વેદ તો બધા જ વાંચી શકે પણ જે વેદના વાંચી શકે તે જ સાચો વ્યક્તિ છે. જોકે, આવા લોકો સમાજમાં ખૂબ જ ઓછા હોય છે. આજે અમે બનારસના એક એવા યુવાન સાથે તમારી મુલાકાત કરાવવા જઈ રહ્યાં છે. જેણે પોતાનું જીવન જરુરિયાતમંદોની સેવામાં સમર્પિત કર્યું છે. આ યુવાન પોતાની બાઈક એમ્બુલન્સ દ્વારા દિવસ-રાત લોકોની સેવા કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બનારસનો યુવાન અમન યાદવ નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ અને સેવા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં તે હજારો દર્દીઓની પ્રાથમિક સારવાર કરાવીને હોસ્પિટલ પહોંચાડી ચૂક્યો છે. આ સાથે જ તે ગુમ થયેલા વ્યક્તિઓને પણ તેના ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે.
અમને ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે,’એક વાર હું મારા પોતાના કોઈ કામથી સરકારી હોસ્પિટલ ગયો હતો. ત્યાંની સ્થિતિ જોઈને મન દુઃખી થઈ ગયું. વ્યક્તિની સ્થિતિ જાનવરોથી પણ બદતર હતી. કોઈ કોઈને પૂછનાર જ નહોતું. હોસ્પિટલ બહાર એક મહિલા બેભાન થઈને પડી હતી. કોઈ તેમની દેખભાળ રાખનાર જ નહોતું. મને તેના દીકરાનો નંબર ખબર પડી તો મેં તેમનો સંપર્ક કર્યો પરંતુ 5 દીકરાઓએ તેમની માતાને ઓળખવાથી પણ ના પાડી. મેં તે વૃદ્ધ માતાની સારવારની જવાબદારી લીધી. પરંતુ તેમને બચાવી ન શક્યો. જે પછી પોસ્ટમોર્ટમ પછી તેમના દીકરા તેમની હાથની વીંટીં અને ચેન લેવા પહોંચ્યા હતાં. તે ક્ષણે જ મેં સમાજનું સૌથી ખરાબ રુપ જોયું. હું વિચારવા લાગ્યો કે શું દુનિયા આટલી પણ સ્વાર્થી હોય શકે છે? તે સમયે જ મેં નક્કી કર્યું કે હું દરેક અસહાય, ગરીબ અને જરુરિયાતમંદની સેવા કરીશ. જેની કોઈ મદદ નહીં કરે તેની શક્ય એટલી મદદ કરવાની કોશિશ કરીશ.’

બાઈક એમ્બુલન્સથી કરે છે પ્રાથમિક ઉપચાર
2013માં અમન પગપાળા જ ફરીને દરેક અસહાયની મદદ કરતો હતો. ક્યારેક ભૂખ્યાઓને ભોજન આપવું તો ક્યારેક દર્દથી પીડાતા વ્યક્તિની મલમપટ્ટી કરવી તો ક્યારેક કોઈ દર્દી માટે લોહીનો પ્રબંધ કરી આપવો. અમન દ્વારા કરવામાં આવેલા કામ લોકો સુધી પહોંચવા લાગ્યા અને દરેક તેને કોલ કરીને બોલાવવા લાગ્યા હતાં. 2015માં અમનને શહેરના જ એક બિઝનેસમેન રાજીવ વર્માએ સેકન્ડ હેન્ડ બાઈક અપાવી. આ બાઈકનો સકારાત્મક ઉપયોગ કરતાં અમને તેને મિનિ એમ્બુલન્સનું રુપ આપ્યું. એક એવી બાઈક જેમાં પ્રાથમિક ઉપચાર માટે દરેક દવાઓ ઉપલબ્ધ હોય છે. અમનના ફર્સ્ટ એડ કિટમાં દવા, પટ્ટી, બેન્ડએડ, મલમ વગેરે હોય છે. આ કિટના માધ્યમથી તે લોકોને મદદ કરે છે.
આ બાઈક એમ્બુલન્સ મારફતે અમન દર્દીઓને સમય પર હોસ્પિટલ પહોંચાડીને જીવ બચાવવાનું કાર્ય કરે છે. અમને કહ્યું કે,’સૌથી સારી વાત એ છે કે એમ્બુલન્સની મદદથી હું ગલી-ગલી પહોંચીને દર્દીઓની મદદ કરી શકું છું. કેટલીકવાર મને અડધી રાતે પણ ફોન આવે છે તો હું મારી પોતાની બાઈક લઈને નીકળી પડું છું.’

કોરોના સંકટમાં પણ કરી મદદ
કોરોના સંકટકાળમાં સામાન્ય વ્યક્તિનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. આ કપરી પરિસ્થિતિમાં અમને જરુરિયાતમંદ વ્યક્તિને લોકો સુધી દવા ઘરે પહોંચાડવાનું કામ કર્યું. તેણે કહ્યું કે,’કેટલીકવાર લોકો દવા ઉપરાંત સેવા કાર્ય માટે વધારે રુપિયા આપવા લાગે છે. પરંતુ મેં ક્યારેય પણ વધારે રુપિયા નથી લીધા. સેવા મારી જવાબદારી છે. અસહાય અને જરુરિયાતમંદોની મદદ કરવાથી મને આત્મસંતુષ્ટિ મળે છે. જેની સરખામણી રુપિયાથી ક્યારેય ન થઈ શકે.’
અમનની માતાને પોતાના દીકરા પર ગર્વ છે. તેમણે જણાવ્યું કે,’5 વર્ષ પહેલા અમનના પિતાનું કેન્સરથી નિધન થઈ ચૂક્યું હતું. મારો દીકરો ક્યારેય મનથી નબળો નથી પડતો. ભલે ગમે તેવી સ્થિતિ હોય પરંતુ તે લોકોની મદદ માટે આગળ આવે છે. બીજાની મદદ કરવી એ જ અમનનું ઝનૂન છે અને તે જ તેની જિંદગી છે.’

અમન ‘કબીર’ના નામથી ફેમસ
અમન યાદવને બનારસના લોકો અમન ‘કબીર’ના નામથી ઓળખે છે. આ વિશે અમને જણાવતા કહ્યું હતું કે,’એક વાર બનારસના એક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આશુતોષ તિવારીએ મને કહ્યું હતું કે તું હંમેશા લોકો માટે નિઃસ્વાર્થ ભાવથી કામ કરે છો એટલા માટે આજે તારુ નામ અમન કબીર રાખું છું. બસ તે દિવસથી જ દરેક લોકો મને અમન કબીર કહેવા લાગ્યા હતાં. બનારસના લોકોનો મને સ્નેહ મળતો આવ્યો છે. હું જે પણ સેવા કાર્ય કરું છું, લોકો મારી મદદ કરે છે.’
અમનનું કહેવું છે કે દરેક લોકોને જરુરિયાત વ્યક્તિની મદદ કરવી જોઈએ. તેણે કહ્યું હતું કે,’જરુરિયાતમંદ લોકોની મદદ માટે કોઈની રાહ ન જુઓ, જેટલું શક્ય હોય એટલી મદદ કરો. આ દુનિયાને ઉત્તમ બનાવવી હોય તો દરેકને સાથે મળીને જ કામ કરવું પડશે.’ તમે અમનનો 8687553080 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: જિનેન્દ્ર પારખ
આ પણ વાંચો: આ ગુજરાતી આચાર્ય છેલ્લા 17 વર્ષથી વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી