‘દુનિયાદારીથી દૂર, ફક્ત પોતાના શોખની સાથે’, સાંભળવામાં કેટલું ફિલ્મી લાગે છે, કેમ! પરંતુ જો તે જીવનની હકીકત બની જાય તો?
મોહાલી,પંજાબમાં રહેતા ગુરપ્રીત સિંહની આ જ સ્ટોરી છે, પરંતુ રોજી-રોટી માટે તો તે એન્જીનિયર છે, પરંતુ તેમની આત્માને બેકાર સામાનોમાંથી કલાકારી કરીને જ સંતોષ મળે છે. શરૂઆત તો આજથી આશરે 40 વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી, જ્યારે ગુરપ્રીત 10-15 વર્ષનાં હતા અને રેડ લેબલ ટી પણ તેમની કલાકારીનો એક ભાગ બની ગઈ હતી. ગુરપ્રીત પાસેથી તમે શીખી શકો છો કે કેવી રીતે જો તમારી મનપસંદ જ્યુસની બોટલ ઘરના કોઈ ખૂણામાં ખાલી પડેલી હોય અથવા તમારા જન્મદિવસ પર કોઈ ખાસ વ્યક્તિને આપેલ મગ તૂટી જાય છે, તો પછી તમે તેને નવો લુક આપીને ઘરે સજાવટ કેવી રીતે કરી શકો છો.
આપણામાંના મોટા ભાગના લોકો નોકરીમાં સવારે 9 થી સાંજ 5 સુધીનો સમય આપે છે. ઘરે પાછા આવ્યા પછી, થોડો આરામ કરે છે અને બીજે દિવસે સવારે ફરીથી તે જ દિનચર્યા ફોલો કરે છે. ગુરપ્રીત આ બાબતમાં આપણા બધાથી થોડા અલગ છે. તેમનો દિવસ સવારે 6 વાગ્યે બાગકામથી પ્રારંભ થાય છે અને પછી સાંજે ઓફિસથી ઘરે આવ્યા પછી, થોડો આરામ કર્યા પછી, તેઓ બેકાર પડેલા સામાનોમાંથી પોતાની કલાકારીનું કાર્ય શરૂ કરે છે. ગુરપ્રીત કહે છે કે તે ઘણીવાર એક પ્રકારના કામથી જલ્દી કંટાળી જાય છે. શરૂઆતમાં તેણે ફોટોગ્રાફી કરી, પછી સાયકલિંગ, પછી થોડા દિવસ કોમ્પ્યુટર શીખ્યા અને હવે તેઓ બેકાર ફેંકી દેવામાં આવેલી વસ્તુઓમાંથી કલાકારી કરે છે.

ઓફિસમાં અથવા તો પડોશમાં દરેક લોકો પણ જાણે છે કે ગુરપ્રીત કચરામાં પડેલી વસ્તુઓને કેટલો પ્રેમ કરે છે અને તે તેમના માટે કેટલી મૂલ્યવાન છે. ગુરપ્રીત દર શનિવાર અને રવિવારની રાહ જોતા હોય છે જ્યારે તે તેમનું પ્રિય કામ કરે છે. આ કલાકારી તેમની આજીવિકા માટે નહીં પરંતુ તેમના શોખ માટે કરે છે, પરંતુ ગુરપ્રીત એમ પણ માને છે કે જો તેમની પાસે આવતી કાલે નોકરી નહીં હોય, તો પછી તે હોમ ડેકોરમાં પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે કારણ કે આવી વસ્તુઓ સરળતાથી વેચી શકાય છે. ગુરપ્રીત ઘણીવાર તેમની બનાવેલી વસ્તુઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
પોતાની પેબલ આર્ટ (કાંકરામાંથી કલાકારીની કળા)ને ગુરપ્રીત અનોખી માને છે કારણકે, તે આ કાંકરાઓમાંથી કલાકારી કરતા તેમને તોડતા નથી પરંતુ તે જે આકારમાં તેમને પ્રકૃતિમાંથી મળે છે, તેજ આકારમાં તેનો ઉપયોગ કરે છે. પોતાના ઘરને ગુરપ્રીતે ઘણા પ્રકારનાં પેબલ આર્ટથી સજાવેલું છે.
ગુરપ્રીત માટે એક સમયમાં નોકરી અને પરિવારની વચ્ચે ક્યારેક પસંદગીનાં કામ માટે સમય કાઢવો મુશ્કેલ પણ થઈ જતો હતો. જોકે, ધીમે ધીમે ઘરમાંથી પણ સપોર્ટ મળવા લાગ્યો હતો. ગુરપ્રીતની પત્ની કમલદીપ કૌર પણ તેમનાં આ કાર્યમાં તેમને મદદ કરે છે.

રિસાઈકલિંગ અને અપસાઈકલિંગનો સાચો ઉપયોગ
ગુરપ્રીતનું કહેવું છેકે,આપણે પ્લાસ્ટિકને પુરી રીતે ના કહી શકતા નથી. ક્યાકને ક્યાક આપણે તેમનો ઉપયોગ કરવો પડે છે. પ્લાસ્ટિકની બોટલોમાં ગુરપ્રીતે પોતાના ઘરમાં પ્લાન્ટ્સ લગાવ્યા છે. કિચન ગાર્ડનિંગમાં પણ તેનો ઉપયોગ કર્યો છે.
ગુરપ્રીત જણાવે છે, “એકવાર તે કોઈ પ્રદર્શનમાં ગયા હતા. ત્યાં કુલ્હડમાં ચા મળી રહી હતી. લોકો ચા પીતા અને કુલ્હડને ફેંકી દેતા. હું ચાવાળાની પાસે ગયો અને તે બેકાર પડેલા કુલ્હડોને ઘરે લઈને આવી ગયો અને તેનો ઉપયોગ કેક્ટસનાં નાના છોડ લગાવવા માટે કર્યો.”

ઉધઈ પણ કલાકાર છે
ગુરપ્રીતનું એવું માનવું છેકે, લાકડા પર લાગેલી ઉધઈ સૌથી સારી કલાકાર હોય છે, કારણકે તે લાકડાને એવો આકાર આપે છે, જે કદાચ આપણે મશીનથી ન આપી શકીએ. તેની સાબિતી તેમ તેમની કલાકારીમાં પણ જોઈ શકો છો. ગુરપ્રીત પોતાની પેબલ આર્ટ ( કાંકરાની કળા)ની કળાને ઘણા પ્રદર્શનમાં દેખાડી ચૂક્યા છે, પરંતુ હજી સુધી તેમણે તેમની કોઈ પણ કલાને વેચી નથી. તુરિયામાંથી બનાવેલાં લેમ્પ શેડને ગુરપ્રીત પોતાની સૌથી અનોખી કલાકારી માને છે. તે તેમના હ્રદયની ઘણી નજીક છે કારણકે, આ તુરિયાને ગુરપ્રીતે જાતે જ પોતાના ઘરમાં ઉગાડ્યુ હતુ.

કોરોના વાયરસ દરમ્યાન લોકડાઉનમાં જ્યારે આપણે બધા ઘરોમાં રહેવા માટે મજબૂર હતા, ત્યારે ગુરપ્રીતને પોતાના આ કામ માટે ઘણો સમય મળી ગયો હતો. આ દરમ્યાન તેમણે પોતાના ઘરનાં બેકયાર્ડમાં બિલ્ડિંગ કંસ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા લાકડાનાં ટુકડાઓમાંથી સુંદર બેંચ બનાવી, જેને ભંગાર સમજીને ફેકી દેવામાં આવ્યા હતા.
ગુરપ્રીતની એક સ્પેશિયલ પેબલ આર્ટ (કાંકરામાંથી કલાકારી)ની પોતાની અલગ જ કહાની છે. તેમાં એક સ્ત્રી ખોળામાં એક બાળકને લઈને બેઠેલી જોવા મળી રહી છે. શિવ કુમાર બટાલવીની કવિતા ‘મિટ્ટી દા બાવા’ સાથે ગુરપ્રીત આ પેબલ આર્ટને જોડે છે. તેમાં એક એવી સ્ત્રીની કહાની દેખાડવામાં આવી છે, જેને કોઈ સંતાન નથી તે માટે તે પોતાની મમતાથી એક માટીનું બાળક બનાવે છે અને તેને પોતાનું બાળક સમજીને લાડ કરે છે. ગુરપ્રીતે પેબલ આર્ટનું નામ પણ ‘મિટ્ટી દા બાવા’ રાખ્યુ છે.

ગુરપ્રીત કહે છે,”હું આખો દિવસ ફક્ત ભંગારમાં પડેલાં સામાનમાંથી કલાકારી નથી કરી શકતો, મારે મારા ઘરનાં કામોમાં મદદ કરવાની હોય છે. અમારે દરેક વસ્તુમાં બેલેન્સ બનાવીને ચાલવાનું હોય છે. પહેલાં તો બસ આમ જ જીવન વીતી રહ્યુ હતુ. બાદમાં મને લાગ્યુ કે મારે પોતાના માટે કંઈક કરવું છે તો એક ઘર બનાવ્યુ અને હવે તે ઘરને સજાવી રહ્યો છું.”
પોતાની નોકરીની સાથે સાથે ગુરપ્રીત પોતાના શોખ માટે પણ સમય કાઢી જ લે છે. ભાગદોડ ભરેલાં જીવનમાં તેમના માટે શાંતિ છે ઘરનો તે હિસ્સો જ્યાં બેસીને તેઓ પોતાનો શોખ પુરો કરે છે, ભંગાર સમજીને ફેંકી દેવામાં આવેલી વસ્તુઓમાંથી તેઓ સુંદર હોમ ડેકોરનો સામાન બનાવે છે. તેમનું કહેવું છેકે, પોતાના શોખને જીવનની સાથે જોડવા જોઈએ જેથી આપણે આ ભાગદોડ ભરેલાં જીવનમાં આપણા મનની વાત સાંભળી શકીએ.
ગુરપ્રીતનાં આ હુનરને ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે.
ગુરપ્રીત સાથે તમે તેમના Instagram પ્રોફાઈલનાં માધ્યમથી જોડાઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સીવેજ પાઈપમાં બનાવ્યું સસ્તુ 1 BHK ઘર, અત્યાર સુધી મળી ચૂક્યા છે 200 ઑર્ડર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.