પૂણેના રહેવાસી ધ્રુવંગ હિંગમિરે અને પ્રિયંકા ગુંજિકર વ્યવસાયે આર્કિટેક્ટ છે, પરંતુ આ બંને સામાન્ય આર્કિટેક્ટથી થોડા અલગ છે. ધ્રુવંગ અને પ્રિયંકા માત્ર ઘરની ડિઝાઇન જ કરતા નથી પરંતુ તેને ઘર પણ બનાવે છે. તે એવા આર્કિટેક્ચર પર કામ કરે છે જે ઇમારતો તૈયાર કરવા માટે પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને આ કામથી સ્થાનિક મજૂરોને રોજગારી પણ મળી શકે.
ત્રણ વર્ષ પહેલા તેમણે ‘બિલ્ડિંગ ઇન મડ’ થી શરૂઆત કરી હતી. ત્યારથી લઇ આજ સુધીમાં તેમણે પોતાની સ્પેશિયલ ટેક્નિકનો ઉપયોગ કરીને છ ઘરનું નિર્માણ કર્યું છે. આ સાથે અન્ય ત્રણ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યાં છે.
ઉદાહરણ તરીકે હમણાં જ તેમણે મુંબઇ-પૂણે વચ્ચે આવેલા કામશેત શહેર પાસેના થોરન ગામમાં એક ઘર બનાવ્યું છે.

ધ્રુવંગ અને પ્રિયંકા
જંગલ પાસેના એક પહાડી ઢોળાવ પરના વિસ્તારનો સૌથી પહેલા તેમણે સરવે કર્યો હતો. જેથી તેઓ કુદરતી રીતે અહીંથી મળી શકનારી ચીજવસ્તુની જાણકારી મેળવી શકે.
ધ્રુવંગે ધ બેટર ઇન્ડિયા સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, સ્થાનિક લોકો જે પથ્થરનો ઉપયોગ કરીને પોતાના ઘર બનાવે છે તેવા કાળા પથ્થર મોટી માત્રામાં અહીંથી મળ્યાં હતાં. અમને જાણવા મળ્યું કે, આ પથ્થર ભારે હોવાથી તેને ઉપર ઉઠાવવામાં ઘણી મુશ્કેલી થતી હોવાથી સાત ફૂટથી વધુ ઉંચાઇએ તેનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. તેના સિવાય ઇંટોનો ઉપયોગ કરાતો હતો કારણકે ત્યાંની માટી ખૂબ સારી હતી.
જોકે, આ ઇંટોને જોડવા માટે સિમેન્ટના સ્થાને માટીના લીપણનો ઉપયોગ કરતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર માટે તેઓ માટીના લીપણ સાથે કાળા પથ્થરનો ઉપયોગ કરતા હતા. સાત ફૂટ પછી સ્થાનિક મજૂરો માટીના લીપણ સાથે ઇંટોનું ચણતર કરતા હતા. બે માળ બાદ ત્રીજા માળે માટી, ઇંટો અને લાકડાનો ઉપયોગ કરી માત્ર એક નાનો રૂમ બનાવ્યો હતો. ધાબા માટે પારંપારીક સાગના સ્થાને ‘એન’ નામના સ્થાનિક લાકડાનો ઉપયોગ કર્યો હતો.
ધ્રુવંગ જણાવે છેકે, જ્યારે તમે સાગનો ઉપયોગ એક નિર્માણ સામગ્રી તરીકે કરો છો ત્યારે તમે એક રીતે મોનોકલ્ચરને પ્રોત્સાહિત કરી રહ્યાં છો. અમે વન વિભાગના ઘણા અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતોને સાગના છોડ વાવતા જોઇએ છે, જે વાતાવરણને નુકસાન પહોંચાડે છે. એટલે કોઇ એક જ પ્રકારના લાકડાના સ્થાને અમે એન, હીડૂ, જામુલ અને શિવા જેવા વિભિન્ન પ્રકારના સ્થાનિક લાકડાનો ઉપયોગ કરીએ છે.

