‘બિઝનેસ’ શબ્દ સાંભળીને, ઘણા લોકો વિચારવા લાગે છે કે જ્યારે આપણી પાસે વધુ પૈસા હશે, ત્યારે જ આપણે પોતાનો વ્યવસાય શરૂ કરી શકીશું. ઘણા લોકો એવું વિચારે છે કે ધંધો શરૂ કરવા માટે વ્યક્તિએ ઘણી દોડ-ભાગ કરવી પડે છે અને પછી તેઓ આ ઉથલપાથલ માં પોતાનું કામ શરૂ કરી શકતા નથી. જ્યારે સત્ય એ છે કે વ્યવસાયનો અર્થ એ નથી કે તમે લાખોનું રોકાણ કરો અને તરત જ મોટા પાયે કામ કરવાનું શરૂ કરો. તમે તમારા વ્યવસાયને નાના કે મોટા કોઈપણ કામ થી શરૂ કરી શકો છો.
આજના યુગમાં, જ્યારે બધું ડિજિટલ થઈ ગયું છે, ત્યારે તમે ઘરે બેસીને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. એવી ઘણી વસ્તુઓ છે જે તમે ઓનલાઇન કરી શકો છો. જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ સાથે કેટલાક કામ કરવા માંગતા હોય અથવા ગૃહિણીઓ જેઓ દિવસ દરમિયાન તેઓનો નવરાશના સમયમાં અમુક કામ માટે પસાર કરવા માંગતી હોય, તો તેઓ કેટલાક ઓનલાઇન બિઝનેસ આઈડિયા પર કામ કરી શકે છે.
આજે આ લેખમાં અમે તમને આવા કેટલાક ઓનલાઇન બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ, જેના પર તમે ઘેરબેઠા કામ કરી શકો છો અને ધીમે ધીમે તેને આવકનો એક સારો સ્રોત બનાવી શકો છો.
- હાથબનાવટ અથવા હસ્તકલા આધારીત વસ્તુઓનું ઓનલાઇન વેચાણ
જો તમારા હાથમાં કુશળતા હોય અને હાથથી બનાવેલ ઘરેણાં (હેન્ડિક્રાફ્ટ જ્વેલરી) અથવા કોઈપણ સજાવટની સારી વસ્તુઓ બનાવી શકો, તો તમે તમારો પોતાનો ઓનલાઇન બિઝનેસ શરૂ કરી શકો છો અને સોશિયલ મીડિયા દ્વારા તમારા ઉત્પાદનોનું માર્કેટિંગ કરી શકો છો. જેમ દિલ્હીમાં રહેતી ગરિમા બંસલ કરી રહી છે. ગરિમા પોતે હેન્ડિક્રાફ્ટ જ્વેલરી તૈયાર કરે છે અને વેચે છે. તે કહે છે કે પહેલા તમારે સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. આ પછી, તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું પેજ બનાવો.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક માહિતી સાથે તમારા ઉત્પાદનોના ઉત્તમ ફોટા પોસ્ટ કરો. તે જ સમયે, તમે વોટ્સએપ ગ્રુપમાં માર્કેટિંગ પણ કરી શકો છો. આ માટે, પ્રોડક્ટ્સની તસવીર સાથે, તમારી અને પ્રોડક્ટ વિશેની માહિતી વોટ્સએપ ગ્રુપમાં મૂકો. તમે ફેસબુક પર જુદા જુદા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જ્યાં તમને તમારી પોતાની પ્રોડક્ટ નું માર્કેટિંગ કરવાની તક મળશે.
જો તમે તમારી જાતે કંઈક બનાવવા માટે અસમર્થ છો, તો તમે તમારી નજીકની સારી ગુણવત્તાની હાથ બનાવટની વસ્તુઓ ખરીદી શકો છો અને તેનું ઓનલાઇન માર્કેટિંગ કરી શકો છો. ગરિમા કહે છે કે જો કોઈ વ્યક્તિ હસ્તકલાની વસ્તુનું કામ કરવા ઈચ્છે છે.
તો તેણે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:
- ન્યૂનતમ રોકાણથી પ્રારંભ કરો.
- સોશિયલ મીડિયા કુશળતા પર કામ કરો. નવીનતમ ફેશન અને વલણો (ટ્રેન્ડ) વિશે જાણો.
- સોશિયલ મીડિયા પેજ પર નિયમિત પોસ્ટ કરો અને તેને અલગ અલગ વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરો.
- પેકેજિંગ યોગ્ય રીતે કરો અને શરૂઆતમાં ગ્રાહકોને માલ પહોંચાડવા માટે ઇન્ડિયા પોસ્ટનો ઉપયોગ કરો.
- ગ્રાહકો પાસેથી પ્રતિસાદ (ફીડબેક) લેતા રહો, જેથી તમે તેમને હંમેશા નવીનતમ સામગ્રી આપી શકાય.
આ પણ વાંચો: સૂર્યપ્રકાશમાં સૂકવી, દેશી ઘંટીમાં દળેલા ઑર્ગેનિક મસાલાથી દેશ-વિદેશમાં ફેમસ બની વલસાડની મહિલા ખેડૂત
2. બ્લોગર
ઘણા લોકો પોતાનો બ્લોગ શરૂ કરવા માંગે છે. કારણ કે તમારો અભ્યાસ, નોકરી અથવા અન્ય કોઈ કામ કરતી વખતે બ્લોગિંગ વધારાની કમાણી કરવાની એક સારી રીત છે. પરંતુ ઘણી વખત લોકો સમજી શકતા નથી કે કેવી રીતે શરૂઆત કરવી. આ વિશે પોતાનો બ્લોગ ચલાવનાર અમન પટવા કહે છે, “સૌ પ્રથમ નક્કી કરો કે તમે કયા વિષય પર બ્લોગ શરૂ કરવા જઈ રહ્યા છો. આ પછી તમે બ્લોગિંગ વિશે થોડી જાણકારી મેળવો. જો તમે તમારા શોખ માટે તે કરવા માંગો છો, તો પછી તમે બ્લોગર જેવી મફત સાઇટ્સ પર તમારો બ્લોગ બનાવી શકો છો. અથવા થોડું રોકાણ કરીને, તમે તમારું પોતાનું ડોમેન લઈને બ્લોગ શરૂ કરી શકો છો. આ તમારા બ્લોગ ને સારી અગ્રીમતા (પ્રાયોરિટી) આપે છે.

તેમણે આગળ કહ્યું કે બ્લોગ શરૂ કરતા પહેલા, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે તેનાથી ઓછામાં ઓછા છ-સાત મહિના સુધી પૈસા કમાશો નહીં. પરંતુ આ સમય દરમિયાન, જો તમે તમારા બ્લોગ પર સંપૂર્ણ સુસંગતતા સાથે સખત મહેનત કરો છો, તો તમે ચોક્કસપણે સફળતા મેળવવાનું શરૂ કરશો. યોગ્ય દિશામાં કામ કરીને, તમે તમારા બ્લોગમાંથી લગભગ એક વર્ષમાં, મહિને પાંચ-દસ હજાર રૂપિયા કમાઈ શકો છો.
પરંતુ આ માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે:
- તમારો લેખ 1500-2000 શબ્દોનો હોવો જોઈએ.
- લેખ નિયમિત પોસ્ટ કરો.
- બ્લોગ પર લેખ પોસ્ટ કર્યા પછી, તેની લિંક ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, પિન્ટરેસ્ટ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરો.
- સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે કેપ્શન અને હેશટેગ પર ધ્યાન આપો.
- તમે જે વિષય પર લખો છો તેના પર નવીનતમ વલણો(ટ્રેન્ડ) ને હંમેશા અનુસરો.
- તમે ફેસબુક પર જુદા જુદા ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ ગ્રુપમાં નિયમિત પોસ્ટ કરતા રહી શકો છો.
