Search Icon
Nav Arrow
Pangolin
Pangolin

ધમકીઓથી ડર્યા વગર, મહિલા વન અધિકારીએ રોકી પેંગોલિનની તસ્કરી, UNમાંથી મળ્યુ સમ્માન

પોતાના જીવની ચિંતા કર્યા વગર જ 47 વર્ષીય મહિલા અધિકારીએ પેંગોલિનની તસ્કરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યુ, 28 લોકોની કરી ધરપકડ

ભારતમાં આજે બહુજ એવાં પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ છે જે લગભગ લુપ્ત થવાની આરે છે. પેંગોલિન પણ આવું જ એક પ્રાણી છે. તે તેના શરીર પર કેરાટિનથી બનેલી શલ્કનુમા (સ્કેલ) સંરચના દ્વારા ઓળખાય છે, જેનાંથી તે પોતાને અન્ય જીવોથી સુરક્ષિત કરે છે. જો કે તે કદમાં પાલતુ બિલાડી જેવું હોય છે. તેથી, જો કોઈ તેની થેલીમાં પેક કરીને નીકળી જાય, તો કોઈને ખબર ન પડે. તેમને દાંત હોતા નથી તો આ જીવો કોઈ પર હુમલો કરતા નથી. જો તેમને ક્યારેય પણ ભયનો અનુભવ થાય છે તો તેઓ પોતાને બોલનાં આકારમાં બદલી નાંખે છે.

કદાચ તેથી જ આજે તે વિશ્વના સૌથી વધુ તસ્કરી કરાતા જીવોમાંના એક છે. દાણચોરીને લીધે, આજે પેંગોલિનનું નામ ઈંટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચર’ (IUCN)ના રેડ લિસ્ટમાં ‘લુપ્ત થતી પ્રજાતિ’માં શામેલ થઈ ગયું છે. ઔષધિય ગુણોને કારણે પેંગોલિનના માંસ, લોહી અને સ્કેલ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધુ માંગ છે. લોકોમાં ભારતીય પેંગોલિન વિશે વધારે જાગૃતિ નથી. દેશમાં હિમાલયન વિસ્તારો અને અધિકાંશરૂપથી ઓડિશાનાં કેટલાંક વિસ્તારોમાં આ જીવ જોવા મળે છે.

ઓડિશાથી પેંગોલિનની મોટા પ્રમાણમાં દાણચોરી કરવામાં આવે છે. અહીં તસ્કરો છુપાઈને તેમના નેટવર્ક દ્વારા આ કામ કરે છે. પરંતુ વર્ષ 2019માં, વિભાગીય વન અધિકારી સાસ્મિતા લેન્કાએ આ ગેરકાયદેસર કાર્યમાં સામેલ એક રેકેટ અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો કર્યો હતો.

આ 47 વર્ષીય અધિકારીએ પોતાની જાનની પરવા ન કરતા આઠ દાણચોરો સહિત 28 લોકોની ધરપકડ કરી હતી. આ સમય દરમિયાન, તેણે પાંચ પેંગોલિન્સનો બચાવ કર્યો. એક ડેડ પેંગોલિન અને પાંચ કિલો પેંગોલિન સ્કેલ પણ મળી આવ્યા હતા. ઓગસ્ટ 2019 થી એપ્રિલ 2020ની વચ્ચે આથાગઢ અને ખુનપુની વન રેંજમાં તેમના કાર્યકાળ દરમિયાન તસ્કરો વિરુદ્ધની તમામ કાનૂની કાર્યવાહીનો શ્રેય લેન્કાને જાય છે.

One of the rescued pangolins by forest department

કેવી રીતે કર્યુ આ કામ

તેમણે બેટર ઈન્ડિયાને કહ્યું,”આ પ્રદેશમાં પેંગોલિનની હાજરી વિશે કોઈ માહિતી નહોતી. ગેરકાયદેસર વેપારના સંબંધમાં પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોને પણ આની જાણકારી નહોતી. ઘણાએ વિચાર્યું કે તે એક પક્ષી છે.”

પરંતુ લેંકાને વિશ્વાસ હતો કે, આ વિસ્તારમાં તસ્કર ગેંગ કાર્યરત છે. તેમણે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા કેટલાક અધિકારીઓ/ખબરીઓને તેમના અધિકારક્ષેત્રમાં તૈનાત કર્યા હતા. તેનાં એક મહિનામાં જ તે ખારોડ ગામના એક પેંગોલિનને બચાવવામાં સફળ રહી.આ પછી તેણે અન્ય તસ્કરો ટોળકી પર કાર્યવાહી શરૂ કરી હતી. તે કહે છે કે આ મામલો સામે આવતા જ સક્રિય નેટવર્કની હાજરીની જાણ થઈ હતી, જે સંભવત: ઘણા વર્ષોથી રડાર પર નહોતી. તેની વધુ ઉંડાણપૂર્વક તપાસ કર્યા પછી, મને ખબર પડી કે આ નેટવર્ક કેવી રીતે કાર્ય કરે છે.

દાણચોરો કેવી રીતે કામ કરે છે તે સમજાવતાં તે કહે છે, “આ વિસ્તારનો કોઈ એજન્ટ અથવા વચેટિયા આદિવાસી લોકોનો સંપર્ક કરે છે અને તેમને પૂછે છે કે પેંગોલિન ક્યાં મળી શકે છે. તેઓ પેંગોલિનની વિડિઓઝ અને ફોટા ઘણી વાર શેર કરે છે. કેટલાક સ્થાનિક લોકો પેંગોલિન્સ વિશે જાણે છે. પરંતુ તેઓ જાણતા નથી કે આ પ્રજાતિ કેટલાં ખતરામાં છે. બધી માહિતી ઓનલાઇન શેર કરવામાં આવે છે. આ સ્થાનિકો આ એજન્ટોને થોડા હજાર રૂપિયામાં પેંગોલિન લાવીને આપે છે. જ્યારે જુદા જુદા રાજ્યોના એજન્ટો વચ્ચે આ પ્રાણીઓની આપ-લે કરવામાં આવે છે, ત્યારે તેનું મૂલ્ય લાખોમાં લગાવવામાં આવે છે.”

તેણી કહે છે કે પેંગોલિન સમુદ્ર અથવા ભૂમિ માર્ગ દ્વારા દેશભરમાં પ્રવાસ કરે છે. એક પુખ્ત પેંગોલિનની કિંમત 10 લાખ રૂપિયા છે. ચાર ઇંચના સ્કેલનાં પેંગોલિન માટે 10,000 રૂપિયા મળી શકે છે. તે કહે છે, “આ સ્કેલ્સને ગ્રામમાં તોલવામાં આવે છે. હવે કલ્પના કરો કે જપ્ત કરેલા પાંચ કિલો સ્કેલ્સની કિંમત કેટલી વધારે હશે.”

મળ્યુ સમ્માન

સસ્મિતા લેન્કાએ જૈવ વિવિધતામાં પેંગોલિનની મહત્વની ભૂમિકા અને જાતિઓ ઉપરના જોખમો વિશે સ્થાનિક લોકોને જાગૃત કરવા ઘણી પ્રવૃત્તિઓ કરી છે. તે કહે છે, “પેંગોલિન્સ એ જંગલનું કુદરતી જંતુ નિયંત્રક છે. કારણ કે તેઓ કીડીઓ, ઉધઈ અને લાર્વા ખાય છે. તેઓ જમીનમાં પ્રવેશ કરે છે અને પ્રક્રિયામાં જમીનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.”

આ ગેંગ ઉપર ગાળિયો કસવા માટે લેંકાએ સંદિગ્ધ લોકોની જાણકારી આપનારા લોકોને 10,000 રૂપિયાના ઇનામની ઓફર પણ કરી હતી. તે જણાવે છે, “30 ગામના લોકોએ તેમને માહિતી આપી. આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો અને આ માહિતીના આધારે અમે ઘણા ગુનેગારો સામે કાર્યવાહી કરી.”

જ્યારે તેના પ્રયત્નો માટે તેની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તે કહે છે, “ફોન કોલ્સ પર સતત ધમકીઓ મળી રહી હતી. મારા ઘરે પત્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. ઘણા પ્રભાવશાળી ગ્રુપો અને લોકોએ પણ તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો જેથી કામ અટકી જાય. પણ હું ડરી ન હતી.”

ગામલોકો દાવો કરે છે કે તેઓ આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી વાકેફ ન હતા. પરંતુ હવે સંરક્ષણના પ્રયત્નોમાં ફાળો આપવા તૈયાર છે. ઓડિશાની એક સંરક્ષક સૌમ્યા રંજન બિસ્વાલ કહે છે, “મોટાભાગના સ્થાનિકો અજાણ હતા કે આસપાસમાં પેંગોલિન અસ્તિત્વમાં છે.” આ પ્રાણી પ્રત્યે જાગરૂકતા અને સસ્મિતાએ લીધેલા કડક પગલાથી લોકોની માનસિકતા બદલવામાં અને પેંગોલિનનાં સંરક્ષણમાં મદદ મળી છે.”

હાલમાં, સંયુક્ત રાષ્ટ્રએ સસ્મિતાના પ્રયત્નોની પ્રશંસા કરતાં, ‘જેન્ડર લીડરશિપ’ અને ‘ઈમ્પેક્ટ’ કેટેગરી હેઠળ ‘એશિયા એન્વાયર્નમેન્ટલ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020’થી સન્માનિત કર્યા છે. હાલમાં, ભુવનેશ્વર જિલ્લા મથક ખાતે જંગલના નાયબ સંરક્ષક તરીકે મુકાયેલા લેન્કા કહે છે, “હું ખુશ છું કે મારા પ્રયત્નોને એક ઓળખ મળી છે. પરંતુ આ કાર્ય ત્યારે જ અટકશે જ્યારે પેંગોલિન પરનો ખતરો ઘટશે અને આ પ્રાણી લુપ્ત થવાથી બચી જશે.”

મૂળ લેખ: HIMANSHU NITNAWARE

આ પણ વાંચો: વાપીના આ દંપતિએ આપ્યો છે 300 કરતાં પણ વધુ પ્રાણીઓ-પક્ષીઓને સહારો, દર મહિને ખર્ચે છે 2 લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon