શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે રોજ પ્લાસ્ટિકની કેટલી વસ્તુઓનો ઉપયોગ કરો છો? વાત પછી ટૂથ બ્રશની હોય કે પછી આખો દિવસ ઓફિસમાં જેના પર કામ કરો છી તે કમ્પ્યૂટરની હોય. બજારમાંથી કોઈ સામાન લાવવાનો હોય, ટિફિન લાવવાનું-લઈ જવાનું હોય કે ખાવા-પીવાની કોઈ વસ્તુ કે પાણીની બોટલ, આપણે પ્લાસ્ટિક બેગ લઈને નીકળી પડીએ છીએ. ગામડાં હોય કે શહેર, દરેક જગ્યાએ બસ પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક છે. જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય તો બગડે જ છે, સાથે-સાથે શહેરોની ડ્રેનેજ સિસ્ટમમાં પણ વારંવાર પ્લાસ્ટિક ભરાઈ જાય છે, જેના કારણે ગટરો અને નાળાં જામ થાય છે. આપણે બધાં જ જાણીએ છીએ કે, પ્લાસ્ટિકથી થતી સમસ્યાઓ ખરેખર ગંભીર છે. પ્લાસ્ટિકને નાશ થવામાં ઓછામાં ઓછાં 500 થી 1000 વર્ષ લાગે છે, પરંતુ આ સમસ્યાને ખતમ કરવા આપણાથી શું થઈ શકે?
પ્લાસ્ટિક અને પૉલિથીનથી થતા નુકસાનને જોતાં પ્લાસ્ટિક સામે જંગ શરૂ કરી છે. છત્તીસગઢના રાયપુરમાં રહેતા સુરેન્દ્ર વૈરાગી અને તેમના પરિવારે શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક નવી જ પહેલ શરૂ કરી છે. સુરેન્દ્રની પત્ની આશા જૂની ચાદર, કપડાં કે બીન-ઉપયોગી કપડાંમાંથી થોલીઓ સીવીને બનાવે છે અને પછી સુરેન્દ્ર બાળકો અને મિત્રોની મદદથી આ થેલીઓ બજારમાં બધાંને મફતમાં વહેંચે છે.

પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે તે દરરોજ સાંજે બજારમાં જાય છે અને કપડાંની થેલીઓ આપે છે બધાંને અને સાથે-સાથે લોકોને પોલિથિનનો ઉપયોગ બંધ કરવા પણ વિનંતિ કરે છે.
આ શુભ કામની શરૂઆત તેમણે 15 ઑગષ્ટ, 2019 ના રોજ શરૂ કરી હતી. સુરેદ્ર જણાવે છે, “અમે પતિ-પત્ની ટીવી જોઈ રહ્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાન લોકોને પોલિથિનનો ઉપયોગ બંધ કરવા વિનંતિ કરી રહ્યા હતા. જેમાં વડાપ્રધાને કપડાની થેલીનો ઉપયોગ કરવા કહ્યું હતું.”
વડાપ્રધાનની આ વાત સાંભળી સુરેન્દ્ર અને તેમની પત્ની આશાએ પોતાની શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો નિર્ણય લીધો. તે જ દિવસે આશાએ 60 થેલીઓ બનાવી અને બાજુમાં જ શાકમાર્કેટમાં લોકોને આપી.

તેમણે થેલી આપવાની સાથે-સાથે લોકોને બે હાથ જોડી વિનંતિ પણ કરી કે, મહેરબાની કરીને કપડાની થેલીનો જ ઉપયોગ કરે. આ દંપતિએ જ્યારે આ ઝુંબેશ શરૂ કરી ત્યારે, તેઓ એકલાં જ હતાં, હવે લગભગ 30 લોકો તેમની સાથે જોડાયા છે અને તે પણ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર. સુરેન્દ્ર એક સળીયા બનાવતી કંપનીમાં કામ કરે છે. તેમને આડોશી-પડોશી અને સંબંધીઓ તરફથી જૂનાં કપડાં મળી જાય છે.
આ બાબતે સુરેન્દ્ર કહે છે, “મને ખબર છે કે, હું એકલો આખા શહેરને પોલિથિન મુક્ત ન કરી શકું, પરંતુ હું મારાથી જેટલું પણ થાય એ કરવાનો પ્રયત્ન કરું છું.”
સુરેન્દ્ર માને છે કે, આપણે બધા જ સમાધાન કરીને આગળ વધીએ છીએ. દરેક શહેરમાં પોલિથિનનો ઉપયોગ બંધ કરીએ અને પ્રયત્ન કરીએ કે આપણી આ આદત જ બદલીએ. જે પણ લોકો આ રીતે થેલીઓ બનાવી શકે છે તે બનાવીને લોકોને આપવાનું કામ કરે.
સુરેન્દ્ર અને તેમનો પરિવાર અત્યાર સુધીમાં 10,000 કરતાં પણ વધારે થેલીઓ લોકોને આપી ચૂક્યો છે. તેઓ આગામી સમયમાં હજી વધારે થેલીઓ લોકોને આપવા ઈચ્છે છે અને તેઓ તેમનું આ કામ ચાલું જ રાખશે.

સુરેન્દ્રની પત્ની આશા જણાવે છે, “હું ઈચ્છું છું કે, મારી રોજની બે-ત્રણ કલાકની મહેનતથી લોકોની આદત બદલાય અને લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે તો, મને બહુ બહુ જ ગમે. ઘણા લોકો અમને કહે છે કે, તારા એકલાથી આમ થેલીઓ વહેંચવાથી શું થશે, તું હું એમજ કહું છું કે, તમે પણ જોડાઓ, સાથે મળીને કામ કરશું તો અમે એકલા નહીં રહીએ.”
આશા ઘરનું કામ પતાવી થેલીઓ બનાવાનું કામ કરે છે અને હવે તો તેમનાં બાળકો પણ તેમના કામમાં મદદ કરે છે.
આ સિવાય કોરોના કાળમાં ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ ટાળવા તેઓ ઘરે કપડાના માસ્ક બનાવતા અને લોકોને વહેંચતા.

સુરેન્દ્રજી અને તેમના મિત્રોએ મળીને સેવા ટોળી નામનું એક ગૃપ બનાવ્યું છે. જેના અંતર્ગત તેમનો હંમેશાં એ જ પ્રયત્ન કરે છે કે, પ્લાસ્ટિક કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો ઉપયોગ ટાળવો અને અને લોકોને પણ આની સાથે જોડવા. આ માટે તેમણે વાસણ બેન્કની પણ શરૂઆત કરી છે. જેમાં તેઓ લોકોને પાર્ટીઝ કે પ્રસંગમાં કામ લાગે તેમાં બધાં જ સ્ટીલનાં વાસણ રાખે છે અને જે પણ વ્યક્તિને આની જરૂર હોય તેને મફતમાં વાપરવા આપે છે. અને પ્રસંગ પત્યે તેને પાછા આપી જવાના. જેથી લોકો બને ત્યાં સુધી ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને તેમની આ પહેલને બહુ સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે.

હવે તેમની આ ઝુંબેશની અસર પણ જોવા મળે છે. હવે બાજુના બજારમાં લોકો કપડાની થેલીનો ઉપયોગ કરવા લાગ્યા છે. સાથે-સાથે શાકભાજી અને ફળ વેચતા લોકો પણ ગ્રાહકોને પોલિથિનનો ઉપયોગ ન કરવા વિનંતિ કરે છે. સુરેન્દ્ર જણાવે છે કે, તેમના મિત્રો અને પડોસીઓએ પોલિથિનનો ઉપયોગ બંધ કર્યો છે અને બીજાંને પણ પ્રેરણા આપે છે.
સુરેન્દ્રના પ્રયત્નોને ખરેખર પ્રોત્સાહન આપવું જોઈએ અને આને જોતાં વહિવટી તંત્રે પણ નિયમ બનાવવો જોઈએ. તો સમાજને વધારે સારો બનાવવા માટે સામાન્ય વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
સુરેન્દ્ર વૈરાગી અને તેમના પરિવારને તેમના આ કામ માટે સલામ.
જો તમને પણ સુરેન્દ્ર વૈરાગીની આ પહેલ ગમી હોય અને તમે તેમની સાથે જોડાવા ઈચ્છતા હોય તો, 97133 80001 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: એક સમયે જ્યાં પીવાના પાણીના સાંસા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 700 કરોડ લિટર પાણીનો સંગ્રહ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.