આજે દરેક લોકો ઈકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ઘર બનાવવા ઈચ્છે છે. એક એવું ઘર, જે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે તો અનુકૂળ હોય જ, પરંતુ સસ્તુ પણ હોય, બીજા શબ્દોમાં કહેવામાં આવે તો, ઘર એવું હોય જે દુનિયાના કોઈપણ છેડે હોય ગામના જ ઘર જેવો અનુભવ આપે છે. માટીની સુગંધ અને એ જ ઠંડી તાજી હવા. શહેરોમાં કુદરતી સંસાધનોની ગેરહાજરી અને ઉણપના કારણે એવું ઘર બનાવવું થોડું મુશ્કેલ લાગે છે પરંતુ ગામમાં આજે પણ અનેક લોકો સીમેન્ટના નહીં પરંતુ માટીના ઘરમાં જ રહે છે. આ ઘરનું લિંપણ પણ ગાયના છાણથી કરવામાં આવે છે. જેથી ઘરમાં ઠંડક જળવાઈ રહે અને હાનિકારક કીટાણું અને જીવાણું પણ ન રહે. ગામની આ વર્ષો જૂની ટેક્નીકથી પ્રેરણા લઈ અને રોહતક (હરિયાણા)ના 53 વર્ષના ડોક્ટર શિવ દર્શન મલિકે ગાયના છાણનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વેદિક પ્લાસ્ટર (Vedic Plaster) બનાવ્યું છે. વેદિક પ્લાસ્ટરનો આવિષ્કાર કરવા બદલ ડો.મલિકને 2019માં રાષ્ટ્રપતિ તરફથી હરિયાણા કૃષિ રત્ન પુરસ્કાર પણ મળ્યો છે.
ડોક્ટર મલિક મૂળ તો, રોહતકમાં મદિના ગામના રહેવાસી છે. ગ્રામીણ હોવાના કારણે જ તેઓ ખેતી, ગૌશાળા, પશુપાલન વગેરે ગતિવિધિઓ સાથે જોડાયેલા રહ્યા હતાં. તેમનો શરુઆતનો અભ્યાસ, હિસારમાં કુંભા ગોડા ગામના ગુરુકુળમાં થયો હતો. તેમણે કેમિસ્ટ્રીમાં પીએચડીની ડિગ્રી મેળવી છે.
પીએચડી કર્યા પછી, તેમણે થોડો સમય કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું. જોકે, તેઓ પોતાના કામથી ખુશ નહોતા. તેઓ હંમેશા રિન્યુએબલ એનર્જી, સસ્ટેનિબિલિટી અને પર્યાવરણના ક્ષેત્રમાં કંઈક કરવા ઈચ્છતા હતાં. તેમણે વર્ષ 2000માં IIT દિલ્હી સાથે મળીને, ગૌશાળાથી નીકળતા કચરા અને એગ્રી વેસ્ટ ઉર્જા બનાવવાના પ્રોજેક્ટ પર કામ કર્યું હતું.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘હું એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવું છું. આ કારણે હું હંમેશા ગામમાં રહેલ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ઈચ્છતો હતો. હું હંમેશા વિચારતો હતો કે ગાયના છાણ અને ખેતરમાં પડેલી બેકાર વસ્તુઓને ઉપયોગમાં કેવી રીતે લાવી શકાય. હું આ ક્ષેત્રમાં રિચર્ચ કરી રહ્યો હતો આ દરમિયાન મને IIT દિલ્હી સાથે મળીને, ‘Waste to Wealth’ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી હતી.
તેમણે 2004માં વર્લ્ડ બેંક અને 2005માં UNDP (United Nations Development Programme) સાથે રિન્યુએબલ એનર્જીના એક-એક પ્રોજેક્ટ પર કામ કર્યું છે.
વેદિક પ્લાસ્ટરની શરુઆત
ડોક્ટર મલિકે જણાવ્યું કે તેઓ આ પ્રોજેક્ટના સિલસિલામાં અમેરિકા, ઈંગ્લેન્ડ, ઈરાન સહિત અનેક દેશોમાં ફર્યા હતાં. તેમણે અમેરિકામાં એકવાર જોયું કે લોકો, ભાંગના પાનમાં ચૂનો ભેળવીને હેમક્રિટ બનાવે છે અને તેનાથી ઘર તૈયાર કરે છે. ત્યાંથી જ તેમને વિચાર આવ્યો કે તેઓ પણ ગાયના છાણનો ઉપયોગ કરીને પ્લાસ્ટર તૈયાર કરી શકે છે.
તેમણે જણાવ્યું કે, ‘હું નાનપણથી જ ગામમાં જોતો હતો કે લોકો પોતાના ઘરને લિંપણ કરવા માટે ગાયનું છાણ વાપરે છે. મેં તે અંગે થતા ફાયદા અંગે રિસર્ચ કર્યું અને જાણ્યું કે, છાણનો ઉપયોગ કરવાથી ઘરની દિવાલો કુદરતી રીતે જ થર્મલ ઈન્સ્યુલેટેડ થઈ જાય છે. જેથી ઘરમાં ઉનાળામાં વધારે ગરમી થતી નથી અને શિયાળામાં વધારે ઠંડી થતી નથી.’ જોકે, આજે ગામમાં પણ પાક્કા મકાન બનવા લાગ્યા છે, તો પાક્કા ઘરમાં કાચા મકાન જેવી ઠંડક રાખવાની એક સરળ રીત શોધી કાઢી છે.

ગાયના છાણથી ઘરમાં થનાર લિંપણનો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચાડવા માટે તેમણે 2005માં વેદિક પ્લાસ્ટર (Vedic Plaster) બનાવ્યું. ડોક્ટર મલિકે દેસી ગાયના છાણમાં જિપ્સમ, ગ્વારગમ, ચીકણી માટી, નીંબૂ પાવડર વગેરે ભેળવીને વેદિક પ્લાસ્ટર (Vedic Plaster) તૈયાર કર્યુ હતું. તે પ્લાસ્ટર સરળતાથી ગમે તે દિવાલ પર લગાવી શકાય છે.
તેઓ કહે છે કે, ”આ પ્લાસ્ટર, કોઈપણ સામાન્ય પ્લાસ્ટર જેવું જ મજબૂત હોય છે અને વર્ષો સુધી ચાલે છે. પ્લાસ્ટર (Vedic Plaster)માં હાજર રહેલ ગાયનું છાણ ઘરમાં નેગેટિવ આયન ની માત્રા વધારે છે. જે સ્વાસ્થ્ય માટે પણ સારુ રહે છે.”
ઈકો ફ્રેન્ડલી ઘર
ડોક્ટર મલિકનું કહેવું છે કે, ‘ગૌશાળામાં અનેક ટન છાણ જમા થાય છે. હું હંમેશા એ વિચારતો રહું છું કે છાણનો કઈ રીતે યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય.’ વર્ષ 2018માં, તેમણે ગૌશાળાની સ્થિતિ સુધારવા માટે અને સસ્ટેનેબલ ઘર બનાવવાના હેતુથી, છાણની ઈંટ બનાવવાનું શરુ કર્યું. તેમનો આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો હતો. છાણની ઈંટ બનાવવામાં ઉર્જાની પણ જરુર પડતી નથી. હેમક્રિટ અને કોન્ક્રીટની જેમ જ તેમણે ગોક્રીટ બનાવ્યું હતું. ડો.મલિકની મદદથી ગોક્રિટનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, રત્નાગિરી, ઝારખંડના ચાકુલિયા અને રાજસ્થાનના બિકાનેરમાં એક-એક રુમ બનાવવામાં આવ્યો છે.

ઝારખંડના ચાકુલિયા સ્થિત ‘ધ્યાન ફાઉન્ડેશન’ની ગૌશાળામાં, ગત દોઢ વર્ષથી નંદી અને ગાયની સેવામાં લાગેલા ડો.શાલિની મિશ્રા જણાવે છે કે, ‘અમારી ગૌશાળામાં નવ હજાર નંદી છે. આ માટે છાણ પણ વધારે માત્રામાં થાય છે. છાણનો યોગ્ય ઉપયોગ કરવા માટે મેં ડોક્ટર મલિકથી ગોક્રીટ બનાવવાનું શીખ્યું હતું. જે પછી મેં ગૌશાળામાં એક અલગ રુમ બનાવડાવ્યો.’ તેમણે જણાવ્યું કે ગોક્રીટથી બનેલો રુમ હંમેશા ઠંડો રહે છે અને અન્ય રુમની જેમ જ મજબૂત હોય છે.
ડોક્ટર મલિકના જણાવ્યાનુસાર છાણથી બનેલી એક ઈંટનું આશરે 1.78 કિલો વજન હોય છે અને તેને બનાવવામાં માત્ર ચાર રુપિયા પ્રતિ ઈંટ ખર્ચો આવે છે.

વેદિક રીત અપનાવીને લાખોમાં કમાણી
તેમના બીકાનેર સ્થિત કારખાનામાં વાર્ષિક પાંચ હજાર ટન વેદિક પ્લાસ્ટર (Vedic Plaster) બનાવી શકાય છે. તેમણે જણાવ્યું કે દેશભરમાં તેમના 15થી વધારે ડીલર્સ છે. ગત વર્ષે વેદિક પ્લાસ્ટર (Vedic Plaster)થી 10 લાખ રુપિયાનો નફો થયો છે.
તેઓ ખુબ જ ખુશીથી જણાવે છે કે, અત્યાર સુધીમાં હજારો ઘરોમાં વૈદિક પ્લાસ્ટર લગાવાયું છે. હાલ તેઓ ઈંટનો બિઝનેસ નહીં પરંતુ લોકોને ઈંટ બનાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમણે 2018થી અત્યાર સુધીમાં આશરે 100 લોકોને છાણની ઈંટ બનાવવાની ટ્રેનિંગ આપી છે. તેમણે જણાવ્યું કે, હાલ 100થી વધારે લોકોએ ટ્રેનિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ કોરોનાના કારણે ટ્રેનિંગ પ્રક્રિયા બંધ છે.
અંતમાં તેમણે કહ્યું કે, ‘કુદરતી વસ્તુઓનો વધારામાં વધારે ઉપયોગ કરીને, આપણે ગામની ઈકોનોમી મજબૂત બનાવવા સાથે. ભારી માત્રામાં કાર્બન એમિશન અથવા તો કાર્બન ઉત્સર્જનને પણ ઓછું કરી શકીએ છીએ.’
તમે ડોક્ટર મલિક અને તેમના ઉત્પાદનો સાથે જોડાયેલી જાણકારી માટે તેમનું ફેસબુક પેજ જોઈ શકો છો…
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રિટાયર આર્મી ઓફિસરે શરુ કરી ઓર્ગેનિક ખેતી, સોલાર પાવરથી બન્યા આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.