પોતાની 26 હજાર કિલોમીટરની ભારત યાત્રા વિશે વાત કરતાં તરૂણ કહે છે, “આજે અમારી યાત્રા પત્યે લગભગ એક મહિનો થઈ ગયો છે. પરંતુ એક દિવસ પણ એવો નથી ગયો, જ્યારે અમારા પરિવારમાં અમારી આ યાત્રા બાબતે કોઈ ચર્ચા ન થઈ હોય.”
તરૂણ અત્યારે કોવિડ દર્દીઓ માટે સ્વયંસેવક તરીકે કામ કરે છે, પરંતુ પોતાની યાત્રા વિશે વાત કરતાં તેઓ ખૂબજ ઉત્સાહથી જણાવે છે, “આવી સ્થિતિમાં પણ જ્યારે હું આંખ બંધ કરું છું ત્યારે મારી જાતને તમિલનાડુના કોઈ મંદિરમાં જ બેઠેલો જોઉં છું.”
દિલ્હીના રહેવાસી, 36 વર્ષીય તરૂણ કુમાર બંસલ એક વ્યવસાયો છે. તેઓ તેમની પત્ની સુનૈના (35) અને બે દીકરીઓ ત્રિજા (7) અને શુભદા (5) સાથે, 50 દેશોની યાત્રા કરી ચૂક્યા છે. પરંતુ, તેમના મનમાં હંમેશાં ભારતના બહુ ઓછા જાણીતા ભાગોમાં ફરવાની ઈચ્છા હતી. તેમની પત્નીને પણ મંદિરો અને પૌરાણિક કથાઓમાં બહુ રસ છે.
તરૂણ જણાવે છે, “અમે 3 ઑક્ટોબરે માત્ર ત્રણ અઠવાડીયાંની રજાઓ માટે રાજસ્થાન ગયા હતા. અમે અમારી રોડ ટ્રીપ રાજસ્થાનના એક ગામથી શરૂ કરી હતી. અમે જેસલમેરમાં ઘણાં નાનાં-મોટાં મંદિરોનો ઈતિહાસ જાણ્યો.” તે કહે છે, “આ બધી માહિતી મને ખૂબજ રસપ્રદ લાગી. સાથે-સાથે ગામલોકોનો અમારા સાથેનો વ્યવહાર મારા હ્રદયને સ્પર્ષી ગયો. બસ ત્યારે જ અમે અમારી રોડ ટ્રીપને આગળ વધારવાનું નક્કી કર્યું.” તેઓ કહે છે કે ભારતના ગ્રામીણ વિસ્તારો ખરેખર ખૂબજ સુંદર છે. જો તેમને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવે તો, અહીંના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવે.

પોતાની છ મહિનાની કાર યાત્રામાં તેઓ 300 કરતાં વધારે ગામ ફર્યા. તો, તેમણે દેશભરના 500 કરતાં વધારે મંદિરોનાં દર્શન કર્યાં. તેમણે રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાના, આંદ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્ય પ્રદેશ સહિત 15 રાજ્યોની યાત્રા કરી.
મંદિરોનો ઈતિહાસ
તરૂણ જણાવે છે, “અમે અમારી યાત્રા પહેલાં ઘણી રિસર્ચ કરી હતી. અમે ભગવાન રામના વનવાસ રૂટને ફોલો કર્યો. જોકે, અમે એ બધી જગ્યાઓ પર ન જઈ શક્યા, જ્યાં-જ્યાં રામ ગયા હતા.” તેમણે તેમની યાત્રાના સાત અઠવાડિયાં તમિલનાડુ અને કેરળમાં પસાર કર્યાં. તેઓ જણાવે છે, “અમે તમિલનાડુ સ્થિત ‘દિવ્ય દેસમ’ મંદિર પણ ગયા. જેમાંથી 105 મંદિર ભારતનાં વિવિધ રાજ્યોમાં આવેલ છે. તમિલનાડુમાં દિવ્ય દેસમનાં 84 મંદિર છે. અમે એ બધાં 84 મંદિરોનાં દર્શન કર્યાં અને તેનો ઈતિહાસ પણ જાણ્યો.” તરૂણ તેને પોતાની ઉપલબ્ધિ ગણે છે.
તેઓ કહે છે, ” મને યાત્રા દરમિયાન, સ્થાનિક લોકો અને મંદિરના પૂજારીઓએ પણ દિવ્ય સેરમને વધારે ઊંડાણથી જાણવામાં મદદ કરી. ” તેમણે દક્ષિણ ભારતના પ્રખ્યાત મુરૂગન મંદિરોની સાથે-સાથે, મુદુરાઈના મીનાક્ષી મંદિરનાં પણ દર્શન કર્યાં. તરૂણ તેમના દક્ષિણ ભારત પ્રવાસ વિશે વાત કરતાં જણાવે છે, “પહેલાં હું ત્યાંની ભાષા બાબતે થોડો ડરેલો હતો, પરંતુ તેમની ભાષા જણતો ન હોવા છતાં, ત્યાંના લોકોએ અમારી બહુ મદદ કરી. સાથે-સાથે, તેમણે તેલંગાનાના વેમૂલવાડાના જાણીતા મંદિરનાં પણ દર્શન કર્યાં.”

યાત્રા દરમિયાન પડકારો
તરૂણ જણાવે છે કે, જ્યારે તેમની મોટી દીકરી માત્ર બે મહિનાની હતી ત્યારથી તેઓ પરિવાર સાથે આવી લાંબી યાત્રાઓ કરતા હતા. તેમણે સૌથી પહેલીવાર સાત હજાર કિલોમીટરની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન, તેમણે ભારતનાં બધાં જ્યોતિર્લિંગોનાં દર્શન કર્યાં હતાં. તેઓ જણાવે છે, “ગયા વર્ષો બાળકોની ઓનલાઈન સ્કૂલ ચાલતી હતી અને હું પણ ઘરેથી જ કામ કરતો હતો. લૉકડાઉન બાદ જેવું જીવન સામાન્ય બન્યું, અમે આ યાત્રાનું પ્લાનિંગ કર્યું.”
તેમણે જણાવ્યું કે, તેઓ સવારે બહુ વહેલા હોટેલમાંથી નીકળી જતા. સાથે-સાથે એક ઈલેક્ટ્રિક કૂકર પણ રાખ્યું હતું, જેમાં ખીચડી, દલિયા અને દાળ-ભાત જેવી વસ્તુઓ સવારે જ બનાવી પેક કરી લેતા હતા. તરૂણ કહે છે, “જ્યારે તમે બાળકો સાથે ટ્રાવેલ કરો છો ત્યારે તેમના ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલે અમે ભોજન બનાવવાનો સામાન અમારી સાથે જ રાખ્યો હતો. બે મોટી બેગોમાં કરિયાણું અને રસોઇનો સામાન હતો.”

યાત્રા દરમિયાન બંને બાળકો પોતાના ઓનલાઈન ક્લાસ પણ અટેન્ડ કરતા હતા. તરૂણે જણાવ્યું કે, તે સાર્વજનિક જગ્યાઓ જેવી કે, બગીચો, મંદિર કે કોઈ હોટેલ પાસે ઊભા રહેતા, જેથી યોગ્ય નેટવર્ક મળી શકે અને તેમનાં બાળકો ક્લાસ અટેન્ડ કરી શકે. તો તેમની પત્ની યાત્રા દરમિયાન, દિવસભર ક્યાં-કેવી વ્યવસ્થા કરવાની છે, તેનું પ્લાનિંગ કરતી હતી.
તરૂણ જણાવે છે કે આટલી લાંબી સફરમાં બાળકોનું મનોરંજન કરવું પણ બહુ જરૂરૂ છે. એટલે આ યાત્રા દરમિયાન બાળકો સાથે ઘણી રમતો રમતા હતા. ક્યારેક તેઓ બાળકોને પાસેથી પસાર થતી ગાડીઓને ગણવાનું કહેતા, તો ક્યારેક તેમને પોતાની આંખ સાત મિનિટ સુધી બંધ કરવાનું કહેતા અને જે પહેલાં આંખ ખોલે તે જતું.
તેમને ઘણા લોકોએ કહ્યું કે પત્ની અને બે દીકરીઓ સાથે આટલી લાંબી યાત્રા કરવી સુરક્ષિત નથી. પરંતુ તરૂણ જણાવે છે, “યાત્રા દરમિયાન અમારે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. ક્યારેક હોટેલ ન મળવાની સમસ્યા નડી, તો ક્યારેક ભાષા ન આવડવાના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ, અમને ક્યારેય સુરક્ષા સાથે સંકળાયેલ કોઈ સમસ્યા ન નડી.”
સફર સાથે જોડાયેલ યાદો
15 રાજ્યોની યાત્રા દરમિયાન તેમણે ઘણાં સ્મારક, સંગ્રહાલય, રેગિસ્તાન, સમુદ્ર કિનારા, ઝરણાં અને મંદિરો જોયાં. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમણે ઘણાં રાષ્ટ્રીય ઉદ્યાનો જોયાં. તો કર્નાટકની જાણીતી હોયસલ વાસ્તુકલાના ઈતિહાસ વિશે પણ જાણ્યું. તરૂણ જણાવે છે, “અમે મોટાભાગના દિવસો ગામડાંમાં પસાર કર્યા.”
તરૂણ કહે છે, “લૉકડાઉન બાદ અમે એવાં નાનાં-નાનાં ગામડાંમાં ગયા, જ્યાં લોકો અમને જોઈને ખૂબજ ખુશ થઈ ગયા. તેઓ ખૂબજ રસપ્રદ રીતે તેમની સંસ્કૃતિ અને કળા વિશે અમને જણાવતા હતા.” પોતાની યાત્રા દરમિયાન, તેમણે ઘણાં અલગ-અલગ વ્યંજનોની મજા પણ માણી. તેઓ કહે છે, “ભારતના દરેક ખૂણામાં એવું કઈંક ખાસ છે, જે તમને ખુશ કરી દે છે.”

તરુણ જણાવે છે, તમિલનાડુનાં ખાસ વ્યંજન, સાપડનો સ્વાદ આજે પણ તેમનો પરિવાર યાદ કરે છે. તેમનાં બાળકોએ ગામમાં જોયું કે, ખેતરમાં અનાજની વાવણી અને લણતર કેવી રીતે કરવામાં આવે છે. તેઓ કહે છે કે, તેમનાં બાળકો આજે ચોખાની ઘણી જાતો વિશે જાણી શક્યાં છે. તરૂણ કહે છે, “બાળકો જે કઈં પણ શાળામાં ભણે છે, તેનું વ્યવહારિક જ્ઞાન તેમને આ યાત્રા દરમિયાન મળ્યું. બાળકોએ દેશનાં વિવિધ રાજ્યોનાં પ્રાણીઓ, પક્ષીઓ, નદીઓ અને પરિવહન અંગે ઘણી નવી-નવી બાબતો જાણી, જેને તેઓ પુસ્તકોમાં વાંચતાં હતાં.”
તરૂણનું કહેવું છે કે, પ્રવાસન દ્વારા, દેશના ગ્રામીણ વિસ્તારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકાય છે. જ્યારે પણ આપણે યાત્રા માટે કોઈ પ્લાનિંગ કરીએ ત્યારે આપણું ધ્યાન એ રાજ્ય કે શહેરનાં જાણીતાં સ્થળો પર જ જાય છે. જ્યારે દેશમાં એવા ઘણા વિસ્તારો છે, જેમનો વ્યવસાયિક રૂપે વિકાસ નથી થયો. પરંતુ આ વિસ્તારોની પણ વિશેષતાઓ છે.
જો તમે ક્યારેય આવી કોઈ ટ્રીપનું પ્લાનિંગ કરતા હોવ અને તમને કોઈ મદદની જરૂર હોય તો, તમે તરૂણ બંસલને tarun.bansal@sagaciousresearch.com પર ઈમેલ કરી સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: 700 રૂપિયામાં 1500 કિલોમીટરનો પ્રવાસ! યુગલ પાસેથી મેળવો સૌથી સસ્તી યાત્રાની ટિપ્સ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.