ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતાં દીપાંશુ ધરિયા છેલ્લા 6 વર્ષોથી હજારો વૃક્ષો અને છોડોનું બાગકામ કરે છે. આટલું જ નહીં, તેણે પોતાની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે, જેના દ્વારા તે લાખો લોકોને બાગકામથી સંબંધિત ટીપ્સ પણ આપે છે.
ગુરૂકુળ કાંગડી યુનિવર્સિટી, હરિદ્વારથી ગણિતમાં માસ્ટર્સ કરનારા દીપાંશુનાં ઘરમાં પીપળો, વાણિયો, કેરી, આમલી અને બોંસાઈ જેવા ઘણાં વૃક્ષો છે અને સતાવર, ગિલોય જેવા ઘણા ઔષધીય છોડ, દ્રાક્ષ અને પાનની વેલો પણ છે.
દિપાંશુએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “હું વર્ષ 2014થી બાગકામ કરું છું. શરૂઆતમાં મેં મારી આજુબાજુ ઉપલબ્ધ સાઈગસ અને ગુલાબના 5-10 જેટલા રોપાઓ ઘરનાં બેકાર ડબ્બાઓમાં રોપ્યા હતા, પરંતુ આજે મારી પાસે 3000થી વધુ છોડ છે. મારા દરેક છોડની એક વિશિષ્ટતા છે અને મોટાભાગના બોંસાઈ ઝાડ છે.”

તેઓ વધુમાં કહે છે, “હું એવા છોડને પ્રાધાન્ય આપું છું જે મોસમી છોડ કરતાં ઘણા વર્ષો સુધી ટકી રહે છે. મને લાગે છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી, મારા છોડ પણ હોવા જોઈએ.”
ખાસ વાત એ છે કે દીપાંશુ તેના એક છોડની ગ્રાફ્ટિંગ (કલમ બાંધવું) ઘણા છોડ બનાવી લે છે. એટલે સુધી કે તેઓ પોતાના ઘરની દિવાલો ઉપર ઉગેલાં પીપળાનું ગ્રાફ્ટિંગ કરીને 2-3 પ્રકારનાં વૃક્ષો બનાવી ચૂક્યા છે.

બાગકામનો વિચાર કેવી રીતે આવ્યો?
દિપાંશુ કહે છે, “જ્યારે હું 10 વર્ષનો હતો, ત્યારે મારા પિતાનું નિધન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. આ પછી, મે અને મારા મોટા ભાઈએ આજીવિકા માટે થેલા બનાવવાનું શરૂ કર્યું હતુ. જો કે, તેમાં વધુ કમાણી થઈ શકતી નથી. તેથી ઘરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, અમે વી-માર્ટ મોલમાં કામ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન હું સ્થાનિક મંદિરના પૂજારીને મળ્યો અને તેમણે અમારી નોકરી મંદિરમાં લગાવી દીધી. જેને કારણે મારો ઘણો સમય બચતો હતો અને મારો બાગકામ તરફનો ઝુકાવ વધવા લાગ્યો.”

બાગકામ કરવાની પદ્ધતિ શું છે
દીપાંશુ જણાવે છે, “હું શરૂઆતથી જ છોડોનું ગ્રાફ્ટિંગ અને ક્રાફ્ટિંગ કરી રહ્યો છું. છેલ્લાં 5-6 વર્ષો દરમિયાન, મેં મારા બોંસાઈનાં ઝાડને એવાં આકાર આપ્યા છે કે તે થોડા પણ વધે નહીં, પણ તેમની સુંદરતા દિવસેને દિવસે વધતી જાય છે. જો મારા કોઈપણ છોડની સૂકાવાની સંભાવના હોય છે, તો હું તરત જ તેનો વિકલ્પ તૈયાર કરું છું, જેથી બગીચામાં એક ભાવ બની રહે.”

દીપાંશુ તેનાં છોડો માટે ગાય-ભેંસનાં છાણથી બનેલાં ખાતરનો ઉપયોગ કરવાની સાથે જ, તે પોતાના કુંડાને એક સ્થાનિક કુંભાર પાસે પોતાની ઈચ્છાનુસાર બનાવે છે.
તેને લઈને તેઓ કહે છે, “હું માટીના કુંડાનો ઉપયોગ એટલા માટે કરું છું કારણ કે તેનાંથી છોડને પૂરતી હવા મળે છે.” તો, પ્લાસ્ટિક અથવા ધાતુના વાસણો મોંઘા હોવાની સાથે સાથે છોડનાં સ્વાસ્થ્ય માટે અનુકૂળ પણ હોતા નથી. હું એવી રીતે સિંચાઈ કરું છું કે જમીનમાં સડો ન થાય અને છોડને કોઈ નુકસાન ન થાય.”

યુટ્યુબ પર લાખો લોકો જુએ છે
દીપાંશુ, લોકોને બાગકામથી સંબંધિત જરૂરી ટિપ્સ આપવા માટે વર્ષ 2018થી તેની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, જ્યાં તેને દર મહિને 1.5 થી 2 લાખ લોકો જુએ છે. આ ઉપરાંત, જેઓ બાગકામ કરવાની ચાહ રાખે છે તેમને ફ્રીમાં છોડ પણ આપે છે, એ પણ એ શરતે કે છોડ સુકાવો ન જોઈએ.

શું આપે છે સલાહ
· 80:20ના પ્રમાણમાં માટી અને ખાતરનું મિશ્રણ બનાવો.
· માત્ર ભેજ જાળવવા માટે સિંચાઈ કરો.
· નિયમિતરૂપે કટિંગ કરવાનું રાખો જેથી છોડ ખૂબ મોટો ન થઈ શકે.
· વર્ષમાં એકવાર, છોડને એક કુંડામાંથી બીજા કુંડામાં ટ્રાન્સફર કરો. આ સમય દરમિયાન, છોડના મૂળમાંથી માટીને ખૂબ કાળજીપૂર્વક દૂર કરો.
· દિપાંશુ જણાવે છે કે બાગકામની પહેલી શરત એ છે કે તમારા છોડને પ્રેમ કરવાને બદલે તેમની સંભાળ રાખો, જેથી તે જીવી શકે.
તેમના મતે, જો કોઈ છોડ ખરીદીને લગાવી રહ્યા છે, તો તેના માટે કોઈપણ સીઝન યોગ્ય છે. કારણ કે તેના મૂળ પહેલાંથી જ માટીમાં બનેલાં હોય છે. જો કે, વરસાદ પછીની ઋતુ કટિંગ અથવા બીજમાંથી છોડ તૈયાર કરવા માટે યોગ્ય છે.
દિપાંશુની યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ પણ વાંચો: માટી વગર જ શાકભાજી ઊગાડે છે બેંક ક્લર્ક, દર મહિને આવક 40 હજાર રૂપિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.