Search Icon
Nav Arrow
Compost making
Compost making

બહાર ન ફેંકો ઘરનો ભીનો કચરો, આ રીતે નકામી વસ્તુઓમાંથી ‘કંપોસ્ટિંગ બિન’ બનાવી ખાતર બનાવો

#DIY: પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ અને ભીનો કચરો બંનેનું બેસ્ટ વ્યવસ્થાપન, ઘરના બગીચા માટે ઉત્તમ ખાતર બનાવો.

આપણા ઘરમાંથી નીકળતા ભીના અને જૈવિક કચરામાંથી જો જૈવિક ખાતર બનાવવામાં આવે તો, ઘણા અંશે ઘરની આસપાસ ભેગા થતા કચરાના ઢગલાઓને ઘટાડી શકાય છે. ઘરે જ બનાવવામાં આવેલ જૈવિક ખાતર ઝાડ-છોડના વિકાસ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જેથી તમારે ગાર્ડનિંગ માટે બહારથી ખાતર લાવવું નહીં પડે અને કોઈપણ પ્રકારનાં રાસાયણિક ખાતરો પર નિર્ભર રહેવું નહીં પડે. જો તમે ઘરમાં ગાર્ડનિંગ કરતા ન હોય તો, ખાતર બનાવી આસપાસ બગીચામાં કે ગાર્ડનિંગ કરતા લોકોને વેચી પણ શકો છો.

આનાથી તમારા ઘરમાંથી નીકળતો કચરો તો ઘટશે જ, સાથે-સાથે ઝાડ-છોડનો વિકાસ પણ સારો થશે. જોકે મોટાભાગના લોકોને ઘરે ખાતર બનાવવાની યોગ્ય રીત ખબર નથી હોતી. તો કેટલાક લોકોની ખાતર બનાવવાની ઇચ્છાશક્તિ પણ ઓછી હોય છે. તો વળી ઘણા લોકો એમ પણ માનતા હોય છે કે, ગાર્ડનિંગ માટે ખાતર જેવી વસ્તુઓ પાછળ બહુ ખર્ચ કરવો પડે છે. કારણકે, આજકાલ બજારમાં જ્યારે તેઓ ‘હોમ કંપોસ્ટિંગ કીટ’ જુએ છે, ત્યારે તેમને પણ એમજ લાગે છે કે, આના વગર તેઓ કેવી રીતે ખાતર બનાવી સકશે?

પરંતુ એવું નથી, ખાતર બનાવવા માટે વધારાનો કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂર નથી. આ માટે તમે તમારા ઘરની જ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ભોપાલમાં પોતાના ઘરના ધાબામાં ગાર્ડનિંગ કરી રહેલ શિરીષ શર્મા ઘરે જ બનાવેલ ખાતરમાંથી સિઝનલ શાકભાજી અને ફળો ઉગાડે છે. તેઓ જણાવે છે કે, જો તમે મનમાં નક્કી કરી જ લો તો, કોઈપણ જાતના ખર્ચ વગર ઘરે જ કંપોસ્ટિંગ બિન બનાવી શકો છો.

તેઓ જણાવે છે કે, જો તમારી પાસે કોઈ જૂની ડોલ કે માટીનું માટલું ન હોય તો તમે પ્લાસ્ટિકના મોટા ટબ કે મોટી બોટલનો ઉપયોગ પણ કરી શકો છો. આ કામ માટે તમને ઘણા ડબ્બા અને બોટલોની જરૂર પડશે. પરંતુ આ પણ એકરીતે સારું જ છે. કારણકે તમારે બહારથી કઈં ખરીદવું નહીં પડે અને ઘરમાં પડેલ નકામા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ જશે.

શું શું જોઈએ:

Compost fertilizer
Old Bucket, Organic waste, Soil, Leaves are required

જૂની કે નકામી પ્લાસ્ટિકની ડોલ કે માટલું
ડોલ કે માટલાને ઢાંકવા માટે ઢાંકણ
કાણાં પાડવા માટે કોઈ ધારદાર વસ્તુ
રસોડામાં વધેલ જૈવિક અને ભીનો કચરો
સૂકાં પાન કે જૂના નકામા કાગળના ટુકણા કે નારિયેળનાં છોતરાં
બગીચાની માટી
છાણીયું ખાતર કે દહીં-છાસ

રીત:
સૌપ્રથમ તમારા ઘરમાં જે પ્રમાણે કચરો નીકળતો હોય તે પ્રમાણે ડોલ કે માટીનાં માટલાં લો. કારણકે કચરાને ‘ડીકંપોઝ’ થવામાં સમય લાગે છે. એટલે જો એક ડોલ ભરાઈ જાય તો બીજી ડોલમાં કચરો નાખી શકાય છે. ભીના કચરાને ડીકંપોઝ થવામાં બે મહિના કરતાં વધારે સમય લાગે છે. એટલે પહેલાંથી જ બીજી ડોલ તૈયાર રાખો.

સૌથી પહેલાં ડોલ કે માટલાના તળીયામાં અને ઉપરની તરફ ચારેય બાજુ ધારદાર વસ્તુથી કાણાં પાડો.

ડોલ કે માટલાના તળીયામાં કાણાં પાડવાં ખૂબજ જરૂરી છે. તેનાથી અંદર હવાની અવર-જવર થાય છે અને ખાતર બનવાની પ્રક્રિયા ઝડપી થાય છે. ઉપરાંત તેમાંથી દુર્ગંધ પણ નથી આવતી.

Compost bin
Make holes in the bucket

ખાસ ધ્યાન રાખો કે, જે ઢાંકણ ડોલ કે માટલા પર ઢાંકો, તેના પર કોઈ કાણું ન પાડવું. સાથે-સાથે ડોલની નીચે મૂકવા માટે કોઈ જૂનું ઢાંકણ કે ડોલ રાખવું અને તેમાં કોઈ કાણું ન પાડવું.

કાણાં પાડ્યા બાદ ઘરમાં એવી કોઈ જગ્યા શોધો, જ્યાં રોશની અને હવા તો સારી રીતે આવતી હોય, પરંતુ સીધો તડકો આવતો ન હોય. આ જગ્યાએ સૌથી પહેલાં એક ઢાંકણ કે જૂની ડોલ મૂકો અને તેના ઉપર ખાતરવાળી ડોલ મૂકો.
હવે ડોલમાં સૌપ્રથમ સૂકાં પાન કે કાગળના ટુકડા પાથરો અને એક લેયર બનાવો.

ત્યારબાદ બીજુ પડ બગીચાની માટીનું બનાવો. માટી બહુ વધારે ન હોવી જોઈએ, થોડી જ રાખવી.
તેના ઉપર ભીનો કચરો એટલે કે ફળ અને શાકભાજીનાં છોતરાં નાખો.
ભીના કચરાના પરતની ઉપર છાણીયું ખાતર નાખો. જો છાણીયું ખાતર ન હોય તો, થોડું દહીં કે છાસ પણ નાખી શકાય છે. છાણ, દહીં કે છાસમાં રહેલ સૂક્ષ્મજીવો કચરાને ખાતરમાં ફેરવવાનું કામ કરે છે. તેનાથી કચરો જલદીથી સડે છે અને ગળીને ખાતરમાં પરિવર્તિત થાય છે.

ત્યારબાદ તેના પર ફરીથી સૂકાં પાન કે ઘાસ નાખો. આ પ્રક્રિયા ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી બધો જ ભીનો કચરો અંદર ન જાય. ત્યારબાદ તેના ઉપર થોડું પાણી છાંટી શકાય છે.

gardening

ત્યારબાદ ડોલ કે માટલાને ઉપરથી ઢાંકી દો.
રોજનો ઘરનો ભીનો કચરો આ રીતે ઢોલમાં નાખતા રહો ઉપર સૂકાં પાન કે ઘાસ નાખતા રહો. આ માટે તમે તમારા ઘરના બગીચાનાં સૂકાં પાનનો ઉપયોગ પણ કરી શકો છો. આ દરમિયાન વચ્ચે-વચ્ચે કોઈ લાકડાની મદદથી તેને ઉપરનીચે કરી શકો છો. લગભગ એક મહિના બાદ તમે જોશો કે, કચરો ગળવા લાગ્યો હશે અને ડોલમાં નીચે બેસવા લાગ્યો હશે. સાથે-સાથે ડોલની નીચે તમે જે ઢાંકણ કે ડોલ મૂકી હશે તેમાં ઘાટા રંગનું પાણી ભેગું થયું હશે. આ તરલ ખાતર છે, તેને તમે પાણીમાં મિક્સ કરી છોડને પાઈ શકો છો.

આ સિવાય, આ તરલ ખાતરને તમે પાછું કંપોસ્ટિંગ બિનમાં પણ નાખી શકો છો. જેનાથી ખાતર ઝડપી બનશે. તમારી એક ડોલ ભરાઈ જાય એટલે બીજી ડોલ કે વાસણમાં ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવી. કચરામાંથી સંપૂર્ણ ખાતર બનવામાં બે થી અઢી મહિના લાગે છે. પરંતુ આ રીતે જે ખાતર બને છે તેની ગુણવત્તા બહુ જ જબરદસ્ત હોય છે.

તો રાહ કોની જુઓ છો, અને તમારા ઘરમાં નજર કરો કે, તમે ખાતર બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને આજથી જ શરૂ કરો ઝાડ-છોડ માટે ખાતર બનાવવાનું.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: #DIY: તમે પણ આ છ રીતે ફૂલ-ઝાડ માટે બનાવી શકો છો પૉટિંગ મિક્સ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon