હિંદુ ધર્મમાં સોળ સંસ્કારો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સંસ્કાર ત્યારે શરૂ થાય છે જ્યારે બાળક તેની માતાના ગર્ભમાં હોય છે અને જીવનના દરેક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થતા અંતિમ સંસ્કાર એટલે કે અંત્યેષ્ટિ પર સમાપ્ત થાય છે. પરંતુ દરેક વ્યક્તિમાં અંતિમ સંસ્કાર પ્રત્યે એક અલગ પ્રકારનો ડર હોય છે. આ જ કારણ છે કે આપણે બધા સ્મશાન જતા સમયે ડરીએ છીએ. મહિલાઓ અને બાળકોને ત્યાં જવા દેવામાં પણ આવતા નથી.
પરંતુ વર્ષ 2020માં, ગુજરાતના નાના શહેર અમલસાડમાં બનેલા ‘ઉડાન સ્મશાન’એ અગ્નિસંસ્કાર સંબંધિત લોકોની નિરાશાજનક વિચારસરણી બદલી નાખી છે. લગભગ ત્રણ વર્ષ પહેલા શહેરના અંધેશ્વર મહાદેવ ટ્રસ્ટે જૂની સ્મશાન ભૂમિને નવું રૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેણે d6thD design studioના હિમાંશુ પટેલનો સંપર્ક કર્યો.

હિમાંશુ છેલ્લા પાંચ વર્ષથી ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ ઈમારતોને લગતા પ્રોજેક્ટ કરી રહ્યા છે. અંધેશ્વર મહાદેવ ટ્રસ્ટના તમામ બાંધકામ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રિતેશ સોની કહે છે, “અમારા ટ્રસ્ટની જગ્યા પર બનેલું આ સ્મશાન જર્જરિત હાલતમાં હતું. ટ્રસ્ટના દરેક જણ ઇચ્છતા હતા કે તેના પર કંઈક કામ કરવું જોઈએ. અમે ડોનેશન દ્વારા કેટલુંક ભંડોળ એકત્ર કર્યુ હતુ. અમે ઈચ્છતા હતા કે ઓછા બજેટમાં સારો પ્રોજેક્ટ તૈયાર થાય. અમે હિમાંશુ વિશે જાણતા હતા કે તે આવા ટકાઉ પ્રોજેક્ટ બનાવવામાં નિષ્ણાત છે. તેથી જ અમે તેનો સંપર્ક કર્યો.”

હિમાંશુએ ટ્રસ્ટના વડા નિમેશ વશીના વિઝનને સમજીને તેમને ત્રણ ડિઝાઇન આપી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા હિમાંશુ કહે છે, “નિમેષ ઈચ્છતો હતો કે આ સમગ્ર જગ્યાનો સારો ઉપયોગ થાય. જો અહીં માત્ર સ્મશાન હોય તો સામાન્ય લોકો અહીં ક્યારેય ન આવતા. ત્યારે નિમેષ અને મેં સાથે મળીને તે જગ્યાએ એક પ્રકારનો બગીચો બનાવવાનું નક્કી કર્યું.”
તેઓ તેને ઓછામાં ઓછા બજેટમાં બનાવવા માંગતા હોવાથી તેમાં સ્થાનિક ચીકલીનાં કાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો, છત બનાવવા માટે પત્થરોની સાથે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બનાવી શકાય.
આર્કિટેક્ચરનું શ્રેષ્ઠ ઉદાહરણ
ઉડાન કુલ બે એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. તેના પ્રવેશ દ્વાર ઉત્તર અને પશ્ચિમ દિશામાં બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ તરફ પાંચ મીટરનો ઢાળ છે, જે નીચે જાય છે અને આ આખી જગ્યાને બે ભાગમાં વહેંચે છે. ઉપરના સ્તરે જાહેર બગીચાઓ છે, અને મુક્તિધામ નીચલા સ્તરે બાંધવામાં આવ્યું છે. બંને સ્તરો ઢાળવાળા માર્ગો એટલે કે રેમ્પ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આ રેમ્પને મુક્તિ-માર્ગ નામ આપવામાં આવ્યું છે.
ઉત્તર બાજુથી પ્રવેશ કરતી વખતે સ્મશાનનો કોઈ ભાગ દેખાતો નથી. જો કે, જ્યારે તમે અંદર આવો છો, ત્યારે તમને બે ચીમનીઓ, એક વિશાળ ત્રિશૂળ અને મોટી શિવ મૂર્તિ દેખાય છે.

હિમાંશુએ ઉપરના બગીચામાં લેન્ડસ્કેપિંગ કરીને સુંદર બગીચો બનાવ્યો છે. બાળકો માટે વૉકિંગ કોરિડોર અને રમવા માટેનો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.
હિમાંશુને આ કામ ફેબ્રુઆરી 2019માં મળ્યું હતું, જે તેણે માર્ચ 2020 પહેલા પૂરુ કર્યુ હતુ. આ બગીચામાં ભગવાનની અનેક મૂર્તિઓ અને કેટલાક સુવિચારો સાથે ધાર્મિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યુ છે. 15 ફૂટ નીચેના ભાગમાં પ્રાર્થનાસભા, લાકડા માટે સ્ટોર રૂમ વગેરે બનેલાં છે. નીચેના ભાગમાં સારું વેન્ટિલેશન મળી રહે તે માટે રેમ્પની દિવાલો પર બારીઓ બનાવવામાં આવી છે.
ખાસ વાત એ છે કે બે બાજુ ગેટ બનાવવાના કારણે ઉપરના બગીચામાં આવતા લોકોને અંતિમ સંસ્કાર કરવામાં કોઈ તકલીફ પડતી નથી. ઉપરાંત, રેમ્પની નજીક એક વેઈટિંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે આવતા લોકો બેસીને તેમના પ્રિયજનોને વિદાય આપી શકે છે.
હિમાંશુ કહે છે, “મને આ પ્રોજેક્ટ મળ્યો તેના થોડા સમય પહેલા જ મારા દાદાનું અવસાન થયું હતું. પછી સ્મશાનમાં જતી વખતે મેં વિચાર્યું કે શા માટે આપણે આપણા પ્રિયજનોને આવા નિરાશાજનક વાતાવરણમાં છોડીએ છીએ? તેથી મને પણ આ પ્રોજેક્ટ સાથે અંગત જોડાણ હતું. હું ઈચ્છતો હતો કે સ્મશાનભૂમિ પ્રત્યે લોકોની નિરાશાજનક વિચારસરણીમાં થોડો ફેરફાર થાય.”

શહેરને તેનો પહેલો બગીચો મળ્યો
આ પ્રોજેક્ટ કોરોનાની શરૂઆત પહેલા પૂર્ણ કરવામાં આવ્યો હતો અને કોરોના સમયગાળા દરમિયાન, તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં, બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક અહીં ચાલવા, કસરત કરવા અથવા યોગ કરવા માટે આવે છે. અમલસાડના રહેવાસી પુષ્પા પટેલ કહે છે, “તે સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમે ક્યારેય આવી જગ્યાની કલ્પના કરી ન હતી. તેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. અમારા ઘરે આવનાર દરેક મહેમાનને અમે ચોક્કસપણે ઉડાન ગાર્ડન બતાવવા લઈ જઈએ છીએ.”
હિમાંશુએ કહ્યું, “જ્યારે અમે બગીચા માટે શિવની મોટી મૂર્તિ લાવ્યા હતા. ત્યારે આખું શહેર જોવા માટે ઉમટી પડ્યું હતું. ત્યારે જ અમને ખબર હતી કે લોકોને તે ચોક્કસ ગમશે. અમે આ બગીચો ધાર્મિક વિચારથી બનાવ્યો છે, જેથી લોકો અહીં ગંદકી પણ ફેલાવતા નથી.”

પ્રિતેશ કહે છે, “આ બે એકરમાં ફેલાયેલી જગ્યા, આજે લોકો ખુશીથી ઉપયોગ કરી રહ્યા છે. તો, તેની ઉત્કૃષ્ટ ડિઝાઇનને કારણે, તમે જાણી પણ શકતા નથી કે નીચે એક સ્મશાન છે. તેથી ડરનો પ્રશ્ન જ ઊભો થતો નથી.”
ઉડાનના આ બે ભાગ આપણા જીવનના બે પાસાઓને પણ રજૂ કરે છે, ઉપરનો ભાગ આપણા સામાજિક જીવન સાથે સંકળાયેલો છે, જ્યારે નીચેનો ભાગ આપણા આંતરિક સત્યનું પ્રતીક છે.
મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઊંચી નોકરી છોડી વેરાન જમીનમાં બનાવ્યું વશિષ્ઠ ફાર્મ, વિદેશીઓ પણ આવે છે કુદરતનું સાનિધ્ય માણવા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.