અમન કહે છે કે તમે કદાચ ઘણી વસ્તુઓ જાણતા નથી. પરંતુ જ્યારે તમે આ ક્ષેત્રમાં પ્રગતિ કરશો અને તમારી રુચિ વધશે, ત્યારે તમે જાતે બ્લોગિંગ સંબંધિત કુશળતા શીખવાનું શરૂ કરશો. આજકાલ દરેક જગ્યાએ ડિજિટલ માર્કેટિંગમાં કુશળતા જરૂરી છે. આ માટે, તમે YouTube પર સૌરવ જૈનના મફત ડિજિટલ માર્કેટિંગ કોર્સ વિડિઓઝ જોઈ શકો છો. - 3. ડેટા એન્ટ્રીનું કામ
ડેટા એન્ટ્રી એક એવી નોકરી છે, જેમાં તમે ત્રણ-ચાર કલાકમાં તમારા માટે થોડા પૈસા કમાઈ શકો છો. જો કે, તેમાં બહુ કમાણી નથી પરંતુ જો કોઈ ગૃહિણી દિવસ ના થોડા કલાકો નિષ્ક્રિય બેસી રહેવાને બદલે કેટલાક ઓનલાઇન કામ કરવા માંગે છે, તો ડેટા એન્ટ્રી જોબ સારી છે. પરંતુ અમન સૂચવે છે કે તમે આવી સાઇટ્સ પર ક્યારેય નોંધણી કરાવો નહીં, જે તમને કોઈપણ ફી માટે પૂછે છે. કારણ કે ત્યાં ઘણી સારી વેબસાઇટ્સ છે, જ્યાં તમે મફતમાં નોંધણી કરાવી શકો છો અને તમારું કામ શરૂ કરી શકો છો.

અમને કહ્યું, “સૌ પ્રથમ તમે વેબસાઇટ્સ તપાસો અને ધ્યાનમાં રાખો કે વેબસાઇટ પરથી પેમેન્ટ લેવા માટે તમારી પાસે પેપલ એકાઉન્ટ હોવું જરૂરી છે. કારણ કે મોટાભાગની વેબસાઇટ્સ આંતરરાષ્ટ્રીય હોય છે. આમાંથી તમે Remotasks, Kolotibablo, Appen, Lionbridge, Clickworker અને Xerox ચકાસી શકો છો. ઘણી કંપનીઓ આ કામ માટે લોકોને પણ રાખે છે, તો તમે જોબ પોસ્ટિંગ સાઇટ્સ પણ ચકાસી શકો છો. પરંતુ ગમે ત્યાં જોડાતા પહેલા, કંપની વિશે સંપૂર્ણ માહિતી લો અને કેટલાક પેપરવર્ક લો, જેમ કે ઓફર લેટર અથવા તેમની પાસેથી કોઈ કરાર, જેથી પછીથી કોઈ સમસ્યા ન આવે.
આ પણ વાંચો: તરછોડાયેલ ગાયોને આશરો આપી બનાવે છે ગૌ આધારિત વસ્તુઓ, આપે છે 10 મહિલાઓને રોજગારી
- યુટ્યુબર
છેલ્લા કેટલાક વર્ષોમાં, યુટ્યુબ પર કન્ટેન્ટ સર્જકો અને પ્રેક્ષકો બંનેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી જો તમે તમારી કોઈપણ કુશળતા સાથે તમારી યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગતા હો, તો આ એક સારો ઓનલાઈન બિઝનેસ આઈડિયા પણ સાબિત થઈ શકે છે. વર્ષ 2017 માં પોતાની બાગકામ (ગાર્ડનિંગ) યુટ્યુબ ચેનલ શરૂ કરનાર આકાશ જયસ્વાલ કહે છે કે આજકાલ યૂટ્યુબમાં સ્પર્ધા ખૂબ જ વધારે છે. પરંતુ જો તમે તમારામાં વિશ્વાસ કરો છો અને તમે પ્રયત્ન કરવા માંગો છો, તો તમારે આ કરવું જ જોઇએ.

યુટ્યુબ ચેનલ બનાવવી ખૂબ જ સરળ છે, પરંતુ તેને આગળ વધારવા અને તેને સફળ બનાવવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. આકાશે આ માટે કેટલીક ટિપ્સ શેર કરી:
- વીડિયો બનાવવા માટે તમે તમારા સામાન્ય સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય, તમે કોઈપણ સામાન્ય ટ્રાઇ-પોડ અને માઇક ખરીદી શકો છો.
- વીડિયોને સંપાદિત (એડિટ) કરવા માટે, તમે મફત સોફ્ટવેર નો ઉપયોગ કરી શકો છો જેમ કે InShot અથવા તમે કેટલાક અદ્યતન સોફ્ટવેર પણ જોઈ શકો છો, જેમ કે KineMaster.
- તમે ગમે તે વિષય પર વીડિયો બનાવો, પણ તમારી સામગ્રી નિયમિતપણે ચેનલ પર મુકાવવી જોઈએ.
- જો તમે ઇચ્છો તો, તમે વધુ વીડિયો અપલોડ કરવા માટે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ નક્કી કરી શકો છો. તમે તે દિવસે નિયમિત વિડિઓઝ પોસ્ટ કરો. આમ કરવાથી તમારી ચેનલમાં વધુ દર્શકો ઉમેરાશે.
