લગભગ સાડા ચાર વર્ષથી દુબઈમાં રહેતાં સોનલબેન પટેલ કોરોનાના આ સંક્રમણકાળના કારણે ઊભી થયેલ સમસ્યાઓમાં જેમની નોકરી છૂટી ગઈ હોય કે, કંપની પગાર કાપીને આપતી હોય તેમના માટે આશીર્વાદરૂપ બન્યા છે અત્યારે.
સોનલબેન મૂળ ગુજરાતમાં બારડોલી પાસે સરભોન ગામનાં છે. તેમનાં સાસરિયાં અમેરિકામાં રહે છે, જ્યારે પતિ અને દીકરો ભારતમાં જ રહી પૂર્વજોની જમીન પર ખેતી કરે છે. સોનલબેન પાસે અમેરિકાના 10 વર્ષના વિઝા છે, પરંતુ તેઓ બે-ત્રણ વાર દુબઈ ફરવા ગયાં ત્યારથી તેમને દુબઈ ગમી ગયું અને ત્યાં વસવાનું નક્કી કરી દીધું. સોનલબેન અંગ્રેજી મિડિયમમાં ભણેલાં છે અને તેમના માટે દુબઈમાં સારી નોકરી મેળવવી પણ બહુ મુશ્કેલ નહોંતી, પરંતુ તેમને પહેલાંથી રસોઈનો શોખ બહુ છે. રસોઈનો શોખ તેમને તેમની મમ્મી તરફથી વારસામાં મળ્યો છે. એટલે પોતાના શોખથી રસોઈ કરી ખવડાવવા માટે જ તેમણે લોકોને જમાડવાનું શરૂ કર્યું. તેમના ત્યાં એવા લોકો જમવા જતા, કે ટિફિન મંગાવતા જે ભારતીયો દુબઈમાં એકલા રહેતા હોય.

આ ઉપરાંત ટિફિન સર્વિસ શરૂ કરવા અંગેની બીજી એક પ્રેરણા અંગે વાત કરતાં સોનલબેને કહ્યું, “મારા દિયર હિતેન્દ્ર પટેલ મારી સાથે જ રહે છે અહીં. તેઓ ઘરેથી ટિફિન લઈ જતા, એ વખતે ઓફિસમાં એવા ઘણા મિત્રો હોતા, જેમને કોઈ ટિફિન બનાવી આપનારું ન હોય અને વિદેશમાં ગુજરાતી ભાણુ જોઈ મન લલચાય. એટલે તે બધાને ખવડાવવા વધારે લઈ જવા લાગ્યા અને આમ, ધીરે-ધીરે ટિફિન સર્વિસ શરૂ કરી દીધી.”

ધ બેટર ઈન્ડિયા સાથે એક હ્રદયસ્પર્ષી અનુભવ શેર કરતાં સોનલબેને કહ્યું, “ભારતમાંથી મોટી નોકરી અને સોનેરી ભવિષ્યની તલાશમાં ઘણા લોકો પૂરતા પ્લાનિંગ વગર એજન્ટની મીઠી-મીઠી વાતોમાં ભરમાઈને અહીં આવી જાય છે. પછી અહીં આવ્યા બાદ જલદી નોકરી મળે નહીં. ભારતમાંથી જે પણ લઈને આવ્યા હોય એ પણ બહુ જલદી ખતમ થઈ જાય એટલે સ્થિતિ કફોડી બની જતી હોય છે. આવો જ એક યુવાન એકવાર મને દુબઈમાં મળ્યો, જેણે મારી પાસે ખાવા માટે મદદ માંગી. મોટાભાગે દુબઈમાં કોઈ ખાવા માટે કોઈ માંગે એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે, એટલે આ અનુભવ મારા દિલમાં ઘર કરી ગયો. મેં તેને તો તે સમયે ખવડાવ્યું પરંતુ મને થયું કે, આવા તો ઘણા લોકો હશે, જેઓ ઢગલે પૈસા ખર્ચીને આવ્યા હોવાથી પાછા નહીં જઈ શકતા હોય અને અહીં કફોડી પરિસ્થિતિમાં જીવતા હશે. આ લોકો ભૂખ્યા તો ન જ રહેવા જોઈએ. તેમને બે સમયનું ભોજન મળતું રહેશે તો, નોકરી પણ થોડા સમયમાં મળી જશે. બસ ત્યારથી જ મેં એવા દરેક વ્યક્તિને મફતમાં ખવડાવવાનું શરૂ કર્યું જેમની પાસે નોકરી ન હોય.”
