આજે તમને ઘણા લોકોની વાર્તા સાંભળવા મળશે, જેઓ તેમની નોકરી છોડીને ખેતીની દુનિયામાં જોડાઈ રહ્યા છે. બેટર ઈન્ડિયા તમને સમય સમય પર આવા સકારાત્મક સમાચારોથી રૂ-બ-રૂ કરાવે છે. આજે અમે તમને આવા જ એક સફળ ખેડૂતની વાર્તા કહેવા જઈ રહ્યા છીએ, જે ગુજરાત સાથે સંબંધિત છે.
આ પ્રેરણાદાયી સ્ટોરી ગુજરાતના દેવપુરા ગામના ચિંતન શાહની છે, જે જૈવિક ખેતી કરે છે. 2015માં, તેમણે 10 એકર જમીન ખરીદી હતી અને વર્ષ 2020સુધીમાં, તેમણે તેને ફક્ત ફળદ્રુપ જ નથી બનાવી, પરંતુ તે જમીનમાં આદુ, હળદર અને ઘઉં પણ ઉગાડી રહ્યા છે.

ગુજરાતનો આ વિસ્તાર તમાકુની ખેતી માટે જાણીતો છે. પરંતુ ચિંતને ખૂબ જ અલગ પાક ઉગાડીને એક ઉદાહરણ બેસાડ્યું છે. 2011માં, 33 વર્ષીય ચિંતને મુંબઈથી MBAની ડિગ્રી પૂર્ણ કરી અને ટેક્સટાઇલના પરિવારના વ્યવસાયમાં જોડાયો. જો કે, એક સમય પછી, તેણે ધંધો છોડી ખેતીમાં જોડાવાનો નિર્ણય કર્યો.
ચિંતને ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “કાપડનો ધંધો ધારણા મુજબ થયો ન હતો, તેથી મેં બજારમાં જૈવિક ખેતીની વધતી માંગ સાથે પ્રયોગ કરવાનું નક્કી કર્યું.” મારો નાનો ભાઈ પાર્થ નેધરલેન્ડમાં ખેતી કરે છે અને તેણે મને કહ્યું કે, તે મને આ પ્રદેશના અન્ય ખેડુતો સાથે જોડાવામાં મદદ કરશે.”
તેમના નાના ભાઈ પાર્થની મદદથી ચિંતને ઓર્ગેનિક ખેડૂતો સાથે ફોન પર વાત કરી અને તેઓ ક્યારેક-ક્યારેક તેમને મળવા માટે જવા લાગ્યા હતા. અથવા સોશિયલ મીડિયા ગ્રુપોમાં જોડાઈને શક્ય તેટલી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

ટેક્નિકલ કુશળતા અને પદ્ધતિની વધુ સારી સમજ મેળવવા માટે તેઓ જૈવિક ખેતી ગ્રુપોમાં પણ જોડાયા હતા. જો કે, આ બધા હોવા છતાં, ચિંતન માટે પોતાની જમીનને કૃષિ માટે યોગ્ય બનાવવી સરળ નહોતી. તેણે કહ્યું, “મેં એક વર્ષમાં 7.5 એકર જમીનને સમતલ કરી. વાસ્તવમાં ત્યાં 20 ફૂટ ઉંચી ટેકરીઓ અને ઉંડા ખાડાઓ હતા. ઉપરાંત આ પ્રક્રિયામાં, જે પણ ફળદ્રુપ જમીન હતી તે નીચે જતી રહી હતી.”
સફર મુશ્કેલ હતી
ચિંતનનું કહેવું છે કે તેમણે જમીનની ફળદ્રુપતા વધારવા માટે ગાયના છાણ, જૈવિક ખાતર અને જીવામૃતનો ઉપયોગ કર્યો હતો. તેણે કેળા, લીલા શાકભાજી, બાજરી અને હળદર ઉગાડવાની શરૂઆત કરી, પરંતુ સફળતા ઘણી ઓછી મળી. તેમણે કહ્યું, “આ ક્ષેત્રમાં તમાકુ, શાકભાજી, ચોખા અને બાજરીનું વધુ વાવેતર થાય છે. કેટલાક ખેડુતોએ કેળા અહીં થશે કે નહીં તે અંગે પણ શંકા વ્યક્ત કરી હતી, પરંતુ હું મારા પ્રયત્નોમાં સફળ રહ્યો,અને સરેરાશ 25 કિલો જેટલું ઉત્પાદન મળ્યું. બાજરી અને શાકભાજીનું ઉત્પાદન મારી અપેક્ષાઓને પૂર્ણ કરી શક્યુ નહી, પરંતુ આગળ વધવાનો આત્મવિશ્વાસ મળ્યો.”

હળદર ઉગાડવાના સફળ પ્રયોગના બે વર્ષ બાદ ચિંતને આદુ અને ઘઉંનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ આ પ્રક્રિયામાં લાંબો સમય લાગ્યો, કારણ કે તેમના ખેતરમાં કામ કરતા મજૂરો તેમજ તેમની પાસે સજીવ ખેતીનો કોઈ વ્યવસાયિક અનુભવ નથી. જો તેઓ વિસ્તારમાં જૈવિક રીતોનો ઉપયોગ કરીને નવા પાકો ઉગાડતા તો મજુરોને શંકા જતી હતી. “જમીનમાં વધુ પ્રમાણમાં કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવાથી નીંદણ વધુ વધે છે. રસાયણોનો ઉપયોગ સજીવ ખેતીમાં થઈ શકતો નથી. તેથી અમે અમારું પોતાનું ખાતર બનાવવા માટે ચાર મહિના સુધી કામ કર્યું, જેથી નીંદણમાં 60% સુધીનો ઘટાડો થયો,”તેમણે વધુમાં ઉમેર્યું.
તે કહે છે, “મેં ઘણી ભૂલો કરી હતી, જેના કારણે મને ઘણી વાર આર્થિક મુશ્કેલી પડી હતી, પરંતુ મેં આ પ્રક્રિયાને શીખી. 2019સુધીમાં મેં 1 ટન હળદર, 300 કિલો આદુ અને 2.5 ટન ઘઉંનું ઉત્પાદન કર્યું છે.”
તેમની પેદાશોના વેચાણ કરવા માટે, ચિંતને ગ્રાહકોને હળદર અને આદુના મફત નમૂનાઓ આપ્યા. તેમણે કહ્યું, “જૈવિક ખેતીના પ્રમાણપત્ર વિના, તેઓને સમજાવવું મુશ્કેલ હતું. આ સમસ્યાને દૂર કરવા માટે, મેં નજીકના મિત્રો અને સંબંધીઓને મોકલવા માટે નમૂના તૈયાર કર્યો. મેં તેમને વિનંતી કરી કે જો તેમને આ ગમે તો તે મારી પાસેથી ખરીદે. હવે તેઓ જ મને વધુ ગ્રાહકો સુધી પહોંચાડે છે.”
સફળતા મેળવી
ગ્રાહકોની સંખ્યા વધવાની સાથે, ચિંતને હળદરને પ્રોત્સાહન આપવા માટે પોતાની બ્રાંડ ‘રાધે કૃષ્ણ ફાર્મ’ બનાવ્યુ. આ હળદરની ખેતી કરતાં ખેડૂતનું કહેવું છે કે,છેલ્લાં બે વર્ષોમાં તેમણે પોતાની ઉપજ આણંદ, વડોદરા, સૂરત અને મુંબઈ જેવાં શહેરોમાં વેચી છે. તેમના મુજબ, “સૌથી વધારે ઉપજ વેચાઈ ગઈ. ગ્રાહકો નાની માત્રામાં ખરીદી કરવાનું પસંદ કરે છે. પહેલાંથી પરંપરાગત જથ્થામાં ખરીદી કરતા નથી. કેટલાંક નવા ગ્રાહકો તો સેમ્પલ ટ્રાઈ કરે છે, એટલાં માટે કંઈને કંઈ હંમેશા તૈયાર રાખવું જરૂરી હોય છે.”
આ સાહસથી તેઓ વર્ષે 7 લાખ રૂપિયાની કમાણી કરે છે, પરંતુ ચિંતન કહે છે કે વધુ નફો કમાતા પહેલા તેમણે વધુ કામ કરવું પડશે.

ચિંતન કહે છે કે આગળ તેઓએ જમીનની ફળદ્રુપતા સુધારવી પડશે, અને બાકીની જમીન સમતલ કરવાની જરૂર છે. તેમણે કહ્યું, “હું જૈવિક ખેડૂત તરીકે પ્રમાણિત થવાની તૈયારીમાં છું. હું સરેરાશ 3.5 ટનની સામે એક ટન હળદર ઉત્પન્ન કરું છું. મારે પહેલા નફા માટે આટલું ઉત્પાદન કરવું પડશે. હમણાં માટે, હું મારો ખર્ચ કાઢવા માટે સક્ષમ છું અને સારી આજીવિકા મેળવવા માટે સક્ષમ છું. પરંતુ આ સાહસને સફળ બનાવવામાં વધુ સમય લાગશે.”
ચિંતને કહ્યું કે, તેના ઘઉંમાં વેલ્યૂ એડિશન કરીને, તે વધુ સારા ભાવે વેચવાનું પણ વિચારી રહ્યો છે. “મેં જીવાતોને કાબૂમાં રાખવા અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા ફાર્મની પરિધિની આસપાસ ઔષધીય છોડ રોપ્યા છે. મને આશા છે કે પક્ષીઓ મારા ખેતરને બચાવવા જીવાત અને જંતુઓ ખાય છે અને આવતા વર્ષોમાં ઔષધીય છોડ મને વધારે આવક આપી શકશે.”
તેઓ વધુમાં જણાવે છે કે, વિસ્તારના પાંચ જેટલા ખેડુતોએ તેમની પાસેથી પ્રેરણા લીધી છે અને હળદર ઉગાડવાની શરૂઆત કરી છે. ચિંતન કહે છે, “હું તેમને સલાહ આપું છું કે, તેના વિશે કેવી રીતે આગળ વધી શકાય, જેમકે હું અન્ય જૈવિક ખેડૂતો પાસેથી શીખ્યો. પરંતુ હું આ તેમની પાસેથી ખરીદી અને મારા બ્રાન્ડ નામ સાથે વેચવા માંગતો નથી. હું ઈચ્છું છું કે તેઓ સ્વતંત્ર થાય અને પોતાની બ્રાન્ડ બનાવે.”
અંતે, તેઓ કહે છે કે કોઈ પણ ખેડૂત માટે બજારમાં પોતાનું સ્થાન બનાવવું અને પહેલાથી સ્થાપિત મોટા નામોની સાથે સ્પર્ધા કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ આગળ વધવા માટે ખેડૂતોએ કંઇક અલગ કરવું જ જોઇએ.
આ પણ વાંચો: ‘બચ્ચૂ ખોપડી’: આ આઠમું પાસ ખેડૂતના નામે છે 100+ આવિષ્કાર!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.