શું તમે ક્યારેક ‘વડાપાંઉ’થી કોઈને 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરતા સાંભળ્યું છે? ક્યારેય કોઈ એવા વડાપાંઉ વિક્રેતા વિશે સાંભળ્યું છે જેની સફળતા પર હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, આઈએમડી સ્વિટ્ઝરલેન્ડ અને આઈએસબી હૈદારાબાદ જેવી સંસ્થા સ્ટડી કેસ કરતી હોય? નહીં જ સાંભળ્યું હોય! તો મળો મુંબઈના ‘ગોલી વડાપાંઉ’ કંપનીના સંસ્થાપક વેંકટેશ અય્યરને, જેમણે ‘બોમ્બે બર્ગર’ કહેવામાં આવતા વડાપાંઉની એક કંપનીની શરૂઆત કરી હતી. આજે આ કંપનીના આખા દેશમાં 350 આઉટલેટ્સ છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા વેંકટશે જણાવ્યું કે, “જો તમે સારી રીતે અભ્યાસ નહીં કરો તો અંતે વડાપાંઉ જ વેચવા પડશે. જે બાળકો સારો અભ્યાસ નથી કરતા તેમણે અવારનવાર આવું સાંભળવું પડતું હોય છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. મોટાભાગના તમિલ બ્રાહ્મણની જેમ મારો પરિવાર પણ ઇચ્છતો હતો કે હું ભણીગણીને એન્જીનિયર, ડૉક્ટર કે પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું. પરિવારે એવું ક્યારેય ન્હોતું વિચાર્યું કે વડાપાંઉ વેચીને પણ મને એટલી જ સફળતા પ્રાપ્ત થશે.”

પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા વેંકટશે લગભગ 15 વર્ષ સુધી ફાઇનાન્સ સેક્ટરમાં કામ કર્યું હતું. પોતાના અનુભવ વિશે તેમણે જણાવ્યું કે, “વર્ષોથી મારી ઇચ્છા રિટેલ ક્ષેત્રને વધારે મજબૂત કરવાની હતી. હું ઇચ્છતો હતો કે જરૂરિયાતમંદ લોકોને વધારેમાં વધારે નોકરી મળે. મેં ફેબ્રુઆરી 2004માં ગોલી વડાપાંઉનો પ્રથમ સ્ટોલ થાણે જિલ્લાના કલ્યાણમાં શરૂ કર્યો હતો.”
વડાપાંઉ ફિલ્મોના ‘આઇટમ સોંગ’ જેવું
પોતાની કંપની વિશે વેંકટેશ કહે છે કે, “આપણે દરેક ઘરમાં ઇડલી, ઢોસા અને પોંગલ ખાઈએ છીએ. મારા માટે વડાપાંઉ ફિલ્મના આઈટમ સોંગ જેવું છે. કૉલેજ પાર્ટીથી લઈને પરિવારના કોઈ પ્રસંગ સુધી, વડાપાંઉની હાજરી ચોક્કસ હોય છે.”

ગોલી વડાપાંઉ નામ કેવી રીતે પડ્યું?
સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો બટાકાના મિશ્રણ સાથે તૈયાર કરેલા માવાના સૌથી પહેલા ચણાના લોટમાં ડૂબાડીને તેલમાં તળવામાં આવે છે, જેને ‘ગોલી’ કહેવામાં આવે છે. વેકટેંશ કહે છે કે, “જ્યારે મેં વડાપાંઉની દુકાન શરૂ કરવાનો વિચાર લોકો સમક્ષ રાખ્યો ત્યારે અનેલ લોકોએ મને પૂછ્યું હતું કે શું ગોલી (ગોળી) આપી રહ્યો છે? આ વાત મારા દિમાગમાં ઉતરી ગઈ હતી. હું મારી કંપનીનું નામ વિચારી રહ્યો હતો. આ દરમિયાન જ મારા દિમાગમાં ‘ગોલી’ શબ્દનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો.”
વડાપાંઉ વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું જ છે. જ્યારે પનીર વડાપાંઉ, શેઝવાન, મિક્સ વેજ, પાલખ મકાઈ, પનીર અને આલુ ટિક્કી પણ સ્ટોર પર લોકપ્રીય છે.
તેઓ કહે છે કે, “શું તમે ક્યારેય કોઈ લોકપ્રિય નાસ્તાના સ્વાદમાં ફેરફાર જોયો છે? હું એવું ઇચ્છતો હતો કે મારા તમામ ઉત્પાદનનો સ્વાદ દરેક આઉટલેટ પર સરખો રહે. લોકો ક્યાંક પણ અને કોઈ પણ દિવસે ખાય, સ્વાદમાં ફર્ક પડવો જોઈએ. નહીં.”

માર્કેટિંગની દ્રષ્ટિથી પણ કંપનીએ અલગ જ રણનીતિ અપનાવી હતી. આ અંગે વેંકટેશ કહે છે કે, “અમે ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી રીત શોધતા રહીઓ છીએ. જેમાં સમજી વિચારીને કોઈ ફિલ્મમાં બ્રાંન્ડને બતાવવાનો વિચાર પણ સામેલ છે. આ ઉપરાંત બસ સ્ટોપ પર ગોલી વડાપાંઉની જાહેરાત હોવી પણ છે. દેશભરના આઠ સપ્લાય સેન્ટર અને 20 કરોડ ગ્રાહકો સાથે કંપની સફળતાની રાહ પર અગ્રેસર છે.”

કંપનીના કામ ઉપરાંત વેંકટેશ જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે પણ કામ કરતા રહ્યા છે. આ અંગે તેમણે કહ્યુ કે, “કંપનીની સફળતા ઉપરાંત મારું સપનું છે કે સ્કૂલ છોડી ચૂકેલા 10 પાસ વિદ્યાર્થીઓને કામ કરવાનો મોકો આપવામાં આવે. મારી કંપનીમાં થ્રી ઈને મોટું સ્થાન છે. આ થ્રી ઈ છે- એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ.”
વેંકટેશ ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જીવનમાંથી ખૂબ જ પ્રભાવિત છે. જેમણે પોતાના કર્મચારીઓને સ્ટૉક વિકલ્પ પણ આપ્યો છે, આ ઉપરાંત પોતાનું આટલું મોટું નામ પણ બનાવ્યું છે.
ગોલી વડાપાંઉના માધ્યમથી વેંકટેશની ઇચ્છા વડાપાંઉને વૈશ્વિક બનાવવાની છે. તેઓ દેશી સ્ટ્રીટ ફૂડને દુનિયાભરમાં પ્રસિદ્ધ બનાવવા માંગે છે. ધ બેટર ઇન્ડિયા તેમની આ હિંમતને સલામ કરે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.