Search Icon
Nav Arrow
Devotee Couple
Devotee Couple

લાખોની નોકરી છોડી દંપતિ પંચમહાલમાં બનાવે છે નાનકડા વનવાળો આશ્રમ, પરંપરાગત કારીગરોને આપે છે પ્રોત્સાહન

એક ઉચ્ચશિક્ષિત દંપતી નામ-દામની મહત્ત્વકાંક્ષાથી દૂર રહીને સામાજિક કલ્યાણની દિશામાં કાર્યરત છે

આશુતોષ અને સ્નેહા એકબીજાને વર્યા તે પહેલા સમાજસેવાને વરી ચૂકયા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બન્ને સમાજસેવાને વરેલા હતા માટે જ એકબીજાને વરવાનું નક્કી કર્યું. આશુતોષ અતુલકુમાર જાની ચેન્નાઈસ્થિત આઈઆઈટીના પોસ્ટગ્રેજ્યુએટ. જ્યારે સ્નેહા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરનો પાંચ વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને પોતાના શહેર અમદાવાદમાં એક અર્બન ડિઝાઈનિંગ ફર્મમાં જોડાય છે. આશુતોષભાઈ માસ્ટરડિગ્રી લીધા બાદ મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ‘ટાટા મોટર્સ’ કંપનીમાં જોબ જોઈન કરે છે. રૂટીન નોકરી કરીને સંપત્તિ એકઠી કરીને એશોઆરામની જિંદગી જીવવાની અભિલાષા તેમનામાં નહતી. તેઓ ઈચ્છતા હતા કે સમાજની ઉન્નતિમાં આપણુ યોગદાન હોવું જોઈએ, સમાજને હું કશાક કામમાં આવવો જોઈએ. આમ નવ મહિના ટાટા મોટર્સમાં નોકરી કર્યા બાદ તેઓ રાજીનામુ આપીને પોતાના શહેર અમદાવાદ આવી જાય છે. અમદાવાદ આવીને તેઓ નિરમા યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાય છે. તે દરમિયાન તેમના ધ્યાનમાં એક સમાજસેવાની પ્રવૃત્તિ આવે છે. જેમાં હિરલબેન મહેતા દ્વારા એક ગૃપ ચલાવવામાં આવતું હતું, જે દર રવિવારે અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ત્યાંના બાળકોને ભણાવતું અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવતું.

Ashutosh Jani
Ashutosh Jani

આ ગૃપના સભ્યો કોઈપણ પ્રકારની અપેક્ષા વિના માત્ર ભારતની ભાવિપેઢીને ઘડવાની પ્રવૃત્તિમાં લાગેલા હતા. આશુતોષભાઈ નિરમામાં જોબ કરતા અને રવિવારે ગ્રામ્યવિસ્તારના બાળકોને અંગ્રેજી, ગણિત જેવા વિષયો ભણાવવા જતા. આ પ્રવૃત્તિનો વ્યાપ ધીમેધીમે દસ ગામડા સુધી વિસ્તર્યો. ગણપત યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી સાથે ટાઈઅપ કર્યું. આ બન્ને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ ગૃપ સાથે જોડાઈને સ્વૈચ્છિક રીતે ગામડાના બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું.

આશુતોષભાઈ વર્ષ 2010થી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. એજ અરસામાં સ્નેહાબેન પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાથી તેમની મુલાકાત થઈ. એકબીજાના પરિચયમાં આવતા લાગ્યું કે બન્નેનો ધ્યેય એક જ છે. પરીણામે તેઓ લગ્ન કરવાનું નક્કી કરે છે. જો કે તે સમયે પડકારો ઘણા હતા. લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે આશુતોષભાઈ નિરમાની જોબ છોડી ચૂક્યા હતા. બન્નેના કુટુંબીજનોને ચિંતા હતી કે, બન્ને પોતાની ઉજ્જવળ કારકિર્દી છોડીને સમાજસેવામાં લાગી જશે તો તેમનું દામ્પત્યજીવન કઈ રીતે ચાલશે.

Jani Couple

આ બાજુ શૈક્ષણિકસેવાની પ્રવૃત્તિમા જોડાયાના ત્રણ વર્ષ બાદ આશુતોષ અને સ્નેહાને લાગ્યું કે માત્ર ગણિત, અંગ્રેજી શીખવી દેવા એ બાળકોના સંપૂર્ણ વિકાસ માટે પૂરતા નથી. વર્ષ 2013માં બન્નેના લગ્ન થાય છે. લગ્નબાદ બન્ને ભારતના અલગ-અલગ ભાગમાં ફરવાનુ નક્કી કરે છે. લગ્ન બાદ સરેરાશ નવદંપતી ફરવા જાય છે તે પ્રકારનું આ ફરવાનું નહોતું. તેમના ફરવાનો હેતુ જાણવા જેવો છે.

તેઓ સમાજના ઉત્થાનને લગતી કોઈપણ પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા સમજી લેવા માગતા હતા કે ખરેખર શું કરવું જોઈએ જેથી ભવિષ્યમાં એમ ન થાય કે આપણે કોઈ ભૂલ કરી બેઠા. તેઓ જાણવા માગતા હતા કે અન્ય લોકો ક્યા પ્રકારના પ્રયત્નો કરી ચૂક્યા છે કે હાલ કરી રહ્યા છે. તેઓ અલગ-અલગ અંતરીયાળ વિસ્તારોમાં ફર્યા. જેમાં ક્યારેક નદી પાર કરીને જવાનું હોય, પગે ચાલીને જવાનું હોય. રાત પડે કોઈ સૂવા માટે ખાટલો આપી દે તો કોઈ હિંચકો આપી દે. તેઓ એક-એક મહિનાની ટ્રીપનું આયોજન કરતા. પ્રવાસ શરૂ કરતા પહેલા પેટ્રોલ અને અન્ય ખર્ચનો અંદાજ માંડતા તો વીસ-પચ્ચીસ હજાર રૂપિયાનો આંકડો બેસતો. પૈસા એકઠા કરવાની વૃત્તિ જ નહીં એટલે બેન્ક બેલેન્સ તગડુ હોવાનો સવાલ જ નહોતો પણ કંઈને કંઈ થઈ રહેશે તેવો વિશ્વાસ તગડો. જાણે એ વિશ્વાસ સાચો પડતો હોય તેમ જે ફ્રીલાન્સિગ કામ કર્યું હોય ત્યાંથી સામેથી ફોન આવે કે તમારા પૈસા બાકી છે લઈ જાવ. આમ અચાનક જ પ્રવાસના ખર્ચનો બંદોબસ્ત થઈ જતો.

Travel Gujarat

સાચા ભારતને ઓળખવાની યાત્રા દરમિયાન તેમની મુલાકાત આદિલાબાદ(આંધ્રપ્રદેશ)ના રવિન્દ્ર શર્મા સાથે થાય છે. જેમને ત્યાંના લોકો ગુરુજી કહીને સંબોધતા. ભારતની અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને ગ્રામ્યજનોને જોવાની રવિન્દ્ર શર્માની જે દૃષ્ટિ હતી તેનાથી આશુતોષભાઈ અને સ્નેહાબેન પ્રભાવિત થઈ ગયા. તેઓને લાગ્યું કે તેઓ જે આટલા વર્ષોમાં નથી જાણી શક્યા તે ગુરુજી સાથેની બે કલાકની ચર્ચામાં જાણી ગયા. આજસુધી ભારતને જોવાની અને સમજવાની જે દૃષ્ટિ હતી તેમાં સમૂળગુ પરીવર્તન આવ્યું. રવિન્દ્ર શર્મા પચ્ચીસ વર્ષથી આંધ્રપ્રદેશમાં કળાઆશ્રમ ચલાવતા હતા. વડોદરાની એમએસ યુનિવસર્ટીમાંથી તેમણે ફાઈનઆર્ટ્સ કરેલું. મૂળે કલાકાર જીવ એટલે તેઓ ત્યાં વસતી જનજાતિની લોકકળાના ઉત્તેજન અને સંવર્ધનની પ્રવૃત્તિ કરતા. તેઓને રાષ્ટ્રીયકક્ષાએ પારિતોષિક મળી ચૂક્યા હતા અને તેઓ કળાગુરૂની ઉપાધિ ધરાવતા હતા. તેઓનું નિધન થયાને બે વર્ષ થઈ ગયા છે પણ તેઓના માર્ગદર્શનથી જાનીદંપતીને પોતાનો જીવનમાર્ગ મળી ગયો. રવિન્દ્ર શર્મા દ્વારા ગોંડ લોકોની મૂળ પરંપરા સમજ્યા, આપણા ભારતીય તહેવારો સાથે કઈ રીતે આર્થિક પરીબળો સંકળાયેલા છે તે આખી વ્યવસ્થા સમજ્યા. આપણા તહેવારો અને સામાજીક વ્યવહારો અર્થવ્યવસ્થાને મજબૂત કરતા પાયા છે તે સમજણ મળી. તેનો કળા સાથે શો સંબંધ છે, તે સમજ્યા અને સમજ્યા બાદ લાગ્યું કે આ દિશામાં કાર્ય કરવા જેવું છે.

