Search Icon
Nav Arrow
Rajavi Jani
Rajavi Jani

ફાંકડુ અંગ્રેજી બોલતા સૂરતના કિન્નરે આત્મનિર્ભર બનવા શરૂ કરી ફરસાણની દુકાન

લૉકડાઉનમાં દેવું થયું છતાં ન હાર્યા, આજે સૂરતના અડાજણ વિસ્તારમાં ચલાવે છે ફરસાણની દુકાન

સવારથી દુકાનની દોડ-ભાગ બાદ બપોરે એક વાગે જમવા માટે રાજવીએ બ્રેક લીધો, તે સમયે અમને પણ તેમને મળવાની તક મળી. આ વાત છે સૂરતની એક એવી કિન્નરની જે ફરસાણની દુકાનથી પોતાનું ગુજરાન ચલાવે છે અને સમાજ સામે એક નવો દાખલો ઊભો કરવા પ્રયત્ન કરી રહી છે.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં રાજવી જણાવે છે કે, “આજે હું જે પણ છું એ મારા પરિવારના સહકારના કારણે છું. જો તેમનો પૂરતો સહકાર મને મળ્યો ન હોત તો, આ સામાન્ય જીવન જીવવું મારા માટે ખૂબજ મુશ્કેલ બની જાત. સામાન્ય રીતે કિન્નરોને સમાજમાં બહુ ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.”

Rajavi Jani
Rajavi Jan

વધુમાં તેઓ કહે છે, “મારો જન્મ સૂરતના ઠાકોર પરિવારમાં થયો છે. મારા માતા-પિતાએ મારું નામ ચિતેયું રાખ્યું હતું અને દીકરા તરીકે જ મારું પાલન-પોષણ કરવામાં આવ્યું. મારી માતાએ મને અઢળક પ્રેમ આપ્યો. સામાન્ય રીતે આવું બાળક જન્મે તો લોકો કિન્નર સમાજને સોંપી દે છે, ત્યાં મારા પરિવારે આવું ન કર્યું. મને ભણાવી. હું કપડાં પણ છોકરાઓ જેવાં જ પહેરતી હતી. મારા માતા-પિતા સમાજ માટે પણ ઉદાહરણ છે કે, મારી જેમ જન્મનાર બાળકોને પણ સારી રીતે ઉછેરી શકાય છે, જેથી આગળ જતાં તેઓ સામાન્ય જીવન જીવી શકે.”

Kinnar

અત્યારે રાજવીની ઉંમર છે 34 વર્ષ છે. 32 વર્ષ સુધી સમાજ સામે તેમની ઓળખ છૂપાવવામાં આવી. સમાજના ડરના કારણે તેમનાં માતા-પિતા સમાજ સામે સ્વિકારી શકતા નહોંતા. પરંતુ 32 વર્ષની ઉંમર થતાં રાજવીને લાગ્યું કે, આ ખોટું છે, મારે સમાજ સામે મારી ઓળખ છૂપાવવી ન જોઈએ. પરંતુ સમાજ નહીં સ્વિકારે એ બીકે, તેમના પિતાએ કહ્યું કે, જો ખરેખર તું સમાજ સુધી સ્વિકારવા તૈયાર હોય તો, જાતે જ તારા પગ પર ઊભી થા. તેનાથી તેમને બહું દુ:ખ તો થયું પરંતુ હિંમત ન હાર્યા. સૌથી પહેલાં તો ઘર શોધવા નીકળ્યા, પરંતુ તેમાં પણ બહુ અડચણો આવી. લોકો તેમને ઘર આપવા પણ અચકાતા હતા. આ અંગે તેઓ કહે છે, “ભલે અમારો દેખાવ અલગ હોય, પરંતુ અમે અર્ધનારી છીએ. અમારાથી ગભરાવાની જરૂર નથી. કિન્નર ક્યારેય કોઈને બદદુઆ નથી આપતા, હંમેશાં બધાંને આશિર્વાદ જ આપે છે. ગુજરાતમાં હું ચોથી કિન્નર છું, જે આજે પોતાનો વ્યવસાય કરે છે અને ખરેખર પ્રોત્સાહન આપવાની જરૂર છે.”

Surat

ફાંકડુ અંગ્રેજી બોલતી રાજવી અંગ્રેજી મિડિયમમાં ભણી છે, એમસીએ સુધી ભણી છે. 10 વર્ષ સુધી તેમણે અંગ્રેજી મીડિયમનાં બાળકોને ટ્યૂશન પણ આપ્યું. ત્યાં પણા બાળકો કે તેમનાં વાલીઓ દ્વારા કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં નથી આવ્યો. તે સમયે તેમની ઓળખ છૂપાવવામાં આવી હતી. પરંતુ સમાજ સામે ઓળખ લાવ્યા બાદ તેમણે પેટ શોપ ખોલી. પરંતુ અચાનક કોરોનાના કારણે લૉકડાઉન લગાતાં અચાનક દુકાન બંધ થઈ ગઈ. પ્રાણીઓને ખવડાવવાની પણ તકલીફ પડવા લાગી. અને આમાં જ તેમને દેવું પણ થઈ ગયું. જીવનના આ પડાવમાં તેમને બહુ તકલીફો સહન કરવી પડી.

