Search Icon
Nav Arrow
Jewellery Business
Jewellery Business

500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઘરે શરૂ કરી શકો છો ‘હેન્ડમેડ જ્વેલરી’ બિઝનેસ, જાણો કેવી રીતે

દિલ્હીની ગરિમા બંસલ પોતાના ઘરમાં ચાલવી રહી છે હેન્ડમેડ જ્વેલરીનો બિઝનેસ, અમેરિકા અને કેનેડામાં કરે છે પોતાની જ્વેલરી એક્સપોર્ટ

આપણા દેશમાં, કોઈ પણ તહેવાર, ઇવેન્ટ અથવા લગ્ન પ્રસંગ ઘરેણાં પહેર્યા વિના પુરા થતા નથી. ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જ્વેલરીની સારી માંગ છે. તેથી, તેનું બજાર પણ ખૂબ મોટું છે. લોકો એક કરતા વધારે ડિઝાઇનની બંગડીઓ, ગળાનો હાર, ઇયરિંગ્સ વગેરે ખરીદવા માગે છે. પરંતુ, શું તમે એવા લોકોમાં છો જે જાતે હાથથી ઘરેણાં (Handmade Jewelry)બનાવવાનું પસંદ કરે છે?

જો હા, શું તમે જાણો છો કે તમે આ શોખને તમારો વ્યવસાય પણ બનાવી શકો છો? જેમ કે દિલ્હીની રહેવાસી ગરીમા બંસલે કર્યુ છે. ગરીમા, જે એક સમયે શિક્ષિકા હતી, આજે તે પોતાના હાથથી ઘરેણાંનો વ્યવસાય ચલાવે છે. જેનું નામ છે – ‘ધ હેન્ડ કૃતિઝ’ (The Hand Krities). આના માધ્યમથી તે જાતે ડિઝાઇન કરેલા અને હાથથી બનાવેલા ઘરેણાં ગ્રાહકો સુધી પહોંચાડી રહી છે. ગરીમાએ તેની શરૂઆત સિલ્ક થ્રેડેડ બંગડી બનાવીને શરૂઆત કરી હતી અને આજે તે કલીરે, ફ્લોરલ જ્વેલરી, હેર જ્વેલરી, ડિઝાઇનર બેગ વગેરે બનાવી રહી છે.

શિક્ષકમાંથી ઉદ્યોગપતિ સુધીની તેમની સફર વિશે બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં, ગરીમાએ કહ્યું, “વર્ષ 2017માં મારા બીજા પુત્રનો જન્મ થયો હતો. મેં તે સમયે મારી નોકરી છોડી દીધી. પરંતુ તેના સાત-આઠ મહિના પછી, મને ખૂબ જ ખાલી લાગવા લાગ્યુ હતુ. હું ક્યારેય આ રીતે ખાલી બેઠી ન હતી. તેથી, મનમાં વિવિધ પ્રકારનાં વિચારો આવવા લાગ્યા. આ બધાની વચ્ચે, એક દિવસ મેં બજારમાં રેશમના દોરાના કંગન જોયા. પરંતુ તેમની કિંમત ખૂબ વધારે હતી અને પછી મને લાગ્યું કે હું પણ આ કંગન જાતે બનાવી શકું છું.”

Startup

હંમેશાં કળા અને હસ્તકલામાં રસ ધરાવતી ગરીમાએ, કંગન બનાવવા માટે કાચા માલની શોધ શરૂ કરી. તેઓએ ઓનલાઇન બધું મંગાવ્યું અને ખૂબ જ સુંદર કડા બનાવ્યા. તે જણાવે છે, “મેં આ બંગડીઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે કદાચ દશેરાની આસપાસનો સમય હતો. તે પછી ટૂંક સમયમાં, એક ફેસબુક ગ્રુપમાં, એક મહિલાએ મારો સંપરક કર્યો. તેણે પૂછ્યું કે શું તમે દિવાળી પહેલા મને કડા બનાવીને આપી શકો છો? મને મળેલા આ પ્રથમ ઓર્ડર માટે, મેં હા પાડી.”

આ એક ઓર્ડર પછી, ગરીમાએ ક્યારેય પાછળ જોયું નહીં. તે કહે છે કે તેણે શરૂઆતમાં માત્ર 450 રૂપિયા ખર્ચ કર્યા હતા અને ત્યારબાદ તેના ઓર્ડર વધતાં તેણી પોતાની આવકનો એક ભાગ તેના ધંધામાં રોકાણ કરતી રહી. આજે ભારતીય શહેરો સિવાય તેની જ્વેલરી અમેરિકા, લંડન અને કેનેડા જેવા દેશોમાં પણ જઈ રહ્યા છે.

ગરિમા કહે છે, “મને ધંધા વિશે કોઈ જાણકારી ન હતી પરંતુ જેમ જેમ હું આગળ વધી તેમ બધુ સમજમાં આવવા લાગ્યુ હતુ.”

ગરીમાએ ઘરે જ પોતાનો ધંધો શરૂ કર્યો અને આજે પણ તે ઘરે જ તમામ કામ કરે છે. પરંતુ હવે, તેણીની પાસે પણ તેના વ્યવસાય માટે એક અલગ રૂમ છે. પહેલાં તે તમામ ઓર્ડર જાતે અને ડિલિવરી માટે પૂરા કરતા હતા, તેના પતિએ ઘણી વાર તેની મદદ કરી. પરંતુ હવે તેમણે ત્રણ છોકરીઓ રાખી છે, જેમને કામ પણ ગરિમાએ જાતે જ શીખવાડ્યુ છે.

તેમના જ્વેલરીને તેમની વેબસાઇટ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓર્ડર કરી શકાય છે.

ગરીમા આજે જણાવી રહી છે કે જો કોઈ તેમના ઘરેથી ‘હેન્ડમેઇડ જ્વેલરી’ નો ધંધો શરૂ કરવા માંગે છે, તો પછી તેને કેવી રીતે શરૂ કરવો-

Homemade Jewellery
  1. તમારી કુશળતા પર કામ કરો:

ગરીમા કહે છેકે,સૌથી પહેલાં તમે એ જુવો કે, તમે સૌથી સારું શુ બનાવો છે? કોઈપણ ઝવેરાત જેને તમે બનાવવામાં કુશળ છો અને જેના માટે તમે વિવિધ ડિઝાઇન વિચારી શકો છો. તે દાગીનાથી શરૂઆત કરો. જો તમને ફક્ત એક શોખ છે, તો તમારી કુશળતા પર કામ કરો. આજકાલ ઘણી બધી યુટ્યુબ ચેનલો છે જ્યાં તમે વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇન પર વીડિયો જોઈ શકો છો. પ્રથમ તમારી કુશળતા જાણો, પ્રેક્ટિસ કરો અને તેમાં સુધારો કરો. આગળ, તમે આજુબાજુના લોકોને તમારા બનાવેલા દાગીના બતાવો.

તેમના સૂચનો પર કામ કરો. ઉપરાંત, હંમેશા નવી ફેશન અથવા ટ્રેંડ પર નજર રાખો.

Homemade Jewellery
  1. શરૂ કરતા પહેલા, આ બાબતો ધ્યાનમાં રાખો:

વ્યવસાય શરૂ કરતાં પહેલાં, ખાતરી કરો કે, ક્યાંથી તમે કાચો માલ ખરીદી શકો છો. કાચો માલ સારી ગુણવત્તાવાળો હોય, અને તમે તેને જથ્થાબંધ ભાવે ખરીદશો તો જ તમને ફાયદો થશે. જો તમને તમારા પોતાના વિસ્તારમાં કાચો માલ મળે છે તો તે સારું છે, નહીં તો તમે ઓનલાઇન ઓર્ડર પણ કરી શકો છો.

તે બાદ, સોશિયલ મીડિયા પર કામ કરો. જો તમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિશે વધારે ખબર નથી, તો શીખો. આજના જમાનામાં, ઓનલાઇન માર્કેટિંગ, સોશિયલ મીડિયા પર આધાર રાખે છે. તમે વોટ્સએપ પર એવા લોકોનું ગ્રુપ પણ બનાવી શકો છો કે જેઓ હાથથી બનાવેલા ઘરેણાં ખરીદવામાં રુચિ ધરાવતા હોય. ફેસબુક પર ઘણા ગ્રુપો છે જે લોકોના ધંધાને પ્રોત્સાહન આપે છે. તમે આવા ગ્રુપો શોધીને પણ જોડાઇ શકો છો.

  1. ઓછામાં ઓછા રોકાણ સાથે શરૂઆત કરો:
Small Business

ગરીમા કહે છે કે આ એક એવો બિઝનેસ છે જે તમે ઓછા પૈસાથી પણ શરૂ કરી શકો છો. પ્રથમ, તમે શું બનાવવા જઇ રહ્યા છો અને તમારે શું બનાવવાની જરૂર છે તેની સૂચિ બનાવો. તે પછી, તમારું બજેટ બનાવો અને તે મુજબ માલ લાવીને કામ શરૂ કરો. એક સાથે ઘણી વસ્તુઓ બનાવવા કરતાં પહેલાં લોકોની પ્રતિક્રિયા જોવી વધુ સારી છે.

શરૂઆતમાં, સેમ્પલ (નમૂના) માટે કેટલીક વસ્તુઓ બનાવો અને પોસ્ટ કરો. પછી જ્યારે તમને ઓર્ડર મળે, તે મુજબ આગળ વધો. પરંતુ, હંમેશાં આ બધામાં ટ્રેન્ડને ધ્યાનમાં રાખો. જો કોઈ જ્વેલરી અથવા ડિઝાઇન ટ્રેન્ડમાં છે, તો તમારે પણ તેના પર કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. થોડા સમય પછી, નવી ડિઝાઇનનો પ્રયાસ કરતા રહો, તમારા ગ્રાહકો બીજે ક્યાંય નહીં જાય.

બિઝનેસ સાથે જોડાયેલી ઔપચારિકતાઓ શરૂઆતમાં જ પૂર્ણ કરી લો. સૌ પ્રથમ, તમારા વ્યવસાયનું નામ નક્કી કરો જે કોઈ અન્ય બ્રાન્ડનું ન હોય. આ પછી, બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કરો. ત્યારબાદ જીએસટી નંબર માટે પણ અરજી કરો.

તે કહે છે, “જીએસટી નંબર રાખવાથી તમારા પર ગ્રાહકોનો વિશ્વાસ વધે છે. ઓનલાઇન બેઈમાનીનું કોઈ જોખમ નથી. જીએસટી નંબર હોવાથી ગ્રાહકો મુક્તપણે ઓર્ડર આપી શકે છે. પછી, જ્યારે ધંધો વધવા માંડે છે, ત્યારે તમારે આ બાબતોની ચિંતા કરવાની જરૂર રહેતી નથી.”

  1. ભાવ, પેકેજીંગ અને ડિલિવરી:

કોઈપણ આઇટમનું મૂલ્ય, તેમા લાગેલો ખર્ચ અને મહેનત પર આધારિત છે. તમે તેમાં તમારી કાચી સામગ્રી, જગ્યા, વીજળી અને તમારી મહેનતનો ખર્ચ ઉમેરો છો. આ પછી, પેકેજિંગ અને માર્જિન ઉમેરીને, ભાવ નક્કી કરો.

ગરીમા કહે છે, “જ્વેલરીનું પેકેજિંગ પણ સુંદર અને ઘરેણાંની જેમ સલામત હોવું જોઈએ જેથી ડિલિવરી દરમિયાન તમારા જ્વેલરીને કોઈ નુકસાન ન પહોંચે.”

તે ઉમેરે છે કે મોટાભાગના લોકો કોઈ ખાસ પ્રસંગ માટે હાથથી બનાવેલી જ્વેલરીનો ઓર્ડર આપે છે. તેથી, હંમેશાં ધ્યાન આપશો કે તેમના માલ યોગ્ય સમયે ગ્રાહકો સુધી પહોંચે છે. કારણ કે, જો દાગીના ઇવેન્ટ પછી ગ્રાહક સુધી પહોંચે તો તેનો કોઈ ફાયદો નથી.

  1. ઑનલાઈન માર્કેટિંગ પર ભાર મૂકો
Online marketing

ગરીમા કહે છે કે તે આજે જ્યાં પણ છે તે ફક્ત ‘ઓનલાઇન માર્કેટિંગ’ને કારણે છે. તેથી, તે દરેકને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું અને તેના પર કાર્ય કરવાનું શીખવાનું સૂચન કરે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમારું ‘બિઝનેસ પેજ’ બનાવો. સારા કેપ્શન સાથે તમે જે પણ વસ્તુ / આઇટમ બનાવો તેના ઘણા આકર્ષક ચિત્રો પોસ્ટ કરો. તેમને જુદા જુદા ગ્રુપોમાં શેર કરો.

તેના સિવય, ગ્રાહકોને કહો કે, તે તમારી જ્વેલરીનો ‘અનબોક્સિંગ વીડિયો'(જ્વેલરીને બોક્સમાંથી બહાર કાઢતી વખતે બનાવેલો વીડિયો) અથવા જ્વેલરીને પહેરીને પાડેલાં ફોટા અને પ્રતિક્રિયા જરૂર મોકલે. તેને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ પોસ્ટ કરો. તે કહે છે, “જેમ તમે નવા ટ્રેન્ડની જ્વેલરી કેવી રીતે બનાવવી તે શીખો છો, બિઝનેસની વાતો શીખો છો, એવી જ રીતે વ્યવસાય માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો. આજકાલ લોકો ‘ઇન્સ્ટા રીલ્સ’ પર સક્રિય છે, તેથી તમારે તમારા ઘરેણાંના વીડિયો ત્યાં પણ પોસ્ટ કરવા જોઈએ. કયા પ્રકારનાં ગીતો ટ્રેંડમાં છે તેની નોંધ લો, તે ગીતો સાથે વિડિઓઝ નાંખો.”

જો તમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે તો તમે માલ અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે પર પણ વેચી શકો છો.

આ સિવાય, જો કોઈ ઓફલાઇન સ્ટોર તમારી નજીક છે, તો પછી તમે તમારા ઘરેણાંની વસ્તુઓ ત્યાં વેચવા માટે પણ આપી શકો છો. ધ્યાનમાં રાખો કે તમારે ત્યાં વધારે માર્જિન ચૂકવવાની જરૂર નથી. તમે તમારા બજેટ પ્રમાણે માર્કેટિંગમાં ખર્ચ કરો.

  1. આ બાબતો ધ્યાનમાં રાખો:

· ગરિમાના જણાવ્યા અનુસાર જ્વેલરીનાં વ્યવસાયમાં ટ્રેન્ડ અને ફેશન સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેથી, હંમેશા ગ્રાહકોને કંઈક નવું અને આકર્ષક આપવાનો પ્રયત્ન કરો.

· તમારા ઘરેણાની કિંમત ભલે તે બજારમાં ઉપલબ્ધ બાકીના ઘરેણાંની કિંમતો કરતા ઓછી હોય, પરંતુ ગુણવત્તામાં ક્યારેય કોઈ કમી રાખતા નહી.

· ગ્રાહકની પ્રતિક્રિયા લેવી ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમે તેમનો પ્રતિસાદ નહીં લો, તો પછી તમે કંઇક નવું અથવા અલગ કરી શકશો નહીં. તેથી, તમારા દરેક ગ્રાહકોની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરો.

· ઘણીવાર, કોઈ વસ્તુ અથવા તેની ડિલિવરી ગડબડ થઈ જાય છે, પછી ભલે તમે ઇચ્છતા ન હોય. આવી સ્થિતિમાં, ગભરાશો નહીં પણ તમારા ગ્રાહકો સાથે વાત કરીને કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરો. ગ્રાહકો શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરો.

ગરિમા કહે છે, “ઘણી વાર ગ્રાહકો મુજબ જ્વેલરી બનાવ્યા પછી પણ, તેમને જ્વેલરી પસંદ આવતી નથી. આવી સ્થિતિમાં, તમારે ફક્ત જ્વેલરી આપીને કામ પુરુ કરી દેવાનું નથી, પરંતુ તમારે તે સમજવું જોઈએ કે તેમને શું પસંદ આવ્યુ નથી. જો તમે તેમને તે દાગીના કરતા કંઈક વધુ સારી રીતે પ્રદાન કરી શકો, તો ચોક્કસ આપો. તેમાં તમારો સમય અને સખત મહેનત લાગશે, પરંતુ તમારા ગ્રાહકો તમારા સિવાય બીજે ક્યાંય જશે નહીં.”

· સારી અને ખરાબ બંને પ્રતિક્રિયાઓને પોઝીટીવ લો. કોઈની પણ વાતો તમારા મન ઉપર હાવી થવા ન દો. ફક્ત તમારા કાર્યની વધુ સારી સંભાળ રાખો.

· કેટલીકવાર એવા પ્રસંગો આવે છે જ્યારે ધંધો મંદ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઉતાવળ ન કરો અને આ મુશ્કેલી હલ કરવા વિશે વિચારો. કારણ કે, જો તમે ધારેલું હશે, તો કંઈપણ અશક્ય નથી.

તે કહે છે, “કોરોના રોગચાળાને કારણે અમારા ધંધાને ઘણું નુકસાન થયું છે. અમને લગ્નોમાંથી મોટાભાગના ઓર્ડર મળતા હતા પરંતુ આ પ્રકારના આયોજનો આ સમય દરમિયાન બન્યા ન હતા. મેં પણ વિચારવાનું શરૂ કર્યું હવે શું થશે? પરંતુ ખૂબ ચિંતા કરવાને બદલે, મેં વિચાર્યું કે આપણે કેટલીક એવી વસ્તુઓ પર કામ કરવું જોઈએ જે સદાબહાર છે. જેને લોકો કોઈ પણ પ્રસંગ વિના ખરીદી શકે છે. હું હવે આવી કેટલીક ડિઝાઇન પર કમાણી કરી રહી છું.”

અંતે, તે ફક્ત એટલું જ કહે છે કે જો તમારી પાસે કુશળતા છે, તો પછી પ્રયત્ન જરૂર કરો. પ્રયાસ કર્યા વિના, તમે નક્કી કરી શકતા નથી કે વ્યવસાય ચાલશે કે નહીં. પહેલા પ્રયત્ન કરો અને પછી આગળનો રસ્તો નક્કી કરો.

ગરીમા બંસલનો સંપર્ક કરવા માટે તમે તેના ફેસબુક પેજ પર મેસેજ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: નોકરીની સાથે સાથે શરૂ કર્યો સાબુનો બિઝનેસ, આજે મહિને મળે છે 500 ઑર્ડર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon