Search Icon
Nav Arrow
Bullet Couple
Bullet Couple

પોતાના બુલેટ પર સવાર થઈને , દિલ્હીના આ 70 વર્ષીય યુગલે કરી છે 22 દેશોની યાત્રા

યોગી અને સુષી નામથી જાણીતા યોગેશ્વર અને સુષમા ભલ્લાને ફરવાનો એટલો બધો શોખ છે કે, 70 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના બુલેટ પર લાંબી યાત્રાઓ કરતાં જ રહે છે.

ઘણી વખત નિવૃત્તિ પછી લોકોને ભજન-કીર્તન કરવાની, પૌત્રો સાથે રમવાની અથવા તીર્થયાત્રા પર જવાની સલાહ આપવામાં આવે છે. એવામાં, જો તમે 70 વર્ષના વૃદ્ધ દંપતીને બુલેટ બાઇક પર લાંબા અંતરની મુસાફરી કરતા અથવા પેરાગ્લાઇડિંગ અને રિવર રાફ્ટિંગ જેવી ઉત્તેજક વસ્તુઓ કરતા જોશો, તો તમે ચોક્કસ આશ્ચર્ય પામશો.

કોણ કહે છે કે આ ઉંમરે આ બધું કરવું મુશ્કેલ છે? દિલ્હીના યોગેશ્વર (73) અને સુષ્મા (69) ભલ્લા માટે, આ જીવન જીવવાની સાચી રીત છે. સમય મળતા જ પોતાના બુલેટ પર સવાર થઈને એક લોન્ગ ડ્રાઈવ પર જવું, સાઈકલ ચલાવવી અને શક્ય તેટલી વહેલી તકે દુનિયાના ન જોયેલાં ભાગોની મુસાફરી કરવી, કંઈક આવું જ છે બુલેટ દંપતીનું જીવન. લોકો તેમને પ્રેમથી યોગી અને સુષી કહે છે.

Bullet Couple

તેમની સુંદર સફર કેવી રીતે શરૂ થઈ?

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા યોગેશ્વર કહે છે, “મને નાનપણથી જ ડ્રાઈવિંગનો શોખ હતો. હું શાળાએ પણ સાયકલ દ્વારા જ જતો હતો. આ સિવાય જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું ક્યાંક દૂર ફરવા જતો. જ્યારે હું થોડો મોટો થયો, ત્યારે હું બાઇક ચલાવવામાં પણ પારંગત થયો. જેવી મને નોકરી મળી, એવી મે મારા પરિવારના સભ્યોને જાણ કર્યા વગર, બુલેટ બાઇક લગભગ 6,300 રૂપિયામાં ખરીદી હતી. તે સમયે 6,300 રૂપિયા ખૂબ મહત્વના હતા.”

પછી તો શું, બુલેટ મળતા જ તેમને ઉડવા માટે પાંખો મળી. તેમણે પોતાની બુલેટ સાથે દિલ્હીની આજુબાજુ બધે જ પ્રવાસ કર્યો અને ટૂંક સમયમાં જ તેઓને એક સારી ટ્રાવેલ પાર્ટનર પણ મળી ગઈ. વર્ષ 1976માં, તેઓ પ્રથમ વખત તેમની પત્ની સુષ્માને મળ્યા અને લગ્ન પછી સાથે મળીને ફરવાનો જે સિલસિલો ચાલુ થયો, તે આજ સુધી ચાલુ છે.

સુષી એટલે કે સુષ્મા કહે છે, “જોકે મેં લગ્ન પહેલા બહુ મુસાફરી કરી ન હતી, પણ મને મારા પતિ સાથે બુલેટ પર મુસાફરી કરવી ગમે છે.” લગ્ન બાદ પ્રથમ વખત દંપતીએ બુલેટ પર દિલ્હીથી શિમલાની મુસાફરી કરી હતી.

70Yo Travel Couple

ભલ્લા પરિવારે એક સાથે ઘણી નાની -મોટી યાત્રાઓ કરી

એક ઉત્સુક પ્રવાસી, યોગેશ્વરે તેમના બે બાળકો અને પત્ની સાથે ઘણા શહેરોમાં પ્રવાસ કર્યો છે. તેમને ડ્રાઇવિંગ પસંદ છે, તેથી તેઓ જ્યાં જાય ત્યાં તેમની કાર લઇ જાય છે. તેમણે કહ્યું, “કેટલીકવાર અમે ક્યાંક પહોંચવા માટે ટ્રેન અથવા પ્લેનની મદદ લઈએ છીએ, પરંતુ ત્યાં પહોંચ્યા પછી અમે કાર દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરીએ છીએ. આ સમય દરમિયાન, યોગેશ્વર પોતે વાહન ચલાવે છે.”

યોગેશ્વર કહે છે, “મારા બંને બાળકોને પણ મારી જેમ ડ્રાઈવિંગનો શોખ છે.” વર્ષ 2011સુધીમાં તે બંને તેમના બંને બાળકોનાં શિક્ષણ અને લગ્ન જેવી જવાબદારીઓ માંથી મુક્ત થઈ ગયા હતા. તેમનો પુત્ર વિદેશમાં અને દીકરી દિલ્હીમાં રહે છે. યોગેશ્વર અને સુષ્મા સમયાંતરે તેમના બંને બાળકોની મુલાકાત લે છે. પરંતુ તે પોતાનો મોટાભાગનો સમય મુસાફરીમાં વિતાવે છે.

Yogi And Sushi

નિવૃત્તિ બાદ નવી ઈનિંગ શરૂ થઈ

યોગેશ્વર માને છે કે તેઓ નિવૃત્ત થયા પછી જ વાસ્તવિક જીવન જીવી રહ્યા છે. તેમને જીવનની તમામ જવાબદારીઓમાંથી મુક્તિ મળી હોવાથી હવે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે ફરવા માટે બહાર જઈ શકે છે.

યોગેશ્વરે 2011 માં કામ કરવાનું બંધ કરી દીધું હતું અને સ્કૂલમાં ભણાવતી સુષ્માએ પણ તે જ વર્ષે નિવૃત્તિ લીધી હતી. હવે તે મુસાફરી માટે પોતાની બચત અને પેન્શનના પૈસા વાપરે છે. જ્યારે તેઓ તેમના પુત્ર પાસે વિદેશ જાય છે, ત્યારે તેઓ કાર અથવા પુત્રનું બુલેટ લઈને અલગ-અલગ જગ્યાઓની યાત્રાઓ ઉપર નીકળી પડે છે. આ રીતે, તેમણે અત્યાર સુધીમાં વિશ્વના 22 દેશોની મુલાકાત લીધી છે. જેમાં બેલ્જિયમ, ભૂટાન, દુબઈ, જર્મની, રોમ, સ્વિત્ઝર્લેન્ડ, તુર્કી વગેરેનો સમાવેશ થાય છે.

પોતાની સૌથી યાદગાર યાત્રા વિશે વાત કરતા યોગેશ્વર કહે છે, “મારી જાનેમન, ગુલેગુલઝાર (પત્ની) ને વેનિસ જોવાનો ખૂબ શોખ હતો. અભિનેતા અમિતાભ બચ્ચન અને ઝીનત અમાન પર ફિલ્માવેલું ગીત- દો લફઝોન કી હૈ દિલ કી કહાની ગીત ગાતા, અમે અમારી નવી વાર્તા પણ ત્યાં લખી. તે ક્ષણો, તે ક્ષણો આજ સુધી અમારા દિલ અને દિમાગ પર કોતરાયેલી છે.”

મુસાફરીની યાદો

સફર દરમિયાન તેમણે જે બેસ્ટ ખોરાક ચાખ્યો હતો તેને યાદ કરતા તેમણે કહ્યું કે તેમની પત્નીને સીફૂડ પસંદ નથી, પરંતુ થાઈલેન્ડ અને મલેશિયાની યાત્રા દરમિયાન તેઓને દરેક જગ્યાએ સીફૂડ મળ્યું. પછી ત્યાં એક સરદારજીએ તેમને કહ્યું કે અહીં ભારતીય ઢાબા પણ છે. તે ઢાબામાં, થાઈ છોકરીઓ ફૂલકા અને પનીર કરી પીરસતી હતી, જેણે વિદેશમાં દેશની યાદ અપાવી હતી.

જોકે, તે જ્યાં પણ જાય છે, ત્યાંનો સ્થાનિક ખોરાક ખાવાનું પસંદ કરે છે.

Yogi And Sushi

તે દિલ્હીમાં બાઇકર ગ્રુપનાં સભ્ય પણ છે. જ્યાં તે ઘણા યુવાનો સાથે દિલ્હીની આસપાસના સ્થળોની મુસાફરી કરે છે.

બાઇકર્સ ગ્રુપ સાથે ઋષિકેશની સફર દરમિયાન, તેમણે 69 વર્ષની ઉંમરે રિવર રાફ્ટિંગ કર્યું. તે કહે છે, “જોકે અગાઉ મને રાફ્ટિંગ માટે પરવાનગી મળતી ન હતી. પરંતુ ગ્રુપના બાળકોએ કહ્યું કે જો કાકા અને આન્ટી રિવર રાફ્ટિંગ નહીં કરે તો અમે પણ નહીં કરીએ. તે પછી અમને ખાસ પરવાનગી આપવામાં આવી.”

એ જ રીતે, તેમણે નેપાળના પોખરણમાં 68 વર્ષની ઉંમરે પેરાગ્લાઇડિંગનો પણ આનંદ માણ્યો છે.

આ વર્ષે માર્ચમાં યોગેશ્વરનાં ઘૂંટણનું ઓપરેશન થયું હતું અને ડૉક્ટરે તેમને બાઇક ચલાવવાનું અને વધારે ફરવાનું ટાળવાનું કહ્યું હતું તથા થોડો સમય લાકડી ના ટેકે ચાલવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે આવી પરિસ્થિતિઓથી ડરવા અથવા હરવાવાળા લોકોમાંના નથી, તેમણે ન તો લાકડી ઉપાડી કે ન ચાલવાનું બંધ કર્યું.

યોગેશ્વરે 1 લી સપ્ટેમ્બરે મસૂરીમાં પોતાનો 73 મો જન્મદિવસ ઉજવ્યો. તે નિયમિત બુલેટ અને કાર બંને ચલાવે છે.

આગામી પ્રવાસો વિશે વાત કરતા સુષ્મા કહે છે, “અમારી મોટાભાગની યાત્રાઓ કોઈ આયોજન વગર થાય છે. અત્યારે અમે હિમાચલ જવાનું વિચારી રહ્યા છીએ.”

યોગી અને સુષી પોતાના જેવા દરેક નિવૃત્ત દંપતીને સંપૂર્ણ જોમ સાથે જીવન જીવવાની સલાહ આપે છે.

તમે તેમના ફેસબુક પેજ પર તેમના વિશે વધુ જાણવા માટે અથવા તેમની સાથે વાત કરવા માટે તેમનો સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: કિશન દવે

આ પણ વાંચો: જલંધર પટેલ પોતાની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોને પોતાના ઘરમાં રાખી કરે છે સેવા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon