જુસ્સો હતો, અને મેં અવિરત પ્રયાસ કર્યા.”

આજે ASI વિભવ તિવારી હજારો પોલીસવાળાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે, તેમનાં આ જુસ્સા અને મહેનતને ધ બેટર ઈન્ડિયાની સલામ.

મૂળ લેખ: જિનેન્દ્ર પારખ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: મનગમતી વાનગીઓ ખાઈને પણ IPS ઓફિસરે ઘટાડ્યું 50 કિલો વજન, જાણો કઇ રીતે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon