આપણે આપણા બાળકો માટે સંપત્તિ એકત્ર કરીએ છીએ જેથી તેઓ તેનો ઉપયોગ તેમના સારા જીવન માટે કરી શકે. પરંતુ સવાલ એ છે કે આપણે આપણી સગવડ માટે પર્યાવરણને એટલું નુકસાન પહોંચાડ્યું છે કે જ્યાં સુધી આપણા બાળકો મોટા ન થાય ત્યાં સુધી શુદ્ધ વાતાવરણ કદાચ બચે જ નહીં. તો શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને પર્યાવરણ વગર આવનારી પેઢીઓ ક્યાં સુધી ધન અને સંપત્તિની મદદથી જીવી શકશે?
કદાચ આ જ કારણ છે કે આ દિવસોમાં દરેક જગ્યાએ પર્યાવરણીય સંરક્ષણ અભિયાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. પરંતુ એ પણ સાચું છે કે એક દિવસ કે એક વર્ષમાં પર્યાવરણનું રક્ષણ થઈ શકતું નથી. તેના બદલે, તે એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેથી આપણે પણ સ્વસ્થ રહીએ અને આપણી આસપાસનું વાતાવરણ પણ. આ માટે સૌથી મહત્વની વસ્તુ ધીરજ અને ખંત છે. કારણ કે ત્યારે જ આપણે કોઈ પણ પરિણામની ઈચ્છા વગર આપણું કામ પ્રામાણિકપણે કરી શકીશું, જેમ કે ઓડિશાના નિવૃત્ત શિક્ષક કરી રહ્યા છે.
ઓડિશાના બારગઢ જિલ્લાના કાનગાંવના રહેવાસી 77 વર્ષીય રામ ચંદ્ર સાહુ વૃક્ષારોપણ માટે લોકોમાં જાણીતા છે. આજના યુગમાં જ્યાં લોકો નિવૃત્તિ પછી સુખી જીવન જીવવા માંગે છે. તો રામચંદ્ર સાહુએ પોતાનું જીવન વૃક્ષો અને છોડની સેવામાં સમર્પિત કર્યું છે. તેઓ નોકરીના દિવસોથી જ વૃક્ષારોપણનાં કામમાં જોડાયેલા હતા. આજે પણ તેમનો મોટાભાગનો સમય છોડ રોપવામાં અને છોડની સંભાળમાં જાય છે. વધતી જતી ઉંમર સાથે, સ્વાસ્થ્ય સમસ્યાઓએ તેમને ઘેરી લેવાનું શરૂ કર્યું છે. પરંતુ તેમણે વૃક્ષારોપણનું કામ છોડ્યું નથી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા રામચંદ્ર સાહુએ તેમની સફર વિશે વાત કરી.

લગભગ 40 વર્ષથી વાવે છે વૃક્ષો
વર્ષ 1964માં સરકારી શિક્ષક તરીકે નોકરી શરૂ કરનાર રામચંદ્ર સાહુ એક ખેડૂત પરિવારમાંથી છે. તેમણે પોતાના ગામની શાળામાં લગભગ 26 વર્ષ સુધી ભણાવ્યું છે. તેથી જ ગામમાં દરેક વ્યક્તિ તેને રામ માસ્ટર તરીકે ઓળખે છે. તેમનું કહેવું છે કે તેઓ હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યા છે અને આ જ કારણ છે કે તેઓ બાળપણથી આજ સુધી વૃક્ષો અને છોડની સેવામાં રોકાયેલા છે.
લગભગ 40 વર્ષ પહેલા રામચંદ્રએ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતુ. તેમણે કહ્યું કે તેમને આવી કોઈ અચાનક પ્રેરણા મળી નથી. તેના બદલે, તેમણે જોયું કે તેમના ગામમાં રસ્તાની બાજુમાં કોઈ વૃક્ષો અને છોડ નથી, જેની છાયામાં કોઈ બે ક્ષણો માટે આરામ કરી શકે છે. તેથી જ તેમણે પોતાના ઘરની નજીકથી રસ્તાની બાજુમાં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. તેઓ છોડ વાવીને તેને છોડી દેતા નથી, પરંતુ જ્યાં સુધી છોડ પોતે વિકાસ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેની સંપૂર્ણ સંભાળ રાખે છે.
તેમણે કહ્યું, “મેં મારા ગામમાં અને ગામને અન્ય ગામો સાથે જોડતા રસ્તાઓ પર હજારો વૃક્ષો વાવ્યા છે. હવે હું વૃક્ષોની ગણતરી નથી કરતો પણ મેં લગભગ 15 કિમી સુધી રસ્તો હરિયાળો બનાવ્યો છે. તેનાંથી બધા જ ગામલોકો ખુશ છે અને મને ખૂબ સંતોષ મળે છે કે દરેક જગ્યાએ હરિયાળી છે.”
રામચંદ્રની પત્ની પાર્વતી હંમેશા આ કામમાં તેમની સહયોગી રહી છે. તે છોડને જોવા અને તેની સંભાળ રાખવા માટે ઘણી વખત તેમની સાથે જાય છે.

સંતાનોની ખામી છોડોએ પુરી કરી
કુદરત પ્રત્યે આટલો પ્રેમ ધરાવતા દંપતીને કોઈ સંતાન નથી. પરંતુ આ ખામીને કારણે તેઓ ક્યારેય દુખી થયા નથી. આ ઉંમરમાં પણ રામચંદ્ર અને પાર્વતી એકબીજાની તાકાત છે. તેઓ કહે છે કે તેઓએ આ વૃક્ષો અને છોડને ઘણા સમય પહેલા તેમના બાળકો તરીકે અપનાવ્યા છે. તેથી, જ્યાં સુધી છોડ વૃક્ષો ન બને ત્યાં સુધી તેઓ સતત તેમની સંભાળ રાખે છે. હું આ છોડને માત્ર પાણીથી જ નહીં પણ પ્રેમથી સિંચન કરું છું. ગામના 25 વર્ષીય ખેડૂત ચંદ્રકાંત સાહુ કહે છે કે તેમણે રામ માસ્ટરને બાળપણથી વૃક્ષો વાવતા જોયા છે.
“થોડા વર્ષો પહેલા, જે સ્થળોએ કંઈ જ નહોતું, આજે તે રસ્તાઓ પણ હરિયાળીથી ભરેલા છે. આ બધું રામ માસ્તરને કારણે શક્ય બન્યું. ગામમાં લગભગ દરેક જણ તેને આ કામ માટે ઓળખે છે. તેઓએ માર્ગો પર પીપળો, કેરી, અને વડ જેવા વૃક્ષો વાવ્યા છે. ઘણા આંબાના વૃક્ષો ઉપર તો ફળ પણ આવે છે અને મેં જાતે રસ્તા પર રોકાઈને ઘણી વખત ફળ ખાધા છે. પહેલાં મારી પાસે સાયકલ હતી, તેથી જો ઉનાળા દરમિયાન મારે બપોરે ક્યાંક જવાનું થાય તો મારે વધારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. કારણ કે, રસ્તાઓ પર આ વૃક્ષોની છાયામાં આરામ કરી શકાતો હતો,”ચંદ્રકાંતે કહ્યું.
રામચંદ્ર જણાવે છે કે તેઓ હંમેશા તેમની કમાણીનો અમુક હિસ્સો છોડ પર ખર્ચતા રહ્યા છે. નર્સરીમાંથી સારા રોપાઓ લાવવા, રોપવા અને પછી તેમની સતત સેવા કરવી. એક સમય હતો, જ્યારે રામચંદ્ર એક સાઈકલ પર પાણીનો કેન ભરીને છોડને સિંચાઈ આપતા હતા. તેને ઘણા ફેરા કરવા પડતા હતા. પણ તેમણે ક્યારેય હાર ન માની. આજે પણ તે સતત કંઇક કરવાનું ચાલુ રાખે છે. છોડની નીચે ઉગેલા નીંદણને દૂર કરવું. જો તે તેમનાથી શક્ય ન થઈ શકે, તો પછી તેઓ કોઈને દૈનિક વેતન પર કોઈને કામે લગાવે છે.
“મેં આ કામ માટે ક્યારેય કોઈની પાસેથી આર્થિક મદદ લીધી નથી. હજી પણ, હું મારા પેન્શનનો અમુક ભાગ છોડની સંભાળમાં ખર્ચું છું. વર્ષો પહેલા મને ઓડિશા સરકાર દ્વારા ‘પ્રકૃતિ બંધુ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેં તેની સાથે મળેલા પૈસા દાન કરી દીધા હતા. કારણ કે મારી પાસે મારું જ પૂરતું છે,”તેમણે કહ્યું.
દરેકને તેમનો એક જ સંદેશ છે કે આપણા દેશની સેવા કરવા માટે આનાથી સારી બીજી કોઈ રીત નથી કે તમે પર્યાવરણ માટે કામ કરો. આજે જો તમે પર્યાવરણને બચાવશો તો કુદરત આપણી દરેક પેઢીને સુરક્ષિત રાખશે.
અમને આશા છે કે ઘણા લોકો રામ માસ્ટરની કહાનીમાંથી પ્રેરણા લેશે.
સંપાદન: નિશા જનસારી
તસવીર સૌજન્ય: ચંદ્રકાંત સાહૂ
આ પણ વાંચો: 4 કરોડ ઝાડ વાવીને બ્રહ્મપુત્રનાં તટને બનાવ્યુ જંગલ, મેક્સિકો સુધી પહોંચ્યુ જાદવનું નામ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.