આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીજી અને તેમના આંદોલનોના યોગદાનની ઘણીવાર ચર્ચા થાય છે. સત્ય, અહિંસા અને જનસેવાનાં આદર્શો પર આજીવન ચાલનારા ગાંધીજીના શાંત અને અહિંસાત્મક અભિયાનોએ ન ફક્ત આખા ભારતને એક કર્યુ, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના પાયાને હચમચાવી નાંખ્યો હતો.
દાંડીયાત્રા પણ તેમના એક મહત્વપૂર્ણ આંદોલનમાંથી એક છે. આ દાંડીયાત્રા તેમની ‘સવિનય અવજ્ઞા આંદોલન’નો ભાગ હતી, જેને ઇતિહાસમાં ‘મીઠાના સત્યાગ્રહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે!

‘મીઠાનો સત્યાગ્રહ’ કેમ થયો હતો?
‘મીઠું’ માનવ જીવન માટે એક મૂળભૂત એકમ છે, પરંતુ બ્રિટીશ સામ્રાજ્યમાં આ મીઠા માટે ભારતીયોને ભારે કર ચૂકવવો પડતો હતો. ઉપરાંત, તેમને તેમના પોતાના દેશમાં મીઠું બનાવવાની મંજૂરી નહોતી. સામાન્ય લોકોની પરેશાનીઓ અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, ગાંધીજીએ આ સંદર્ભમાં સરકાર સાથે અનેક વખત ચર્ચા કરી.
રાજકારણીઓ અને લડવૈયાઓએ ઘણી વખત બ્રિટિશ સરકારને ભારતમાં તેમની ‘દમનકારી’ નીતિઓને ખતમ કરીને,ભારતમાં ‘મીઠું બનાવવાને’ કરમુક્ત કરવા માટે કહ્યુ હતુ પરંતુ બ્રિટિશ સરકાર ટસથી મસ થઈ ન હતી.એવામાં બીજો કોઈ રસ્તો ન જોતા ગાંધીજીએ આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો.

‘દાંડી માર્ચ’ નો હેતુ
ભારતમાં મીઠું બનાવવા અને તેને વેચવા માટે ફક્ત બ્રિટિશ રાજનું આધિપત્ય હતુ. તેથી, સામાન્ય લોકોને આ અન્યાય વિશે જાગૃત કરવા અને બ્રિટીશ રાજના જુલમી કાયદામાં પરિવર્તન લાવવા, ગાંધીજીએ તેમના કેટલાક અનુયાયીઓ સાથે, અહિંસક બળવો કરવાનો નિર્ણય કર્યો.

યોજના મુજબ, તે પોતાના અનુયાયીઓ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી ચાલતા દાંડી સુધી જશે અને ત્યાં ઘાટ પર ‘મીઠું’ બનાવીને બ્રિટિશ સરકારના લોકવિરોધી કાયદાઓનું ઉલ્લંઘન કરશે. આ મુસાફરી દરમ્યાન, તેમનો મુખ્ય ઉદ્દેશ, ગામડાઓ અને નગરો દ્વારા, સામાન્ય લોકોને જાગૃત કરવા અને સાથે જ, ભારતીયોને એ વાત પહોંચાડવાનો હતો કે દરેક સામાન્ય ભારતીય બ્રિટીશ સામ્રાજ્યના જુલમ સામે ઉભા રહી શકે છે.

‘દાંડીયાત્રા’સાથે જોડાયેલાં કેટલાક મહત્વના તથ્યો
- ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ 78 સ્વયંસેવકો સાથે સાબરમતી આશ્રમથી તેમની યાત્રાની શરૂઆત કરી હતી. તેમનો કાફલો સુરત, ડિંડોરી, વાંઝ, ધમન અને નવસારી થઈને દાંડી પહોંચ્યો હતો. તેમના કાફલામાં સૌથી નાનો સત્યાગ્રહી 16 વર્ષિય વિઠ્ઠલ લીલાધર ઠક્કર હતા અને સૌથી વૃદ્ધ પોતે ગાંધીજી હતા, જે તે સમયે 61 વર્ષના હતા.
- આ માર્ચના શરૂ થવાના 11 દિવસ પહેલા 2 માર્ચ, 1930ના રોજ, ગાંધીજીએ તત્કાલીન લોર્ડ ઇરવિનને એક પત્ર લખીને તેમને આ અભિયાન વિશે માહિતી આપી હતી અને તેમના કાયદામાં સુધારો કરવા માટે સમય આપ્યો હતો અને એમ પણ લખ્યું હતું કે, આ બાદ પણ બ્રિટિશ સરકારનાં મનમાં કોઈ પરિવર્તન ન આવે તો 11માં દિવસે, તેઓ તેમના સાથીદારો સાથે આ અભિયાન શરૂ કરશે.
- તેમણે સાબરમતીથી દાંડી સુધીના 240 માઇલનું અંતર 24 દિવસમાં પૂર્ણ કર્યુ, 5 એપ્રિલ 1930ના રોજ તેઓ દાંડી ઘાટ પર પહોંચ્યા. 6 એપ્રિલ 1930ની સવારે તેમણે, તેમના સાથીઓ સાથે મળીને, અહીં ‘મીઠું’ બનાવ્યું અને આ મીઠાને સાથે લેતા તેમણે કહ્યુ,
“આની સાથે, હું બ્રિટીશ સામ્રાજ્યના પાયાને હલાવી રહ્યો છું.”
આ કૂચના સમાચારો ટૂંક સમયમાં જ આખા ભારતમાં ફેલાઈ ગયા અને છાપાઓમાં ગાંધીજીની છબીને ‘મહાત્મા’ તરીકે દર્શાવવામાં આવી, જે આખા દેશનું નેતૃત્વ કરી રહ્યા હતા.

- તેમના સમર્થનમાં દેશભરના લોકોએ દરેક જગ્યાએ ‘મીઠાનો સત્યાગ્રહ’ કર્યો. આ સત્યાગ્રહોમાં સૌથી પ્રખ્યાત સત્યાગ્રહ મહારાષ્ટ્રમાં થયો હતો, જેની શરૂઆત ગૃહિણી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે કરી હતી અને બોમ્બે (હાલના મુંબઇ) માં ચોપાટી પર જઈને મીઠાના કાયદાને તોડ્યો હતો.
બ્રિટીશ પોલીસના લાઠીચાર્જ બાદ પણ, તેઓએ તેમનું આંદોલન બંધ કર્યુ ન હતું અને ટૂંક સમયમાં, હજારો સામાન્ય ગૃહિણીઓ માટલા અને કડાઈ સાથે તેમની સાથે જોડાઈ. છેવટે, કમલાદેવી અને તેની સાથી મહિલાઓએ મીઠું બનાવ્યું અને તેમના દ્વારા બનાવેલું મીઠાનું પહેલું પેકેટ 501 રૂપિયામાં વેચાયું. (સ્રોત)
- સાબરમતીથી જે કાફલો 78 સાથીઓ સાથે શરૂ થયો હતો, તે દાંડી પહોંચતા હજારોની સંખ્યામાં થઈ ગયો હતો. લોકોએ ગાંધીજીનાં સમર્થનમાં ચાર રસ્તા પર ચરખો કાંત્યો, તો ઘણા બધા સરકારી કર્મચારીઓએ નોકરીમાંથી રાજીનામું આપી દીધુ હતુ.
- જોકે, બ્રિટિશ સરકારે આ આંદોલનમાં ગાંધીજીની ધરપકડ વિશે વિચાર્યું ન હતું. પરંતુ જ્યારે તેમણે જોયું કે ભારતના દરેક રાજ્યમાં લોકો મીઠાના કાયદાને તોડી રહ્યા છે, ત્યારે તેમણે તેને રોકવા માટે ગાંધીજીની ધરપકડ કરી. 4મે 1930ના રોજ મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ આ સત્યાગ્રહને રોકવા માટે, બ્રિટીશ સરકારના તમામ મનસૂબા નિષ્ફળ રહ્યા. કારણ કે ગાંધીજી જેલમાં ગયા પછી સરોજિની નાયડુ અને વિનોબા ભાવે જેવા નેતાઓએ આ આંદોલનની કમાન સંભાળી હતી. આ આંદોલન એક વર્ષ સુધી ગાંધીજીને છૂટા કરવામાં ન આવ્યા ત્યાં સુધી ચાલુ રહ્યું હતુ.
તે પછી જ, ગાંધીજી અને બ્રિટીશ લોર્ડ ઇરવિન વચ્ચે ‘મીઠાનાં કાયદા’ અંગે કરાર થયો અને તે ઇતિહાસમાં ‘ગાંધી-ઇરવિન કરાર’ તરીકે ઓળખાય છે.
- આ સત્યાગ્રહ દરમિયાન, લગભગ 90,000 સત્યાગ્રહીઓને બ્રિટિશ પોલીસે ધરપકડ કરી હતી, જેમાંથી અડધી સંખ્યા સ્ત્રીઓની હતી.
મહાત્મા ગાંધીના આ આંદોલનને ઇતિહાસમાં સૌથી મોટી જનક્રાંતિઓમાંથી એક ગણવામાં આવે છે. આ ક્રાંતિએ સામાન્ય ભારતીયોને એક કર્યા અને તેમને અંગ્રેજોની વિરુદ્ધ ઉભા કર્યા હતા.
આ ઐતિહાસિક ઘટનાને હંમેશાં યાદ રાખવા માટે સરકારે દાંડીમાં ગાંધીજી અને તેમના 78 સ્વયંસેવકોની પ્રતિમાઓ બનાવી છે. આ સિવાય, આ સમયગાળા દરમિયાન થયેલી ઘણી ઘટનાઓને મ્યુરલ પેઇન્ટિંગ્સ દ્વારા પણ દર્શાવવામાં આવી છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 400 સેક્સ વર્કર્સ માટે મસીહા બન્યા 70 વર્ષના અરૂપ દા, કોઈ ભૂખ્યુ ન સૂવે તેનું રાખે છે ધ્યાન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.