હરિયાણાના સોનીપતમાં રહેતાં રાજેન્દ્ર સિંહનું ટેરેસ ગાર્ડન, ‘બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ છે. તેના બગીચામાં 2000 નાના-નાના કુંડા છે, જેમાં લગભગ 400 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેઓએ જૂના ટાયર, પ્લાસ્ટિકની બોટલો, કેન અને તૂટેલી ટાઇલ્સ જેવી નિષ્ક્રિય વસ્તુઓનો ઉપયોગ કરીને 100થી વધુ કુંડા બનાવ્યાં છે.
આ સિવાય, તે તેઓ તેમના બગીચાને સુંદર અને સરસ રાખવા માટે ઘણી વધુ રચનાત્મક રીતો અપનાવે છે. બેટર ઇન્ડિયાએ તેમની સાથે ગાર્ડનિંગ પર ખાસ વાતચીત કરી હતી અને જો કોઈ તેમના ઘરે બાગકામ શરૂ કરવા માંગે છે તો તે કેવી રીતે કરવું તે તેમની પાસેથી જાણ્યુ છે.
આમ પણ, દેશમાં કોરોના વાયરસને કારણે, બધા નાગરિકોને તેમના ઘરે રહેવાની માર્ગદર્શિકા મળી છે. નોકરીવાળા મોટાભાગના લોકોને ઘરેથી કામ કરવું પડે છે. તેથી લોકો પાસે આ સમયને કોઈ સારા કાર્યમાં લગાવવા માટેની સારી તક છે.
રાજેન્દ્રસિંહ સાથેની અમારી વાતચીતનાં કેટલાક અંશો અહીં વાંચો:

- જો કોઈ પોતાનો બગીચો/ ગાર્ડન લગાવવા માંગે છે, તો તેણે પહેલા શું કરવું જોઈએ?
રાજેન્દ્ર સિંહ: સૌથી પહેલી અને જરૂરી વાત છેકે,તમને બાગકામ કરવાનું પસંદ છે કે નહી, તે નક્કી કરો. જરૂરી નથી કે બાગકામથી તમને કોઈ આર્થિક લાભ મળે, પરંતુ તેની સકારાત્મક અસર પડે છે. શારીરિક હોય કે માનસિક, વૃક્ષોનું વાવેતર તમારા રોજિંદા જીવનમાં તમને ખૂબ મદદ કરે છે.
મારું એક ફેસબુક ગાર્ડનિંગ ગ્રુપ (44000 સભ્યો) છે અને એક સર્વે અનુસાર બાગકામથી લગભગ 70% લોકોમાં માનસિક તાણ ઘટાડવામાં મદદ મળે છે. કેટલાક લોકો કહે છે કે બાગકામ તેમના માટે ધ્યાનમાં બેસવા (Meditation)બરાબર છે.
આજકાલ શહેરોમાં જગ્યા ઓછી થઈ રહી છે, તમારા ઘરમાં ઝાડ અને છોડ રોપવા માટે ખાલી જગ્યા હોવી જરૂરી નથી. તેથી તમે બાલ્કનીમાં અથવા ટેરેસ પર છોડ રોપી શકો છો.
સૌથી પહેલાં તો, તમે નક્કી કરો કે તમેકિચન ગાર્ડનિંગ કરવા માંગો છો અથવા ટેરેસ ગાર્ડનિંગ કરવા માંગો છો. બીજું, તમે કયા પ્રકારનાં છોડ રોપવા માંગો છો તે નક્કી કરો, ફૂલો અથવા ફક્ત પાંદડાવાળા છોડ અથવા ફળો અને શાકભાજી. તમે ઉપલબ્ધ માધ્યમો અનુસાર તમારી પસંદગી નક્કી કરી શકો છો.
ઝાડ માટેની જગ્યા નક્કી કર્યા પછી, કુંડા પર ધ્યાન આપો. આજકાલ વૃક્ષો વાવવા માટે તૈયાર કરેલી ગ્રો બેગ પણ ઉપલબ્ધ છે.

- જો કોઈ વ્યક્તિ પ્રથમ વખત બાગકામ કરી રહ્યું હોય, તો તેણે કયા પ્રકારનાં વૃક્ષો વાવવા જોઈએ?
રાજેન્દ્ર સિંહ: શરૂઆતમાં તમારે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જેને ઓછી સંભાળની જરૂર હોય. તમે પીસ લીલી, સ્પાઇડર પ્લાન્ટ, ડેવિલ્સ બેકબોન, બોગેનવેલિયા, તુલસી અને ગુલાબ જેવા છોડ રોપી શકો છો, કિચન ગાર્ડનિંગ માટે, તમે બીન્સ, સલગમ, મૂળા, લેટીસ અને મેથી ઉગાડી શકો છો. તેનાંથી તમને દરરોજ તાજી શાકભાજી મળશે. તમે ડુંગળી અને લસણ પણ લગાવી શકો છો.
ખરીફ સીઝનમાં તમે સરળતાથી દૂધી અને ભીંડા ઉગાડી શકો છો. આ મોસમમાં ભેજ હોય છે, તેથી શાકભાજીઓને જીવાતોથી સુરક્ષિત રાખો. આ માટે, તમે ઘરે જૈવિક પેસ્ટિસાઇડ બનાવી શકો છો.
- બાગકામ માટે માટી કેવી રીતે તૈયાર કરવી?
રાજેન્દ્રસિંહ: જ્યાં સુધી બાગાયત માટે જમીન તૈયાર કરવાનો સવાલ છે, તે તમે કયા છોડ વાવી રહ્યા છો તેના પર નિર્ભર છે. કિચન ગાર્ડનિંગ માટે, તમે બગીચાની માટી, નદીની રેતી અને છાણનાં ખાતરને મિક્સ કરીને ફળદ્રુપ મિશ્રણ તૈયાર કરી શકો છો. આ ત્રણેયને સમાન માત્રામાં મિક્સ કરવાનું યાદ રાખો. તમે આ મિશ્રણમાં એક ચમચી એનપીકે (નાઇટ્રોજન-ફોસ્ફરસ-પોટેશિયમ) ઉમેરી શકો છો. જો છાણનું ખાતર ઉપલબ્ધ ન હોય, તો તમારે વર્મીકંપોસ્ટ ઉમેરવું જોઈએ, પરંતુ તેની માત્રા ઓછી રાખવી જોઈએ.

- જો આપણે છત પર વૃક્ષો વાવીએ છીએ, તો શું તેનાંથી આપણી છતમાં લિકેજ થઈ શકે છે અથવા તે કોઈ પણ રીતે ખરાબ થઈ શકે છે?
રાજેન્દ્ર સિંહ: હું મારા અનુભવો પરથી વાત કરું, તો જો તમે કુંડામાં છોડ વાવતા હો અથવા ગ્રો કિટ્સનો ઉપયોગ કરો છો તો તમારી છતને કોઈ નુકસાન થશે નહીં. પરંતુ, જો તમે કોઈ કુંડા વગર સીધા છત પર માટી રોપીને વૃક્ષો વાવી રહ્યા છો, તો તમારે કોઈ નિષ્ણાતની સલાહ લઈને છતને વોટરપ્રૂફ કરાવવી જોઈએ.
ઉપરાંત, જો તમારા પોટ્સ ખૂબ ભારે હોય, તો પછી આ કુંડાને તે જગ્યાએ મૂકવાનો પ્રયાસ કરો જ્યાં નીચેથી છતને દિવાલોનો ટેકો મળી રહ્યો હોય. આવું કરવાથી તમારી છત પર કોઈ વજન નહીં પડે.

- ગાર્ડનિંગ કરવા માટે કેટલીક સરળ અને ઓછી કિંમતી રીતો શું છે?
રાજેન્દ્ર સિંહ: તમારે ગાર્ડનિંગમાં વધારે પૈસા ખર્ચવા નહીં પડે. સૌ પ્રથમ, જો આપણે કુંડા વિશે વાત કરીએ તો તમને સસ્તા ભાવે પોટ્સ સરળતાથી મળી જશે. ઉપરાંત, તમે તમારા ઘરની વસ્તુઓનો ઉપયોગ વૃક્ષો રોપવા માટે કરી શકો છો.
તમારે બસ થોડું અલગ વિચારવું પડશે અને પછી તમે દરેક નકામી વસ્તુમાં કંઈક નવું જોશો. તમે પ્લાસ્ટિકની બાટલીઓને નાના કુંડા તરીકે વાપરી શકો છો. જૂના ટાયરને મોટા પોટ્સનો દેખાવ આપી શકો છો. તમે તમારા બગીચા માટે PVC પાઈપો, તૂટેલી ટાઇલ્સ, જૂની બેકાર ડોલ જેવી વસ્તુઓનો ઉપયોગ સરળતાથી કરી શકો છો.
તેનાં પછી વાત બીજોની આવે છે. તમારે ફક્ત તેના પર એકવાર નાણાં ખર્ચવા પડશે. પછી તમે ફળો અને શાકભાજી સારી રીતે ઉગાડશો. લણણી કર્યા પછી, કેટલાક ફળો અને શાકભાજીઓને થોડોક વધુ પાકવા દો જેથી તમે તેમના બીજ બચાવી શકો. જો તમે દરેક સીઝનમાં આ કરો છો, તો તમારે ફરીથી બીજ નહીં ખરીદવા પડે.

- છોડોને પાણી આપવાની કેટલીક સરળ રીત, જેથી પાણી બરબાદ ન થાય?
રાજેન્દ્ર સિંહ: દિવસેને દિવસે થઈ રહેલી પાણીની અછતને ધ્યાનમાં લેતા, આ બહુજ જરૂરી છે,કે આપણે વધુમાં વધુ પાણી બચાવીએ. એટલા માટે ઝાડ-છોડને પાણી આપતી વખતે આપણે આવી રીતને અપનાવી શકીએ છીએ,જેથી પાણી બરબાદ ન થાય.
જો આપણે ઝાડમાં એક સાથે પાણી આપીએ છીએ,તો તે જમીનમાં શોષાય તે પહેલાં બાષ્પીભવન થાય છે. આનાથી ઝાડને વારંવાર ઝાડને પાણી આપવાની જરૂર છે. આ સમસ્યાથી બચવા માટે કેટલીક #DIY (Do It Yourself) રીતો તમે અપનાવી શકો છો.
સૌ પહેલાં, તમે કોઈ બેકાર પડેલી પ્લાસ્ટિકની બોટલ લો, તેને સારી રીતે સાફ કરો. હવે તેના ઢાંકણામાં બે-ત્રણ કાણાં પાડો અને તેના નીચેનાં ભાગને કાપી દો. હવે તેને ઉંધી કરો અને તેને ઝાડની નજીકની જમીનમાં થોડું દાટી દો અને તેમાં પાણીથી ભરો. ઝાડ અને છોડને પાણી આપવાની આ બેસ્ટ રીત છે કારણ કે ધીમે ધીમે પાણી સીધા છોડના મૂળમાં પહોંચશે અને જમીનમાં ભેજ પણ રહેશે.
બીજો #DIY છે કે તમે એક પાઈપ લો અને તેનો એક છેડો નળ સાથે જોડો અને બીજો છેડો પ્લાસ્ટિકની બોટલમાં નાંખી દો. હવે તેને ટેપથી ચોંટાડી દો અને આ બોટલમાં નાના-નાના કાણા કરી દો અને નળ ખોવી દો. છોડને પાણી આપવા માટે તમે સ્પ્રિંકલ સિસ્ટમ તૈયાર છે.

- ગાર્ડનિંગ શરૂ કરવા માટેનો બેસ્ટ સમય કયો છે?
રાજેન્દ્ર સિંહ: બાગકામ શરૂ કરવાનો બેસ્ટ સમય 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી અને 15 જુલાઈથી 15 ઓગસ્ટની વચ્ચેનો છે. આ સૌથી સારી ઋતુ છે જ્યારે તમે વૃક્ષો લગાવી શકો છો અથવા ઝાડના કુંડા બદલી શકો છો. જો 15 જુલાઇથી 15 ઓગસ્ટની વચ્ચે વાવેલા છોડમાં કોઈ ખામી હોય તો પણ, તે વિકસે છે કારણ કે આ સમયે હવામાં ભેજ રહે છે.
જો તમારે ગ્રાફ્ટિંગ અને ટ્રાંસપ્લાંટેશન કરવું હોય તો એપ્રિલ અને મે મહિનો સૌથી સારો રહે છે.
- ઝાડ-છોડની કાળજી કેવી રીતે રાખવી, ક્યારે પાણી આપવું અને તેમના માટે કેટલો સૂર્યપ્રકાશ જરૂરી છે?
રાજેન્દ્ર સિંહ: મેં તમને પાણી આપવાની રીતો પહેલાથી જ કહી દીધી છે. તેના સિવાય સૂર્યપ્રકાશની વાત કરીએ તો, તે ઝાડ પર આધાર રાખે છે કે તેમને કેટલા સૂર્યપ્રકાશની જરૂર છે. જેમ શાકભાજીને સારા સૂર્યપ્રકાશની જરૂર હોય છે. તો કેટલાક છોડ જેવા કે પીસ લીલી, ફર્ન વગેરેને છાયામા રાખવામાં આવે છે. તેમને સીધો સૂર્યપ્રકાશ ન પડવો જોઇએ નહીં.
- ઘરેલું ઉપાય જણાવો જેનાથી છોડને પોષણ આપી શકાય છે?
રાજેન્દ્ર સિંહ: ઘરેલું ઉપાય વિશે વાત કરીએ તો, તમે જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઇંડાની છાલ, ચાના પાન, કેળાના પાન વગેરેનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઝાડને જીવાતોથી બચાવવા માંગતા હો, તો પછી ઝાડ ઉપર શેમ્પૂ અને પાણીના દ્રાવણનો સ્પ્રે કરો.
હળદરને પાણીમાં મિક્સ કરીને ઝાડ ઉપર છાંટવાથી તેમનામાં ફૂગ આવતી નથી.
- અંતમાં, અમારા વાચકો માટે કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ!
રાજેન્દ્ર સિંહ: જે લોકો પહેલીવાર બાગકામ કરી રહ્યા છે, તેમને હું કહેવા માંગુ છું કે તમે પહેલા તેના વિશે વાંચો. આજકાલ બાગકામ વિશે ઘણી યુ ટ્યુબ ચેનલો છે, તમે ત્યાંથી પણ માહિતી મેળવી શકો છો. કોઈ પણ ઝાડ અને છોડના મામલામાં બધુ જાણતા નથી, દરેક લોકો તેમના અનુભવો પરથી શીખે છે. તેથી શરૂઆત કરો અને શીખવાનું ચાલુ રાખો!
રાજેન્દ્રસિંહ સાથે જોડાવા માટે, તમે તેમના ફેસબુક ગ્રુપ, ‘Terrace Gardening Tips’ માં જોડાઇ શકો છો અને સમય સમય પર તેમની સલાહ મેળવી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જો તમે વેકેશનમાં જઈ રહ્યા છો તો કેવી રીતે તમારા છોડને પાણી આપશો અને તેની સંભાળ રાખશો, જાણો સરળ રીતો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.