- હંમેશા તમારા વીડિયોઝને સર્જનાત્મક બનાવો અને કંઈક એવું કરો જેથી દર્શકો ટિપ્પણી (કોમેન્ટ) વિભાગમાં જઈને તમને જવાબ આપે.
- વીડિયોનું શીર્ષક અને થંબનેલ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરો.
- વીડિયો પોસ્ટ કર્યા પછી, તમે તેને તમારી બધી સોશિયલ મીડિયા ચેનલો પર મૂકી દો અને વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરો.
આ પણ વાંચો: અમદાવાદી મા-દીકરીની જોડી લોકોને જાતે બનાવીને ખવડાવે છે પસંદ અનુસાર હેલ્ધી મિઠાઈઓ
આકાશ કહે છે કે શરૂઆતમાં તમારે તમારા વિષયને લગતા ઘણા ફેસબુક ગ્રુપમાં જોડાવું જોઈએ અને વીડિયોની લિંક પોસ્ટ કરતા રહેવું જોઈએ. તેમનું કહેવું છે કે વીડિયો બનાવવાની સાથે તેના માર્કેટિંગ પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે યોગ્ય દિશામાં સખત મહેનત કરો છો, તો તમે યુટ્યુબથી સારા પૈસા કમાઈ શકો છો.
- ઓનલાઇન વેબીનાર અથવા વર્કશોપ
છેલ્લા એક વર્ષમાં ઓનલાઇન વર્કશોપ અને વેબિનારનો ટ્રેન્ડ જબરદસ્ત વધ્યો છે. ઘણા લોકો તેમના ઘરે બેઠા બેઠા નવી કુશળતા શીખવા માંગે છે. તેથી જો તમારી પાસે કોઈ કૌશલ્ય છે જે તમે અન્ય લોકોને ઓનલાઇન શીખવી શકો છો, તો આ કમાણીનો સારો માર્ગ પણ હોઈ શકે છે. હૈદરાબાદમાં રહેતી માન્યા ચેરાબુદ્દી કુદરતી રંગ કલાકાર અને ડિઝાઇનર છે. તે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને કુદરતી રંગો બનાવે છે. શોખ ખાતર શરૂ કરેલું આ કામ આજે તેની કમાણીનો સારો સ્ત્રોત બનેલ છે.

માન્યા કહે છે કે તે કુદરતી રંગો ને લગતા વિવિધ વિષયો પર ઓનલાઇન વર્કશોપ કરે છે. તેની ફી 500 થી 3000 રૂપિયા છે. તેથી જો તમારી પાસે આવી કોઈ આવડત છે, જે તમે ઘણા વર્ષોથી કરી રહ્યા છો, તો તમે પણ ઓનલાઇન વર્કશોપ દ્વારા સારી કમાણી કરી શકો છો. આ સિવાય, આજકાલ ઘણા લોકો વિવિધ વિષયો પર વેબિનાર પણ કરી રહ્યા છે જેમ કે ડિજિટલ માર્કેટિંગ પર વેબિનાર, ઉદ્યોગસાહસિકતા પર વેબિનાર વગેરે. તમે આ વેબિનાર માં ભાગ લેનારા સહભાગીઓ પાસેથી ન્યૂનતમ ફી લઇ શકો છો.
પરંતુ આ માટે તે જરૂરી છે કે તમે તમારી આવડત લોકોને સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માધ્યમથી જણાવો. તેમની સાથે જોડાઓ અને ધીમે ધીમે તમારું માર્કેટિંગ કરો. આ પછી, તમે લોકોની જરૂરિયાત મુજબ વિષયો પર વર્કશોપ કરી શકો છો.
આ સિવાય, અન્ય ઘણા વિચારો છે જેના પર તમે કામ કરી શકો છો. જેમ કે- ઓનલાઇન ટ્યુશન, સોશિયલ મીડિયા માર્કેટિંગ એક્સપર્ટ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, ફેશન ઈન્ફ્લુએન્સર વગેરે. તો રાહ શેની જુઓ છો ? પહેલા તમારી આંતરિક પ્રતિભા શોધો અને પછી તેના ઉપર કામ કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ઓછા રોકાણમાં વધારે નફો: ઘરેથી શરૂ કરો આ પાંચ બિઝનેસ થશે સારો ફાયદો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.