મોટી ઉંમરે સફળતા પ્રાપ્ત કરવી એ મોટી વાત નથી. પરંતુ નાની ઉંમરે સફળતાની વાર્તા લખવી એ ખરેખર મોટી વાત છે. આજે, બેટર ઇન્ડિયા તમને આવી જ એક યુવતીની મોટી સફળતા વિશે જણાવવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રના અહમદનગરથી આશરે 60 કિલોમીટર દૂર નિગોજ ગામની રહેવાસી 21 વર્ષીય શ્રદ્ધા ધવન તેના પિતાનો ડેરી ફાર્મ (Dairy Farm) ચલાવે છે અને મહિને છ લાખ રૂપિયા કમાય છે. તે યાદ કરતા કહે છે, “તેના ઘરમાં ક્યારેય છથી વધુ ભેંસ રહી નથી.” એક સમય હતો જ્યારે 1998માં તેના પરિવારમાં માત્ર એક જ ભેંસ હતી.
તે દિવસોમાં તેના પિતા સત્યવાન મુખ્યત્વે ભેંસનો વેપાર કરતા હતા. તેમના માટે દૂધનું વિતરણ કરવું મુશ્કેલ હતું, કારણ કે તે દિવ્યાંગ હતા અને તેથી તેમને શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડતો હતો. 2011માં જ્યારે તેમણે શ્રદ્ધાને ભેંસનું દૂધ દોહવાની અને વેચવાની જવાબદારી સોંપી ત્યારે બાબતો બદલાઈ ગઈ.

શ્રદ્ધાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મારા પિતા બાઇક ચલાવી શકતા ન હતા. મારો ભાઈ તે સમયે કોઈ પણ જવાબદારી નિભાવવા માટે નાનો હતો. તેથી, 11 વર્ષની ઉંમરે, મેં આ જવાબદારી ઉઠાવી લીધી. જો કે, મને તે એકદમ વિચિત્ર અને અનોખું લાગ્યું. કારણ કે અમારા ગામની કોઈ પણ યુવતીએ પહેલાં આવી જવાબદારી લીધી નહોતી.”
સવારે જ્યારે શ્રદ્ધાના વર્ગમાં ભણતા બાળકો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેણી બાઇક પર તેના ગામની આજુબાજુના ઘણા ડેરી ફાર્મમાં દૂધ વહેંચવા જતી હતી. જોકે અભ્યાસ સાથે આ જવાબદારી નિભાવવી ખૂબ જ મુશ્કેલ હતી, તેમ છતાં તેણે પીછેહઠ કરી નહીં.
આજે શ્રદ્ધા તેના પિતાનો ધંધો ચલાવી રહી છે અને તેના બે માળના શેડમાં 80થી વધુ ભેંસો છે. તે મહિલા દ્વારા સંચાલિત જિલ્લાનું પ્રથમ સૌથી મોટું ડેરી ફાર્મ છે. પહેલાની તુલનામાં શ્રદ્ધાના પરિવારની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેઓ તેમાંથી દર મહિને 6 લાખ રૂપિયા કમાય છે.

શ્રદ્ધા કહે છે, “મારા પિતાએ મને ખેતરની જવાબદારી સોંપી ત્યારથી અમારો ધંધો ઘણો વધવા લાગ્યો. જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ, અમે અમારા વાડામાં વધુ ભેંસ ઉમેરી.” તે વધુમાં કહે છે, “વર્ષ 2013 સુધીમાં, ધંધો વધતો ગયો, તેમ મોટા કન્ટેનરનો ઉપયોગ દૂધ પહોંચાડવા માટે કરવામાં આવતો હતો અને પછી મારે તેમને વહન માટે મોટરસાયકલની જરૂરિયાત શરૂ થઈ. તે દિવસોમાં, અમારી પાસે એક ડઝનથી વધુ ભેંસ હતી અને તે જ વર્ષે, અમે તેમના માટે શેડ પણ બનાવ્યો હતો.”
‘છોકરીને બાઇક ચલાવતા ક્યારેય ન જોઈ ન હતી’
2015 માં તેની દસમી પરીક્ષા આપતી વખતે પણ શ્રદ્ધા એક દિવસમાં 150 લિટર દૂધ વેચતી હતી. તેમણે કહ્યું કે, “2016 સુધીમાં અમારી પાસે લગભગ 45 ભેંસ હતી અને અમે તેમાંથી દર મહિને 3 લાખ રૂપિયાની આવક કરી રહ્યા છીએ.”
તે યાદ કરે છે કે શરૂઆતમાં, તે શરમ અનુભવતી હતી અને આ બધું કરતી વખતે ઘણું અજીબ લાગતુ હતુ. તે આગળ કહે છે, “મેં મારા ગામની કોઈ યુવતીને આ રીતે બાઇક ચલાવ્યા બાદ દૂધ વેચતા કદી જોઈ નથી.” મારા ગામનાં લોકોને મારા પર ગર્વ છે અને તેઓએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. તેમના શબ્દો સાંભળીને, એક તરફ મારો આત્મવિશ્વાસ વધતો ગયો, તો આ કામ પ્રત્યેની મારી રુચિ પણ વધી.”
જેમ જેમ પશુઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ તેમના ઘાસચારાને લગતી મુશ્કેલીઓ પણ વધતી ગઈ. શ્રદ્ધા કહે છે કે, પહેલાં પ્રાણીઓ ઓછા હતા, ત્યારે ઘાસચારાની જરૂરિયાત ઓછી હતી, જેને તે પોતાના ખેતરમાંથી ફ્રીમાં મેળવતી હતી.

તે કહે છે, “અન્ય લોકો પાસેથી ઘાસચારો ખરીદવાથી અમારા નફા પર ભારે અસર થઈ હતી. ઉનાળા દરમિયાન કિંમતોમાં વધારો થાય છે અને એકવાર સપ્લાય પૂરતો થઈ જાય તે બાદ તે ઘટી જાય છે. મંદીના દિવસોમાં, માસિક ખર્ચ માટે અમારી પાસે માત્ર 5-10 હજાર રૂપિયા બચતા હતા.”
શ્રદ્ધાનો પરિવાર પશુઓને ઓર્ગેનિક ચારો ખવડાવે છે, જે તેઓ નજીકના ખેતરોમાંથી ખરીદીને લાવે છે. દિવસમાં બે વાર શેડને સાફ કરવામાં આવે છે અને તમામ પશુઓના આરોગ્યની પણ નિયમિત તપાસ કરવામાં આવે છે. તે કહે છે, “જો તેમનાં શરીરમાં કેલ્શિયમનો અભાવ હોય અથવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ અન્ય સમસ્યા હોય, તો અમે તેમને પશુ ચિકિત્સકને બતાવીએ છીએ અને પશુઓને તેમની સૂચના મુજબ ખોરાકમાં સપ્લીમેંટ્સ ઉમેરીને ખવડાવીએ છીએ.”
અંતરને ઘટાડ્યુ
શ્રદ્ધાને એ શીખવુ હતુકે, ભેંસોમાંથી દૂધ કેવી રીતે દોહવામાં આવે છે. તેની પહેલાં તેનાં પિતા ભેંસોનું દૂધ દોહતા હતા. સાથે જ તે સમયે તેમની પાસે આ કામો કરવા માટે ઘણા લોકો પણ હતા. શ્રદ્ધાએ કહ્યું કે, “જ્યારે બધા કામદારો રજા પર ગયા ત્યારે બધી જવાબદારી મારા પર આવી ગઈ. મારા ભાઈ કાર્તિકે ભેંસની સફાઇ અને ભોજનનું ધ્યાન રાખ્યુ, જ્યારે મેં ભેંસોનું દૂધ દોહવાનું અને ઉત્પાદનો વેચવાની જવાબદારી લીધી. હમણાં પણ, હું દરરોજ 20 ભેંસોનું દૂધ દોહવું છું.”
હાલમાં તેની પાસે 80 ભેંસો છે. તેનો પરિવાર દિવસમાં લગભગ 450 લિટર દૂધ વેચે છે. તે કહે છે, “વર્ષ 2019માં, અમને પશુઓ માટે બીજો માળ બાંધ્યો હતો.” આ રીતે તેનું શિક્ષણ ચાલુ રાખીને, શ્રદ્ધાએ ધીરે ધીરે આ ધંધાની ઝીણવટ સમજી અને સાથે એ શીખીકે, કંઈ રીતે મર્યાદિત સંસાધનોનો ઉપયોગ કરીને પણ બિઝનેસમાં આવતા ઉતાર-ચડાવ અથવા અંતરને ભરી શકાય છે.

હાર માનવાનો કોઈ વિકલ્પ નથી
આ યુવા ઉદ્યોગસાહસિકે કહ્યું હતું કે કામની જવાબદારીઓને કારણે તેના અભ્યાસ ઉપર પણ ઘણી અસર પડી છે. જોકે, શ્રદ્ધાએ પોતાના ગામમાં રહીને જ ફિઝીક્સમાં સ્નાતક કરવાનું નક્કી કર્યું હતું. તેનું કહેવું છે, “મને નથી લાગતું કે મારા અહીં રહીને ભણવાનાં નિર્ણયથી અને મોટા શહેરોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તુલનામાં મારામાં કોઈપણ પ્રકારની કુશળતાનો અભાવ થયો છે.” હવે હું આ બાબતોથી ડરતી નથી.”
તેનું ઉદાહરણ આપતાં તેણી કહે છે કે, વર્ષ 2017માં “અમારા ગામમાં ગુજરાતનો એક વેપારી પોતાના પ્રાણીઓને વેચવા આવ્યો હતો. હું પણ મારા પિતા સાથે ત્યાં ગઈ હતી. ઘરે પાછા ફરતા, મારા પિતાએ મને પૂછ્યું કે કયા પ્રાણીને પ્રાધાન્ય આપવું જોઈએ? આકસ્મિક રીતે, મેં પસંદ કરેલા પ્રાણીને મારા પિતાએ પણ પસંદ કર્યુ હતુ. તે સમયે, મને પહેલી વાર સમજાયું કે આ ક્ષેત્રમાં કામ કરતી વખતે હું ખરેખર ઘણું શીખી છું.”
શ્રદ્ધા સ્વીકાર કરે છે કે જો તે આ જવાબદારીઓથી દૂર રહી હોત, તો આજે તેને આ સફળતા ન મળી હોત. તેમણે કહ્યું, “જો મેં આ જવાબદારીઓ લેવાની ના પાડી હોત તો તે મારા માટે શરમજનક વાત હોત.” પરંતુ મારા પિતા માટે, શરમમાં મુકાવા જેવી બાબતો માટે કોઈ સ્થાન નહોતું.” તેની મોટી બહેનની ધૈર્ય અને મહેનતથી પ્રેરાઈ કાર્તિક હવે ડેરી અને પશુપાલનની ડિગ્રી મેળવી રહ્યો છે.
શ્રદ્ધાએ 2020 માં ગ્રેજ્યુએશન કર્યું છે અને હાલમાં તે ફિઝિક્સમાં માસ્ટર્સ કરી રહી છે. તે આ વિષય પર વિદ્યાર્થીઓને ઓનલાઈન ગેસ્ટ લેક્ચર્સ પણ આપે છે.
તેણે કહ્યું કે તે હજી પણ તેના ભાવિની યોજના માટે ખૂબ જ નાની છે. તે કહે છે, “મને ખબર નથી કે ડેરી વ્યવસાય ભવિષ્યમાં મારા અને મારા પરિવાર માટે કઈ નવી તકો લાવશે.” એક તરફ, મારો ભાઈ ડિગ્રી મેળવી રહ્યો છે, બીજી તરફ અમે દૂધમાંથી બનાવેલા જૈવિક ઉત્પાદનોના ક્ષેત્રમાં પ્રવેશ માટે વિકલ્પો શોધી રહ્યા છીએ.”
શ્રદ્ધા તેની સફળતાનો શ્રેય તેના પરિવારને આપે છે. અંતે, તે કહે છે, “મારી માતા અને ભાઈ મારા આ પ્રયત્નોને હૃદયપૂર્વક સમર્થન આપે છે અને જો મારા પિતાએ મને બાઇક પર દૂધ વેચવાની જવાબદારી ન આપી હોત, તો આજે હું આટલું બધું ન મેળવી શકત.”
આ પણ વાંચો: લૉકડાઉનમાં શાળાઓ બંધ થતાં શરૂ કરી ‘હરતી ફરતી શાળા’, ઓનલાઇન શિક્ષણ શક્ય નથી ત્યાં સલામ છે શિક્ષકના કાર્યને
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.