ભારતમાં જામફળની ખેતી બહુ સામાન્ય છે. તેમાં વિટામિન ‘સી’ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન એ, બી અને ઈની સાથે-સાથે આયર્ન, ફૉસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણે તે કબજિયાત, ત્વચા, કિડની અને હ્રદય સંબંધી રોગોથી લઈને કેન્સરને રોકવામાં પણ કારગર છે.
તો લોકો જામફળનાં પાનનો ઉકાળો પણ બનાવે છે, જેના સેવનથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
આ સિવાય, જામફળમાંથી ચટણી, જેમ, કેન્ડી જેવાં ઘણાં ઉત્પાદન બનાવી શકાય છે. તે આમ તો જમીન પર ઉગતી ફસલ છે, પરંતુ છત્તીસગઢના રાયગઢમાં રહેતાં ઈશ્વરી ભોઇ 200 કરતાં પણ વધારે છોડનું ગાર્ડનિંગ કરે છે, જેમાં એક જામફળ પણ છે. તેઓ આજે જણાવે છે કે, કેવી રીતે સરળતાથી કુંડામાં જામફળ ઉગાડી શકાય છે.
ઈશ્વરીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “આજે બજારમાં ઘણા પ્રકારનાં જામફળ મળે છે, તેમને સરળતાથી કુંડામાં ઉગાડી શકાય છે. પરંતુ હું બીજું જામફળને મારા ઘરમાં જ ‘એર લેયરિંગ ટેક્નિક‘ થી ઉગાડું છું.”

તેમના જણાવ્યા અનુસાર, જામફળના છોડને ત્રણ રીતે ઉગાડી શકાય છે –
એર લેયરિંગ ટેક્નિક
ગ્રાફ્ટિંગ ટેક્નિક
બીજથી
એર લેયરિંગ અને ગ્રાફ્ટિંગ ટેક્નિકથી છોડ તૈયાર કરવા સૌથી સરળ છે અને તેમાં ફળ પણ જલદી આવે છે. તો બીજથી છોડ તૈયાર થવામાં ઓછામાં ઓછાં 2-3 વર્ષ લાગી જાય છે. એટલે આજે અમે તમને એર લેયરિંગ અને ગ્રાફ્ટિંગ ટેક્નિક વિશે જણાવી રહ્યા છીએ.

એર લેયરિંગથી કેવી રીતે તૈયાર કરવો જામફળનો છોડ
ઈશ્વરી જણાવે છે, “આ ટેક્નિકથી છોડ જલદી તૈયાર થઈ જાય છે. આ માટે કોઈ જૂના ઝાડની ડાળીને ચપ્પાથી લગભગ 1 ઈંચ જેટલી છોલી, તેની ચારેય બાજુ માટી અને છાણની પેસ્ટ લગાવો અને પછી તેને પ્લાસ્ટિકથી કવર કરી દોરીથી બાંધી દેવામાં આવે છે.”
તેઓ જણાવે છે કે, આ ટેક્નિકમાં ડાળ ઝાડ સાથે જોડાયેલ હોય છે. જેથી તેને ખાતર-પાણી મળતાં રહે છે અને 30-45 દિવસમાં ડાળમાંથી પૂરતાં મૂળ નીકળી આવે છે, જેને નીચેથી કાપીને કુંડા કે જમીનમાં વાવી શકાય છે.
ઈશ્વરીના જણાવ્યા અનુસાર, આ માટે વરસાદની ઋતુ શ્રેષ્ઠ રહે છે, કારણકે આ દરમિયાન છોડને પાણીની અછત નથી પડતી. પરંતુ જો તમે તેના માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરી શકો તો, કોઈપણ ઋતુમાં છોડ તૈયાર કરી શકો છો.
તેઓ જણાવે છે કે, છોડ લગાવ્યાના એક મહિના બાદ, તેમાં ઘણાં પાન ફૂટી નીકળે છે અને તે પોતાને સરળતાથી સર્વાઈવ કરવા માટે લાયક બનાવી લે છે. તો આગામી 2-3 મહિનામાં થોડાં-થોડાં ફળ આવવાની શરૂઆત પણ થઈ જાય છે.
ગ્રાફ્ટિંગ ટેક્નિકથી કેવી રીતે તૈયાર કરવો છોડ
ઈશ્વરી જણાવે છે, “આ માટે કોઈપણ ઝાડની ડાળીને કાપી લો, જેમાં વધારે ફળ આવતાં હોય અને તેનો સ્વાદ બહુ સરસ હોય. પછી કોઈ છોડ અને આ ડાળીને 6 ઈંચ ત્રાંસી કાપી, એક-બીજા સાથે જોડી દો.”
વધુમાં તેઓ જણાવે છે, “તેમાં ભેજ જાળવી રાખવા માટે, ચારેય તરફ ફેવિકોલ લગાવી દો. પછી તેને પ્લાસ્ટિક લપેટી દો. આ રીતે એક જ મહિનામાં પાન ફૂટવા લાગે છે અને તેને બરાબર તૈયાર થવામાં ઓછામાં ઓછા છ મહિના લાગે છે.”

માટી કેવી રીતે તૈયાર કરવી
જોકે, જામફળ ઉગાડવા માટે દરેક પ્રકારની માટી અનુકૂળ છે. પરંતુ જો તમે કૂંડામાં ઉગાડતા હોય તો, બગીચાની માટી શ્રેષ્ઠ છે.
ઈશ્વરીના જણાવ્યા અનુસારા, આ માટે કૂંડુ ઓછામાં ઓછું 12 ઈંચનું હોય તો વધારે સારું, જેથી તેમાં મૂળ બરાબર બેસી શકે અને વિકસિત પણ થઈ શકે.
તેઓ જણાવે છે કે, જો કુંડામાં અડધી માટી અને અડધું છાણિયું ખાતર હોય તો, છોડનો વિકાસ બહુ ઝડપથી થાય છે.
કેવી રીતે કરવી દેખભાળ
ઈશ્વરી દર 15 દિવસે, કુંડામાં લીમડો કે સરસોની 50-100 ગ્રામ ખલી મિક્સ કરવાની સલાહ આપે છે. જેથી છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા રહે.
આ સિવાય, છાસના પાણીમાં 5-6 દિવસ સુધી તાંબાના ટુકડાને રાખવાથી તે તામ્ર છાસ બની જાય છે, તેનો ઉપયોગ ‘લિક્વિડ ફર્ટિલાઇઝર’ તરીકે કરી શકાય છે. તેનાથી સ્પ્રે કરવાથી છોડમાં જંતુઓ કે ઈયર નથી પડતી.
તેઓ જણાવે છે કે, જો છોડમાં ઈયળો કે જીવાત પડે તો, તેને કપડા પર શેમ્પૂ કે સાબુ લગાવી સરળતાથી સાફ કરી શકાય છે.
જો ફળ ન આવે તો શું કરવું?
ઈશ્વરી જણાવે છે કે, જો છોડમાં ફળ આવતાં ન હોય તો, 2-3 વર્ષ જૂના છાણીયા ખાતરને 24 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુંડામાંથી 2-3 ઈંચ માટી કાઢી નાખો અને તેમાં ખાતર ભરો. તેનાથી છોડમાં ઝડપથી ફળ આવવાની શક્યતા વધી જાય છે.
તડકા અને પાણીની કેટલી જરૂર હોય છે
ઈશ્વરી જણાવે છે કે, જામફળ માટે ઓછામાં ઓછા 6 કલાક તડકાની જરૂર પડે છે.
તો સિંચાઈ બાબતે તેઓ કહે છે, જો તમે ધાબામાં કુંડામાં છોડ વાવો તો તેને રોજ પાણી આપવું જરૂરી છે. ઉપરાંત તેને નિયમિત પાણી પાતા રહો અને જો તમે તેને આંગણમાં વાવતા હોય તો, દર બીજા દિવસે પાણી આપતા રહો.
જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો, આ ટિપ્સને ફોલો કરી તમે કુંડામાં જામફળ વાવી શકો છો.
આ પણ વાંચો: જો જો ફેંકતા નહીં વપરાયેલી ચા પત્તી, બની શકે પુષ્કળ પોષકતત્વોયુક્ત ખાતર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.