એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ભારતને સ્વતંત્ર કરાવવાની ચળવળની સાથે-સાથે સ્વદેશી વસ્તુઓના વપરાશ પર પણ એટલો જ ભાર આપ્યો હતો, જેથી દેશમાં સમૃદ્ધિ આવે, આપણે બીજા દેશો પર નિર્ભર ન રહેવું પડે. આજે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતીઓ દ્વારા સ્થાપવામાં આવેલી એવી બ્રાન્ડ્સનો જેને ના ફક્ત ગુજરાત કે ભારત પરંતુ પુરા વિશ્વમાં પોતાના ઝંડા ગાળ્યા છે અને સાથે સાથે દેશના અર્થતંત્રમાં પણ તેમનો સિંહફાળો છે. આમ તો ઘણી બધી એવી કંપનીઓ છે જે ગુજરાત સાથે સંબંધ ધરાવે છે પરંતુ આજે આપણે વાત કરીશું એવી કંપનીઓની જે વૈશ્વિક ધોરણે ખુબ જ આગળ પડતી ભૂમિકા નિભાવી રહી છે.

ટાટા ગ્રુપ
સન 1868માં જમશેદજી ટાટા દ્વારા ટાટા કંપનીની શરૂઆત કરવામાં આવી. ટાટા એ કંપની નથી પરંતુ ભારતના લોકોની એક લાગણી છે. કેમ કે, તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે વીસમી સદીમાં સમગ્ર વિશ્વમાં સૌથી વધારે જો કોઈએ લોકોના હિત માટે દાન આપ્યું હોય તો તે છે જમશેતજી ટાટા અને તે પણ અત્યારના સમય પ્રમાણે ગણતરી કરીએ તો અધધ 102.4 બિલિયન ડોલર જેને રૂપિયામાં બદલવામાં આવે તો થાય પુરા 76,07,93,60,00,000 રૂપિયા. અત્યારે ટાટાના નેજા હેઠળ ખુબ બધી કંપનીઓ છે જેમાં ઓટોમોટિવ, એરલાઇન, કેમિકલ, ડિફેન્સ, સ્ટીલ, સિમેન્ટ, ટેલિકોમ, હોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે. આજે પણ ટાટા કંપની ટાટા ટ્રસ્ટના નામે દાન પ્રવૃત્તિ સાથે સારી એવી રીતે સંકળાયેલી છે.

વિપ્રો
વિપ્રોની સ્થાપના 29 ડિસેમ્બર 1945 ના રોજ ગુજરાતી મુસ્લિમ પરિવાર માંથી આવતા મોહમ્મદ પ્રેમજી દ્વારા કરવામાં આવી હતી. મોહમ્મદ પ્રેમજીને ‘રાઈસ કિંગ ઓફ બર્મા’ એટલે કે ‘બર્મા’મ્યાનમારના ચોખાના રાજા‘ કહેવામાં આવતા હતા. આઝાદી બાદ મોહમ્મદ અલી ઝીણાએ મોહમ્મદ પ્રેમજીને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું પરંતુ તેમને તે પ્રસ્તાવ ઠુકરાવી ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. તેમના મૃત્યુ પછી ફક્ત 21 વર્ષની ઉંમરે તેમના પુત્ર અઝીમ પ્રેમજીએ વિપ્રો કંપનીની કમાન સંભાળી. 2001 તેમણે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તે દ્વારા જ 2010માં તેમણે ભારતમાં શાળાકીય શિક્ષણને સક્ષમ બનાવવા માટે 2 બિલિયન ડોલરનું દાન કર્યું અને તે પણ પોતાની કંપનીના પોતાના ભાગે આવતા શેરનું વેચાણ કરીને. અત્યાર સુધી અઝીમ પ્રેમજી વિપ્રો દ્વારા ભારતમાં શિક્ષણ માટે 21 બિલિયન ડોલરનું એટલે કે કુલ 15,59,93,88,00,000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

અમુલ
અમુલની સ્થપના ગુજરાતના ખેડા જિલ્લામાં એક સહકારી સંસ્થાના સ્વરૂપે ત્રિભુવનદાસ પટેલ દ્વારા થઇ. ત્રિભુવનદાસ પટેલે 1949 માં આ સંસ્થા માટે વર્ગીસ કુરિયનની નિમણુંક કરી અને તે પછી અમુલ દ્વારા આવેલ ડેરી ક્ષેત્રની ક્રાંતિને સમગ્ર દેશમાં ફેલાવવા માટે ઈ.સ. 1965 માં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરવામાં આવી. આમ ભારતમાં શ્વેત ક્રાંતિની જનક અમુલને માનવામાં આવે છે. અને આ જ શ્વેત ક્રાંતિથી પ્રભાવિત થઇ શ્યામ બેનેગલે તેમની ફિલ્મ ‘મંથન’ (1976) બનાવવા પ્રેરણા મળી હતી. આ ફિલ્મને ગુજરાતના પાંચ લાખ ગ્રામીણ ખેડૂતોએ ધિરાણ આપ્યું હતું. તેમાં તે ફિલ્મ માટેના બજેટમાં દરેકે ખેડૂતે રૂપિયા 2 નું યોગદાન આપ્યું હતું. અમુલ આજે 38,550 કરોડની રેવન્યુ સાથે વિશ્વની સૌથી મોટી ડેરીઓમાંની એક છે.

રિલાયન્સ
ભાગ્યે જ કોઈ હશે જે આ નામને નહીં ઓળખતું હોય. રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની શરૂઆત ધીરુભાઈ અંબાણી તથા ચંપકલાલ દામાણીના સહિયારા પ્રયાસથી થઇ અને આગળ જતા 8 મેં 1973થી તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નામે જાણીતી બની. ત્યારબાદ 1975 માં કાપડ ઉદ્યોગ ક્ષેત્રે, 1993 માં પેટ્રોલિયમ ક્ષેત્રે, 1995/96 માં ટેલિકોમ ક્ષેત્રે ઝંપલાવી ઉભરી આવી. 1998 માં તેને વિશ્વની સૌથી મોટી રિફાયનરી જામનગર ખાતે સ્થાપી. નવાઈની વાત એ છે કે, કદાચ કોઈને ખબર નહીં હોય પરંતુ ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર જે જિયોની સર્વિસનો આનંદ આપણે માણી રહ્યા છીએ તેની સ્થાપના અમદાવાદ ખાતે 2007 માં કરવામાં આવી હતી. આમ દૂરંદેશી બાબતે રિલાયન્સ એક આગવું પાંસુ ધરાવે છે તેમ કહી શકાય. અત્યારે રિલાયન્સના માલિક મુકેશ અંબાણી એશિયામાં પ્રથમ તથા વિશ્વમાં અગિયારમાં ક્રમાંકે ધનિકોની યાદીમાં સમાવિષ્ટ છે.

અદાણી ગ્રુપ
અદાણી ગુપની સ્થાપના ગૌતમ અદાણી દ્વારા 20 જુલાઈ 1988 ના રોજ કરવામાં આવી હતી. માત્ર 33 વર્ષના ટૂંકા ગાળામાં જ આ કંપનીની રેવન્યુ અત્યારે 1 લાખ કરોડ કરતા પણ વધારે થઇ ગઈ છે. તાજેતરમાં જ મુકેશ અંબાણી પછી ભારતના દ્વિતીય નંબરના ધનિક તરીકે ગૌતમ અદાણી ઉભરીને આવ્યા છે. અદાણી ગ્રુપ અત્યારે ગુજરાત અને ભારતની સીમાઓને વટાવીને દેશ વિદેશમાં પણ સારું એવું પ્રસર્યું છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Naturals Ice Cream: પિતા ફળ વેચતા, પુત્ર બની ગયો કરોડોનો માલિક અને કહેવાયો ‘Ice Cream King’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.