Search Icon
Nav Arrow
Vruddhi Chandra
Vruddhi Chandra

ફક્ત 180 રૂપિયાથી શરૂ કર્યો છોડનાં આ બિઝનેસ, આજે દર મહિને કમાય છે 30 હજાર

એક સમયે વૃદ્ધિ ચંદ્ર મૌર્યની આર્થિક પરિસ્થિતી થઈ ગઈ હતી ખરાબ, નર્સરીનો બિઝનેસ કરીને કરે છે સારી કમાણી

આ સ્ટોરી ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના નિચલૌલના નિવાસી વૃદ્ધિચંદ્ર મૌર્યની છે. 2003ની આસપાસ, તેમની આર્થિક સ્થિતિ ઘણી કથળી હતી. પરિસ્થિતી એવી હતી કે તેમનું ઘર ચલાવવું મુશ્કેલ હતું.

જો કે, એક પરિચિત ડોક્ટરની સલાહથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

તેઓ જણાવે છે, “હું ફક્ત 8મું પાસ છું અને મારી પાસે માત્ર 0.35 એકર જમીન છે. મારી પાસે કમાણીનું કોઈ સાધન નહોતું. 2003માં મારી હાલત ખૂબ જ નાજુક બની હતી. મારી પરિસ્થિતિ જોઈને પશુપાલન વિભાગના ડોક્ટર સરોજે મને નર્સરી ખોલવાનું સૂચન કર્યું. કારણ કે, તે એક એવું કામ હતું જેને વધારે મૂડી અને જમીનની જરૂર નહોતી.”

આ પછી, તેમણે બાકીના 180 રૂપિયાથી વૃક્ષો અને છોડનું કામ શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં, તેની પાસે 5-7 છોડ હતા અને તે ગામડાઓમાં ફરી-ફરીને સાઈકલ પર તેમના છોડ વેચતા હતા.

Vruddhi Chandra Maurya
Vruddhi Chandra Maurya

તે જણાવે છે, “હું રાત્રે નર્સરીનું કામ કરતો હતો, અને દિવસ દરમિયાન છોડને સાઇકલમાં ફરી-ફરીને વેચવાનું કામ કરતો હતો. પ્રથમ બે વર્ષમાં, મેં તેમાંથી મેળવેલા બધા પૈસા મારી નર્સરીમાં લગાવી દીધા હતા. તેનાથી મને મારું કામ આગળ વધારવામાં મદદ મળી.”

આજે મૌર્યની નર્સરીમાં 1000 થી વધુ રોપાઓ છે, જેમાંથી તેઓ દર મહિને 30 હજાર રૂપિયા કમાય છે. વળી, તેમની ‘ક્રિષ્ના હાઇટેક નર્સરી’ માં, તેઓ અન્ય ચારથી પાંચ લોકોને નિયમિત રોજગાર આપી રહ્યા છે.

તે જણાવે છે કે તેમની પાસે કેરી, દાડમ, લીચી, સફરજન, ચીકુ, કાજુ, અખરોટ, નારંગી જેવા છોડ છે, જ્યારે ફૂલોમાં ગુલાબ, ગલગોટા, પિટોનિયા જેવા છોડ છે. તેમની પાસે બ્રહ્મ કમલ, કલ્પવૃક્ષ અને રુદ્રાક્ષ જેવા દુર્લભ છોડનો સંગ્રહ પણ છે.

એટલે સુધીકે, તેમની પાસે પીપળો, કેળ અને કેરીનાં બોનસાઈ ઝાડ પણ છે, જેને તેઓ જાતે તૈયાર કરે છે.

Nursery Business

‘ઓલ ટાઈમ મેંગો’ છે સૌથી ખાસ

મૌર્ય કહે છે, “મારી પાસે ‘ઓલ ટાઇમ મેંગો’ ની સૌથી વધુ માંગ છે.” મેં અત્યાર સુધી તેના લગભગ 30 હજાર છોડ વેચ્યા છે. તેની વિશેષતા એ છે કે તે વર્ષમાં ત્રણ વખત ફળ આપે છે, અને તે ખૂબ મીઠાં હોય છે.”

તેઓ વધુમાં કહે છે,”આ કેરીની પ્રજાતિ દેશના કોઈપણ ભાગમાં ઉગાડવામાં આવી શકે છે. તેનું ઝાડ બહુ મોટું થતુ નથી. જો તમે તેને જમીન પર રોપતા હો, તો તેની મહત્તમ લંબાઈ 10-12 ફૂટની હશે અને જો તમે તેને વાસણમાં મૂકી લગાવી રહ્યા છો, તો 4-5 ફૂટ.”

તેમણે આ કેરી કોલકાતાથી મંગાવી હતી, પરંતુ હવે તે જાતે તૈયાર કરે છે. તેમના પ્લાન્ટની કિંમત 250 રૂપિયા છે.

મૌર્ય જણાવે છે, “આ છોડને પોટમાં યોગ્ય રીતે વધવામાં લગભગ 3 વર્ષનો સમય લાગે છે. આ પછી, દરેક સીઝનમાં 5-7 કિલો ફળ આવે છે. આ રીતે તમે બધી ઋતુમાં કેરીનો આનંદ માણી શકો છો.”

Nursery Business

તે વધુમાં કહે છે, “તેને ઘરે ઉગાડવા માટે, 14 ઇંચનું પોટ હોવું આવશ્યક છે. જેમાં 60% માટી, 20% રેતી, 20% વર્મીકોમ્પોસ્ટ અને 100 ગ્રામ લીમડાના પાવડર મિક્સ કરીને,છોડને લગાવવો જોઈએ. તેમજ લીમડાના તેલનો દરેક ઋતુમાં 2-3 વાર સ્પ્રે કરવો જોઈએ, જેથી તેને જીવાત ન આવે. ધ્યાનમાં રાખો કે તે પ્રથમ ત્રણ વર્ષ સુધી કોઈ ફળ આપશે નહીં. આ છોડને વધુ મજબૂત બનાવશે.”

આખા દેશમાં છે માંગ

મૌર્ય જણાવે છે, “આજે મારે ઉત્તર પ્રદેશ ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ સહિત દેશના ઘણા રાજ્યોમાંથી દર મહિને 50-60 ઓર્ડર આવે છે. હું હાલમાં ફોન પર લોકોના ઓર્ડર લઉ છુ. ગ્રાહકોને પ્લાન્ટ પહોંચાડવા માટે કુરિયરનો ઉપયોગ કરવામાં આવે છે.”

Startup

વિભાગના અધિકારી પાસેથી મળી મદદ

મૌર્ય જણાવે છે કે શરૂઆતના દિવસોમાં તેને આ કામમાં ઘણી મુશ્કેલી થઈ હતી, કારણ કે તેની પાસે ન તો પૈસા હતા અને ન તો માહિતી. આ જ કારણ હતું કે તેના બધા સંબંધીઓને લાગ્યું કે તે આ વ્યવસાય તે કરી શકશે નહીં.

જો કે, તે સમયે મહારાજગંજ ખાતે જિલ્લા બાગાયતી અધિકારી તરીકે નિયુક્ત રાજમણી શર્માએ તેમની ખૂબ મદદ કરી હતી.

તેઓ કહે છે, “તે જિલ્લાની પહેલી નર્સરી હતી. આ કારણે રાજમણી શર્મા અહીં નિયમિત આવતા હતા. આ ધંધાને આગળ વધારવા માટે તેઓ મને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપતા હતા અને દર વખતે તે કોઈ પ્લાન્ટ ખરીદતા હતા. આ ધંધાને આ તબક્કે લાવવામાં તેમણે મોટી ભૂમિકા ભજવી છે.”

તે અંતે કહે છે કે તે તેના મોટાભાગના છોડને ફક્ત પહેલીવાર જ ખરીદે છે. તે પછી, તે છોડને જાતે તૈયાર કરે છે. આવી સ્થિતિમાં, નર્સરીનો વ્યવસાય એ લોકો માટે સારો વિકલ્પ છે કે જેમની પાસે જમીન નથી, અને આવકનો અન્ય કોઈ રસ્તો નથી.

જો કોઈ તેમની પાસેથી કામ શીખવા માંગે છે, તો તે હંમેશાં લોકોને મદદ કરવા તૈયાર હોય છે.

વિડીયોમાં જાણો ઓલ ટાઈમ મેંગો ઉગાડવાની રીત-

તમે વૃદ્ધિચંદ્ર મોર્ય પાસેથી 9919311249 નંબર પર વ્હોટ્સએપ કરીને ઓર્ડર કરી શકો છો.

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: માનાં નુસ્ખાને બનાવી દેશી સ્કિન-હેર કેર બ્રાંડ, 8 હજારના રોકાણને પહોંચાડ્યુ 80 હજાર સુધી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon