ઉત્તર પ્રદેશના લખનૌમાં રહેતા અંકિત વાજપેયીને નાનપણથી જ વૃક્ષ તથા છોડવાઓ સાથે બહુ લગાવ છે. ભણતર પૂરું કર્યા પછી તેમણે મુંબઈમાં નોકરી પણ કરી પરંતુ બાગવાની પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો ન થયો. વર્ષ 2017 માં તેઓ પોતાના શહેર લખનૌ પાછા ફર્યા. તેમણે કોર્પોરેટ જિંદગી છોડીને પ્રકૃતિ સાથે જોડાવવાનું નક્કી કર્યું અને ટેરેસ ગાર્ડનિંગની શરૂઆત કરી. તેમણે ધીમે ધીમે પોતાની 390 વર્ગ ફૂટની અગાશીને છોડવાઓથી ભરી દીધી.
તેમના ટેરેસ ગાર્ડનમાં ગુલાબ, ગલગોટા વગેરે જેવા ફૂલોની સાથે સાથે રીંગણ, શિમલા મિર્ચ, ધાણા, બટેટા, પાલક, બ્રોકોલી, મૂળા, ટામેટા, ફુલાવર, લીંબુ વગેરે જેવી શાકભાજીઓ પણ છે. અંકિતે ન ફક્ત બાગવાની શરુ કરી પરંતુ તે માટેની પોતાની યુ ટ્યૂબે ચેનલ પણ શરુ કરી. તેમની યુ ટ્યુબ ચેનલ પર લગભગ 4 લાખ સબસ્ક્રાઈબર છે જેમના માટે અંકિત સમય સમય પર ગાર્ડનિંગ સંબંધિત ઉપયોગી વિડીયોઝ મૂકતા રહે છે.
ધ બેટર ઇન્ડિયાએ અંકિત સાથે ગાર્ડનિંગ બાબતે ખાસ વાત કરી, જેના કેટલાક અંશ તમે અહીંયા વાંચી શકો છો.
1) જો કોઈ પોતાનો બગીચો બનાવવા માંગે છે તો તેણે સૌથી પહેલા શું કરવું જોઈએ?
અંકિત: સૌથી પહેલા તમારે એવી જગ્યાને પસંદ કરવી જોઈએ કે જ્યાં મોકળાશ હોય તથા સૂર્ય પ્રકાશ સરળતાથી મળી રહે તેમ હોય. હાલ તો તમે દીવાલ, બાલ્કની પર પણ વર્ટિકલ ગાર્ડન બનાવી શકો છો. પરંતુ સૂર્ય પ્રકાશ ઘણો જરૂરી છે. પછી એવી કોઈ જગ્યા પસંદ કરો જે તમારા ઘરની ખુબ નજીક હોય અને જ્યાં પાણીની સારી એવી વ્યવસ્થા હોય.

આ પણ વાંચો: દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીં
2) જો કોઈ પહેલી વખત ગાર્ડનિંગ કરી રહ્યું હોય તો તેણે કયા પ્રકારના છોડવાઓ રોપવા જોઈએ?
અંકિત: શરૂઆતમાં તમારે એવા છોડવાઓ રોપવા જોઈએ જેને ખુબ વધારે દેખભાળની જરૂર ન હોય. પછી ધીરે ધીરે જયારે તમારે છોડવાઓથી મિત્રતા થઇ જાય ત્યારે તમે બીજા છોડવાઓને ઉગાડી શકો છો. શરૂઆત કરવા માટે ગલગોટા, તુલસી, કુંવારપાંઠુ, મની પ્લાન્ટ, બટેટા, પાલક, વગેરે ઉગાડો.

3) ગાર્ડનિંગ માટે માટી કેવી તૈયાર કરવી?
અંકિત: આ સૌથી જરૂરી પગલું છે અને આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણી માટી પોષણથી ભરપૂર હોય જેથી છોડનો વિકાસ અને વૃદ્ધિ સરસ થાય. તમે માટીમાં રેતી અને છાણીયા ખાતર અથવા વર્મી કમ્પોસ્ટનો ભેળવો. યાદ રાખો તેમાં માટી 30% રેતી 30% અને કમ્પોસ્ટ 40% હોવું જોઈએ અને ત્યારે જ તમારું પોટિંગ મિક્સ તૈયાર થયું કહેવાશે.
4) જો અમે છત પર છોડવાઓ રોપી રહ્યા છીએ તો અમારી છતમાં લીકેજ પણ થઇ શકે છે અથવા બીજી કોઈ રીતે તે ખરાબ પણ થઇ શકે?
અંકિત: જો તમે છોડવાઓ માટે કુંડા,ગ્રો બેગ કે પછી પ્લાન્ટર્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારી છત ખરાબ નહીં થાય.
5) ગાર્ડનિંગ કરવાની કેટલીક ક્રિયાત્મક અને રચનાત્મક રીતો જણાવો.
અંકિત: એપાર્ટમેન્ટ્સમાં રહેવાવાળા લોકોને લાગે છે નાની જગ્યામાં કેવી રીતે ગાર્ડનિંગ થશે અને એ પણ શાકભાજીઓને ઉગાડી. પરંતુ હું તેમને જણાવવા માંગુ છું કે તમે આસાનીથી પોતાની નાની બાલ્કનીમાં અથવા છત પર ગાર્ડનિંગ કરી શકો છો.

આ પણ વાંચો: સપ્ટેમ્બર મહિનામાં વાવો આ બીજ અને શિયાળામાં ખાઓ ઘરે ઉગેલ તાજી ઑર્ગેનિક શાકભાજી
તમે બાલ્કનીની દિવાલ પર વર્ટિકલ ગાર્ડનિંગ કરી શકો છો. દિવાલો પર જૂની પ્લાસ્ટિકની બોટલો લટકાવીને, તમે તેમાં વૃક્ષો અને છોડ રોપી શકો છો. આજકાલ ઘણા લોકો આવું કરી રહ્યા છે. આ છોડને થોડો સમય જોઈશે અને તમારે થોડી મેહનત કરવાની જરૂર રહેશે.
6) છોડને પાણી આપવાની કઈ રીતો છે જેથી પાણીનો બગાડ ન થાય?
અંકિત: મને લાગે છે કે પાણી આપવાની કોઈ સાચી કે ખોટી રીત નથી. તમારે ફક્ત ખાતરી કરવી પડશે કે તમારા પોટ્સમાંની માટી સૂકી નથી. તમે માટીને અનુભવવા માટે સક્ષમ હોવા જોઈએ જેથી જ્યારે પણ તમને લાગે કે જમીનમાં ભેજ નથી, તમે તરત જ પાણી આપી શકો છો. જમીનમાં ભેજ રહે તે માટે નિયમિત ધ્યાન રાખો. તે છોડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

7) ગાર્ડનિંગ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય કયો છે?
અંકિત: મારા મતે ગાર્ડનિંગ શરૂ કરવાની શ્રેષ્ઠ સમય શિયાળો અને વસંત ઋતુ છે.
8) કોઈ ઘરગથ્થુ ઉપાય સૂચવો જેના દ્વારા છોડ અને વૃક્ષોનું પોષણ થઈ શકે?
અંકિત: તમે ઘરે ભીના કચરા અને કેળાની છાલથી ‘પ્રવાહી ખાતર’ બનાવી શકો છો.

શાકભાજીની છાલ દરરોજ તમારા રસોડામાંથી બહાર આવે છે, તેને એકત્રિત કરો અને યાદ રાખો કે તમે તેમાં આદુ પણ નાંખો. આદુ એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે. તે છોડમાં ફૂગ તેમજ અન્ય કોઈ રોગને વધવા દેતું નથી. હવે તેને મિક્સરમાં નાખીને પીસી લો.
પીસ્યા બાદ આ પેસ્ટને 12 થી 14 કલાક સુધી પાણીમાં છોડો અને આ પાણી છોડમાં નાખો. તે છોડ માટે ખૂબ જ પૌષ્ટિક છે અને તે જ સમયે છોડને રોગોથી બચાવશે.
તમે કેળાની છાલનો બે રીતે ઉપયોગ કરી શકો છો. પ્રથમ, તેમને સંપૂર્ણપણે સૂકવીને પાવડર બનાવો અને પછી મિક્સરમાં નાખો. એકવાર પાવડર બન્યા પછી, તમે આ પાવડરના 12 ઇંચના કુંડામાં 10 ગ્રામ નાખી શકો છો. તેમાં કેલ્શિયમ અને ખનીજનું પ્રમાણ વધારે છે.
આ સિવાય તમે કેળાની છાલમાંથી પ્રવાહી ખાતર પણ બનાવી શકો છો. ખાધા પછી બાકી રહેલી છાલ એક ડબ્બામાં મૂકો. કેળાની 12 છાલ 10 લિટર પાણીમાં નાખો અને ડબ્બાને બંધ કરી દો.
આ પણ વાંચો: પ્રકૃતિના પ્રેમે ફોટોગ્રાફરને બનાવ્યા ઑર્ગેનિક ગાર્ડનર, માતા-પુત્ર ઘરે વાવે છે ફળ-શાકભાજી

આ ડબ્બાને એવી જગ્યાએ રાખો જ્યાં છાંયો હોય અને થોડો સૂર્યપ્રકાશ પણ આવે. એક અઠવાડિયા પછી, તમારું પ્રવાહી ખાતર તૈયાર થઈ જશે.
9) કેટલાક છોડની સંભાળ માટેની ટિપ્સ આપો
અંકિત: *ધ્યાનમાં રાખો કે બધા પોટ્સમાં તળિયે ડ્રેનેજ માટે છિદ્રો છે.
- ઝાડમાંથી પીળા અને સૂકા પાંદડા દૂર કરો.
- છોડને બીજા વાસણમાં રોપતી વખતે તેને ક્યારેય બહાર ન ખેંચો.
- માટીમાં ભેજ રહે તે માટે વારંવાર હળવા પાણી આપવા કરતાં છોડને અંદર સુધી પાણી આપવું વધુ સારું છે.
- છોડને કેટલું પાણી આપવું તે માટે માટી પર ધ્યાન આપો.
- દર 20 થી 30 દિવસે ખાતર આપો. અંકિત બાજપાઇ સાથે જોડાવા માટે, તમે તેમના ફેસબુક પેજ પર ટેરેસ ગાર્ડનિંગને અનુસરી શકો છો અથવા તેમને ankitbajpai.itc@gmail.com પર ઇમેઇલ કરી શકો છો!
ફોટો અને વિડીયો ક્રેડિટ્સ: અંકિત બાજપાઈ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રસાયણયુક્ત શાકભાજીથી બચવા સુરતની ફિટનેસ ટ્રેનર બની ઑર્ગેનિક ગાર્ડનર, મોટાભાગનાં શાક મળે છે ઘરે જ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.