કામશેતના ઘરની બહારની તસવીર
જોકે પૂણેના એક ગ્રાહક એવું ઘર ઇચ્છતા હતા કે જેની વધારે સારસંભાળ રાખવાની જરૂર ન પડે. આ તે ગ્રાહકનું બીજુ ઘર હતું એટલે આ ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇનીંગ પણ તે જ પ્રમાણે કરવું હતું. આ ઘરને પણ બાકીના મકાનોની જેમ જ બનાવવામાં આવ્યું પરંતુ તેમાં માટીના લીપણના સ્થાને ચૂનાના પ્લાસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી ઘરની સારસંભાળ સારી રાખી શકાય કારણકે પારંપારીક ચૂનાના પ્લાસ્ટરને કોઇ પણ પ્રકારના ઇમારતના નિર્માણ માટે સારા વિકલ્પ તરીકે માનવામાં આવે છે. સિમેન્ટની સરખામણીમાં આ વધારે સારૂ કહેવાય છે કારણકે સમયની સાથે તે મજબૂત પણ થાય છે. જ્યારે થોડા જ વર્ષોમાં સિમેન્ટના પ્લાસ્ટરમાં તિરોડો પડવા લાગે છે.
ધ્રુવંગે જણાવ્યું કે, અમારે પર્યાવરણ અને ગ્રાહકની ઇચ્છાઓ વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે. ભોરની પાસે અમારા પહેલા પ્રોજેક્ટમાં ગ્રાહક પોતાના ઘરને થોડું ગ્રામીણ રૂપ આપવા માંગતા હતા. જેથી અમે ઘરની અંદર પ્લાસ્ટર કર્યું ન હતું. કામશેત પ્રોજેક્ટમાં ઓછી સારસંભાળવાળું ઘર જોઇતું હતું. જેથી અમે સિમેન્ટના સ્થાને ચૂનાના પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો હતો. સિમેન્ટ પર્યાવરણ માટે પણ સારો નથી, જ્યારે ચૂનો પૂરેપૂરી રીતે રિસાયકલ થઇ જાય છે.
ઉનાળામાં ચૂનો ગરમીને રોકવામાં મદદ કરે છે અને શિયાળામાં ઘરને ગરમ રાખવામાં મદદ કરે છે. જ્યારે એક તરફ ચૂનો દિવસમાં ગરમીને શોષે છે ત્યારે રાતમાં ગરમી બહાર છોડે છે.
પથ્થર અને ઇંટોની સાથે ચૂના અને માટીના મિશ્રણથી બનેલી ઇમારતોમાં હવાની અવરજવરની શક્યતાઓ રહેલી છે. પરંતુ જ્યારે તમે સિમેન્ટનો ઉપયોગ કરો છો ત્યારે ઘરની દીવાલોમાંથી હવા આરપાર થવી અસંભવ થઇ જાય છે. એ જ કારણ છેકે ઘર ઘણી વાર વધારે ગરમ થઇ જાય છે.

કામશેત ઘરની અંદરનો ભાગ
ધ્રુવંગ જણાવે છેકે, અમારો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમે ઘરની અંદર અને બહારના તાપમાનનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બહારનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે ઘરની અંદરનું તાપમાન માત્ર 25 ડિગ્રી હતું. આ પ્રકારના વાતાવરણમાં તમને એર કન્ડીશનની પણ જરૂર રહેતી નથી. ઉનાળામાં સૌથી ઉપરના રૂમ સિવાય અમે ક્યાંય પંખાનો પણ ઉપયોગ કરતા ન હતા.
તેમનો આ પ્રોજેક્ટ લગભગ બે વર્ષ પહેલા શરૂ થયો હતો. અહીં એક સમસ્યા એ પણ હતી કે ત્યાં જે સામાન્ય મજૂર કામ કરી રહ્યા હતા તે કોઇ કારીગર નહીં પરંતુ સામાન્ય ખેડૂત હતા. આ ખેડૂતો પાક ઉગાડવાના સમયે ખેતીમાં જોતરાઇ જતા હોય છે. પહેલા માળના નિર્માણ પછી મજૂરોને ખેતી માટે પાછા જવું પડ્યું હતું. ચોમાસુ પૂર્ણ થયા બાદ તેમણે ફરી કામ શરૂ કર્યું.
આમ તો ઘરનું બાંઘકામ ચાર મહિનામાં થઇ જતું હોય છે પરંતુ બાદમાં ફિનિશિંગનું કામ પૂરૂ કરી તેને પૂર્ણરૂપે તૈયાર કરવામાં ચારથી પાંચ મહિના લાગી જાય છે.

કામશેતનું ઘર
પૂણેમાં જન્મેલા અને ઉછરેલા ધ્રુવંગે મુંબઇની રચના સંસદ એકેડમી ઓફ આર્કિટેક્ચરમાંથી એજ્યુકેશન કર્યું અને અહીં જ તેની મુલાકાત પ્રિયંકા સાથે થઇ હતી. કોલેજમાં તે એક બ્રિટિશ મૂળના સિનિયર ભારતીય આર્કિટેક્ટ માલકસિંહ ગીલથી ભારે પ્રભાવિત થયા હતા. માલકસિંહ ગીલ પ્રસિદ્વ લોરેંસ વિલ્ફ્રેડ ‘લોરી’ બેકરના વિદ્યાર્થી હતા. તે પર્યાવરણપ્રેમી હોવાની સાથોસાથ સંસ્કૃતિ પ્રત્યે સંવેદલનશીલતા ધરાવનાર આર્કિટેક્ટ હતા.
ધ્રુવંગના માતા-પિતા પણ પ્રખ્યાત આર્કિટેક્ટ છે. જે આવાસ-વાણિજ્ય પરિયોજના પર કામ કરી રહ્યાં છે. એકતરફ તેમના માતા-પિતાએ ધ્રુવંગને આર્કિટેક્ટ બનવા માટે પ્રેરિત કર્યા ત્યાં આજે ધ્રુવંગે જે માર્ગ અપનાવ્યો તે માલકસિંહથી પ્રેરિત છે. પ્રિયંકા એક ગોલ્ડમેડાલિસ્ટ હતી, જેને ધ્રુવંગની સાથે ખાસ પ્રકારના આર્કિટેક્ચરમાં આગળ વધવાનો નિર્ણય કર્યો.
કોલેજના અભ્યાસ દરમિયાન બનેલી વિશેષ ઘટના ધ્રુવંગને આ દિશા તરફ ખેંચી લાવી.
ધ્રુવંગ તે ઘટનાને યાદ કરતા જણાવે છેકે, આર્કિટેક્ચરના ચોથા વર્ષમાં પ્રો. માલકસિંહે અમને ‘ઇકોલોજી અને આર્કિટેક્ચર’ એક વૈકલ્પિક વિષય ભણાવ્યો હતો. તેના માટે અમે મહારાષ્ટ્રના સતારા પાસેના એક ગામની વિઝિટ કરી હતી. જે એક દુષ્કાળગ્રસ્ત વિસ્તાર હતો. અમને ત્યાં બનાવાયેલા આર્કિટેક્ચર અને તેને બનાવવામાં વાપરવામાં આવેલી સામગ્રી વિષે અભ્યાસ કરવા મોકલ્યા હતા. જ્યાં અમે એક વૃદ્વ મહિલાનું એક નાનું અને સુંદર માટીનું ઘર જોયું હતું.
તમામ વિદ્યાર્થી તે ઘરનું ડ્રોઇંગ સ્કેચ બનાવી રહ્યાં હતાં. આ દરમિયાન ધ્રુવંગે ઘર બનાવનાર મહિલા સાથે વાતચીત કરી.
વૃદ્વ મહિલાએ પોતના ઘરની દીવાલો પર ગાયના ગોબર અને માટીનું પ્લાસ્ટરમાં પોતાની બંગડીઓને પણ મિક્ષ કરી દીધી હતી. જેનાથી ઘરની ડિઝાઇનમાં તેમને પોતાનો અલગ એક સ્પર્શ પણ જોડી દીધો હતો.

ગામનું ઘર
ધ્રુવંગ તે ઘટનાને યાદ કરતા જણાવે છેકે, તેમણે અમને ચા માટે પૂછ્યું હતું. આ ગામમાં ત્યારે એેક અઠવાડિયાથી પાણી આવ્યું ન હતું અને તેમને ટેન્કરથી માત્ર બે ડોલ પાણી મળતું હતું. તેમ છતાં તે આ દસ વિદ્યાર્થીઓને ચા પીવડાવવાની ઇચ્છા ધરાવતા હતા. ઘર બહુ સારી સ્થિતિમાં ન હતું કારણકે તે યોગ્ય રીતે સારસંભાળ રાખી શકે તેમ ન હતા. અમે 10 લોકોએ જેમને ચાર વર્ષ ઘર બનાવવાનો અભ્યાસ કર્યો હતો તે પેલા વૃદ્વા કે જે અમારા આતિથ્યમાં લાગેલા હતા તેમની મદદ કરવામાં અસમર્થ હતા. અમે સ્કેચ બનાવી શકતા હતા પરંતુ વ્યવહારીક રીતે ઘર કેવી રીતે બનાવાય છે તેનાથી અમે અજાણ હતા.
આ સમયે ધ્રુવંગે નિર્ણય કર્યો કે તે સામાન્ય આર્કિટેક્ચરમાં આગળ વધવાના સ્થાને પ્રેક્ટિકલી ઘર બનાવવાની દિશમાં કામ કરશે. એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ પ્રિયંકા અને ધ્રુવંગ બંનેએ ત્રણ વર્ષ માલકસિંહ સાથે કામ કર્યું. કુદરતી સામગ્રી અને સ્થાનિક ટેક્નિકનો ઉપયોગ શીખવાની દિશામાં આ મહાન આર્કિટેક્ટનો પ્રોજેક્ટ તેમના માટે ઘણા જ્ઞાનવર્ધક રહ્યો હતો. અભ્યાસ દરમિયાન માલકસિંહનો કોર્સ ભણતા અગાઉ ન તો તેમને માટીની ઇમારતોની જાણકારી હતી ન તો મજબૂત અને સ્થાયી આર્કિટેક્ચર વિશે કોઇ જાણકારી હતી.
તે અમને પ્રોજેક્ટ માટે ફિલ્ડ વિઝિટ પર લઇ ગયા હતા. જ્યાં અમે જાતે જ સ્ટ્ર્ક્ચર બનાવવામાં મદદ કરી અને માટીનું લીપણ બનાવવાથી લઇ ઘરની દીવાલો પણ બનાવી હતી. ઇમારતો અને સ્થાનિક જીવનશૈલીની જાણકારી મેળવવા માટે ગામોની મુલાકાત લીધી.
આ પ્રકારની ગામોની મુલાકાતથી ઘર નિર્માણ અંગેની ન માત્ર ટેક્નિકલ સમજ વધી સાથોસાથ સ્થાનિક લોકોની સાંસ્કૃતિક અને સામાજિક રીવાજોને જાણવાની તક મળી. આ દરમિયાન શીખવા મળ્યું કે, સ્થાનિક રીતે મળતી નિર્માણ સામગ્રી લોકોને કેવી પ્રભાવિત કરે છે અને સાંસ્કૃતિક અને ભૌગોલીક પરિસ્થિતી આર્કિટેક્ચર ડિઝાઇનમાં કેવી છાપ છોડી જાય છે.

સ્થાનિક મજૂરો સાથે કામ કર્યું
જ્યારે પણ પ્રિયંકા અને ધ્રુવંગને કોઇ પ્રોજેક્ટ મળે છે ત્યારે તે સ્થળ અને આસપાસના વિસ્તારની મુલાકાત લઇને જાતનિરીક્ષણ કરે છે. આ વિસ્તારમાં બનેલા ઘરો અને તેના નિર્માણકાર્યમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને આ સામગ્રી ક્યાંથી મળી શકશે તે અંગેની જાણકારી મેળવે છે. સાથોસાથ આ ઘરોના નિર્માણમાં કેવી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો પણ અભ્યાસ કરે છે.
ઉદાહરણ તરીકે, માટીના ઘરને બનાવવા માટે જળવાયુ ક્ષેત્રના આધારે જાત જાતની પધ્ધતિનો પ્રયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જ કિનારાના વિસ્તાર, આંતરિક વિસ્તારો અથવા ઘાટમાં મકાનનું નિર્માણકાર્ય ત્યાંની જળવાયુ સ્થિતિ પ્રમાણે બદલવામાં આવતી હોય છે. ધ્રુવંગ અને પ્રિયંકા પોતાની ડિઝાઇન અને નિર્માણ ટેક્નિકનો સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગ કરતા હોય છે.
ધ્રુવંગ જણાવે છેકે, કોંકણ તટ પર અમારો એક પ્રોજેક્ટ ચાલતો હતો. ત્યાં અમે લાલ લેટરાઇટ પથ્થરનો નિર્માણકાર્યમાં ઉપયોગ કરતા હતા. અમે લાકડાનો પણ ઘણો ઉપયોગ કરીએ છે કારણકે પારંપારીક ઘરોમાં તેનો વપરાશ વધુ હોય છે. તે ભૂકંપ અને વાવાઝોડા સામે ટકી રહે છે. આ ઇમારતની ચારે બાજુના 20થી 30 કિલોમીટરના વિસ્તારની તમામ બાબતોનું વિશ્લેષણ કરીએ છે. જેથી નિર્માણકાર્યના ઉપયોગમાં લેવાની સામગ્રી અને ટેક્નિકને નક્કી કરી શકાય.
કુદરતી સામગ્રી માટે અમારી પાસે ઘણા વિકલ્પ છે. જેથી ક્યારેક મહારાષ્ટ્રના આંતરિક વિસ્તારમાં મળતા બેસાલ્ટ પથ્થર તો ક્યારેક કિનારાના વિસ્તારમાં મળતા લાલ પથ્થરનો ઉપયોગ કરતા હોઇએ છે. જો કુદરતી સામગ્રીને કોઇ અન્ય વિસ્તારમાંથી લવાય તો તેના ઉપયોગનો કોઇ મતલબ રહેતો નથી. કેમકે તે ઘરમાં પછી કોઇ સ્થાનિક સ્પર્શ રહે જ નહીં. ભલે ઇમારત પ્રાકૃતિક વસ્તુઓથી બનેલી હોય પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોય તે જરૂરી નથી. સામગ્રીને ઓછામાં ઓછું પ્રોસેસિંગ કરીને વપરાશમાં લેવામાં આવે છે.
ઘર કેમિકલ્સના પ્રભાવમાં ન આવે તે માટે નિર્માણકાર્યમાં ઉપયોગમાં લેવાતા લાકડાને પોલિશ કરતા નથી. લાકડાને પોલિશ કરવાથી તેનામાં ઘણાં પરિવર્તન આવી જાય છે, જેમાં પછી ફેરફાર કરી શકાતો નથી. જેથી અમે પોલિશના સ્થાને પારંપારીક તેલનો ઉપયોગ કરીએ છે.
ઘરને શક્ય તેટલું દેશી અને પારંપારીક બનાવવું તે અમારી ડિઝાઇનીંગનો મહત્વપૂર્ણ ભાગ છે. ધ્રુવંગ જણાવે છેકે, અમે નથી માનતા કે કોઇ પણ ડિઝાઇનમાં તેને તૈયાર કરનાર આર્કિટેક્ટની આભા જોવા મળવી જોઇએ. ઘર કે ઇમારત જેટલું વધારે સ્થાનિક પર્યાવરણ, જમીન અને આસપાસના વાતાવરણને ભળતું હોય તેટલું વધારે સારુ કહેવાય. મને લાગે છેકે આ જ એક મહત્ત્વપૂર્ણ સ્તર હોય છે જ્યાં આર્કિટેક્ટ પોતાની કળા દેખાડી શકે છે. પર્યાવરણ પાસેથી શીખવું અને પર્યાવરણને જ કંઇક પરત કરવું તે અમારા આદર્શ છે.
ધ્રુવંગે પોતાના પ્રથમ પ્રોજેક્ટને યાદ કરતા પોતાના કામની આ રીત અંગે એક રાષ્ટ્રીય પ્રકાશનને જણાવ્યું હતું.
પૂણે જિલ્લાના ભોર નગરપાલિકાથી 25 કિલોમીટર દૂર ફાર્મહાઉસને ડિસેમ્બર 2016થી જાન્યુઆરી 2018 વચ્ચે તૈયાર કર્યું હતું.

ભોરનો પ્રોજેક્ટ
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માં ધ્રુવંગે લખ્યું કે, આજના સમયમાં શહેર આધુનિક વિકાસનો અડ્ડો બની ગયા છે. જ્યાં બધી મહેનત સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવામાં લગાવાઇ રહી છે. આજે કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર જેવા તજજ્ઞો આવી રહ્યા છે તો પણ નિર્માણની કુશળતા સામાન્ય થઇ ગઇ છે. ચીજવસ્તુ અને કુશળતા માટે હાર્ડવેરની દુકાનો જ વન સ્ટોપ સોલ્યુશન બની ગયા છે. પરંતુ આ વિકાસ બહુ મોટી કિંમતની ચૂકવણી સાથે થઇ રહ્યો છે. કોઇ નાનકડા ગામમાં પણ ઘર બનાવવા માટે ચીજવસ્તુ અને કુશળતા માટે નજીકના શહેરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. જેને ગામની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે.
એક ગ્રાહકે પથ્થર તોડવા માટે એક પારંપારીક કારીગરને પસંદ કર્યો હતો. જે જાતે પથ્થર તોડે છે, જેના કામમાં ભારોભાર કુશળતા અને સારી કામગીરી જોવા મળી રહી છે. જોકે તે ગ્રાહકે પથ્થર તોડવાની મશીન કરતા કારીગરને ઘણા વધારે રુપિયા ચૂકવ્યા હતા. તો પણ તેમને મશીનના સ્થાને મજૂરની મહેનતને પ્રાથમિકતા આપી છે.
તેમને સ્થાનિક કારીગરો સાથે કામ કરાવ્યું, જેમની પાસે સ્થાનિક મકાન-ઇમારતોના ડિઝાઇનની મૂળ સમજ હતી. જેથી તે લોકો જે કંઇ પણ નિર્માણ કરે છે તે ગુણવત્તાયુક્ત હોય છે. આ કારીગરો કુશળ તો હોય જ છે સાથે લાકડાની છત બનાવવા માટે કેવા પ્રકારના લાકડાની જરૂરત હોય છે તેની પણ તેમનામાં સારી સમજ હોય છે.
જેના પરિણામરૂપ પોતાનું એક ભવ્ય ઘર બનાવવામાં સફળ થાવ છો. જે લોકલ પ્રતિભાને રોજગારી આપવામાં પણ મદદરૂપ થાય છે. જોકે આ પારંપારીક પધ્ધતિઓને આંખો બંધ કરી કોપી કરવામાં કોઇ મતલબ રહેતો નથી.
ઉદાહરણ માટે માટીનું એક ઘર લઇ લો. ગામડામાં ઘર નિર્માણ સમયે પ્રકાશ અને વેન્ટીલેશન માટે કોઇ ખાસ જગ્યા રાખવાનો કોઇ અવકાશ હોતો જ નથી. આ એક માત્ર ખોટી ઘારણા છેકે માટીના ઘર અંધારિયા અને તેને વધારે સારસંભાળની જરૂર રહેતી હોય છે.
ધ્રુવંગ જણાવે છે કે, આપણે સમસ્યાઓને તેના મૂળમાંથી જ દૂર કરવી પડશે અને આપણે તે વાત માટે આંખ આડા કાન કરી ન શકીએ. આ સમસ્યાઓનું સારી ડિઝાઇન સાથે સમાધાન લાવી શકાય છે.
લોકલ મજૂરોને ડ્રોઇંગના સ્થાને મોડેલ દ્વારા સમજાવાય છે
ભોર પાસે તેમને જે પ્રોજેક્ટ કર્યો, તેનાથી પ્રભાવિત થઇને લોકલ મટિરિયલ સપ્લાયર કે જે ગામના સરપંચ પણ છે તેમને પોતાના ઘરના પુન: નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી છે.
શરૂઆતમાં તેઓ આ ઘરને તોડીને ફરી નવું બનાવવાનું વિચારી રહ્યાં હતાં. અમારી સાથે વાત કર્યા બાદ તેમણે આ ઘરને તોડવાનો વિચાર મનમાંથી નીકાળી દીધો. સાથે જ જેટલું બચાવી શકતા હતા તેટલું બચાવવાનો નિર્ણય કર્યો અને ફરીથી આયોજન શરૂ કરી દીધું. આ ખુલ્લા આંગણાવાળું મોટું ઘર હતું, જેને સંયુક્ત પરિવાર માટે બનાવાયું હતું. આ સંયુક્ત પરિવાર હવે ત્રણ અલગ અલગ પરિવારમાં વહેંચાઇ ગયો હતો. અમે આ ઘર માટે ફરીથી આયોજન શરૂ કર્યું અને છત માટે પૂર્ણરૂપે લાકડાનો જ ઉપયોગ કર્યો. ઘરના જૂના ઢાંચામાં કોઇ પણ ફેરફાર કર્યા વિના અમે તેવું જ ઘર બનાવી આપ્યું જેવી તેમની અપેક્ષા હતી. સામાન્ય રીતે લોકો જૂના ઘરને જમીનદોસ્ત કરી નાખતા હોય છે અને પછી ફરીથી નવું બનાવતા હોય છે. પરંતુ ઘણીવાર તે જરૂરિયાત વિનાનું અને વ્યર્થ હોય છે.
પછી પૈસાનું શું ? શું આ લોકો પોતાના એક સારા કરિયરને ગુમાવી રહ્યા છે?
ધ્રુવંગ કહે છેકે, અમે અમારા કામને કોઇ ભાર અને ત્યાગ રૂપે જોતા નથી. આ અમારુ સદભાગ્ય છેકે અમને આવી સુંદર અને કુદરતની નજીક કામ કરવાની તક મળી. ડિઝાઇનીંગ એક મહિનાની અંદર જ થઇ જતું હોવાથી અમે ઓફિસમાં વધારે કામ કરતા નથી. સામાન્ય રીતે બધા આર્કિટેક્ટ કામ કરવા માટે કોન્ટ્રાક્ટરને ડિઝાઇનનું એક ડ્રોઇંગ આપી દેતા હોય છે પરંતુ અમે સ્થાનિક લોકોની સાથે મળીને કામ કરીએ છે. કારીગર-મજૂરો ભલેને અભણ હોય પરંતુ તેઓ કોઇપણ આર્કિટેક્ટની સરખામણીમાં વધારે શિક્ષિત હોય છે કારણકે તેઓ જાણે છેકે નિર્માણકાર્ય કેવી રીતે કરવાનું છે. એક વાર લોરી બેકરે કહ્યું હતું કે આપણા ખરા શિક્ષકો તો ગામડાંમાં છે.
વધુ જાણકારી માટે ધ્રુવંગને dhruvang.hingmire@gmail.com પર મેઇલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.