Gujarat

આશુતોષભાઈ અને સ્નેહાબેને ત્રણેક વર્ષના ગાળામાં તેમની નેનો કાર દ્વારા ભારતના અઢાર રાજ્યોમાં ભ્રમણ કર્યું. જાનીદંપતી માને છે કે એ ભ્રમણ બાદ જાણે તેમનો પુર્નજન્મ થયો હોય તેવું લાગ્યું હતુ. તેઓ જણાવે છે કે, ‘શહેરના ઉચ્ચશિક્ષિત વ્યક્તિ હોવાના નાતે આપણે માનતા હોઈએ છીએ કે, ગ્રામ્યજનોને આપણે શીખવવું જોઈએ કે આપણે તેઓને સુધારી દઈએ પરંતુ તે માન્યતા સાવ ખોટી છે. ગામડાના લોકો જે આપણી હજારો વર્ષ જૂની પરંપરા અને સંસ્કૃતિના મૂલ્યોના વાહક છે. એ જીવનરીતી તેમની પાસેથી આપણે શીખવાની જરૂર છે.’ ગાંધીજીએ કહેલુ કે, ભારતનો આત્મા ગામડામાં વસે છે, તે અહીં ફરી એક વખત સાબિત થયું.

અમદાવાદ આવીને તેમણે નક્કી કર્યું કે, પ્રકૃતિના ખોળે જીવતા લોકોની નજીક રહીને જીવવું. તે માટે ગુજરાતના અલગ-અલગ પ્રદેશોમાં ફર્યા. કચ્છમાં દોઢ મહિના વીતાવ્યો. અંતે તેમણે છોટાઉદેપુરના ડુંગરવાટ (સુખી ડેમ પાસે) ગામમાં નાનકડું ઘર ભાડે લીધું. જ્યાં તેઓએ સ્થાનિક આદિવાસીઓની જીવનશૈલી, ઔષધિઓ, લોકકળાનો અભ્યાસ કર્યો. ત્યાં થતી બસ્સો પ્રકારની ઔષધિઓનું દસ્તાવેજીકરણ કર્યું. ત્યાં બે વર્ષ રહ્યા તે દરમિયાન જાનીદંપતીએ પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ વાપરી નથી. અગાઉ ક્યારેય ચૂલા પર રાંધવાનો મહાવરો નહીં પરંતુ ત્યાં ચૂલા પર રાંધીને જમતા. માટીના વાસણોમાં રાંધવું અને તાંબા-કાંસાના વાસણોમાં જમવું તેમના માટે રોજિંદી બાબત બની ગઈ.

