ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના નૌવાડા ગામના રહેવાસી 30 વર્ષના દાન સિંહ રૌતેલા ગત છ વર્ષોથી દિલ્હી મેટ્રો સાથે કોન્ટ્રેક્ટ બેઝિઝ પર કામ કરી રહ્યા હતાં પરંતુ લોકડાઉન લાગુ થયું તો તેમને કામ મળવાનું પણ બંધ થઈ ગયું હતું. જેથી નિરાશ થઈને દાન સિંહ પોતાના ગામમાં પરત ફર્યા હતાં અને આજીવીકા માટે વિકલ્પ શોધવા લાગ્યા હતાં. આ જ રીતે તેમનું ધ્યાન પોતાની આસપાસ રહેલા બિચ્છૂ ઘાસ (કંડાલી) પર ગયું. જેમાં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અનેક પોષક તત્વ રહેલા હોય છે. જેથી તેમણે હર્બલ ટી બનાવવાનો નિર્ણય કર્યો અને આજે તેઓ દર મહિને એક લાખ રુપિયાની કમાણી કરી રહ્યાં છે.
દાને કુમાઉ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે,’લોકડાઉન દરમિયાન જ્યારે હું દિલ્હીથી નિરાશ થઈને પોતાના ગામમાં આવ્યો હતો ત્યારે કામની શોધમાં જ હતો. આ દરમિયાન મારુ ધ્યાન બિચ્છૂ ઘાસ પર ગયું. જેનો ઉપયોગ ગામના વૃદ્ધ વડીલો શરદી-તાવમાં કરતા હતાં. તે સમયે કોરોના વાયરસનો કહેર પણ વધતો જતો હતો. બજારમાં આ રીતના ઔષધિય ઉત્પાદનની માગ પણ વધતી જતી હતી. જેથી મને બિચ્છુ ઘાસથી હર્બલ ટી બનાવવાનો વિચાર આવ્યો હતો.’
આ પછી, મે 2020માં તેમણે આ દિશા તરફ કામ કરવાનું શરુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,’શરુઆતના દિવસોમાં હું પ્રયોગ તરીકે બહારથી આવનાર લોકોને બિચ્છુ ઘાસમાંથી બનેલી ચા પીવડાવતો હતો અને શરદી-તાવ, ઉધરસ વગેરેમાં તેમણે એકથી બે કલાકમાં જ અસર જોવા મળી હતી.’

ધીરે ધીરે દાને તેમના ઉત્પાદનને ફેસબુક, વ્હોટ્સએપ વગેરે દ્વારા વધારવાનો નિર્ણય કર્યો હતો અને પછી તેણે પોતાની હર્બલ ટીને ‘માઉન્ટેન ટી’ નામ આપ્યું. આજે એમેઝોન પર પણ આ ચા ઉપલબ્ધ છે. તેમને દિલ્હી, બિહાર, રાજસ્થાન હિમાચલ જેવા અનેક રાજ્યોમાંથી ઓર્ડર આવે છે.
આ હર્બલ ચાને દાન 1000 રુપિયા પ્રતિ કિલોના ભાવથી વેચે છે. આજે તેમની પાસે દર મહિને 100થી વધારે ઓર્ડર આવે છે. જેથી તેમને લગભગ એક લાખ રુપિયાની આવક થાય છે.
કેવી રીતે બનાવે છે હર્બલ ટી?
દાને જણાવ્યું કે,’અમારુ ગામ હિમાલયની વાદીઓમાં જ વસેલું છે. અમારા ઘરથી 200 મીટર દૂર મોટાપાયે કંડાલી ઘાસ થાય છે. હું ત્યાંથી જ ઘાસ કાપીને લાવું છું અને ત્રણ દિવસ સુધી તડકામાં સૂકવ્યા પછી તેને હાથેથી મસળી નાખું છું. જેથી પાન અલગ થઈ જાય. હું બિચ્છુ ઘાસથી એક કિલો હર્બલ ટી બનાવવામાં 30-30 ગ્રામ લેમનગ્રાસ, તુલસી, તજ, આદુ વગેરે પણ મિક્સ કરું છું. જેથી ચાનો સ્વાદ વધવાની સાથે જ પોષક તત્વ પણ વધે છે.’ દાનને પોતાનું હર્બલ ટી બનાવવા માટે માત્ર એક જ સીલિંગ મશીનની જરુર પડે છે. જેનો ઉપયોગ તે પોતાના ઉત્પાદનના પેકિંગ માટે કરે છે.

કેટલો થાય છે લાભ?
દાને જણાવ્યું કે, માઉન્ટેન હર્બલ ટીથી તેમને દર મહિને આશરે 1 લાખ રુપિયાની આવક થાય છે. જોકે, તેને બનાવવામાં 3-4 લોકોની જરુર પડે છે. ઉપરાંત દરેક જરુરી વસ્તુઓ એકઠી કરવા માટે તેમને 40000 રુપિયાનો ખર્ચ થાય છે. આ રીતે તેમને દર મહિને આશરે 60000 રુપિયા જેટલી બચત થાય છે.
ગામમાં વધ્યો ‘બિચ્છુ ઘાસનો’ ઉપયોગ
દાને કહ્યું કે,’પહેલા ‘બિચ્છુ ઘાસનો’ ઉપયોગ વૃદ્ધ દ્વારા શરદી-ઉધરસમાં કરવાની સાથે જ તેનું સેવન શાકભાજીઓમાં પણ કરવામાં આવતું હતું. જોકે, તાજેતરના વર્ષોમાં તેમનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. જોકે, જ્યારથી મેં હર્બલ ટી બનાવવાનું શરુ કર્યું છે. ત્યારથી તેનો ઉપયોગ ગામમાં ફરીથી વધવા લાગ્યો હતો.’

ડાયાબિટિસ-ગઠિયામાં પણ કારગર
અન્ય એક ખાસ વાત એ પણ કે હર્બલ ટીનો ઉપયોગ શરદી-ઉધરસ ઉપરાંત ડાયાબિટિસ,-ગઠિયા જેવી બીમારીઓમાં પણ કારગર છે.
આ વિશે દાનનું કહેવું છે કે, ‘બિચ્છુ ઘાસમાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે તે શરદી-ઉધરસની સાથે સાથે ગઠિયા, ડાયાબિટિસ વગેરેમાં લાભદાયક છે. આ સાથે જ લેમનગ્રાસ, તુલસી, દૂધ વગેરે સાથે બિચ્છુ ઘાસનો ઉપયોગ, શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે વધુ કારગર સાબિત થાય છે.’

શું છે ભવિષ્યની યોજના?
દાને જણાવ્યું કે,’હું 2021ની શરુઆતના મહિનાઓમાં આશરે દર મહિને 500 કિલો હર્બલ ટીનો બિઝનેસ કરવા ઈચ્છું છું. જે ઉપરાંત, મારુ આગામી લક્ષ્ય માઉન્ટેન હર્બલ ટીને એક મોટા બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાની છે. જેથી હું મારા વિસ્તારના અન્ય કેટલાક લોકોને પણ સ્થાનિક સ્તરે રોજગારી આપી શકું.’
તમે દાન સિંહનો 9528699600 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
આ પણ વાંચો: છત્તીસગઢ: કુંભારે બનાવ્યો 24 કલાક સતત ચાલતો જાદુઇ દિવો, આખા દેશમાંથી આવ્યા ઓર્ડર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.