જેવી કોઈ ટ્રાવેલિંગની વાત કરે કે, મોટાભાગનાં લોકોના મગજમાં એક જ વિચાર આવે છે કે ટ્રાવેલ કરવામાં બહુજ પૈસા ખર્ચ થાય છે. તે સાચું પણ છે કે મુસાફરી માટે બહુ નહીં, પણ થોડા પૈસાની જરૂર તો હોય જ છે. પરંતુ જો અમે તમને કહીએ કે બજેટમાં મુસાફરી કરતી વખતે તમે પૈસા પણ કમાઈ શકો છો? આ સાંભળીને, ભાગ્યે જ કોઈને ખાતરી થાય કે ફરતા-ફરતા કોઈ કેવી રીતે કમાઈ શકે છે. પણ તે શક્ય છે. આજના ડિજિટલ યુગમાં, ઘણા એવા આઈડિયા છે, જેના પર કામ કરીને તમે ફરી પણ શકો છો અને કમાણી પણ કરી શકો છો.
જો કે, આ માટે તમારે અનુભવની જરૂર હોય છે. તો તમે પહેલા જુદા જુદા સ્થળોનો અનુભવ લો અને રોમિંગ દરમિયાન તમે શું કામ કરી શકો તે જાણવાનો પ્રયત્ન કરો. ઘણા લોકો ટ્રાવેલ બ્લોગ, યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર બનીને સારી કમાણી કરી રહ્યા છે. પરંતુ એ પણ સાચું છે કે દરેક જણ આવું કરી શકતું નથી. દરેક વ્યક્તિમાં જુદી જુદી આવડત હોય છે. તેથી તમે તમારી કુશળતાને ઓળખો જેનો તમે મુસાફરી દરમિયાન ઉપયોગ કરીને કમાણી કરી શકો છો.
આજે આ લેખ દ્વારા અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે રોમિંગ દરમિયાન કેવી રીતે કમાઈ શકો છો!
- ઓનલાઇન વર્કશોપ અથવા ટ્રેનિંગ
આજના ડિજિટલ યુગમાં, વાંચન અને શીખવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કોરોના મહામારીએ લગભગ દરેક વસ્તુ ઓનલાઈન કરી દીધી છે. તેથી તમે ગમે ત્યાં હોવ ત્યાં કોઈપણને કંઈપણ ઓનલાઈન શીખવી શકો છો. જેમ કે યતિ ગોર કરી રહ્યા છે. યતિ એક લોકો ટ્રાવેલર છે અને તે પગપાળા મુસાફરી કરે છે. યતિ, તેમના પ્રવાસનું બજેટ ન્યૂનતમ રાખવા માંગે છે પરંતુ તેમ છતાં તેમને ખાવા-પીવા પર અને ક્યારેક રોકાવા પર પૈસા ખર્ચવા પડે છે.

તે કહે છે, “પોતાના ટ્રાવેલિંગને ફંડ કરવા માટે ફરતા ફરતા જ હું બહુ બધા અલગ અલગ કામ કરું છું. જેમ કે મને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો અનુભવ પણ છે, તેથી હું ઘણી જુદી જુદી વેબસાઇટ્સ પર લોકો માટે મુસાફરી સંબંધિત ઓનલાઇન વર્કશોપ કરું છું. એવા ઘણા લોકો છે જે મુસાફરી કરવા માગે છે પરંતુ ફરવા જતા પહેલા, તેઓ વિવિધ વિષયો પર માહિતી એકત્રિત કરે છે. હું તેમના માટે આ પ્રકારની વર્કશોપ કરું છું અને મારા અનુભવના આધારે, હું તેમને ઓછા બજેટમાં કેવી રીતે મુસાફરી કરવી અથવા જંગલમાં કેમ્પિંગ માટે શું ધ્યાનમાં રાખવું તેની માહિતી આપું છું.”
આ વર્કશોપ માટે ફી નક્કી કરવામાં આવે છે અને આ રીતે, અઠવાડિયામાં બે કે ત્રણ કલાક વર્કશોપ કર્યા પછી પણ, યતિ આરામથી એક-બે હજાર રૂપિયા કમાઈ શકે છે. તે કહે છે કે તે જરૂરી નથી કે તમે માત્ર મુસાફરી પર વર્કશોપ આપો. મુસાફરી દરમિયાન તમે એવા વિષયો પર વર્કશોપ આપી શકો છો જેમાં તમે નિષ્ણાત છો. જેમ કોઈને નાણાકીય સલાહની જરૂર હોય છે, તેમ જ કોઈએ સોશિયલ મીડિયા માર્કેટિંગની મૂળભૂત બાબતો શીખવાની હોય છે.
- કોઈ હોસ્ટેલ અથવા કાફેમાં કામ કરવું
યતિ આગળ કહે છે કે તેણે ઘણા લોકોને મુસાફરી દરમિયાન સ્થાનિક કાફે અથવા બેકપેકર હોસ્ટેલમાં પાર્ટટાઇમ કામ કરતા પણ જોયા છે. “પરંતુ આ એવા લોકો છે જે થોડા જાણીતા પ્રવાસના સ્થળો પર લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેવા માંગે છે. તેઓ લાંબા સમય સુધી એક જગ્યાએ રહીને પાર્ટ-ટાઇમ નોકરીઓ શોધે છે અને તેઓ જે નાણાં કમાય છે તેનાથી અન્ય સ્થળોની યાત્રાનું આયોજન કરે છે.” તેણે કહ્યુ.

તેથી જો તમે મનાલી, શિમલા, લદ્દાખ વગેરે જેવા સ્થળોની મુલાકાત લેવા જઇ રહ્યા છો, જે પ્રખ્યાત છે. જ્યાં સારા કાફે અને હોસ્ટેલ્સ છે. તમે અહીં મુલાકાત લેવા જાઓ તે પહેલાં જ પાર્ટ ટાઇમ જોબ માટે તમે સ્થાનિક કેફે અથવા કોઈપણ બેકપેકર હોસ્ટેલ સાથે વાત કરી શકો છો. ઘણા પ્રવાસીઓ આ પદ્ધતિ અપનાવે છે. તેઓ દિવસ કે રાત દરમિયાન થોડા કલાકો કામ કરે છે અને પછી બાકીના સમય માટે બહાર જાય છે. ઘણી વાર તમે હોસ્ટેલ ચેઇનમાં પાર્ટ ટાઇમ જોબ તેમજ રહેવા અને ભોજન મફતમાં મેળવી શકો છો.
પરંતુ આ માટે તે જરૂરી છે કે મુસાફરીનું આયોજન કરતી વખતે, તમારે તે જગ્યાએ તમારા માટે પાર્ટ ટાઇમ જોબ પણ શોધો.
- કોઈ લોકલ સામાજિક સંસ્થા અથવા સ્ટાર્ટઅપ સાથે ઇન્ટર્નશિપ
આવા અનેક પ્રવાસન સ્થળો છે, જ્યાં કેટલીક સામાજિક સંસ્થા કાર્યરત છે. અથવા આજકાલ ઘણા સ્ટાર્ટઅપ પણ આવા સ્થળોએ શરૂ થઈ રહ્યા છે. તેથી જો તમે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો જ્યાં તમે થોડા અઠવાડિયા અથવા એક કે બે મહિના રોકાવાના છો. તમારે એવા સ્થળોએ સ્થાનિક સંસ્થાઓ અથવા સ્ટાર્ટઅપ્સ શોધવું જોઈએ કે જેમની સાથે તમે ઇન્ટર્નશિપ કરી શકો. જેમ કે જો તમે કંટેટ રાઈટિંગમાં સારા હોવ તો તમે તેમના કંટેટ પર કામ કરી શકો છો. અથવા તમે લોકલ સ્ટાર્ટઅપ અથવા કાફે માટે વેબ ડિઝાઇનિંગ કરી શકો છો.
આ એવા કાર્યો છે જેના માટે તમારે આખો દિવસ ફાળવવાની જરૂર નથી. તમે દિવસમાં ચાર-પાંચ કલાક કામ કરીને સારી કમાણી કરી શકો છો અને આસપાસ ફરી પણ શકો છો.
- ચા અને કોફી વેચતી વખતે મુસાફરી કરો
જો તમે થોડા સાહસિક છો, તો મુસાફરી દરમિયાન પૈસા કમાવવાની આ એક મજ્જાની રીત પણ છે. કેરળના ત્રિશૂરના રહેવાસી નિધિન માલિયાક્ક્લે તેની મુસાફરી માટે આ રીતે ભંડોળ પૂરું પાડ્યું હતું. તેણે કહ્યું કે તે તેની સાથે એક નાનો સ્ટવ, ખાંડ, ચાની પત્તી અને ફ્લાસ્ક લઈને નીકળ્યો હતો. તે જ્યારે પણ કોઈ શહેર કે નગરમાં પહોંચતો ત્યારે તે ડેરીમાંથી દૂધ ખરીદતો અને ગમે ત્યાં પોતાનો નાનો ચાનો સ્ટોલ ઉભો કરીને ચા વેચવાનું શરૂ કરતો. આનાથી તેમને કેરળથી કાશ્મીર સુધીની સફરમાં ઘણી મદદ મળી.

તેથી જો તમને લાગે કે તમે કમાલની ચા અને કોફી બનાવો છો, તો તમે આ વિચાર પર કામ કરી શકો છો. આ સિવાય, જો તમે પર્વતોમાં ફરવા જઇ રહ્યા છો, તો પછી તમે તમારી સાથે મેગીના પેકેટ પણ લઇ શકો છો. કારણ કે પર્વત પર ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે આવનાર કયો પ્રવાસી ગરમ ચા અને મેગીનો આનંદ માણવા માંગતો ન હોય.
- હાથથી બનાવેલી વસ્તુઓ વેચવી

જો તમારી પાસે હાથમાં કુશળતા હોય તો તમે મુસાફરી દરમિયાન તેને પણ અજમાવી શકો છો. જેમ ઘણા લોકો નાના પથ્થરો, છીપલાં પર ખૂબ જ સુંદર કળા કરે છે. કેટલાક પથ્થરો પર પેઇન્ટિંગ કરીને સુંદર શણગાર બનાવે છે, જ્યારે કેટલાક છીપલાં જ્વેલરી બનાવે છે. અથવા ઘણા લોકો પેઇન્ટિંગ ખૂબ સારી રીતે કરે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી કુશળતા બિલકુલ બરબાદ ન થવા દેવી જોઈએ. ફરતી વખતે તમે દરરોજ કંઈક બનાવી શકો છો. જેમ બીચ પર ફરતી વખતે, છીપલાં ભેગા કરો અને પછી તેમાંથી હસ્તકલાના દાગીના બનાવો.
તમે આ જ્વેલરી બીચ પર બીજે દિવસે લોકોને વેચી શકો છો અથવા તમે તેને સ્થાનિક સ્ટોરમાં પણ વેચી શકો છો. એ જ રીતે, જો તમે પેઇન્ટિંગ અથવા સ્કેચિંગ કેવી રીતે કરવું તે જાણો છો, તો પછી તમે પોટ્રેટ બનાવીને પણ કમાણી કરી શકો છો.
- ડેટા એન્ટ્રી વર્ક
યતિ કહે છે કે ડેટા એન્ટ્રીથી પણ, તમે મુસાફરીમાં પૈસા કમાઈ શકો છો. સૌ પ્રથમ, તમે જે પણ કંપનીમાં કામ કરો છો, તે ઓથેંટિક હોવી જોઈએ જેથી પાછળથી કોઈ સમસ્યા ન આવે. તમારે ડેટા એન્ટ્રીમાં આખો દિવસ કામ કરવાની જરૂર નથી. તમે દરરોજ થોડા કલાકો કામ કરી શકો છો અને બદલામાં કંપનીઓ તમને સારા પૈસા આપે છે.
“તેથી તમે ફરવા જાઓ તે પહેલાં, સારો ડેટા એન્ટ્રી પ્રોજેક્ટ લો અને મુસાફરી કરતી વખતે તમારા પ્રોજેક્ટ પર કામ કરતા રહો. આનાથી તમે પૈસા કમાતા રહેશો અને તમે મુસાફરી પણ કરી શકશો.” તેમણે કહ્યુ.
આ સિવાય ઘણા લોકો ફ્રીલાન્સિંગ પણ કરે છે. જેમ કે, ટ્રાવેલ રાઈટર, ફોટોગ્રાફર, વિડીયો મેકર્સ, વગેરે વિવિધ કંપનીઓ માટે ફ્રીલાન્સિંગ કરે છે. ફ્રીલાન્સિંગ કરવા માટે, તમારી પાસે સારી કુશળતા અને સારું નેટવર્ક હોવું જરૂરી છે જેથી તમને નિયમિત કામ મળતું રહે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પોતાના બુલેટ પર સવાર થઈને , દિલ્હીના આ 70 વર્ષીય યુગલે કરી છે 22 દેશોની યાત્રા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.