શું તમને પણ ઓનલાઇન શોપિંગ કરવાની આદત છે? જો હા, તો તમારું ઘર પણ વિવિધ પ્રકારના કાગળના કચરાથી ભરેલું હશે. હવે ભલે તમે સાબુ ખરીદો અથવા પુસ્તકો માટે ઓર્ડર આપો, તેમની સાથે પેકેજિંગના કાગળો આવે છે. મને સમજાતું નથી કે તેના વિશે શું કરવું? તેને કચરાપેટીમાં ફેંકી દેવા જોઈએ કે વેચી દેવા જોઈએ?
લગભગ દરેક ઘરની આ સમસ્યા છે. હું પણ આવી જ વસ્તુઓ જોઈને મોટો થયો છું. મને યાદ છે કે મહિનામાં એક વખત ભંગારનો વેપારી ઘરમાં આવતો હતો અને ઘરમાંથી તમામ જૂના છાપાઓ, બોટલ અને અન્ય ઘણી વસ્તુઓ લઈ જતો હતો. પણ હવે આ બધું મારા ઘરમાં થતું નથી. કારણ કે હવે તે મારા માટે કચરો નહીં પણ સામગ્રી ખરીદવાનું સાધન બની ગયું છે. હું હવે તેને સંભાળીને રાખું છું.
હા, તમે બરાબર વાંચ્યું. અમદાવાદનો રહેવાસી હાર્દિક શાહ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયર છે. તેમણે ઘણા વર્ષોથી IT ક્ષેત્રમાં કામ કર્યું છે. આજે તે એક ઉદ્યોગસાહસિક છે અને ‘ઇનોવેટ ગ્રીન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ’ નામનું પોતાનું ક્લીન્ટેક સ્ટાર્ટઅપ ચલાવે છે.
આ એક એવું સ્ટાર્ટઅપ છે જ્યાં ગ્રાહકો તેમના ઘરના કચરાના બદલામાં અથવા બેકાર પડેલાં સામનાનાં બદલામાં રિસાયકલ પ્રોડક્ટ ખરીદી શકે છે.
જાપાનમાંથી મળ્યો આઈડિયા
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા હાર્દિક કહે છે, “હું 2011માં કામ માટે જાપાન ગયો હતો. ત્યાં મેં જોયું કે જાપાનીઓ કચરાનું સંચાલન કેટલી સારી રીતે કરી રહ્યા છે. આ સફરે મને પર્યાવરણીય મુદ્દાઓ વિશે વિચારવા માટે મજબુર કર્યો અને પછી મેં વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરવાનું પણ નક્કી કર્યું. મેં આ અંગે સંશોધન કરવાનું શરૂ કર્યું. મને ટેકનોલોજીમાં વિશ્વાસ હતો અને એક એપ બનાવવા માટે તેનો ફાયદો ઉઠાવ્યો.”

તેઓ આગળ કહે છે, “મને એક એવી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે પ્રેરણા મળી છે જે ક્વોટિફિકેશન દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ઉકેલવામાં મદદ કરી શકે. કોઈપણ પરિસ્થિતિની ગંભીરતાને સમજવા માટે, તેના પરિણામને સંખ્યામાં જણાવો તો લોકો તેના વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરે છે. આ ક્લીન્ટેક કંપની બનાવવા પાછળનો સાચો હેતુ પર્યાવરણીય સંરક્ષણને પ્રાથમિકતા આપવાનો છે.”
જો આપણે કોઈ પણ વસ્તુમાં સંખ્યાઓ ઉમેરીએ, તો તે વધુ વાસ્તવિક દેખાવા લાગે છે. હાર્દિક જણાવે છે,“તમારા બાળકની બોર્ડની પરીક્ષામાં મળેલાં સ્કોરથી લઈને તમારા વાહનના માઇલેજ સુધી, દરેક જગ્યાએ નંબર મહત્વપૂર્ણ છે.”
“સર્કુલર ઈકોનોમીને પાછા લાવવાનું લક્ષ્ય”
સર્કુલર ઈકોનોમી, ઉત્પાદન અને વપરાશનું એક મોડેલ છે જેમાં શક્ય તેટલા લાંબા સમય સુધી હાલના ઉત્પાદનોનો ફરીથી ઉપયોગ, સમારકામ, ભાડે, રિસાયક્લિંગ અથવા નવીનીકરણનો સમાવેશ થાય છે.
આ ઉત્પાદનના જીવન ચક્રને વધારે છે. તેનો સીધો અર્થ એ છે કે, જે સામાનનો આપણે એકવાર ઉપયોગ કર્યા બાદ કચરામાં ફેંકી દઈએ છીએ, તેને ફરીથી ઉપયોગને યોગ્ય બનાવીને, કચરાને ઘટાડવાનો છે.
હાર્દિક જણાવે છે, “એક લિનિયર અર્થવ્યવસ્થામાં, જેવું તમે કોઈ પ્રોડક્ટ ખરીદો, તે બાદથી ઉત્પાદનનું ટ્રાંઝેક્શન એટલે કે તેની ખરીદી અને વેચાણ બંધ થઈ જાય છે. પરંતુ એક સર્કુલર ઈકોનોમીમાં તે સતત ચાલતી પ્રવૃત્તિ છે. આ કરવા પાછળનો અમારો એકમાત્ર હેતુ શૂન્ય-વેસ્ટ શહેરો તરફ આગળ વધવાનો છે.”
કચરો વેચી, જીવન ખર્ચ ઘટાડો
હાર્દિક કહે છે, “જરા કલ્પના કરો, કેટલું સારું રહેશે તમે જે કચરો પેદા કર્યો છે, તેને વેચીને તમે પર્યાવરણને બચાવવાની સાથે સાથે તમારો જીવન ખર્ચને ઘટાડી શકો છો. આ સર્કુલર ઈકોનોમી હેઠળ, તમે જે કંઈ પણ ખરીદ્યુ કે વેચ્યુ તેનાથી લેંડફિલનાં વધતા કચરાનાં ઢગલામાં થોડી તો રાહત મળશે જ.”
તેમની ટીમે આ કામ માટે જે એપ બનાવી છે તે હાલમાં ગૂગલ પ્લે (Google Play)સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ ગ્રાહકો, વેસ્ટ કલેક્શન પાર્ટનર્સ, પ્રોડક્ટ ડિલિવરી પાર્ટનર્સ, રિસાયકલર્સ, ઝીરો વેસ્ટ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સ, સેલર્સ, કારીગરો અને મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડ્સને એકબીજા સાથે જોડે છે. વાસ્તવમાં, આ એપ યુઝરને પોતાનો નકામો માલ અથવા કચરો વેચવા અને રિસાયકલ કરેલી પ્રોડક્ટ ખરીદવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

કચરો વેચીને શું ખરીદી શકાય? હાર્દિક આ વિશે કહે છે, “તમે એપ્લિકેશન પર તમારો કચરો વેચીને બદલામાં કંઈપણ મેળવી શકો છો, એટલે સુધી કે પિઝા પણ, અને જો તમે પિઝા બોક્સ સાચવો છો, તો તમે આગલી વખતે વધુ ખરીદી શકો છો. હાર્દિકે વર્ષ 2017માં રિસાયકલ પ્રોડક્ટ્સ સાથે આ એપ શરૂ કરી હતી. આજે તેના 80 થી વધુ વિક્રેતાઓ અને 5,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
સબ્સ્ક્રાઇબર્સ એપ્લિકેશન પર જઈને તેમના કચરાના બદલામાં કંઈપણ ખરીદી શકે છે. રસોડાથી માંડીને ટેબલવેર અને બાથરૂમનો જરૂરી સામાન તમને અહીં બધું જ મળશે. સુશોભન વસ્તુઓ અને સ્કીન કેર ઉત્પાદનો પણ એપ્લિકેશન પર વેચાણ માટે ઉપલબ્ધ છે.
ક્રેડિટ પોઈન્ટ એકત્રિત કરી શકો છે
એપ્લિકેશનની એક રસપ્રદ સુવિધા વિશે વાત કરતા હાર્દિકે કહ્યું કે તમે કચરો વેચીને ક્રેડિટ પોઈન્ટ એકત્રિત કરી શકો છો અને જરૂર પડે ત્યારે તમારી પસંદગીનો માલ ખરીદી શકો છો. “આનાથી ગ્રાહકોને તેમનું પોતાનું વોલેટ બનાવવામાં મદદ મળે છે અને તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે માલ ખરીદી શકે છે.”
સબ્સ્ક્રાઇબર્સ તેમના વૉલેટમાં જમા કરેલા નાણાં કોઈપણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિ માટે પણ દાન કરી શકે છે. ઇનોવેટ ગ્રીન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની પેટાકંપની Recycle.Greenનો તેની સાથે કરાર છે. તે ઉમેરે છે, “તે માત્ર એક કારણ માટે દાન આપવા માટે નથી, અમે એક પગલું આગળ વધીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે જ્યારે સીએસઆર પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે ગ્રાહકને બોલાવવામાં આવે છે.”
અમદાવાદમાં DAVની વિદ્યાર્થીની શુભશ્રી એપના ઘણા ગ્રાહકોમાંની એક છે. તેઓ પર્યાવરણ બચાવવા માટે કંપનીના અભિયાનથી ખૂબ પ્રભાવિત છે અને તેણે આ દિશામાં કેટલાક પગલાં પણ લીધા છે. શુભશ્રી, તેના મિત્રોના ગ્રુપની સાથે, ઘરે ઘરે જઈને લોકોને કચરો અલગ કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત, તે આ કચરાને લેન્ડફિલમાં ડમ્પ કરવાને બદલે તેને રિસાયક્લિંગ યુનિટમાં કેમ ફેરવવાની જરૂર કેમ છે તેની માહિતી પણ આપે છે. તેમના પ્રયાસોને કારણે, 500 કિલોથી વધુ કચરો લેન્ડફિલમાં ડમ્પિંગથી બચાવવામાં આવ્યો છે.
પર્યાવરણ બચત મૂલ્યોને સમજવું (ESV)
ESV સાથે, તમે જાણી શકો છો કે પર્યાવરણ બચાવવામાં તમારું યોગદાન શું હશે. હાર્દિક કહે છે, “અમારી પાસે ESV પર પેટન્ટ છે. તેથી, અમે તમને કહી શકીએ છીએ કે ઉત્પાદન ખરીદવા અને ઉપયોગનાં આ આખા ચક્ર દરમિયાન પર્યાવરણ પર તમારી ક્રિયાની શું અસર થાય છે.” એકવાર લેણ-દેણ પુરુ થઈ જવા બાદ ગ્રાહકને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
Recycle.Greenએ અત્યાર સુધી સામૂહિક રીતે 279.56 વૃક્ષો, 56,490 કિલો કાર્બન ઉત્સર્જન, 37,59,645 લિટર જળ પ્રદૂષણ અને 54,356 ચોરસ મીટર જમીન પ્રદૂષણ બચાવવામાં મદદ કરી છે. કુલ મળીને, કંપની લેન્ડફીલમાં જવાથી 100 ટનથી વધુ કચરો બચાવવામાં સફળ રહી છે.
અત્યાર સુધી કચરા માટે પિક-અપ સેવા માત્ર અમદાવાદમાં ઉપલબ્ધ છે, પરંતુ ટીમ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં વિસ્તાર કરવા વિચારી રહી છે. હાર્દિકે શરૂઆતમાં ઘણા પડકારોનો સામનો કર્યો હતો પરંતુ તે લાગેલાં રહ્યા. તેમણે તેમના વિચારોને વળગી રહીને સફળતા મેળવી અને પ્રારંભિક રોકાણકારો પાસેથી બે સમયની મૂડી પણ એકત્ર કરી છે.
તેમના કામ વિશે જાણવા માટે, અહીં ક્લિક કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જૂનાગઢની શિક્ષિકાએ શોખને બનાવ્યો વ્યવસાય, તેમની સુગરફ્રી ચોકલેટ મંગાવે છે લોકો દૂર-દૂરથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.