રોટી, કપડાં અને મકાનની સાથે-સાથે શિક્ષણ અને સ્વાસ્થ્ય પણ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. શિક્ષણ ક્ષેત્રે તો આજકાલ ઘણા લોકો કામ કરે છે, પરંતુ વાત જ્યારે સ્વાસ્થ્યની આવે ત્યારે, જાત-જાતના સવાલો ઊઠે છે. વર્ષ 2019 માં પ્રકાશિત, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB), ભારત સરકારની એક પ્રેસ રીલિઝ (નેશનલ મેડિકલ કમીશન બિલ) અનુસાર, દેશમાં દર 1456 લોકો સામે માત્ર એકજ ડૉક્ટર છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન (WHO) એ નક્કી કરેલ ધોરણો અનુસાર, દર એક હજાર લોકો દીઠ એક ડૉક્ટર હોવો જોઈએ.
દેશમાં મોટાભાગના ડૉક્ટરો પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. આ જોતાં સવાલ એ ઊઠે છે કે, દેશના ગરીબ અને આર્થિક રૂપે મજબૂર લોકોને શું સારી સ્વાસ્થ્ય સેવાઓનો હક નથી? ખરેખર આ આંકડા ખૂબજ ચિંતાજનક છે અને આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જોકે આ બધામાં કેટલાક ડૉક્ટરો એવા પણ છે, જેઓ આશાનું કિરણ બની ઉભર્યા છે. આજે અમે તમને આવા જ ડૉક્ટર વિશે વાત કરી રહ્યા છીએ, જેઓ છે ઓડિશાના સંબલપુર જિલ્લાના ડૉ. શંકર રામચંદાની.
બુર્લા સ્થિત વીર સુરેન્દ્ર સાઈ ઈસ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (VIMSAR) માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવી રહેલ ડૉ. રામચંદાનીએ તાજેતરમાં જ ‘એક રૂપિયા ક્લિનિક’ શરૂ કર્યું છે. આ ક્લિનિકમાં તેઓ જરૂરિયાતમંદ અને ગરીબ લોકોનો માત્ર એકજ રૂપિયામાં ઈલાજ કરે છે.
પિતાનું સપનું હતું, પુત્ર સમાજ માટે કઈંક કરે
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ડૉ. રામચંદાનીએ કહ્યું, “મારા માતા-પિતાનું સપનું હતું કે, તેમનાં બાળકો સમાજ માટે કઈંક કરે. મારા પિતાજીની કરિયાણાની દુકાન હતી. તે સમયે તેમણે અમને ભાઈ-બહેનોને પણ મહા મુશ્કેલીએ ભણાવ્યાં હતાં. એટલે તેમની બહુ ઈચ્છા હતી કે, હું ડૉક્ટર બની ગરીબો માટે કઈંક કરું.”

ડૉ. રામચંદાનીના દાદા ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે ભારતમાં આવ્યા હતા. અહીં દિવસ-રાત સખત મહેનત કર્યા બાદ તેમણે તેમના પરિવારને અહીં વસાવ્યો. આ અંગે વધુમાં જણાવતાં ડૉ. રામચંદાનીએ કહ્યું કે તેમના પિતાજીએ પણ બાળપણથી બહુ સંઘર્ષ કર્યો હતો. એટલે જ બાળકોને હંમેશાં લોકોને મદદ કરવાની જ સલાહ આપતા હતા. પરંતુ આજના જમાનામાં મફતમાં નર્સિંગ હોમ ચલાવવું ખૂબજ મુશ્કેલ છે. આ માટે ઘણા રૂપિયા અને સંસાધનોની જરૂર હોય છે. એટલે જ મે ‘એક રૂપિયા ક્લિનિક’ શરૂ કરવાનો નિર્ણય લીધો.
તેઓ કહે છે કે, કઈં ન કરવા કરતાં તો નાના સ્તરે પણ કઈંક શરૂ કરવું જોઈએ. તેઓ સવારથી સાંજ સુધી કૉલેજમાં પોતાની નોકરી કરે છે અને ત્યારબાદ આ ક્લિનિક પહોંચી જાય છે. જ્યાં તેઓ રોજનાં 30-35 દરદીઓની સારવાર કરે છે. તાવ, હાઈપરટેન્શન, ડાયાબિટીઝથી લઈને દરેક પ્રકારની બીમારીઓનાં દરદીઓ તેમની પાસે ઈલાજ કરાવવા આવે છે.

સારી સ્વાસ્થ્ય સેવા હક છે દરેકનો
તેઓ જણાવે છે, “આ પણા દેશમાં ખરેખર આ દુખદ વાત છે કે, લોકો બીમારીઓમાં સમયસર ઈલાજ ન મળવાના કારણે મરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ એ જ છે કે, આ લોકોને પોસાય તેમ યોગ્ય સ્વાસ્થ્ય સેવાઓ મળતી નથી. એટલે આ ક્લિનિકથી રોજ થોડા-ઘણા લોકોને તો ઈલાજ મળી સકશે.”
માત્ર એક રૂપિયામાં સ્વાસ્થ્ય તપાસ અને ઈલાજ
ડૉ. રામચંદાની મરીજો પાસેથી મેડિકલ ટેસ્ટ અને ઈલાજના બદલામાં માત્ર એક રૂપિયો જ લે છે. જો કોઈ દરદીની આર્થિક સ્થિતિ દવા ખરીદવા માટે પણ સક્ષમ ન હોય તો, તેઓ તેને દવા પણ ખરીદી આપે છે.
મફત નહીં પણ એક રૂપિયો ફી
એક રૂપિયો ફી લેવા પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે, “હું એક રૂપિયો એટલા માટે જ લઉં છું કે, લોકો એમ ન માને કે તેમને મફતમાં મળી રહ્યું છે. તેઓ મને મારા કામની ફી આપે છે. એટલે તેમનો પણ પૂરેપૂરો હક છે કે, તેમને યોગ્ય ઈલાજ મળી રહે. હું તેમની પાસેથી ફી લઉં છું એટલે મારી પણ ફરજ બને છે કે, હું તેમનો યોગ્ય ઈલાજ કરું. આમાં પછી ફી કેટલી છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો.”
જોકે આ પહેલીવાર નથી, જ્યારે ડૉ. રામચંદાની લોકો માટે કઈં કરી રહ્યા હોય. જ્યારથી તેઓ મેડિકલ ક્ષેત્રમાં આવ્યા છે, ત્યારથી તેઓ સમાજ માટે સતત સેવા કાર્યો કરી રહ્યા છે. VIMSAR માં સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે નોકરી શરૂ કરી હતી ત્યારે તેઓ ત્યાંના નિયમો અનુસાર પોતાનું ક્લિનિક શરૂ કરી શકે તેમ નહોંતા. પરંતુ જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર નિયુક્ત થયા ત્યારે તેમણે એક જગ્યા ભાડે લઈને ત્યાં પોતાની ક્લિનિક શરૂ કરી. ક્લિનિક શરૂ કરતાં પહેલાં પણ તેઓ ગરીબોને ઈલાજ માટે આર્થિક મદદ કરતા હતા.
છેલ્લા એક વર્ષથી તેઓ કુષ્ઠ રોગના દરદીઓનો ઈલાજ પણ કરે છે. બુર્લાના એક સામાજિક કાર્યકર, પ્રસન્ના કુમાર સાહૂ તેમનાં કામ બાબતે જણાવે છે, “ડૉ. રામચંદાનીની મદદથી જ ઘણા કુષ્ટ રોગના દરદીઓનો ઈલાજ સારી હોસ્પિટલ્સમાં થઈ રહ્યો છે. આ બીમારીએ સમાજમાં છૂઆછૂત ઊભી કરી હતી. તેઓ કુષ્ટ રોગ બાબતે જાગૃતિ ફેલાવે છે. સાથે-સાથે તેમને એ પણ સમજાવે છે કે, જો દરદીને યોગ્ય સમયે ઈલાજ ન મળી રહે તો, તેની સ્થિતિ વધારે બગડી શકે છે. ડૉ. રામચંદાની જેવા કેટલાક ડૉક્ટરો આ તસવીરને બદલવા માટે સખત મહેનત કરી રહ્યા છે.”
તેમની મદદથી ઈલાજ કરાવી રહેલ એક મહિલાએ જણાવ્યું, “અમારી પાસે એટલા પૈસા પણ નહોંતા કે, અમે ઘા પર મલમપટ્ટી કરાવી શકીએ કે દવા લગાવી શકીએ. પરંતુ ડૉક્ટર સાહેબની મદદથી, હવે બધુ સમયસર મળી રહે છે. તેમણે બાળકોને ભણાવવા માટે પણ મદદ કરી છે.”
આર્થિક બાબતો અંગે વાત કરતાં ડૉ. રામચંદાની જણાવે છે, “અત્યારે તો હું મારી કમાણીનો એક ભાગ આ કામ પાછળ ખર્ચ્યું છું. સાથે-સાથે મારા પરિવારનો પણ મને પૂરેપૂરો સહયોગ મળી રહે છે. દુનિયામાં કેટલાક બહુ સારા લોકો પણ છે, જેમને આ ક્લિનિક અંગે ખબર પડતાં મદદ કરવા આગળ આવ્યા. પરંતુ અત્યારે હું મારા પૈસાથી આ કામ ચલાવવા સક્ષમ છું. જો કોઈ દરદીના ઈલાજ માટે જરૂર પડશે તો, હું મદદ માટે ઇચ્છુક આવા સજ્જન લોકોનો સંપર્ક કરીશ. મારા માટે સૌથી વધારે મહત્વનું લોકોનું સ્વાસ્થ્ય જ છે.”
લોકોને ડૉ. રામચંદાનીનું આ કામ ખૂબજ ગમી રહ્યું છે. પરંતુ તેમનું કહેવું તો એમ છે કે, આ તો માત્ર એક શરૂઆત છે. હજી આગળ સફર બહુ લાંબી છે. તેઓ બસ એમજ ઈચ્છે છે કે, આ કામથી વધુમાં વધુ લોકોને મદદ મળી શકે.
આ પણ વાંચો: વડીલોની એકલતા દૂર કરવા નટૂભાઇ ચલાવે છે મેરેજ બ્યૂરો, ફ્રીમાં શોધી આપે છે યોગ્ય સાથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.