આ દરમિયાન ગત વર્ષે નવરાત્રીના પહેલા દિવસે તેમના માનેલા ભાઈ જેકે સોનીની મદદ અને સહકારની ફરસાણની દુકાન ખોલી. અત્યારે નિલેશભાઈ નામનો એક યુવાન તેમની દુકાનમાં કામ પણ કરે છે. બે વર્ષ પહેલાં શરૂ થયેલ સંઘર્ષની આ સફરમાં હવે લોકો ધીરે-ધીરે તેમને સ્વિકારતા થયા છે.

આ બાબતે વિગતે વાત કરતાં રાજવી જણાવે છે, “આપણે બધા પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. સૂરત સિંગાપૂર બને એવું તો બધાં ઈચ્છે છે, પરંતુ આ પહેલાં આપણે આપણી વિચારસરણી પણ સિંગાપૂર જેવી કરવી પડશે, તો જ સફળતા મળશે. જો લોકો અમને અને અમારા કામના સ્વિકારશે તો, અમારા જેવા બીજા પણ ઘણા લોકો આમ આત્મનિર્ભર બનવા પ્રેરાશે. શરૂઆતમાં લોકો મારી દુકાનમાં આવતાં ડરતા હતા, પરંતુ હવે તેમની વિચારસરણીમાં ધીરે-ધીરે બદલાવ આવી રહ્યો છે. હવે લોકો દુકાનમાં આવતા પણ થયા છે અને અહીંથી સામાન પણ ખરીદતા થયા છે, જેનાથી મને દિવસનો 500-700 નો વકરો થઈ જાય છે.”

Jagruti Namkin

રાજવીએ તેમની દુકાનનું નામ તેમની મમ્મીના નામ પરથી ‘જાગૃતિ નમકીન રાખ્યું છે’, કારણકે તેઓ માને છે કે, આજે તેઓ જે પણ છે, તે તેમની મમ્મીના સાથ-સહકાર અને પાલન-પોષણના કારણે જ છે. તેઓ વિવિધ ગૃહઉદ્યોગોમાંથી ફરસાણ લાવી તેમની આ દુકાનમાં વેચે છે. જેના કારણે નાના-નાના ગૃહઉદ્યોગની બહેનોને પણ રોજગારી મળી રહે છે. અત્યારે તેઓ સૂરતમાં પાલનપુર જકાતનાકા પાસે ભાડાના ઘરમાં રહે છે. અને સુરતમાં અડાજણ વિસ્તારમાં અયોધ્યાનગરી રોડ પર કેદારનાથ અપાર્ટમેન્ટ્સમાં તેમની દુકાન છે. તેઓ ઈચ્છે છે કે, તેમનો આ ધંધો વિકસે તો તેઓ તેમના જેવા બીજા લોકોને પણ આત્મનિર્ભર બનવામાં મદદ કરી શકે. જો તમે સૂરતમાં રહેતા હોય અથવા ક્યારેક સૂરત જવાનું થાય તો, ચોક્કસથી તેમની મુલાકાત લેજો ઉપર આપેલ સરનામા પર, તમને પણ ચોક્કસથી ગમી જશે તેમનો જુસ્સો અને ભાવના.

નાનપણથી 32 વર્ષના થયા ત્યાં સુધી પરિવાર સાથે રહેતા હોવા છતાં 12 વર્ષની ઉંમરથી જ સૂરત કિન્નર મંડળ સાથે જોડાયેલા હતા. તેમને કિન્નર મંડળના સાથીઓનો પણ ભરપૂર પ્રેમ મળ્યો છે. આજે ગુજરાતના લગભગ 95% કિન્નર તેમને ઓળખે છે અને તેમને મદદ પણ કરે છે.

ધીરે-ધીરે સમાજમાં આવી રહેલ બદલાવ અને દેશભરમાં જાગૃતિના કારણે હવે લોકો તેમને અને તેમના આ વ્યવસાયને સ્વીકારતા થયા છે. આ જોતાં તેમને પણ આશા છે કે, આગામી ભવિષ્યમાં આ ભેદભાવ પણ દૂર થશે અને તેમના જેવા બીજા ઘણા લોકો આત્મનિર્ભર બની સકશે. ધ બેટર ઈન્ડિયા પણ તેમના આ અભિગમ અને હિંમતને બિરદાવે છે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે રાજવીનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, 9714965654 નંબર પર તેમનો સંપર્ક કરી શકો છો.

આ પણ વાંચો: અમદાવાદની આ 100% પ્રાકૃતિક રેસ્ટોરેન્ટ બનાવવામાં આવી છે હળદર, માટી & ફરીથી ઉપયોગમાં લેવાયેલ શણથી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon