ઉત્તર પ્રદેશના મવાનાના એક વ્યવસાયી 67 વર્ષના સુખદેવ સિંહનું માનવું છે કે, મશીનો કે સાધનો બનાવવા માટે વ્યક્તિએ એન્જિનિયર હોવું જરૂરી નથી. જો હજારો લોકોને મશીનનો લાભ મળી રહેતો હોય, તો થોડું સંશોધન કરીને તેને બનાવી શકાય છે. સુખદેવ સિંહને કૃષિ આધારિત ટેકનોલોજીમાં ઉંડો રસ છે. તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક અનોખું મશીન બનાવ્યું છે. આ મશીન દ્વારા ગાયના છાણમાંથી લાકડા બનાવી શકાય છે.
.
તેમની મેરઠ પાસે ફેક્ટરી છે જ્યાં કૃષિ ઓજારો બનાવવામાં આવે છે. તે કહે છે કે તેમની નજર હંમેશા આ ક્ષેત્રમાં નવી શોધો પર હોય છે. બે વર્ષ પહેલા તેમણે યુ ટ્યુબ પર એક વીડિયો જોયો હતો જેમાં એક મશીન વિશે જણાવ્યું હતું. મશીન દ્વારા ગાયના છાણમાંથી લાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ વીડિયો જોયા બાદ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને સમજાયું કે આ બચેલો કચરો કિંમતી ચીજો બનાવવા તેમજ વૃક્ષો ને કપાવવાથી બચાવવા માટે વાપરી શકાય છે જે પર્યાવરણ પર હકારાત્મક અસર કરશે. સિંહે ઇન્ટરનેટ પર થોડું સંશોધન કર્યું અને પછી આ મશીન પોતાની ફેક્ટરીમાં બનાવ્યું.
પ્રારંભિક મોડેલમાં ગિયરબોક્સ નહોતું, પરંતુ કેટલાક પરીક્ષણ અને પ્રતિક્રિયા પછી, સિંહ અને તેમની ટીમે 5 એચપી ઇલેક્ટ્રિક મોટર અને ગિયરબોક્સ સાથે ગાયના છાણના લાકડા બનાવતું ગ્રાઈન્ડર મશીન બનાવી લીધુ છે.

આ સમગ્ર પ્રક્રિયા વિશે વિગતવાર વાત કરતા સિંહ કહે છે કે પહેલા ગાયનું છાણ 5 દિવસ સુધી તડકામાં સૂકવવામાં આવે છે અને તેમાં રહેલા પાણીને દૂર કરવામાં આવે છે. ગાયનું છાણ માટી જેવું ઢીલું હોવું જોઈએ. પછી, તેને સિલિન્ડર આકારની લાકડાની પટ્ટી બનાવવા માટે ઇનલેટમાં નાંખવામાં આવે છે. જરૂરીયાતના આધારે આકાર અને માપ બદલી શકાય છે. સિંઘ દ્વારા તૈયાર કરાયેલ ઇનલેટનું માળખું ગોળાકાર અને સિલિન્ડર આકારનું છે.
મશીન સ્ક્રુ મિકેનિઝમ હેઠળ કાચા માલને મોલ્ડમાં ઢાળે છે. જરૂરિયાત મુજબ મોલ્ડને મશીનમાં ઢાળી શકાય છે. એકવાર મશીનમાંથી બહાર કાઢયા પછી, ગાયના છાણના લાકડાને તડકામાં સૂકવવામાં આવે છે જેથી કોઈ પણ પ્રકારની ભેજ કે દુર્ગંધ ન આવે.
લાકડાની મજબૂતાઈ સૂકાયા બાદ વધે છે. આ મશીન એક મિનિટમાં 3 ફૂટ લાંબુ લાકડું બનાવી શકે છે. આ ઈકો-ફ્રેન્ડલી ઈનોવેશનની એક વધુ ખાસ વાત એ છેકે, બાયોગેસ એકમોમાંથી સ્લરી અને સ્ટ્રો ના અવશેષોનું મિશ્રણ બનાવીને તેનો ઉપયોગ કરી શકાય છે. સિંઘ કહે છે કે આ લાકડાનો ઉપયોગ બળતણ સિવાયના અન્ય હેતુઓ માટે થઈ શકે છે.
મોહમ્મદ ગુલફામ મેરઠમાં રહે છે અને ડેરી ખેડૂત છે. તેની પાસે 23 ભેંસ અને 7 ગાય છે, જે દરરોજ એક ક્વિન્ટલ કચરા તરીકે આડપેદાશ ઉત્પન્ન કરે છે. તેણે આ મશીન 5 મહિના પહેલા ખરીદ્યું હતું. તે કહે છે, “આ મશીન મારા માટે વરદાન જેવું છે, કારણ કે તે કચરાને ઉપયોગી સામગ્રીમાં ફેરવે છે. અમને દરરોજ લગભગ 40 કિલો ગાયનું છાણ મળે છે, જેને અમે આ મશીન દ્વારા લાકડામાં રૂપાંતરિત કરીએ છીએ. તે અત્યંત ઉપયોગી છે અને દર બીજા દિવસે લાકડા અમારા ખેતરમાંથી જ વેચાય છે. હું ગાયના છાણમાંથી બનેલા લાકડામાંથી દર મહિને 8,400 રૂપિયા કમાઉ છું. મેં મશીન માટે 80,000 રૂપિયાના પ્રારંભિક રોકાણનો અડધો હિસ્સો પહેલેથી જ મેળવી લીધો છે.”

સિંઘ કહે છે, “શહેરી વિસ્તારોના લોકોને ઘણી વાર એ ખ્યાલ હોતો નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગની વસ્તી હજુ પણ બળતણ માટે લાકડા પર આધાર રાખે છે. આ તેમના માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને તેની અછત પણ છે. સ્મશાન ભૂમિમાં પણ, અંતિમ સંસ્કાર માટે માત્ર લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ગાયના છાણમાંથી લાકડા બનાવી ને તેના દ્વારા અમે માત્ર કચરાનું વ્યવસ્થાપન જ નથી કરી રહ્યા પણ લાકડાને ઉત્તમ વિકલ્પ બનાવવામાં મદદ કરી રહ્યા છીએ. આ સિવાય, આ લાકડાની એક વિશેષતા એ છે કે તે ગાયના છાણને કારણે સહેજ ખોખલું હોય છે, જેના કારણે ઓક્સિજન પસાર થાય છે, જેના કારણે તે તરત જ આગ પકડે છે અને ધુમાડો ઓછો થાય છે.”
જીએસટી સાથે મશીનની કિંમત 80,000 રૂપિયા છે. સિંઘ કહે છે, “આ યોગ્ય સમય છે જ્યારે લોકોએ આના જેવી ટકાઉ પદ્ધતિઓ સમજવી અને અપનાવવી જોઈએ. માત્ર પશુઓમાંથી દૂધ જ નહીં પણ તેમાંથી ઉત્પન્ન થતો કચરો પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ઉપયોગી બની શકે છે. દરેક વ્યક્તિએ પર્યાવરણ અને અર્થવ્યવસ્થાના સુધારણા માટે આ પ્રકારના કાર્યમાં યોગદાન આપવું જોઈએ.”
મૂળ લેખ: અનન્યા બરૂઆ
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: 7.5 લાખ દૂધની ખાલી થેલીઓને કચરામાં જતા રોકી ચૂકી છે આ ત્રણ બહેનપણીઓ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.