Gujarati News

જાનીદંપતીએ જ્યાં બે વર્ષ વીતાવ્યા ત્યાં જમીન ખરીદવાના પ્રયત્નો કર્યા પરંતુ જમીન વેચાતી ન મળી. પછી બીજા વિસ્તારોમાં નજર દોડાવી તો પંચમહાલમાં ખરેટી ગામે જમીન વેચાતી મળી. પોણા પાંચ વીઘાની એ જમીનમાં આશ્રમ બનાવવાની તેઓની ઈચ્છા છે. એ આશ્રમ એટલે ગુરૂકુળ હશે તેમ પૂછતાં સ્નેહાબેન જણાવે છે કે,‘ગુરૂકુળનું લેબલ નથી આપવું.’

તો ત્યાં ક્યા પ્રકારની પ્રવૃત્તિ કરવા ધારો છો તેમ પૂછતાં તેઓ જણાવે છે કે,‘અમે પહેલા સામાન્ય જીવન જીવવા માગીએ છીએ. એટલે અમારું પોતાનું એક સાધનાનું કેન્દ્ર હોય. એ જમીન પર લોકભાગીદારીથી એક નાનકડું વન વિકસાવવા માંગીએ છીએ. વાંસ,ચૂના અને પથ્થરથી ઘર બાંધવુ છે. અમારા સંપર્કમાં અમારા જેવી રસરૂચિ ધરાવતા લોકો છે તેમને તેમની અનુકૂળતાએ ત્યાં આવીને મદદ કરવા કહીશું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ત્યાં પ્રાયોગિક ધોરણે શીખવું હોય તો તેઓ પણ આવી શકે છે. કારણ કે ત્યાં લાકડા અને વાંસના કારીગરો હોય, તેઓ કામ કરતા હોય, ઘર બનતું હોય તેને વિદ્યાર્થીઓ જુએ અને તેઓ તે જોઈને શીખી શકે. પંરપરાગત કારીગરીઓને સાચવી રાખવાનો પ્રયત્ન છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ આવીને રહી શકે અને શીખી શકે તેવું આયોજન છે. કોઈને કશું નવીન ઈનવેન્શન કરવું હોય તો પણ આવકાર્ય છે. ગાયોને બચાવવાની દિશામાં ઘણા કામ થયા છે અને થઈ રહ્યા છે પણ આપણે ત્યાં બળદ પર કાર્ય થવાનું બાકી છે. ટ્રેક્ટર આધારીત ખેતી થતા બળદોને કતલખાને જવાનો વારો આવતો હોય છે. મારે એ દિશામાં કામ કરવું છે. આશ્રમની કલ્પના એ છે કે, આપણી જે મૂળ પરંપરાગત ટેક્નોલોજી હતી, પરંપરાગત જીવનપદ્ધતિ હતી તેને રીવાઈવ કરવી. પહેલા ત્યાં કૂવો ગાળવો અને આસપાસ વૃક્ષો વાવી દેવાનું અગ્રતાક્રમે છે. એકાદ દોઢ વર્ષમાં ત્યાં મકાન બનાવીને કાયમી વસવાટ માટે ચાલ્યા જવાની યોજના છે.’

પ્રાચીન જીવનપદ્ધતિ અને કળાને સાચવવાની વાતમાંથી વાત નીકળતા તેમણે એક દાખલો આપ્યો. તેઓ જ્યારે કચ્છ ગયા ત્યારે એક ચોર્યાશી વર્ષના દાદાના સંપર્કમાં આવ્યા હતા. તેઓએ હેન્ડલૂમમાં તેમની કોઠાસૂઝથી મોડીફિકેશન કરીને હાથશાળનું યંત્ર તૈયાર કર્યું છે, જેના દ્વારા તેઓ હાથવણાટથી લેંઘો અને ઝભ્ભો તૈયાર કરે છે. કોઈપણ પ્રકારનો સાંધો કે ટાંકો લીધા વિના માત્ર હાથવણાટથી લેંઘો-ઝભ્ભો તેઓ બનાવી શકે છે. તેમની આ કારીગરી તેમની પાસેથી કોઈ શીખવા તૈયાર નથી. તેમના સંતાનોમાંથી કોઈ શીખ્યું નથી. એટલે તેમની સાથે આ કૌશલ્ય લુપ્ત ન થઈ જાય તે જોવું રહ્યું. આ સિવાય કચ્છમાં એક સુરંદો કરીને વાદ્ય વગાડનાર એક ભાઈ છે. કહેવાય છે કે આખા ભારતમાં આ વાદ્ય વગાડનાર તેઓ એક જ હશે. તેમની પાસેથી પણ કોઈ વગાડતા શીખ્યું નથી. આપણા આ મહામૂલા વારસાનો જે તે વ્યક્તિ સાથે અંત ન થઈ જવો જોઈએ. આ પ્રકારના અનેક કારીગરો અને કળાકારોના કાર્યોનું જાનીદંપતીએ દસ્તાવેજીકરણ કર્યું છે.

તેઓ આ બધુ બીજા લોકો જાણે અને શીખે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ વર્ષે જ તેઓએ પટ્ટચિત્રની વર્કશોપનું અમદાવાદમાં આયોજન કર્યું હતું. પટ્ટચિત્ર પશ્ચિમબંગાળની ચિત્રકળાનો એક પ્રકાર છે. તેના માટે બંગાળથી પતિ-પત્ની કે જે બન્ને પટ્ટચિત્રના કળાકાર છે તેમને બોલાવવાનું નક્કી કર્યું. તેમને આવવા-જવાનું ભાડુ અને તેમનો ઉતારો જાનીદંપતીના અમદાવાદના ઘરે રાખવાનું નક્કી કર્યું. અત્યારસુધી કોઈપણ પ્રકારની વર્કશોપ કે બીજા કોઈ સામૂહિક આયોજન જાનીદંપતીએ નિશુલ્ક જ કર્યા હતા અથવા પોતાના આર્થિક જોખમે કર્યા હતા. આ વખતે પ્રથમ વખત વર્કશોપમાં ભાગ લેનાર પાસેથી નોમિનલ ચાર્જ લેવાનું નક્કી કર્યું અને જે રકમ આવે તે બધી કળાકારોને આપવી. ધારો કે કોઈ ચાર્જ આપીને જોડાવા તૈયાર ન થાય તો પોતાની શક્તિ મુજબ અમુક રકમ આપવી તેવું તેમણે નક્કી કર્યું. અગેઈન તેમના સુખદ આશ્ચર્ય વચ્ચે જાનીદંપતીના કાર્યથી પરીચીત લોકોએ ઉત્સાહભેર તેમા ભાગ લીધો અને એટલા પાર્ટીસીપન્ટ થઈ ગયા કે કળાકારોને મદદરૂપ થઈ શકાય તે માટેની પૂરતી રકમ એકઠી થઈ ગઈ.

Positive News

આ સિવાય જે પ્રવૃત્તિઓ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે, તેમાંની એક પ્રવૃત્તિ એટલે ‘ગણેશવંદના’. જેમાં દર વર્ષે તેઓ ગણેશજીની માટીની મૂર્તિ લોકોને આપે છે. બદલામાં કોઈ નાણાકીય મૂલ્ય લેવાનું નહીં. આ પ્રવૃત્તિ સાથે પચાસ કુટુંબો અને તેમના આશરે બસ્સો વ્યક્તિઓ જોડાયેલા છે. મૂર્તિઓનું વેચાણ કરતા નથી એટલે કોઈ નાણાકીય બેકઅપ નથી છતાં પણ આટલી સંખ્યામાં લોકો હોંશેહોંશે જોડાય છે. તેમાં અગિયાર મૂર્તિકારો સંકળાયેલા છે. આ કાર્યને પાંચ વર્ષ થયા. મૂર્તિકારો બધા અમદાવાદના જ હોય તેવું પણ નથી બહારગામના પણ છે, તેઓ કોઈપણ નાણાકીય અપેક્ષા વિના આ કાર્યના સમયગાળા દરમિયાન અમદાવાદ આવીને મૂર્તિઓ બનાવે છે. આ કાર્યમાં દર વર્ષે લોકો ઉમેરાતા જાય છે. ગણેશજીની મૂર્તિના બદલામાં પૈસા ન હોવાથી લોકો બદલામાં કશુંક આપવાની ઈચ્છા વ્યક્ત કરે તો બદલામાં નૈસર્ગિક વસ્તુ આપવાની છૂટ છે. પણ તે સીધી દુકાનેથી ખરીદેલી ન હોવી જોઈએ. તેના બદલે ખેડૂત કે કારીગર પાસેથી સીધી ખરીદેલી હોવી જોઈએ. જેથી જેણે ખરી મહેનત કરી છે તેને તેના સીધા દામ મળે. બદલામાં લોકો એટલું હોંશે હોંશે આપે છે કે, મૂર્તિ બનાવનારને છ મહિના સુધી ચાલે તેટલું સીધુસામાન મળે છે.

‘ગણેશવંદના’ શરૂ કર્યાના ત્રણ વર્ષ સુધી કોઈ પણ અખબાર કે ચેનલમાં તેના વિશે કશું છપાય કે પ્રસારિત થાય તે માટે જાનીદંપતી ઉત્સાહ દર્શાવ્યો નહોતો. કારણ કે તેઓ કોઈપણ પ્રકારની કિર્તીની ખેવના ધરાવતા નથી. પછી ચોથા વર્ષે આઠ ફૂટના ગણેશજીની માટીની મૂર્તિ બનાવી ત્યારે ઘણાલોકોના ધ્યાનમાં આ પ્રવૃત્તિ આવી હતી. તે વખતે એ મૂર્તિ જેમને બનાવીને આપી હતી તેઓની ઈચ્છા હતી કે આટલી ઉમદા પ્રવૃત્તિનું મિડિયા કવરેજ થવું જોઈએ. ત્યારે જાનીદંપતીએ તેમની સાથે સંકળાયેલા લોકો સાથે ચર્ચાવિચારણા કરી. સમાજમાં બને છે એવું કે અમુક નેતૃત્વ એવું આવે છે જે સમાજને ખોટા માર્ગે લઈ જાય છે. પોતાની લોકપ્રિયતાને જોરે નકારાત્મક મૂલ્યોને સ્વીકૃતિ મળતી જાય છે. પોપ્યુલર બિલીફ તો એ છે કે સામાન્ય લાગતી અને સહેલી વસ્તુ જલ્દી સ્વીકારાઈ જતી હોય છે. ત્યારે જરૂરી છે કે લોકો આ પ્રકારની કિર્તી કે નાણાંની ખેવના વિના ચાલતી નિસ્વાર્થ સેવાની પ્રવૃત્તિ વિશે જાણે. આમ ચર્ચાના અંતે મીડિયા કવરેજ કરવાની તેમણે સહમતી દર્શાવી.

આશુતોષ જાની અને સ્નેહા જાનીનું ધ્યેય તો શુદ્ધ છે જ પણ તેનો માર્ગ પણ શુદ્ધ હોય તેવો ચુસ્તઆગ્રહ છે. માટે જ તેઓ નાણાં અને નામનાથી અંતર રાખવાનું પસંદ કરે છે. તેઓ તેમની સાથે જોડાવા માંગતા લોકોમાંથી મર્યાદિત લોકોને હા પાડે છે. કારણ કે તેઓ માને છે કે પ્રવૃત્તિ પાછળનો હેતુ નહીં સમજાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ અર્થ નથી. ક્યારેક લોકો પૈસા આપીને મૂર્તિ લેવાની તૈયારી બતાવે તો તેમને વિનમ્રતાપૂર્વક ના કહે છે, પછી ભલે તેઓ ગમે તેટલા પૈસા આપવા તૈયાર હોય. ‘ગણેશવંદના’ સાથે જોડાયેલા લોકો લે-વેચની માનસિકતાથી જોજનો દૂર છે. ‘ગણેશવંદના’ વખતે જે લોકો બહારગામથી આવતા હોય છે તેમનો ઉતારો જાનીદંપતીના ઘરે જ હોય છે. ‘તે સમયે અમારું ઘર જ આશ્રમ બની જતું હોય છે’, તેમ સ્નેહાબેન જાની ઉમેરે છે.

આ ઉપરાંત ‘નિસર્ગાયણ’ નામની એક પ્રવૃત્તિ ચાલે છે, તેમાં પાંચ ટ્રસ્ટીઓ છે. બધા સ્વૈચ્છિક રીતે કાર્ય કરે છે. આ સિવાય એક ‘સ્વાસ્થ્ય સંવાદ’ નામે ગૃપ છે, જેમાં આપણી દિનચર્યા અને ભોજનમાં ક્યા ક્યા ફેરફાર કરીને નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકીએ તે દિશામાં કાર્ય કરે છે. ‘સાર્થક સંવાદ’ નામની વેબસાઈટ છે. જેની સાથે આશુતોષ જાની, સ્નેહા જાની અને તેમના જેવા વિવેકશીલ વ્યક્તિઓ સંકળાયેલા છે. જેના દ્વારા લોકકળા, શિક્ષણ સાથે સંકળાયેલા મુદ્દા, પ્રાચીન પરંપરાઓ પાછળના હેતુઓ તેની મહત્તા, સંસ્કૃત ભાષા પર કામ કરતા લોકો અને તેમની પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે.

અગાઉ આશુતોષ અને સ્નેહા જાની નાના-મોટા ફ્રિલાન્સિગ કામો દ્વારા જીવનનિર્વાહ પૂરતી કમાણી કરી લેતા. પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાવાથી તે પણ છેલ્લા બે વર્ષથી બંદ છે. તે દરમિયાન અમદાવાદમાં ગોતીર્થ વિદ્યાપીઠ નામે એક શૈક્ષણિક સંસ્થા છે. જ્યાં જાનીદંપતી વિદ્યાર્થીઓને ચરખો ચલાવતા, હાથશાળ ચલાવતા, માટીની મૂર્તિઓ બનાવતા, માટીનો ચૂલો બનાવતા તેમજ કૃષિને લગતી બાબતોનો પરીચય આપવાનું કાર્ય કરતા. આ સંસ્થાએ સામેથી જાનીદંપતીને અમુક રકમ આપવાનું ઠરાવ્યું હતું, જે રકમને આધારે જીવનનિર્વાહ ચાલતો.

જે પ્રકારના કાર્યો આશુતોષભાઈ અને સ્નેહાબેન કરી રહ્યા છે, તે દરમિયાન તેઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હશે અને કરી પણ રહ્યા હશે. તેઓને કડવા અનુભવો પણ થયા હશે પરંતુ તેની કડવાશ તેમની વાણીમાં વર્તાતી નથી. ત્યારે પ્રશ્ન થાય કે માણસમાત્રને ઉદ્વેગ થતો હોય છે વળી વ્યક્તિને મૂલવવાના સમાજના માપદંડોમાં આર્થિકપાસુ બહુ અગત્યનો ભાગ ભજવતું હોય છે ત્યારે તમે આ પરિસ્થિતિઓ સામે કઈ રીતે ટકી શક્યા છો? તેમ પૂછતાં સ્નેહાબેન જાની જણાવે છે કે,‘એવા સમયે વિચારીએ છીએ કે દરેક માણસને ભગવાને કોઈ ચોક્કસ કાર્ય માટે જન્મ આપ્યો છે. હવે આપણા માટે એ કાર્ય શું છે તે આપણે જાણી લઈએ તો પછી એ કાર્ય કરવું જ રહ્યું. એ કાર્ય કરતી વખતે ‘મેં કર્યું છે’ તેવો ભાવ ન આવે તેમાં જીવનની સાર્થકતા છે.’

સાડાપાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણે પ્રબોધેલો અનાસક્તિયોગ આજે આશુતોષ જાની, સ્નેહા જાની અને તેમના જેવા જૂજ વિરલ વ્યક્તિઓના આચરણમાં જીવંત છે.

આ પણ વાંચો: વાપીના આ દંપતિએ આપ્યો છે 300 કરતાં પણ વધુ પ્રાણીઓ-પક્ષીઓને સહારો, દર મહિને ખર્ચે છે 2 લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon