લૉકડાઉનમાં તમામ લોકો ઘરે હતા. અનેક લોકોએ આ સમયનો સદુપયોગ કરીને પોતાના અધૂરા સપનાઓ પર કામ શરૂ કર્યું હતું. લોકોએ અલગ અલગ સ્કિલ અપનાવી હતી. જેમાં ગાર્ડનિંગ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. હરિયાળીને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. ઇન-હાઉસ, કિચન કે પછી ટેરેસ ગાર્ડનની સૌથી વધારે કહાનીઓ લૉકડાઉન દરમિયાન સામે આવી છે.
આજે અમે તમને એક એવા દંપતી સાથે મુલાકાત કરાવી રહ્યા છીએ જેઓ સમાજ સુધારણાના કામ સાથે જોડાયેલા છે. ઉત્તર પ્રદેશના વારાણસીના કચહરી સર્કિટ હાઉસ નજીક સિકરોલ વાર્ડના નિવાસી સામાજિક કાર્યકર રંજૂ સિંહ અને નંદલાલ માસ્ટર, લોક ચેતના સમિતિ સાથે જોડાયેલા છે. છેલ્લા 25 વર્ષથી દંપતી લોકસેવા કરી રહ્યું છે. સાથે જ તેઓ ખૂબ સુંદર રીતે ટેરેસ ગાર્ડનિંગ પણ કરે છે.
આ દંપતીએ અનેક ગરીબ છોકરીઓના દહેજ વગર લગ્ન કરાવ્યા છે. અનેક મહિલાઓને રોજગારી સાથે જોડી છે. સાથે જ વારાણસી જિલ્લાના સેંકડો ગામોમાં બાળકો, મહિલાઓને સ્વાસ્થ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાની સાથે સાથે પર્યાવરણના રક્ષણ માટે પણ જાગૃત કર્યાં છે. ચોમાસા દરમિયાન તેઓ લાખો વૃક્ષો વાવે છે, સાથે સાથે પાણીના સંગ્રહ માટે પણ કાર્ય કરે છે.

આ સાથે જ તેમની લાઇફસ્ટાઇલ પણ લોકો માટે પ્રેરણસમાન છે. છેલ્લા સાત વર્ષથી તેમના ઘરે ટેરેસ ગાર્ડનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમના રસોડામાં બનતી મોટાભાગની શાકભાજી તેમના ગાર્ડનમાં જ ઊગે છે. ઘરના લગભગ તમામ જૈવિક કચરાનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે.
ટેરેસ પર શાકભાજીની ખેતી
રંજૂ સિંહ તેમજ નંદલાલ માસ્ટરે પોતાના ઘરના ટેરેસ પર જ ઘણી બધી શાકભાજી ઊગાડી છે. નંદલાલ માસ્ટરે જણાવ્યું કે, “અમે 2012માં અમારું નવું ઘર બનાવ્યું હતું. જેના ત્રીજા માળે આશરે 1,000 વર્ગફૂટમાં ગાર્ડન બનાવવાની યોજના બનાવી હતી. શરૂઆતમાં નાના છોડ કુંડાઓમાં ઊગાડ્યા હતા. ધીમે ધીમે શાકભાજી પણ ઊગાડવાની શરૂઆત કરી હતી. બાળપણથી જ મને શાકભાજી પ્રત્યે ખૂબ લાગણી રહી છે. આ માટે જ ઘરના ટેરેસ પર 30 ફૂટ લાંબી, અઢી ફૂટ પહોળી અને અઢી ફૂટ ઊંડો એક ક્યારો શાકભાજી માટે બનાવ્યો છે. જેમાં અમે વિવિધ શાકભાજી જેમ કે રીંગણ, કોબી, ટામેટા, કોળું, ખીરા, કારેલા, પાલખ, લસણ, ભીંડી વગરે ઊગાડીએ છીએ.”

આ સિઝનમાં તેમનું ટેરેસ કોઈ મિની ગાર્ડનથી ઓછી નથી. હાલ તેમના ટેરેસ પર કોબી, પાલખ, લસણ, મૂળા, રીંગણ, ટામેટા, ફુલાવર વગેરે ઊગાડેલા છે. લીંબુ અને કેળાના છોડ પણ છે.
જૈવિક વસ્તુઓનો ઉપયોગ
લોક ચેતના સમિતિના નિર્દેશિકા અને સામાજિક કાર્યકર રંજૂ સિંહ કહે છે કે, તેણી દરેક સિઝનલ શાકભાજી ઊગાડે છે. તેણી કહે છે કે, “વધી રહેલા શહેરીકરણ અને ખેતીની જમીન ઓછી થઈ રહી હોવાથી શહેરની આસપાસ શાકભાજીની ખેતી ઓછી થઈ રહી છે. દૂર દૂરથી માર્કેટમાં જે શાકભાજી પહોંચે છે તેમાં જંતુનાશક દવાઓનો પણ એટલો જ ઊપયોગ થયો હોય છે. આવી સ્થિતિમાં તમે તમારા ઘરના ટેરસ પર જ શાકભાજી ઊગાડી શકો છો.”

દંપતી ઘરના ટેરેસ પર ઊગતી શાકભાજીની ખાવા માટે ઉપયોગ કરે છે. સાથે જ જો વધારે શાકભાજી થાય તો પાડોશીઓને પણ આપે છે. દંપતી જૈવિક રીતે જ શાકભાજી ઊગાડે છે. જેમાં કોઈ જ જંતુનાશકનો ઉપયોગ નથી કરવામાં આવતો. દંપતી અન્ય લોકોને પણ આવું કરવા માટે જાગૃત કરે છે.
તેમના ઘરે મોટી સંખ્યામાં લોકો તેમનો ગાર્ડન જોવા માટે આવે છે અને જાણકારી પણ મેળવે છે. અનેક લોકોએ તેમનામાંથી પ્રેરણા લઈને ગાર્ડનિંગ શરૂ કર્યું છે.
રંજૂ સિંહ કહે છે કે તેણી જૈવિક રીતથી જ તમામ વસ્તુ ઊગાડે છે. રસોઈમાંથી નીકળતા ફળો અને શાકભાજીના છોતરા તેઓ ફેંકતા નથી. આ વસ્તુઓને તેઓ શાકભાજીના ક્યારામાં નાખીને તેના પર માટી ઢાંકી દે છે. છોડ માટે તે ખાતરનું કામ કરે છે.

ટેરેસ ગાર્ડનની દેખરેખ માટે અમુક ટિપ્સ:
રંજૂ સિંહ કહે છે કે ટેરેસ પર શાકભાજી ઊગાડતા પહેલા અનેક સાવધાની રાખવાની જરૂર છે. સવાર-સાંજ છોડને જરૂરિયાત પ્રમાણે પાણી આપવું પણ જરૂરી છે. સાથે સાથે સમયાંતરે ખાતર અને કીડાઓથી શાકભાજીને બચાવવું પણ જરૂરી છે. ઘરના ખાતર ઉપરાંત તેઓ જૈવિક પેસ્ટિસાઇડ બનાવે છે. જેનો છંટકાવ છોડ પર કરે છે.
રંજૂ સિંહ કહે છે કે, “બાગકામ માટે નિયમિત પાણી અને ખાતરનું ધ્યાન રાખો. વર્ષમાં ઋતુ પ્રમાણે ગાર્ડન તૈયાર કરો. જો તમે ગાર્ડનની દેખરેખ રાખશો તો ગાર્ડન તમારી સંભાળ રાખશે.”
આ દંપતીએ જણાવ્યું હતું કે, ટેરેસ પર શાકભાજી ઊગાડ્યા બાદ હવે આ વર્ષે તેઓ ફળ આવે તેવા છોડ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે તેઓ મોટાપાયે તૈયાર કરી રહ્યા છે. તેઓ ઇચ્છી રહ્યા છે કે વધારેમાં વધારે લોકો ગાર્ડનિંગ સાથે જોડાય. જો તમે ટેરેસ ગાર્ડનિંગ અંગે વધારે જાણવા માંગો છો તો નંદલાલ માસ્ટરનો 9415300520 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: માટી વગર જ શાકભાજી ઊગાડે છે બેંક ક્લર્ક, દર મહિને આવક 40 હજાર રૂપિયા
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.