નિર્દોષ હાસ્ય, બેઠી દડીનું સ્વસ્થ શરીર અને સરળ વ્યક્તિત્વ એટકે 78 વર્ષના કાનજીબાપા જેમને ગામલોકો ‘કાનો’ કહીને ઓળખે. માથે ધોળા વાળ આવી ગયા છે, હાથ બરછટ બની ગયા છે, પરંતુ સતત હસતા મુખે ફરતા કાનજીબાપાનું દિલ આજે પણ મુલાયમ જ છે. સ્વભાવમાં જરા પણ કપટ નહીં, ક્યારેય તેમના મુખે કોઈની નિંદા સાંભળવા ન મળે તેવા કાનજીબાપા આજે આખા ગામનાં અનાથ વૃક્ષોના નાથ છે.

આજે આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિનાયકપુરા ગામમાં રહેતા કાનજીબાપાની છેલ્લાં ઘણાં વર્ષોથી ગામનાં બધાં જ વૄક્ષ, છોડ અને વેલાઓની નાના બાળકની જેમ કાળજી લઈ રહ્યા છે. ક્યાંય કોઇ છોડને નુકસાન થયું હોય કે નમી ગયો હોય તો ટેકો આપે, ગરમીમાં સૂકાતો લાગે તો જામે માથે બેડુ પાણી લઈ જાય અને ખૂબજ પ્રેમથી તેને પાણી સીંચે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં કાનજીબાપાએ કહ્યું, “એક ખેડૂત ક્યારેય નિવૃત્ત થતો જ નથી. જો પ્રકૄતિ જ નહીં બચે તો આપણે કેવી રીતે બચશું! બસ એટલે જ નિવૃત્ત ઉંમરે બીજી કોઈ જવાબદારી ન હોવાથી પ્રકૃત્તિની જવાબદારી નિભાવું છું અને આમાં મને બહુ મજા પણ આવે છે. દીકરો લંડનમાં સ્થાયી થયો. અહીં હું ધર્મધ્યાન અને પ્રકૃત્તિ સાથે સમય પસાર કરું છું અને મને આમાં બહુ મજા પણ આવે છે, કારણકે આ બધાં ઝાડ-છોડ મારાં બાળકો જેવાં લાગે છે. “

નિવૃત્તિની વયે શરુ કર્યું પર્યાવરણ ક્ષેત્રે કામ
આમ તો ખેડૂત કોઈ દિવસ નિવૃત નથી થતો એ કહેવત તો છે પણ તે કાનજીભાઈના પર્યાવરણ કાર્યોને જોતા ખરેખર સાર્થક હોય તેમ લાગે છે. કાનજીભાઈએ સમગ્ર જિંદગી ખેતી કરી છે અને પછી જયારે તેમનો દીકરો લંડન ખાતે સ્થાયી થઇ ગયો ત્યારે તેમણે ખેતીને ભાગવી આપી દીધી અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા. પરંતુ ઉપર કહ્યું તેમ કે ખેડૂત કોઈ દિવસ નિવૃત થતો જ નથી તે ઉક્તિને સાર્થક કરતા કાનજીબાપાએ 71 વર્ષની વયે પોતાના ગામમાં વૃક્ષારોપણ કરવાનું શરુ કર્યું જે આજના દિવસે પણ ચાલુ જ છે. કાનજીબાપા તો પોતાને વૄદ્ધ માનતા જ નથી. તેઓ તો કહે છે કે, “હજી તો હું બહું નાનો છું. ઉંમર તો શરીરને હોય, મનને થોડી હોય? મનનું ગમતું કરવામાં ક્યારેય કોઈ અડચણો આવતી નથી, મનને આનંદ જ મળે છે.”

વાવ્યા છે વિવિધ પ્રકારના વૃક્ષો
કાનજીબાપાના પડોસમાં રહેતા જનકભાઈએ જયારે પોતાના પ્રાંગણમાં થોડા વૃક્ષો લાવીને વાવ્યા તો તેમાંથી પ્રેરણા લઇ તેમણે શરૂઆતમાં પોતાના વાડામાં ફળ, શાકભાજી અને ઔષધીય વૃક્ષો વાવી શરૂઆત કરી. ત્યારબાદ ગામના પાદર ખાતે એક પંચવટીનુ નિર્માણ કરવામાં આવ્યું જેમાં દરેક છોડ અને ઝાડવાઓને રોપ્યા પછી તેના સમગ્ર ઉછેરની જવાબદારી કાનજીબાપાએ લીધી. આ સિવાય તેમણે ગામના સ્મશાનમાં પણ વૃક્ષો વાવેલા છે. અને બાપાએ પોતાના વાડામાં વાવેલ વૃક્ષો તથા બીજા છોડવાઓ તો અલગ.

પંચવટીમાં તેમણે મુખ્યત્વે સુશોભન અને છાંયો આપે તેવા વૃક્ષો અને છોડવાઓનું વાવેતર કરેલ છે જેમાં ફળમાં ચીકુ, આંબળા, જાંબુ. ગ્રીનરી માટે ડ્યુરેન્ટમ, કરમદા, આસોપાલવ, બોટલ પામ. શરુ, ચંપો, કેતકી, જૂઈ, ચમેલી અને વાંસની પણ બોર્ડર બનાવેલી છે. આ સિવાય સ્મશાનની અંદર સિત્તેર જેટલા વૃક્ષો વાવેલા છે જેમાં, સપ્તપર્ણી, આઠથી નવ બીલીના ઝાડ વેગેરે છે. ઔષધિયોમાં કુંવારપાંઠુ, ડોડી, હાડ સાંકળ, ચિત્રક, મધુનાશિની, ગૂગળ વગેરે છે જે તેમના પોતાના વાડામાં જ છે.
આ બધાં જ કામ તેઓ પોતે તેમની જાત મેહનતથી જ કરે છે અને કોઈની મદદ નથી લેતા. હા અમુક સમયે કંઈક મોટું કામ પડી જાય તો ચોક્કસ મદદ માંગી લે છે. છોડવાઓ અને વૃક્ષોની માવજતમાં તેઓ તેમને રોપી , ગોડ કરી, આજુબાજુ કંટાળી વાળ કરીને નિયમત જાતે જ પિયત આપે છે અને તે સિવાય કોઈક કોઈક વખત છાણીયું ખાતર નાખે છે બાકી બીજું કઈ જ નથી કરતા અને દરેકને બસ નૈસર્ગીક રીતે જ ઉગવા દે છે. છોડની આસપાસ કાંટાળી વાડ બનાવવામાં તો તેમની મહારત છે. એટલે વાંદરાઓ પણ તેને નુકસાન ન પહોંચાડી શકે.

તેમના વાડામાં પપૈયા, જામફળ, દાડમ, ચીકુડી, આંબો, સરગવો, આંબળા, ગુગલ, લીંબુડી, સંતરા વગેરે છે અને તે જેમ જેમ પાકે તેમ તેમ પોતાને અને તેમની પત્ની બંનેને પરવડે તેટલું રાખી બાકી વધતું બધું જ ગામમાં ઘેર ઘેર વેચી મારે છે. શાકભાજીમાં ગીલોડી, કાકડી, દૂધી,ગવાર, ભીંડો, ચોળી,કોબીજ, ફુલાવર વગેરે વાવે છે અને તેને પણ ઉપર જણાવ્યું તે પ્રમાણે જ જોઈએ તેટલું રાખી ગામમાં વિનામૂલ્યે વેચી મારે છે.
આ સિવાય કાનજીબાપા ઔષધીય છોડવાઓના પણ સારા એવા જાણકાર છે અને તેઓ ગામની સીમમાં તથા પોતાના વાળામાં ઉગતા આવા ઔષધીય છોડવાઓમાંથી આયુર્વેદિક દવા બનાવી ગામમાં જરૂરિયાત વાળા લોકોને એકદમ મફત આપે છે. આમ લોકોના પરમાર્થ માટે કાનજીબાપા પોતાના ગાર્ડનમાં ઊગેલ દરેક શાકભાજી, ફળ, ઔષધીય પાકોમાંથી આયુર્વેદિક દવા બનાવીને પણ લોકોને વિનામૂલ્યે આપે છે.

કાનજીબાપાના જીવનની સૌથી રસપ્રદ વાત તો એ છે કે, જે વ્યક્તિએ આખુ જીવન પ્રકૄતિ સાથે ગાળ્યું છે, ગામમાં અસંખ્ય વૃક્ષો વાવ્યાં છે, તે નથી ઈચ્છતા કે, તેમના અવસાન બાદ અગ્નિસંસ્કારમાં એકપણ લાકડાનો ઉપયોગ કરવામાં આવે. તેમણે પરિવાર અને સંબંધીઓને કહી રાખ્યું છે કે, દેહ તો અગ્નિમાં જ ભળે અને પાછું તેમાં 20 મણ લાકડું પણ જાય, એ મને ન પોસાય. તમે મારા દેહને મેડિકલ અભ્યાસ માટે દાનમાં આપી દેજો, જેથી નવી પેઢીના ડૉક્ટરોને કઈંક શીખવા મળે અને મારું જીવન પણ સાર્થક બને.
આ માટે તેમને અગાઉથી જ દેહદાન નોંધાવી પણ રાખ્યું છે અને તેનું પ્રમાણપત્ર ફોટોફ્રેમમાં મઢાવી રાખ્યું છે. તેમણે ઘરના લોકોને પણ કહી રાખ્યું છે કે કોઈપણ જાતના પ્રચાર-પ્રસાર વગર આ પ્રમાણપત્રમાં આપેલ નંબર પર કૉલ કરીને દેહદાન કરી દેવું.
ધન્ય છે પ્રકૃતિના આ સેવકને.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે 40 વર્ષોથી પોતાના ખર્ચે વૃક્ષારોપણ કરી આખા રસ્તાને બનાવ્યો લીલોછમ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.