સદીઓથી આયુર્વેદમાં અશ્વગંધા (Ashwagandha)ને એક કારગર ઔષધી માનવામાં આવે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણ બહુ વધારે હોય છે, જેના કારણે તેનો ઉપયોગ હ્રદયરોગ, ડાયાબિટીઝ, એનીમિયાથી લઈને કેન્સર સહિતના ઘણા રોગો અટકાવી શકાય છે.
એટલે જ તો ઘણા લોકો અશ્વગંધાને ઈન્ડિયન જિનસેંગના નામથી ઓળખે છે અને રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, તેલંગાના અને આંધ્ર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં તેની ખેતી પણ થાય છે.
બજારમાં અશ્વગંધા બહુ મોંઘુ મળે છે, પરંતુ આજે અમે તમને ઘરે જ કુંડામાં સરળતાથી અશ્વગંધા ઉગાડવાની રીત જણાવશું, જેનાથી તમે પણ વધારી શકો છો તમારી રોગ પ્રતિકારક શક્તિ.

આ કડીમાં, હૈદરાબાદમાં પોતાના ધાબામાં 600 કરતાં પણ વધારે છોડનું ગાર્ડનિંગ કરતી દર્શા સાઈ લીલા જણાવે છે, “અશ્વગંધાને બીજથી ઉગાડી શકાય છે, જે બજારમાં ખૂબજ સરળતાથી મળી જાય છે, તેનો છોડ ગરમીના દિવસોમાં બહુ ઝડપથી વધે છે અને તેને વધારે પાણીની જરૂર પણ નથી પડતી.”
તેઓ જણાવે છે કે, જો તમે કુંડામાં અશ્વગંધા ઉગાડતા હોય તો, ખાસ ધ્યાન રાખો કે, કુંડામાં વધારે પાણી ભેગું ન થાય, નહીંતર છોડ સૂકાવાનો ડર રહે છે.
તેમના જણાવ્યા અનુસાર, તેને રોપણીની વિધીથી તૈયાર કરવું સૌથી શ્રેષ્ઠ છે. બીજને માટીમાં રોપ્યા બાદ, તેને બાલૂ (નદીની રેત) થી ઢાંકી દેવું જોઈએ. તેનાથી બીજ સરળતાથી અંકુરિત થવા લાગે છે.
તેઓ કહે છે, “બીજ વાવ્યાના 6-7 દિવસ બાદ નાના-નાના છોડ ઊગી નીકળે છે. લગભગ 4 અઠવાડિયામાં છોડ કુંડામાં ઉગાડવા યોગ્ય બની જાય છે.”

છોડને વધવામાં તકલીફ ન પડે, એ માટે ખાસ ધ્યાન રાખો કે, બે છોડની વચ્ચે ઓછામાં ઓછું 60 સેમીનું અંતર રાખો. તેનાથી છોડને માટીમાંથી એકસરખુ પોષણ મળતું રહેશે.
માટી કેવી હોવી જોઈએ
દર્શાના જણાવ્યા અનુસાર, અશ્વગંધા માટે રેતાળ જમીન સૌથી શ્રેષ્ઠ છે. માટીનું પીએચ સ્તર જો 7.5 – 8 હોય તો, તે શ્રેષ્ઠ રહે છે.
જો માટીની ગુણવત્તા સારી ન હોય તો, તેમાં ખાતર મિક્સ કરી શકાય છે. ખાસ ધ્યાન રાખો કે, કુંડામાં જરા પણ નીંદણ ન ઊગે.
કેટલું પાણી જરૂરી
વધારે પડતું પાણી આપવાથી છોડ સૂકાઈ શકે છે. જો તમારા ત્યાં તાપમાન 40 ડિગ્રી કરતાં વધારે હોય તો, તમે દર 5 દિવસે પાણી આપી શકો છો. હૈદરાબાદનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે, એટલે અહીં 8-10 દિવસમાં જ પાણી આપવું જોઈએ.

તાપમાન
અશ્વગંધા માટે 25-30 ડિગ્રી તાપમાન સૌથી શ્રેષ્ઠ રહે છે. જો તમે તેનાથી વધારે કે ઓછા તાપમાનવાળા વિસ્તારમાં રહેતા હોવ તો પણ અશ્વગંધાનો છોડ ઉગાડી શકો છો. પરંતુ છોડનો વિકાસ થોડો ધીમે-ધીમે થાય છે.
સાથે-સાથે, જો તમે ખૂબજ ઠંડા વિસ્તારમાં રહેતા હોય તો, કુંડાને ઘરમાં એવી જગ્યાએ રાખવું, જ્યાંનું તાપમાન 10-15 ડિગ્રી હોય.
કુંડુ કેવું હોવું જોઈએ
અશ્વગંધા ઉગાડવા માટે 7-10 ઈંચ વ્યાસનું કુંડુ હોવું જોઈએ. કુંડાને ઊંચાઈ પર રાખવું જોઈએ અને વધારાનું પાણી નીકળી જાય એ માટે કુંડામાં એક કાણુ પાડવું જોઈએ. કુંડાના ⅓ ભાગમાં માટી ભરો અને કુંડાની બરાબર વચ્ચે છોડને વાવો. શરૂઆતના 2-3 દિવસ સુધી, છોડને સીધો તડકો ન આપવો. ત્યારબાદ એવી જગ્યાએ મૂકો, જ્યાં તેને 6 કલાક કરતાં વધારે તડકો મળી શકે.
ખાતર અને જંતુનાશક
અશ્વગંધા માટે વર્મીકમ્પોસ્ટ, છાણીનું ખાતર શ્રેષ્ઠ છે. કારણકે, અશ્વગંધાનો ઉપયોગ એક ઔષધીરૂપે કરવામાં આવે છે. એટલે તેમાં રસાયણોનો ઉપયોગ ન કરવો જોઈએ.
જો તમે માટી તૈયાર કરતી વખતે અંદર ખાતર ભેળવ્યું હોય તો, પછીથી તેમાં ખાતર નાખવાની જરૂર નથી. ધ્યાન રાખવું કે, વધારે પડતા ખાતરથી પણ છોડને નુકસાન થઈ શકે છે.
તો, જંતુનાશક તરીકે, લીમડાનું તેલ અને હળદરનો ઉપયોગ કરી શકાય છે.
કાપણી
દર્શા જણાવે છે કે, અશ્વગંધાના છોડને તૈયાર થવામાં લગભગ 160-180 દિવસ લાગે છે. જ્યારે તેનાં પત્તાં સૂકાઈ જાય અને ફળ લાલ થવા લાગે એટલે સમજી લેવું કે, હવે કાપણીનો સમય થઈ ગયો છે.
તેઓ જણાવે છે કે, આપણે અશ્વગંધાન અમૂળનો ઉપયોગ કરીએ છીએ. આ માટે નિકાળતાં પહેલાં માટીને ભીની કરી દો, જેથી આખાં મૂળ બહાર નીકળી જશે.
ત્યારબાદ બધાં જ મૂળને બરાબર ધોઈ 7-10 સેમીના નાના-નાના ટુકડા કરી લો. તડકામાં સૂકવ્યા બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. તો ફળોને સુકવી બીજી સિઝનમાં ફરીથી ઉગાડવા માટે સંગ્રહિત કરી શકાય છે.
આ પણ વાંચો: જો જો ફેંકતા નહીં વપરાયેલી ચા પત્તી, બની શકે પુષ્કળ પોષકતત્વોયુક્ત ખાતર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.