માનવજ્યોત સંસ્થાની ઓફિસની શરૂઆત ભુજમાં તા.25-05-2003ના રોજ થઈ. જેની પાછળ ઘણા વર્ષોની નિસ્વાર્થ સેવાનું તપ જવાબદાર છે. વર્ષ 1979માં પ્રબોધ મુનવર નામના એક સજ્જન અબડાસાના કોઠારા ગામથી ભુજ રહેવા આવે છે. ભુજ એટલે કચ્છનું પાટનગર તે બાબતથી સૌ કોઈ પરિચિત છે. તેઓ ભુજના ભીડગેટ પાસેની એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં નોકરી કરે. આ ભીડગેટ પાસે બે-ત્રણ માનસિક દિવ્યાંગો રસ્તા પર રહે. પ્રબોધ મુનવર જૈન છે અને જૈનસહજ કરુણાભાવ તેમનામાં સહજપણે જોવા મળે છે. તેઓ દિવ્યાંગોને રાત્રે ભજીયા, ગાંઠીયાના પડીકા લઈ આપે અને ક્યારેક પોતાના હાથે જમાડીને ઘરે જાય. ત્યાંથી તેમણે જે પ્રવૃત્તિ એકલપંડે શરૂ કરી હતી તે આજે માનવજ્યોત નામની સંસ્થાના નામે કચ્છમાં વિશાળ વટવૃક્ષ બનીને દિવ્યાંગોને શીતળ છાયા પૂરી પાડી રહી છે. માનવજ્યોત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ મૂળ મુંબઈના મુલુન્ડ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. આ ટ્રસ્ટના સાથ અને સહકારથી ઈ.સ.1994માં ભુજમાં જરૂરિયાતગ્રસ્ત લોકોને કપડા વિતરણનું કાર્ય પ્રબોધ મુનવર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતુ.

વર્ષ 2001માં આવેલા ભૂકંપે કચ્છને પારાવાર નુકશાન પહોંચાડ્યું. ભૂકંપ પછીના દિવસોમાં જ્યાં અનેક કુટુંબો તેમના સ્વજનો ગુમાવી બેઠાની કળમાંથી ઉભા થયા નહોતા અને કારમા આઘાતને કારણે સ્વસ્થ લોકોની જીવનચર્યા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી તેવામાં માનસિક દિવ્યાંગોની સ્થિતિ શું હશે તેનુ અનુમાન લગાવવું મુશ્કેલ નથી. ઉપર આભ અને નીચે જમીનને ઘર ગણીને જીવતા માનસિક દિવ્યાંગોને દર પંદર દિવસે પ્રબોધ મુનવર અને તેમના સાથીમિત્ર રમેશભાઈ માહેશ્વરી ચાલીને જમાડવા જતા. સુરેશભાઈ અને રમેશભાઈના માતૃશ્રી મણીબેન પ્રાગજી માહેશ્વરી નિરાધારોને જમાડવાની સેવા કરતા. મણીબાએ જીવનના અંતકાળ સુધી આ સેવા ચાલુ રાખી હતી. આજે તેમના સંતાનો માનવજ્યોત સંસ્થાના માધ્યમથી આ સેવા આગળ ધપાવી રહ્યા છે.

ફરી ભૂતકાળમાં જઈએ તો ધીમેધીમે પંદર દિવસને બદલે દસ દિવસે પ્રબોધભાઈ અને માહેશ્વરીબંધુઓ સાયકલ પર જમવાનું લઈને નીકળવા લાગ્યા. તેમને વિચાર આવ્યો કે આપણને દસ દિવસે જમવાનું મળે તો આપણી શી સ્થિતિ થાય? માટે દરરોજ માનસિક દિવ્યાંગોને જમાડવા તેવુ નક્કી કર્યું પરંતુ મર્યાદિત આવકને લીધે પૈસાનો અભાવ હતો. છતાં ઉપરવાળો આપી રહેશે તેમ વિચારીને દરરોજ જમાડવા જવાનું શરૂ કર્યું. ક્યારેક એવુ બનતું કે જમાડવા ગયા હોય ને કોઈ વ્યક્તિ ઓફિસે આવીને ફાળો આપી જાય. આમ બીજા દિવસની રસોઈનો બંદોબસ્ત થઈ જતો. લોકો જેમ જેમ જોતા અને જાણતા થયા તેમતેમ કોઈ 500 રૂપિયા તો કોઈ 1000 રૂપિયા આપી જતા. રોજ વીસથી પચ્ચીસ લોકોને જમાડતા. તે વખતે સેવાકાર્ય સાથે સંકળાયેલા પાંચથી સાત વ્યક્તિ હતા આજે એ સંખ્યા વીસથી પણ વધુ છે. જેમાં બેન્ક, આરોગ્યશાખા, પોલિસખાતુ તેમજ અન્ય સરકારીખાતાના નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રબોધ મુનવર, રમેશભાઈ માહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, વલ્લભજીભાઈ ડી. શાહ, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, શંભુભાઈ જોષી, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા, કનૈયાલાલ અબોટી, નરશીભાઈ પટેલ, મૂળજીભાઈ ઠક્કર, જેરામ સુથાર, નિતિન ઠક્કર, દિપક જાની, અક્ષય મોતા, વનરાજસિંહ જાડેજા, પરેશ માહેશ્વરી, ભૂપેન્દ્ર બાબરીયા, દિલીપ સાયલા, લવ ઠક્કર આ વ્યક્તિઓ શ્રી રામદેવ સેવાશ્રમના મુખ્ય કાર્યકરો છે.

વર્ષ 2003ના મે મહિનાની પચ્ચીસમી તારીખે મુંબઈસ્થિત માનવજ્યોત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સાથસહકારથી ભુજમાં માનવજ્યોતનું કાર્યાલય ખૂલ્યુ. મુંબઈમાં માનવજ્યોત ટ્રસ્ટ ચાલતુ હતું એટલે ત્યાં વણવપરાયેલી દવાઓ, કપડા વગેરે ભુજના કાર્યાલયે મોકલવામાં આવતા. ભુજમાં માહેશ્વરીબંધુઓ અને પ્રબોધભાઈ સહિત અન્ય સેવાભાવી સજ્જનો વિતરણની વ્યવસ્થા સંભાળતા. સંસ્થાની પ્રવૃત્તિ જોઈને દરેક જ્ઞાતિ-જાતીના લોકો પોતાની શક્તિમુજબ સેવા આપતા. જાતિ, ધર્મ કે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સંસ્થાએ માનવસેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.

ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવર ‘ધ બેટર ઈન્ડિયા’ સાથે વાત કરતા જણાવે છે કે ,‘શરૂઆતમાં માનસિક દિવ્યાંગોની સારવાર કરવા જતા ત્યારે અમને અનુભવ નહોતો. એટલે ક્યારેક એવું બનતુ કે માનસિક દિવ્યાંગ વ્યક્તિ અમારા શર્ટના બટન તોડી નાખે અમારા કપડા ફાડી નાખે. તેમને ધારો કે કપડા પહેરાવીએ તો તે પણ ક્યારેક ફાડી નાખે, બટકુ ભરી લે. એક વખત એક ભાઈને કાને બટકુ ભરી લીધુ હતું. છતાંય અમે હિંમત હાર્યા વિના ધીરજપૂર્વક અવિરતપણે સેવા ચાલુ રાખી. આટલા વર્ષોના અનુભવ પછી હવે અમે જોઈને જ સમજી જઈએ છીએ કે સામેની વ્યક્તિ કેવા મૂડમાં છે તો તેમની સાથે કઈ રીતે કામ લેવુ.’
રીક્ષામાં લઈને જતા એ જોઈને એક ભાઈએ પ્રબોધભાઈને મારુતિવાન લઈ આપી. પછી તેઓ વાનમાં જમાડવા જવા લાગ્યા. પ્રબોધભાઈના સેવાકાર્યથી ભુજના લોકો વાકેફ એટલે ક્યારેક એવુ બનતું કે માનસિક દિવ્યાંગોને પ્રબોધભાઈ જ્યાં નોકરી કરતા ત્યાં મૂકી જતા. ત્યારે તેમને રાખવાની જગ્યા તો ક્યાંથી હોય એટલે પ્રબોધભાઈ તેમને ભુજમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલે લઈ જઈને દાખલ કરાવી આવતા. પ્રબોધભાઈને વિચાર આવતો કે આ લોકોને રહેવા માટેની કાયમી જગ્યા હોય તો કેવુ સારું! તેમના આહારવિહાર, વસ્ત્રો અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે સાથે સારવાર અને દેખરેખ રાખવામાં આવે તો તેઓ જલ્દી સાજા થઈ જાય.
વાસુદેવભાઈ ઠક્કર નામના એક સજ્જને પ્રબોધભાઈ અને માહેશ્વરીબંધુને સેવાકાર્ય માટે ભુજથી પાંચ કિલોમીટર દૂર અઢી એકર જમીન આપીને કહ્યું કે, આ સાચવીને રાખજો ભવિષ્યમાં કામ લાગશે. જમીન તો મળી ગઈ પરંતુ તેના પર મકાન બાંધવાના નાણાંની જોગવાઈ નહીં એટલે દસ્તાવેજ સાચવીને રાખ્યો. પછી એ ઘટનાના બાર-તેર વર્ષ પછી વર્ષ 2015માં ભુજથી પાંચ કિલોમીટર દૂર ભુજ-ખાવડા માર્ગ પર પાલારા ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પાછળ માનસિક દિવ્યાંગો માટે શ્રી રામદેવ સેવાશ્રમ બનાવ્યો. કચ્છના તેમજ મૂળ કચ્છી હોય અને બહાર વસતા હોય તેવા અનેક દાતાઓની આર્થિક સહાયના પરીણામે આ સેવાશ્રમ બંધાયો. તા.2-7-2017ના રોજ શ્રી રામદેવ સેવાશ્રમનું ઉદ્ઘાટન થયું. તેમાં દિવ્યાંગો માટે રહેવા, જમવાની અને સારવારની વ્યવસ્થા છે. દરરોજ આશ્રમમાં અંદાજે પચાસ વ્યક્તિઓ જમે છે. ભુજમાં જે વૃદ્ધો એકલવાયુ જીવન જીવતા હોય તેમને બે ટાઈમ ટીફીન તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. અત્યારે અઢીસો માણસોની રસોઈ શ્રી રામદેવ સેવાશ્રમમાં બનાવવામાં આવે છે.

દાનનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે ત્યારે દાનનો હિસાબ રાખવામાં આવે તે પણ એટલું જ અગત્યનું છે. દર વર્ષે એક વખત દાતાઓને આમંત્રીને તેમની સમક્ષ વર્ષભરના આવક-જાવકના હિસાબ રજૂ કરવામાં આવે છે. જે એક પારદર્શી વહીવટનું ઉદાહરણ છે. પ્રબોધભાઈ અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને સમગ્ર કચ્છમાં માનની નજરે જોવામાં આવે છે, તેમનામાં અતૂટ વિશ્વાસ છે. અત્યારે પાલારાસ્થિત માનવજ્યોત સંસ્થા દ્વારા કુલ અલગ-અલગ 46 પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
કચ્છના દસેય તાલુકામાંથી ગમે ત્યાંથી માહિતી મળે કે માનસિક દિવ્યાંગ રસ્તા પર રહે છે તો સંસ્થાની વાન જઈને તેમને લઈ આવે છે. તેમના વાળ કપાવી, દાઢી કરાવી, મેલા વસ્ત્રો બદલી, સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવી ત્રણે ટાઈમ જમાડવામાં આવે છે. તેમને કસરત તથા યોગાસન કરાવાય છે, રમત રમાડવામાં આવે છે. ટીવી પર સારા કાર્યક્રમો બતાવવામાં આવે છે. ગીતો સંભળાવવા અને ગવડાવવામાં આવે છે. જેથી તેઓના તન અને મન વહેલીતકે સ્વસ્થતા પ્રાપ્ત કરે. વોટ્સએપ, અન્ય સોશિઅલ મીડિયાના માધ્યમો અને ટેક્નોલોજીની મદદ દ્વારા તેઓ જે પ્રદેશના હોય ત્યાંના પોલિસતંત્રનો સંપર્ક કરી તેઓનું ઘર શોધવામાં આવે છે. અત્યારસુધીમાં કુલ 971 માનસિક દિવ્યાંગોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. આ આખી પ્રક્રિયામાં પોલિસખાતુ તેમજ અન્ય સરકારીવિભાગના અધિકારીઓ દ્વારા સંપૂર્ણપણે સહાય કરવામાં આવે છે. બીજા રાજ્યોમાંથી કે જીલ્લામાંથી ફરતા-ફરતા માનસિક દિવ્યાંગો આવી ચડ્યા હોય અને સારસંભાળ અને સારવારને અંતે સ્વસ્થતા પ્રાપ્ત કર્યા બાદ ઘરે પહોંચાડવામાં આવ્યા હોવાના કેટલાય દાખલા છે.

પ્રબોધભાઈના કુટુંબીજનો તેમની આ સેવાની ભાવનાને સમજે છે અને સહકાર આપે છે. ક્યારેક એવું બને કે અડધી રાતે ફોન આવે કે કોઈ નિરાધાર મહિલા રસ્તે રઝળી રહી છે તો તેને સંસ્થા દ્વારા આશ્રય આપવામાં આવે છે. ક્યારેક ઘરકંકાસથી કંટાળીને કે અન્ય કારણોસર યુવતીઓ-મહિલાઓ અચાનક ભુજ આવી ગઈ હોય તો સમજાવીને તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. આ પ્રકારની 345 યુવતીઓ-મહિલાઓને સમજાવીને તેમના ઘરે પહોંચાડવામાં આવી છે. અત્યારસુધી 251 બિનવારસી લાશોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. તાજા જન્મેલા અને ત્યજી દીધેલા 25 બાળક-બાળકીઓ મળી આવ્યાં હતા. જેમાંથી 13 નવજાતને શિશુઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. જેમાંથી છ બાળકોને વિદેશમાં વસતા કુટુંબો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. જ્યારે 12 નવજાત શિશુઓ મૃત અવસ્થામાં મળી આવેલા. ગુમ થયેલા 198 બાળકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે.

યાદશક્તિ મંદ થઈ જવાથી ઘરેથી નીકળ્યા બાદ પોતાના ઘરે જવાનો માર્ગ ભૂલી ગયા હોય તેવા 165 વૃદ્ધોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાય વર્ષોથી ભોજન સમારંભોમાં વધેલી રસોઈ એકઠી કરીને ગરીબોને જમાડવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. વિવિધ જ્ઞાતિઓની વાડીએથી લગ્ન સમારંભના જમણવારને અંતે રસોઈ વધે એટલે ત્યાંથી માનવજ્યોત સંસ્થામાં ફોન કરવામાં આવે છે. ફોન આવ્યા બાદ સેવાભાવી વ્યક્તિઓ ત્યાં જઈને વધેલી રસોઈ વાનમાં લઈ આવે છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોમાં તેનું વિતરણ કરવામાં આવે છે. આ રીતે વર્ષે અંદાજે અઢી લાખ લોકોને જમાડવામાં આવે છે. શારીરીક દિવ્યાંગોને દાતાશ્રીઓના સહયોગથી ટ્રાયસિકલો આપવામાં આવી છે. અત્યારસુધી 379 દિવ્યાંગોને ટ્રાયસિકલો આપવામાં આવી છે. એજ રીતે દાનની રકમમાંથી 353 વિધવા સ્ત્રીઓને સિવણમશીનો લઈ આપી તેમને આર્થિકરીતે પગભર થવા મદદ કરવામાં આવી છે. દર ઉનાળામાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે માટીના કુંડા લટકાવવામાં આવે છે, ચકલીઘરો લટકાવવામાં આવે છે. શ્વાનો માટે સિમેન્ટની કુંડીઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં લોકો જમ્યા પછી વધેલો ખોરાક નાખે છે, જેમાંથી શ્વાનો ખાઈ શકે અને આજુબાજુ ગંદકી ન ફેલાય. ઉપરાંત શ્વાનો તેમજ ગાયો માટે પીવાના પાણીની કુંડીઓ મૂકવામાં આવે છે. ગાયમાતાને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. ઉનાળામાં શ્રમજીવીઓમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવે છે. ગરીબ બાળકોને પગરખા આપવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતા લોકોને ધાબળા આપવામાં આવે છે. ચોમાસા દરમિયાન ઝુંપડા અને ભૂંગામાં રહેતા લોકોને મોટી સાઈઝના પ્લાસ્ટીકકવર કે તાડપત્રી આપવામાં આવે છે, જેથી વરસાદી પાણી તેમના ઘરમાં ઉતરે નહીં. પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટે અને પર્યાવરણની રક્ષા થાય તે હેતુથી દર વર્ષે બાર હજારથી વધુ કાપડની થેલીઓનું વિતરણ કરાય છે. અડધી રાત્રે માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું હોય તો પોલિસકાર્યવાહી બાદ લાશને જનરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. 442 જરૂરિયાતમંદોને ચાલવા માટે નિ:શુલ્ક ફોલ્ડિંગ વોકર આપવામાં આવ્યા છે. ઉપરાંત વ્હીલચેર તેમજ ફોલ્ડિંગ પલંગ રાહતદરે ભાડે આપવામાં આવે છે. જરૂરિયાતમંદ મહિલાઓને સાડીઓ આપવામાં આવે છે. દિવાળી જેવા તહેવારોમાં શ્રમજીવીઓના ઝૂંપડે જઈને મીઠાઈના પેકેટ આપવામાં આવે છે. વણવપરાયેલી દવાઓ એકઠી કરવામાં આવે છે. માનવજ્યોત ડ્રગ બેન્ક દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન મુજબ ફાર્માસીસ્ટ મારફતે ગરીબ દર્દીઓને નિ:શુલ્ક દવાઓ આપવામાં આવે છે.

આમ એક સમયે માનસિક દિવ્યાંગોને પડીકામાં નાસ્તો અને ભોજન કરાવવાની પ્રવૃત્તિ આજે વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે. એવોર્ડની વાત કરીએ તો વર્ષ 2012માં ગુજરાત સરકારશ્રી દ્વારા જાહેર સુખાકારી પ્રવૃત્તિઓ માટેનો એવોર્ડ તત્કાલીન મંત્રી શ્રી ફકીરભાઈ વાઘેલાને હસ્તે પ્રબોધ મુનવરને આપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પ્રબોધ મુનવરનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2017માં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હસ્તે ‘ધરતીરત્ન એવોર્ડ’ અને એ જ વર્ષે બાળ આયોગ, ગાંધીનગર દ્વારા ‘બાળમિત્ર એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. આ સિવાય વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પ્રબોધ મુનવરનું સન્માન કરવામાં આવ્યું હોય તેવા પુરસ્કારોની એક આખી અલગ યાદી બને તેમ છે.
આ પણ વાંચો: લાખોની નોકરી છોડી દંપતિ પંચમહાલમાં બનાવે છે નાનકડા વનવાળો આશ્રમ, પરંપરાગત કારીગરોને આપે છે પ્રોત્સાહન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.