Search Icon
Nav Arrow
Gardening
Gardening

આ ગૃહિણી સિઝનલ શાકભાજીની સાથે સાથે સીતાફળ, કેળા, ડ્રેગન ફ્રૂટ અને શેરડી સુધી, ઉગાડી રહી છે ધાબામાં

માધવી ગુત્તિકોંડા પાસેથી જાણો છત પર ફળ અને શાકભાજી ઉગાડવાનું સિક્રેટ!

લોકો હંમેશાં કહે છે કે સ્વસ્થ જીવન માટે, તંદુરસ્ત ખોરાકની સૌથી વધુ જરૂર હોય છે. આનો સૌથી સહેલો ઉપાય ગાર્ડનિંગ (બાગકામ) છે. જો તમને ગાર્ડનિંગનાં શોખીન છે, તો પછી તમે તમારા ટેરેસ પર બગીચો (Terrace Garden) બનાવીને તમારા રસોડા માટે બધું ઉગાડી શકો છો.

આજે ગાર્ડનગિરીમાં, અમે તમને આંધ્રપ્રદેશની એક એવી મહિલાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે ફક્ત તેના ટેરેસ પર ફળો અને શાકભાજી ઉગાડતી નથી, પણ લોકોને તેની યુટ્યુબ ચેનલ દ્વારા ગાર્ડનિંગ સાથે જોડી રહી છે.

Madhavi

વિશાખાપટ્ટનમમાં રહેતી માધવી ગુટીકોંડા એક ગૃહિણી, ટેરેસ ગાર્ડનર અને યુટ્યુબર છે. માધવી, જે 10 વર્ષથી વધુ સમયથી ગાર્ડનિંગ કરે છે, તેના બગીચામાં રસોઈ માટેની લગભગ બધી શાકભાજી ઉગાડે છે. તે બજારમાંથી ફક્ત ડુંગળી અને લસણ ખરીદે છે.

ગાર્ડનિંગ અંગે માધવીએ બેટર ઈન્ડિયાને કહ્યું, “મને નાનપણથી જ ફૂલો-છોડનો ખૂબ શોખ છે. જ્યારે હું મોટી થઈ, ત્યારે પણ મારો શોખ જાળવી રાખ્યો. મને જ્યાં પણ રંગીન ફૂલોનાં છોડ દેખાતા, હું તેમને ઘરે લાવીને લગાવી દેતી હતી. હું લગ્ન પછી પણ બાગકામ સાથે જોડાયેલી રહી. જ્યારે બાળકો મોટા થયા, ત્યારે મને પોતાને માટે વધુ સમય મળવા લાગ્યો. આ સમય દરમિયાન મેં મારા રસોડા માટે ગાર્ડનિંગ શરૂ કર્યું.”

Gardening Tips

માધવીએ કહ્યુ કે અગાઉ તે ફક્ત ફૂલોના છોડ રોપતી હતી. પરંતુ પછીથી, તેમણે શાકભાજી ઉગાડવાનું પણ નક્કી કર્યું. તે જણાવે છે, “મેં ધાણા, ફુદીનો, પાલક જેવા લીલા શાકભાજી વાવ્યા છે. જ્યારે મને સારા પરિણામો મળ્યાં, ત્યારે મેં વિચાર્યું કે હું અન્ય મોસમી શાકભાજી રોપવાનો પ્રયત્ન કરીશ. આ રીતે, કોબી, રીંગણ, કેપ્સિકમ, દૂધી, કોળું, અરબી જેવા શાકભાજી ઉગાવવા લાગી. પછી એક સમય એવો આવ્યો કે મારું ધ્યાન ફળો અને શાકભાજી પર કેન્દ્રિત થઈ ગયુ. મેં મારા બગીચામાં બજારમાં મળતી બધી શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. વળી, જુદા જુદા ફળનાં વૃક્ષો વાવ્યા.”

આજે તેમનું ટેરેસ ગાર્ડન તેના ઘરના ત્રીજા અને ચોથા માળે ફેલાયેલું છે. તે આશરે 1,750 ચોરસ ફૂટ વિસ્તારમાં ઝાડ-છોડ ઉગાડી રહી છે. તેની પાસે અહીં આશરે 800 કુંડા, ગ્રો-બેગ્સ અને અન્ય પ્રકારનાં કન્ટેનર છે જેમાં તે વૃક્ષો રોપે છે.

માધવી કહે છે, “મેં જ્યારે બાગકામ શરૂ કર્યું હતું ત્યારે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ થતો ન હતો. તેથી, રાસાયણ યુક્ત ખોરાક વિશે વધુ ચર્ચા થઈ ન હતી. પરંતુ હવે, બજારમાં શાકભાજીનો સ્વાદ અને ઘરે ઉગાડવામાં આવતી શાકભાજી વચ્ચેનો તફાવત સમજી શકાય છે. તેથી, એકવાર મને મારા પોતાના હાથથી ઉગાડેલા ફળો અને શાકભાજી ખાવાની ટેવ પડી ગઈ,તો મેં ક્યારેય તેને બંધ કરવાનું વિચાર્યું નહીં.”

Organic Vegetables
Organic Vegetables

છત પર કેળા અને શેરડી પણ ઉગાડ્યા:

માધવી કહે છે કે જ્યારે પણ તે વિવિધ પ્રકારના શાકભાજી અથવા ફળ જુએ છે, ત્યારે તે તેને તેના બગીચામાં ઉગાડવાનો પ્રયત્ન કરે છે. તે બીજમાંથી તમામ પ્રકારના વૃક્ષો રોપવાનું પસંદ કરે છે. માધવી કહે છે, “જ્યારે તમે બીજમાંથી છોડ રોપશો ત્યારે તેના વિશે તમારું જ્ઞાન વધે છે. તમે જાણો છો કે બીજને અંકુર ફૂટવામાં કેટલા દિવસ લાગે છે, કેવા પ્રકારની માટી અને ખાતર યોગ્ય છે અને તમે તેને કેવી રીતે પોષણ કરી શકો છો. આની મદદથી, તમે અન્ય લોકોને વધુ અને વધુ માહિતી પણ આપી શકો છો.”

વિવિધ આબોહવા વિશે વાત કરીએ, તે આખા વર્ષ દરમિયાન 50થી વધુ જાતના શાકભાજી ઉગાડે છે. તેણી વિવિધ પ્રકારની શાકભાજીઓ જેમ કે, રીંગણા, દૂધી, મૂળા, મરચા વગેરે ઉગાડે છે. કાળા રીંગણા ઉપરાંત તે લીલા લાંબા રીંગણા પણ ઉગાડે છે. તેમણે સફેદ મૂળો તેમજ લાલ મૂળો, ટામેટાંની 4-5 જાતો, સરગવો, કઠોળ, ટિંડોરા, મરચા, ભીંડા, મીઠો લીમડો, કારેલાં, તુરિયા, કોળુ, કેપ્સિકમ, રોઝમેરી, અશ્વગંધા, કારેલાં જેવા શાકભાજી ઉગાડી રહી છે. મોસમી શાકભાજીઓ સિવાય તેઓ લીંબુ, જામફળ, જમરૂખ (Water Apple), સીતાફળ, કેળા, ડ્રેગન ફ્રૂટ જેવા ઝાડ પણ ધરાવે છે.

Organic Fruits

તે કહે છે, “તમે આમાં વિશ્વાસ નહીં કરો પરંતુ હું મારા ટેરેસ પર શેરડી પણ ઉગાડું છું. જો તમે નક્કી કરી લો તો કંઈપણ મુશ્કેલ નથી. શરૂઆતમાં તે મુશ્કેલ છે, પરંતુ જ્યારે તમને ઉપજ મળે છે, ત્યારે લાગે છે કે બધી મહેનત વસૂલ થઈ ગઈ છે. તમારા પરિવારને શુદ્ધ, રાસાયણ રહિત અને પોષણયુક્ત ખોરાક મેળી રહ્યો છે, તમને વધુ શું જોઈએ.”

પડોશીઓને પણ વહેંચે છે શાકભાજી

માધવીના બગીચાના ફળો અને શાકભાજી ફક્ત તેના રસોડામાં જ નહીં, પરંતુ તેની ઘરેલું સહાયના રસોડામાં પણ ખોરાક બનાવે છે. તે જણાવે છે કે આટલા મોટા બગીચાને એકલા રાખવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેથી, તેની ઘરેલું સહાયિકા પણ તેને બગીચાના કામોમાં મદદ કરે છે. જ્યારે પણ તે બગીચામાંથી કોઈપણ ફળ અથવા શાકભાજી લે છે, તે સૌ પ્રથમ તે તેને ઘરેલું સહાયિકાને આપે છે. તે કહે છે, “તે માત્ર મારો બગીચો નથી. તે મારી સાથે સખત મહેનત પણ કરે છે, તેથી જે બગીચામાં ઉગે છે, તેની ઉપર તેનો પણ અધિકાર છે.”

આ ઉપરાંત, જો તેના ઘરે શાકભાજીઓ બચી જાય છે, તો તેણી તેને તેના પડોશીઓને મોકલે છે. તેમના પડોશીઓ તેમના ઘરેથી આવતી શાકભાજીની રાહ જુએ છે. માધવી કહે છે કે આસપાસના ઘણા લોકોએ તેમની પાસેથી પ્રેરણા લઈને બાગકામ શરૂ કર્યું છે.

તેનો હેતુ ફક્ત શાકભાજી ઉગાડવાનો નથી, પરંતુ તે પોતાનું જ્ઞાન અન્ય લોકો સાથે વહેંચે છે જેથી અન્ય લોકોને પણ પોતાનો ખોરાક ઉગાડવાની પ્રેરણા મળે.

આથી, તેમણે 2018માં તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તે કહે છે, “મારા પુત્રના મિત્રો અવારનવાર ભણવા અને રમવા માટે ઘરે આવતા હતા. તે હંમેશાં મારા બગીચામાં આંટા મારતા અને કહેતા હતા કે આન્ટી, તમારે તમારું બાગકામનું જ્ઞાન ઓનલાઇન શેર કરવું જોઈએ. આની મદદથી તમે અન્યને બાગકામ પણ શીખવી શકો છો. પહેલા મને યુટ્યુબ વિશે વધારે ખબર નહોતી, પણ પછી મેં તેની શરૂઆત પણ કરી દીધી.”

આજે તેમની યુટ્યુબ ચેનલ ‘મેડ ગાર્ડનર‘ના ચાર લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. માધવી તેલુગુ ભાષામાં બધા વીડિયો રેકોર્ડ કરે છે. તે કહે છે, “સામાન્ય લોકો પણ મારી વાત સમજે, તેથી મેં તેલુગુ ભાષામાં ચેનલ શરૂ કરી. મેં વિચાર્યું ન હતું પણ, મને પહેલાં જ દિવસથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અલગ અલગ જગ્યાએથી લોકો મારી સાથે જોડાવા લાગ્યા અને હવે અમે બધા એક પરિવાર જેવા છીએ.”

માધવી ફક્ત તેના બગીચા અથવા વૃક્ષો અને છોડ વિશે જ વિડિઓઝ બનાવતી નથી. તેણી તેની દરેક વિડિઓઝને આ હેતુથી બનાવે છે કે કોઈને જોયા પછી ચોક્કસપણે બાગકામ શરૂ કરશે. જો તે કોઈ ફળ અથવા શાકભાજી ઉગાડવામાં નિષ્ફળ જાય છે, તો તેણી તેની ચેનલ પર પણ તેના વિશે વાત કરે છે. તેમનું માનવું છે કે આનાથી લોકોનો આત્મવિશ્વાસ વધે છે કે ‘બાગકામ’ ફક્ત કેટલાક લોકો માટે જ નથી. કોઈપણ બાગકામ કરી શકે છે.

Expert Tips

બાગકામ વિશે કેટલીક વિશેષ ટીપ્સ:

માધવી જેઓ બાગકામ કરવા માંગતા હોય તેઓ માટે કેટલીક ટીપ્સ પણ શેર કરી રહ્યાં છે:

· કુંડા અથવા ગ્રો બેગ્સમાં શાકભાજી ઉગાડવા માટે તમને પોષણથી ભરપુર પોર્ટિંગ મિક્સ જોઈશે. તેના માટે હંમેશા માટીમાં છાણનું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ,રેત, સૂકાં પાંદડા, નીમખળી અને કોકોપીટ વગેરે મિક્સ કરો, સાથે જ છત પર જો ગાર્ડનિંગ કરી રહ્યા છો તો કુંડાની જગ્યાએ ગ્રો બેગ્સનો ઉપયોગ કરો, તેનાંથી છત પર વજન ઓછું થશે.

· ઝાડ-છોડ રોપતી વખતે, ધ્યાનમાં પણ રાખો કે તે જગ્યાએ સૂર્યપ્રકાશ સારો આવતો હોય. ઉપરાંત, છોડને તેમની જરૂરિયાત મુજબ પાણી આપો. કોથમીર, ફુદીનો, પાલક જેવા શાકભાજીથી પ્રારંભ કરો.

· ઘરના કાર્બનિક કચરા જેવા કે ફળ-શાકભાજી અને ઇંડાની છાલોને ફેંકી દેવાને બદલે, તમે જમીનમાં મિક્સ કરી શકો છો અને છોડ માટે પોષણ તૈયાર કરી શકો છો. એ જ રીતે, તમે તમારા ઘરમાં ખાલી બોટલ અથવા કન્ટેનરનો ઉપયોગ પોટ્સ તરીકે કરી શકો છો.

· જો તમારા ઘરમાં ઝાડ અને છોડ છે અને જો તેમાં વધારે પાંદડા ખરે છે, તો પછી આ પાંદડા સૂકવીને તમે તેનો ઉપયોગ ‘મલ્ચિંગ’ (ઘાસ-પંદડાથી ઢાંકવુ) માટે કરી શકો છો. છોડને પાણી આપીને ઉપર આ પાંદડાને કુંડામાં ચારેયબાજુ પાથરી દો. તેનાંથી માટીમાં લાંબા સમય સુધી ભેજ બની રહે છે.

માધવી કહે છે, “મારા માટે મારા બધા વૃક્ષ બાળકો જેવા છે. જેમ હું મારા બાળકો વિશે વિચારું છું, તેમનું ધ્યાન રાખું છું, એવી જ રીતે આનું પણ હું ધ્યાન રાખું છું. બદલામાં તેઓ મારી સંભાળ રાખે છે. જો તમે છોડ પર થોડું ધ્યાન આપો તો તે બદલામાં તમને ઘણું બધું આપે છે.”

· શહેરોમાં, જે લોકોના ઘરોમાં ઓછી જગ્યા હોય છે તે દિવાલ પર ‘વર્ટિકલ ગાર્ડનિંગ’ કરી શકે છે અને નાના અને હળવા છોડ ઉગાડી શકે છે.

· છોડમાં ક્યારેય કોઈ રસાયણો ઉમેરશો નહીં. તેમને શરૂઆતથી જૈવિક રાખવાનો પ્રયત્ન કરો. તેમાં તમને થોડો સમય લાગશે પરંતુ તમે જે પણ ઉગાડો તે તંદુરસ્ત, શુદ્ધ અને પોષણથી ભરપુર હશે.

અંતમાં તે બસ એટલું જ કહે છેકે, જો તે ગાર્ડનિંગ કરી શકે છે તો કોઈ પણ કરી શકે છે, જરૂરત છે તો બસ એક શરૂઆત કરવાની. એટલા માટે આજે જ શરૂઆત કરો અને પોતાનું ખાવાનું જાતે જ ઉગાડવાનાં પ્રયાસો કરો. તમે માધવી સાથે તેનાં ઈંસ્ટાગ્રામ પેજ પર પણ જોડાઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: #ગાર્ડનગિરીઃ એક્સપર્ટ પાસેથી જાણો, ગાર્ડનિંગ, ખાતર, બીજ અને છોડમાં જીવાતથી બચાવની જાણકારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon