પ્રજ્ઞા અગ્રવાલ દિલ્હીમાં રહે છે. તેમના ઘરે એક બેન કામ કરવા આવે છે, તેમનું નામ છે પાર્વતી. એક દિવસ પ્રજ્ઞા એ જોયું કે, તેના ચહેરા પર વાગવાનાં ઘણાં નિશાન હતાં. આ બાબતે દિવસો સુધી વિચાર્યા બાદ તેમણે પાર્વતી સાથે વાત કરી.
પ્રજ્ઞાને જે વાતની આશંકા હતી, એવું જ કઈંક નીકળ્યું, આ બધાં નિશાન ઘરેલું હિંસાનાં જ હતાં. જોકે પાર્વતી માટે આ વાત રોજની હતી, તેણે ક્યારેય પતિને સામે જવાબ નહોંતો આપ્યો.
પરંતુ પ્રજ્ઞા માટે આ વાત બહુ મોટો હતી. પ્રજ્ઞાના ઘરે પાર્વતી છેલ્લાં 10 વર્ષથી કામ કરતી હતી. એટલે તેણે સમજાવ્યું કે, ઘરેલું હિંસા એ ગંભીર ગુનો છે અને તેણે તેનો પ્રતિકાર કરવો જોઈએ.
તો પાર્વતીએ કહ્યું, “તે અમારું ઘર ચલાવે છે. જો હું તેમનો વિરોધ કરું તો, તેઓ મને ઘરમાંથી કાઢી પણ મૂકે.”
આ પહેલાં સોશિયલ સેક્ટરમાં કામ કરી ચૂકેલ પ્રજ્ઞાને આ વાતનો તો અંદાજો હતો જ કે, ગરીબ પરિવારો માટે ઘરેલુ હિંસા સામાન્ય બાબત છે.
જોકે આ બધામાં આર્થિક સ્વતંત્રતા ખૂબજ મહત્વની છે. આર્થિક રીતે સ્વતંત્ર મહિલાઓ આ પ્રકારના અત્યાચાર સામે અવાજ ઉઠાવી શકે છે. એટલે પ્રજ્ઞાએ તેમની આવક માટે કઈંક મદદ કરવાનું વિચાર્યું.
આ માટે સૌથી પહેલાં તેમણે પાર્વતીને પાપડ અને સૂકા નાસ્તા બનાવવાનો સામાન ખરીદવામાં મદદ કરી. ત્યારબાદ પોતાના મિત્રો અને સંબંધીઓને આ જાતે બનાવેલ વસ્તુઓ વિશે જણાવી પાર્વતીને સામાન વેચવામાં મદદ કરી.

આજે ચાર વર્ષ બાદ, પાર્વતી ઓઆરસીઓ (ORganic COndiments) ની મુખ્ય સભ્ય છે.
ઓઆરસીઓ ઑર્ગેનિક મસાલાઓની એક બ્રાન્ડ છે. પ્રજ્ઞા અને તેમની 25 વર્ષની દીકરી, આધ્વિકાએ વંચિત મહિલાઓને સશક્ત બનાવવા માટે તેને શરૂ કર્યું હતું.
આ બાબતે પ્રજ્ઞાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “અમે વ્યવસાયિક રૂપે તેની શરૂઆત 2017 માં કરી હતી. અત્યારે અમે 100 મહિલાઓને રોજગાર આપીએ છીએ.”
વધુમાં તેઓ જણાવે છે, “આર્થિક સ્વતંત્રતા જ અમારા વ્યવસાયની સૌથી મોટી મૂડી છે. અમારાં બધાં જ ઉત્પાદનો 100% પ્રાકૄતિક છે. તમે જ્યારે પણ સામાન ખરીદો ત્યારે તમે સેંકડો મહિલાઓના જીવનમાં સ્વાભાવિક રૂપે બદલાવ લાવો છો.”
આ રીતે હવે પાર્વતી દર મહિને 7 હજાર કમાય છે. તે અત્યારે પણ તેના પતિ સાથે જ રહે છે. પરંતુ, તે જણાવે છે કે, આર્થિક સ્વતંત્રતાના કારણે ઘરેલુ હિંસા અટકી ગઈ છે.
આ બાબતે તે જણાવે છે, “હવે મારે મારી બધી જરૂરિયાતો માટે પતિ પાસેથી રૂપિયા માંગવા નથી પડતા. સૌથી સારી વાત એ છે કે, મને મારી નોકરી ગમે છે. હું મારા સહકર્મીઓ સાથે સમય પસાર કરું છું, તે મારા માટે પરિવાર જ છે. લોકો માટે શુદ્ધ મસાલા બનાવવાથી પણ અમને બહુ ખુશી મળે છે.”

આધ્વિકાએ ક્ષમતાને ઓળખી
પાર્વતીની વ્યવસાયિક ક્ષમતાને સૌથી પહેલાં આધ્વિકાએ ઓળખી. ત્યારબાદ, 2016 માં બીજી ચાર મહિલાઓ તેમની સાથે જોડાઈ.
તે સમયે આધ્વિકા કેલિફોર્નિયાથી એન્ટરપ્રેન્યોર ફેલોશિપ પૂરી કરીને ભારત પાછી ફરી હતી.
આધ્વિકા કહે છે, “કેટલીક ફેલોશિપ અને ઈન્ટર્નશિપ કર્યા બાદ, હું કઈંક મારું પોતાનું શરૂ કરવા ઈચ્છતી હતી. ત્યારબાદ ઑર્ગેનિક ઉત્પાદનોની વધતી જતી માંગ જોતાં, મેં આ ક્ષેત્રમાં કઈંક કરવાનું નક્કી કર્યું. અમે ઉત્પાદન તરીકે મસાલાઓની પસંદગી કરી કારણકે પેઢીઓથી આપણા ઘરમાં મસાલાઓનો ઉપયોગ થાય છે.”
શરૂઆતથી જ, મા-દિકરીની આ જોડી તેમનાં ઉત્પાદનોની ગુણવત્તા બાબતે કોઈ સમજૂતી કરવા નથી ઈચ્છતી. એટલે કાચો માલ મેળવવા માટે તેમણે ઘણા ઓર્ગેનિક ખેડૂતો શોધ્યા.
ત્યારબાદ, પોતાનાં ઉત્પાદનો વેચવા માટે સ્થાનિક દુકાનદારો અને વ્યાપારીઓનો સંપર્ક કર્યો. એકવાર બજાર પર પકડ બનાવ્યા બાદ, તેમણે આ ઉત્પાદનોને ઓનલાઈન વેચવાનાં શરૂ કર્યાં.
ત્યારબાદ વધુમાં વધુ મહિલાઓને કામ પર રાખવાની વાત પાર્વતીના વિસ્તારમાં ફટાફટ ફેલાઈ ગઈ. ઘણી મહિલાઓએ ઓઆરસીઓનો સંપર્ક કર્યો. મહિલાઓને કામ પર રાખ્યા બાદ, પ્રજ્ઞાએ તેમને કામ કરવાની રીત શીખવાડી.
ઓઆરસીઓની ખાસિયત શું છે
ઓઆરસીઓમાં બધા જ મસાલાઓને કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ અને કૃત્રિમ રંગો વગર તૈયાર કરવામાં આવે છે. અહીં ત્રણ પ્રક્રિયાઓનું ઝીણવટથી પાલન કરવામાં આવે છે.
આ બાબતે પાર્વતી કહે છે, “અહીં બે મહિલાઓ કાચા માલને તેમના હાથથી જાતે જ સાફ કરે છે. ત્યારબાદ એક સુપરવાઈઝર તેને તપાસે છે. ત્યારબાદ મસાલાઓને પથ્થરથી વાટ્યા બાદ તેને દળવામાં આવે છે. તેમાં બે મહિલાઓની જરૂર પડે છે. સારા પરિણામ માટે ખૂબજ ધીરજ અને શક્તિની જરૂર પડે છે.”

આ બાબતે નોએડામાં રહેતા અનુરાગ શર્મા જણાવે છે, “અહીં તેમની પાસેથી છેલ્લાં અઢી વર્ષથી વસ્તુઓ ઓનલાઈન ખરીદુ છું. સામાન્યરીતે ગરમ મસાલા અને હળદર મંગાવીએ છીએ. તે હાથથી બનાવવામાં આવેલ હોવાથી, તેનો મૂળ સ્વાદ અને સુગંધ હંમેશાં જળવાઈ રહે છે. ગ્રાહકોને તેને ખરીદવામાં જરા પણ તકલીફ નથી પડતી.”
વેન્ચર દ્વારા પેકિંગ માટે હાથથી બનાવેલ પેપર પેકેજિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે. આમ તેમની આ આખી પ્રક્રિયા ઈકો-ફ્રેન્ડલી છે.
અહીં દરર્રોજ લગભગ 20 પ્રકારના 100 કિલો મસાલા બનાવવામાં આવે છે. તેમણે બ્રાઉન મસ્ટર્ડ, હિમાલયન પિંક સૉલ્ટ, આમચૂર, ચા મસાલો જેવા ખાસ મસાલા બનાવવા એક શેફ પણ રાખ્યા છે.
કેવી રીતે કર્યો મુશ્કેલીઓનો સામનો
આજના સમયમાં બિઝનેસ કરવો સરળ નથી. ખાસ કરીને, જ્યારે ગ્રાહકોને નિર્માણ પ્રક્રિયા વિશે વિસ્તારથી સમજાવવામાં આવે.
આધ્વિકા કહે છે, “હાથે બનાવેલ મસાલાનો સ્વાદ ખાસ બદલાતો નથી. એટલે ગ્રાહકોને તેની વિશેષતા વિશે સમજાવવું બહુ મુશ્કેલ છે. અમારાં ઉત્પાદનોના રોજિંદા ઉપયોગ બાદ જ તેમાં રહેલ વિશેષતાને સમજી શકાય છે.”
ઓઆરસીઓએ પડકારોનો સામનો કરવા માટે અલગ-અલગ પ્રકારનાં બજાર તપાસ્યાં. તેઓ બહુ જલદી મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં ઘણાં ક્ષેત્રોમાં પણ પોતાનાં વેન્ચર શરૂ કરવાનું વિચારી રહ્યા છે.
એટલું જ નહીં, તેમણે પોતાની વેબસાઇટ પર સુપરફૂડ્સ અને સૂકામેવાનું વેચાણ પણ શરૂ કર્યું છે.
તેમના ગ્રાહકો ધીરે-ધીરે વધી રહ્યા છે, પરંતુ જે પણ ગ્રાહક એકવાર તેમની પાસેથી ખરીદે, બીજી વાર તેઓ બીજે નથી જગ્યા. શરૂઆતના દિવસમાં તેમની પાસે ગ્રાહકોની સંખ્યા માત્ર 25 જ હતી. પરંતુ અત્યારે વેબસાઇટ પર દર મહિને લગભગ 30,000 ગ્રાહકો આવે છે.
વિડીયો જુઓ–
તમે અહીં ઓઆરસીઓનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: પરિવારનાં ડેરી ફાર્મને આગળ વધારનારી 21 વર્ષીય શ્રદ્ધા ધવન, મહિને કરે છે 6 લાખ રૂપિયાની કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.