વર્ષ 2006ની વાત છે. ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં રહેતા સંજય અગ્રવાલે પોતાની 200 વર્ગ ફૂટની દુકાનને મોટી કરીને 1500 વર્ગ ફૂટની કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આવું કરવા છતાં તેઓને તેમના બિઝનેસમાં વધારે લાભ થયો ન હતો.
સંજયના પુત્રએ જોયું કે પિતાની આટલી મહેનત છતાં કંઈ લાભ નથી થઈ રહ્યો. સાથે જ તેઓ પોતાના બિઝનેસને પણ આગળ નથી ધપાવી શકતા. ઓછું રોકાણ અને સતત નુકસાનને પગલે તેમનો બિઝનેસ દિવસેને દિવસે નબળો પડી રહ્યો હતો.
આને જોઈને 31 વર્ષીય પુત્ર વૈભવે પોતાના પિતાને મદદ કરવાનું નક્કી કર્યું હતું. આ જ પ્રયાસોનું પરિણામ છે કે છેલ્લા બે જ વર્ષમાં તેમનું સ્ટાર્ટઅપ “The Kiryana Store Company“થી તેમણે પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં, દેશભરના વિવિધ શહેરોની 100થી વધારે કરિયાણાની દુકાનોની મદદ પણ કરી છે.
વૈભવ કહે છે કે, “ઘરમાં કમાનાર વ્યક્તિ મારા પિતા એકલા જ હતા. સહરાનપુર ખાતે “કમલા સ્ટોર” નામે તેમની દુકાન હતી. આ ખૂબ જૂની દુકાન હતી. મેં આ દુકાનને લઈને પિતા સમક્ષ આવનારા પડકારોને ખૂબ નજીકથી જોયા છે.”
વર્ષ 2013માં એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વૈભવે થોડો સમય સુધી પોતાના પિતાની દુકાન પર કામ કર્યું હતું. જે બાદમાં કેમ્પસમાં પ્લેસમેન્ટ થઈ જતા તેણે મૈસૂર સ્થિત એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
વૈભવ કહે છે કે, “અહીંનું છૂટક બજાર સાવ અલગ હતું. મેં અહીં સ્માર્ટ દુકાન તેમજ છૂટક બજાર માટે “પ્રોડક્ટ મિક્સ” અને સપ્લાઇ ચેન સિસ્ટમ જોઈ હતી.” વૈભવ માટે આ અનુભવ તેના શહેરની બજાર કરતા ખૂબ અલગ હતો.

કંઈક નવું કરવા નોકરી છોડી
વૈભવ કહે છે કે, “આ દુકાનો પર નિયમિત રીતે ગયા બાદ મને લાગ્યું કે હું મારા પિતાની દુકાનને કઈ રીતે વધારે સારી બનાવી શકું. આ અંગે એક વર્ષ સુધી વિચાર કર્યા બાદ મેં મારી નોકરી છોડી દીધી હતી. વર્ષ 2014માં મેં મારા વતનમાં જ એક સ્થાનિક કંપનીમાં 10 હજાર રૂપિયાના પગાર પર સેલ્સ મેનેજરની નોકરી શરૂ કરી દીધી હતી.”
વૈભવ કહે છે કે, “આ દરમિયાન મેં જોયું કે “પ્રોડક્ટ મિક્સ” જગ્યા અને અંતર પ્રમાણે કેવી રીતે બદલાઈ છે. તેણે જોયું કે અહીં એક કિલોમીટર અંતરમાં જ પ્રોડક્ટ મિક્સ બદલાઈ જાય છે. ત્યાં સુધી કે પેકિંગ અને પ્રેઝન્ટેશન પણ બદલાઈ જાય છે. આ તમામ વસ્તુઓ જોઈને મારા દિમાગમાં અનેક પ્રકારના આઇડિયા આવતા હતા.”
વૈભવે જણાવ્યું કે, “મેં આ અંગે કોન્સેપ્ટ સમજવા માટે દિલ્હી સ્થિત એક સંસ્થામાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું હતું. આનાથી મને મારા વિચારોને આકાર આપવામાં ખૂબ મદદ મળી હતી.”
2017માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વૈભવે દિલ્હીમાં જ એક FMCG કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી તેણે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ જેવા છ રાજ્યના છૂટક બજાર વિશે જાણવા મળ્યું હતું. આ દરમિયાન તેણે “પ્રોડક્ટ ફ્લો” અંગે ઉંડો અભ્યાસ કર્યો અને એક રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. આનાથી વૈભવને વ્યવહારિક અને સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એક વર્ષ બાદ તેણે નોકરી છોડી દીધી હતી અને પોતાના પિતાના વ્યવસાયને જ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો.
વૈભવ કહે છે કે, “2018ની શરૂઆતમાં મેં મારી દુકાનની અનેક વસ્તુઓમાં ફેરફાર કર્યો હતો. મેં અહીં ઉત્પાદન રાખવાની રીત બદલી નાખી હતી. આ સાથે જ સ્ટોકની ગણતરી માટે પણ એક સૉફ્ટવેર બનાવ્યું હતું. આ દરમિયાન દુકાનમાંથી એવી વસ્તુઓ હટાવી દીધી જેના વેચાણથી નુકસાન થતું હતું. દુકાનમાં વસ્તુઓ ગ્રાહકો સારી રીતે જોઈ શકે તે રીતે ગોઠવી હતી. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા હતા.”

બીજાઓની પણ મદદ કરી
“મારા પ્રથમ ગ્રાહકે મને આગ્રહ કર્યો કે હું તેની દુકાનને બદલવા માટે કંઈક મદદ કરું. ડિજિટલ માર્કેટિંગના માધ્યમથી અમુક અન્ય લોકોએ પણ આવી મદદ માંગી હતી. આ રીતે મારા સ્ટાર્ટઅપની શરૂઆત થઈ હતી,” તેમ વૈભવે જણાવ્યું હતું.
વૈભવના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી, 2021 સુધી તેણે દેશના 12 શહેરમાં 100થી વધારે દુકાનો શરૂ કરી અથવા તેનું નવીનીકરણ કર્યું છે.
વૈભવ કહે છે કે, “આમાંથી મોટાભાગની દુકાનો ટીયર-2 અથવા ટીયર-3 શહેરમાં છે. મારો અનુભવ છે કે કરિયાણાના બિઝનેસમાં લોકો બદલાવ માટે તૈયાર છે પરંતુ તેમને આવી સેવા નથી મળતી, જેનાથી તેઓને માર્ગદર્શન મળી શકે. આજે મોટાભાગની કરિયાણાની દુકાનો આદમ બાબા વખતની છે. સમયની સાથે આ દુકાનોને બદલાવાની જરૂર છે.”

દિગ્ગજો સાથે મુકાબલો
વર્ષ 2019-20માં વૈભવે એક કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કર્યું હતું. વૈભવને આશા છે કે આ વર્ષે આ આંકડો પાંચ કરોડ રૂપિયા હશે.
વૈભવ કહે છે કે, “ગ્રાહકોનો વિશ્વાસ જીતવો અને તેમના સમજાવવા ખૂબ મુશ્કેલ કામ છે. તેઓ બદલવા માંગે છે પરંતુ તેમને એ સમજાવવાની જરૂર છે કે નફો કેવી રીતે વધે છે.”
ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને વૈભવે સાત લાખ રૂપિયાથી લઈને 30 લાખ રૂપિયા સુધીની દુકાન સ્થાપિત કરવાનું કામ કર્યું છે. દુકાન સ્થાપિત (સેટઅપ) કરવાની સંપૂર્ણ પ્રક્રિયામાં માર્ગદર્શન, ઉત્પાદન સમર્થન, દુકાનની સ્થાપના, ઉત્પાદન રેન્જ તથા અન્ય બજાર લિંક શામેલ છે. આ આખી પ્રક્રિયામાં છ મહિનાથી લઈને એક વર્ષનો સમય લાાગી શકે છે.
આ કડીમાં સહરાનપુરની 28 વર્ષીય રિયા અગ્રવાલ કહે છે કે, તેણીએ વર્ષ 2020માં વૈભવ પાસે આ સ્ટાર્ટઅપના માધ્યમથી પોતાની દુકાનનું નવીનીકરણ કરાવ્યું હતું.
રિયા કહે છે કે, “અમે 2019માં અમારી દુકાન શરૂ કરી હતી. પરંતુ તે બરાબર ચાલતી ન હતી. જોકે, દુકાનનું નવીનીકરણ કરાવ્યા બાદ અહીં કેટલાક પ્રીમિયમ ગ્રાહકો પણ આવવા લાગ્યા હતા.”
તેણી વધુમાં કહે છે કે, પહેલા તેઓ (ગ્રાહકો) ફક્ત પોતાની જરૂરિયાત માટે જ દુકાન પર આવતા હતા. પરંતુ આજકાલ તેઓ પોતાની સાથે જરૂરી સામાનની યાદી સાથે આવે છે. સંભવિત ગ્રાહકો સુધી પોતાની પહોંચ સ્થાપિત કરવા માટે આજકાલ વૈભવ પાસે પોતાની 11 લોકોની એક ટીમ છે.
હાલ તે આખા ભારતમાં એક “યૂનિક ડિસ્ટ્રીબ્યૂટર સિસ્ટમ” વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. જે ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારણ હશે.
વૈભવ કહે છે કે, તે ટિયર-2 અને ટિયર-3માં પોતાના પિતાની જેમ દુકાન ચલાવી રહેલા લોકોની મદદ કરવા માંગે છે. પારંપારિક દુકાનોનું આધુનિકરણ તેમને રિટેલ બજારમાં અમેઝોન, ફ્લિપકાર્ટ, રિલાયન્સ જેવી દિગ્ગજ ઘરેલૂ કંપનીઓ સામે મુકાબલો કરવા માટે તૈયાર કરશે.
આ પણ વાંચો: કાંચની નકામી બોટલોમાંથી ક્રાફ્ટ આઈટમ બનાવી શરૂ કર્યુ સ્ટાર્ટઅપ, મહીનાની કમાણી 40 હજાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.