કોરોનાના લૉકડાઉનમાં તો આ સમસ્યા બહુ વિકટ બની. ઘણા લોકોની નોકરી છૂટી તો ઘણા લોકોને આજે પણ પગાર કપાઈને આવે છે. પરંતુ સોનલબેનનાં દાદી હંમેશાં કહેતાં કે, આપણા ઘરેથી કોઈ ભૂખ્યું ન જવું જોઈએ. સોનલબેન સોશિયલ મીડિયા અને દુબઈમાં ભારતીયો માટે ચાલતાં વિવિધ ગૄપમાં ખાસ જાહેરાત મૂકે છે. જેમાં ખાસ લખે છે કે, નોકરી છૂટી ગઈ હોય તો જરા પણ અચકાયા વગર ફોન કરો અમે મફતમાં જમવાનું પહોંચાડશું, તો જે લોકોને પગાર કપાઈને આવતો હોય, તેમને જેટલા પણ પોસાય એટલા રૂપિયા જ આપવાના.

સોનલબેનનું પિયર એવું લક્ષ્મી રતન કુટુંબ, તેમનો 13 વર્ષનો દીકરો આર્યન અને પતિ પ્રતિવ તેમને આમાં પૂરતો સહકાર અને પ્રોત્સાહન આપે છે તો તેમની સાથે દુબઈમાં જ રહેતા તેમના બે દિયર હિતેન્દ્રભાઈ અને મનોજભાઇ દરેક ડગલે તેમની સાથે રહે છે. દીકરો અને પતિ ગુજરાતમાં રહે છે, પરંતુ સોનલબેન દર વર્ષે ગુજરાત આવે છે એકાદ મહિના માટે તો દીકરો અને પતિ પણ દુબઈ આવતા-જતા રહે છે. તેમના દિયર દુબઈમાં બહુ સારી કંપનીમાં ઊંચી પોસ્ટ પર નોકરી કરે છે. આ બધાંના સહકાર અને પ્રેમથી સોનલબેનને જુસ્સો મળતો રહે છે.
સવારે 5 વાગે ઊઠીને સોનલબેન એકલા હાથે રોજ 60 લોકો માટે જમવાનું બનાવે છે. ત્યારબાદ કેટલાક લોકો ઘરે આવીને જમી જાય છે તો કેટલાક લોકોને ટિફિન મોકલાવે છે. લૉકડાઉનમાં નોકરી ગુમાવનાર એક ભાઈ તેમનાં આ ટિફિન પહોંચાડવાનું કામ કરે છે. જેમને સોનલબેન બે સમય ગરમાગરમ જમાડવાની સાથે પગાર પણ આપે છે. બપોર સુધી બધાંને જમાડે અને બપોરે માંડ અડધો કલાક આરામ કરે ત્યાં સાંજના જમવાનું બનાવવાનો સમય થઈ જાય.
બપોરના આ આરામના સમયે જ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સોનલબેને કહ્યું, “હું ભેદભાવ વગર દરેક વ્યક્તિને જમાડું છું, પછી તે, ગુજરાતી હોય, મહારાષ્ટ્રીયન હોય, કેરળના હોય, ગોવાના હોય, મદ્રાસના હોય કે પછી પાકિસ્તાનના. આમ સોનલબેનના ત્યાં બે શાક, દાળ, ભાત, 6 રોટલી, પાપડ, સલાડ, અથાણુંની ફુલ થાળીના એક મહિનાના 350 દિરામ છે તો, એક શાક, ચાર રોટલી, દાળ-ભાત, સલાડની થાળીના મહિનાના 250 દિરામ છે. પરંતુ અત્યારે સાંજે જમવા આવતા લગભગ 40 લોકોની વાત કરવામાં આવે તો, તેમાંથી માત્ર 10 ટકા લોકો જ પૂરા પૈસા ચૂકવવા સક્ષમ છે, તો અડધાથી વધારે લો, અટધું બીલ જ ચૂકવી શકે છે. પરંતુ સોનલબેન આ બધામાં ક્યારેય કોઈ ભેદભાવ નથી રાખતા. બધાને એકસરખા પ્રેમભાવથી ખવડાવે છે.”
બે દિવસ પહેલાંનો જ એક બનાવ યાદ કરતાં સોનલબેન કહે છે, “મોડી સાંજે એક યુવાનનો કૉલ આવ્યો. પહેલાં તો તેણે ટિફિનની વાત કરી, પછી ધીરેથી કહ્યું કે, હમણાં મારી નોકરી છૂટી ગઈ છે. એટલે બહુ દિવસથી વિચારતો હતો પરંતુ કૉલ કરવાની હિંમત નહોંતી ચાલતી. તો મેં તેને તરત જ કહ્યું, ભાઈ આટલા દિવસ તકલીફ વેઠાતી હશે. હું બેઠી છું ને. જ્યાં સુધી તમને નોકરી ન મળે ત્યાં સુધી તમારી જમવાની જવાબદારી મારી. જ્યારે નોકરી મળે ત્યારે તમને પોસાય એટલા રૂપિયા આપજો. અને હું તમને નોકરી મેળવવામાં પણ મદદ કરીશ, ચિંતા ન કરતા.”

આવા તો ઘણા દાખલા છે. આમાંના મોટાભાગના લોકોને સોનલબેન આજદિન સુધી મળ્યાં પણ નથી, બસ તેમના સરનામે ટિફિન મોકલાવી દે છે. બસ કોઈ-કોઈ વાર ફોન પર વાત થઈ જાય છે. હિતેન્દ્રભાઈ અને મનોજભાઈ પણ તેમનાથી બનતી બધી જ મદદ કરે છે અને તેમની ઓફિસમાં પણ એવું હોઈ હોય, જેને ટિફિનની જરૂર હોય તો તેમના માટે જાતે જ ટિફિન લઈને જાય છે. પરંતુ કહેવાય છે કે, જ્યાં ચાહ હોય ત્યાં રાહ તેની જાતે જ મળી જાય છે. આજે દુબઈમાં સોનલબેનના ભોજનના ઘણા લોકો દિવાના છે. અને ઘણી કંપનીના મેનેજર સામેથી સોનલબેનને ફોન કરીને કહે છે, અમારા કર્મચારીઓને ટિફિન પહોંચાડજો, પૈસાની જવાબદારી અમારી.
કોરોનાના શરૂઆતના સમયમાં સોનલબેન પણ ભારતમાં હતાં અને ફ્લાઇટ્સ બંધ થઈ જતાં અહીં જ રહેવું પડ્યું હતું તેમને. તો તેઓ અહીં પણ ઘરે શાંતિથી નહોંતાં બેઠાં. આઈ એમ હ્યુમન ગૃપ સાથે મળીને તેમને હજારો લોકોને ભોજન પહોંચાડ્યું. તો તેમના પતિ પણ રિહેબિલેશન સેન્ટરમાં સેવાનું કામ કરે છે. માતા-પિતાના આ સંસ્કાર તેમના પુત્રમાં પણ આવ્યા છે. તેમનો પુત્ર હંમેશાં સોનલબેનને કહેતો રહે છે, “મમ્મી તું આ કામ ક્યારેય ન અટકાવતી. હું તમારી સાથે છું.” આટલી નાની ઉંમરમાં પણ તેને કોઈ ભૂખ્યું દેખાય કે શાળામાં કોઈ ગરીબ બાળક પાસે ભણવાનાં સાધનો ન હોય તો પોતાની પોકેટમનીમાંથી લાવી આપે છે.
વિદેશમાં પણ લોકોને ઊંધિયુ, પૂરી, કઢી, ખીચડી જેવી દેશી વાનગીઓ ખવડાવી સંતોષનો ઓડકાર ખાય છે સોનલબેન. વિદેશમાં પણ આ રીતે માનવતાની મહેક ફેલાવતાં ભારતીયો ત્યાં પણ આપણા દેશના સંસ્કાર દર્શાવે છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય ખાણીપીણીની વસ્તુઓ મેળવાનું જૂનું અને જાણીતું નામ એટલે પટેલ બ્રધર્સ સ્ટોર્સ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.