‘જો મન મક્કમ અને ર્હદયમાં ઈરાદો હોય તો જિંદગીના કોઈ પણ પડાવ પર તમે તમારી ઈચ્છાઓને સિદ્ધ કરી શકો છો’… આપણા દેશમાં દર વર્ષે 5 જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરી એક નવી થીમ સાથે તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે, પણ બીજા દિવસથી જ લોકો આ વાતને ભૂલી રોજમરાના કામમાં લાગી જાય છે. પર્યાવરણ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે એ તો આપણે બધા જાણીએ છીએ પણ શું આ ગ્લોબલ વોર્મિગના જમાનામાં તમે પર્યાવરણને બચાવવા માટે કંઈ કર્યુ છે? પણ આ 5 ગુજરાતી વ્યક્તિઓએ પોતાના ઘરની જવાબદારી સંભાળવાની સાથે સમાજ અને પ્રકૃતિને પોતાની જવાબદારી માની લીધી છે અને તેને બચાવવા માટે પોતાનું જીવન હોમી દીધુ છે અને વર્ષો સુધી સમાજને યાદ રહે તેવા કામ કર્યા છે. તો ચાલો મળીએ આ 5 ગરવા ગુજરાતીઓને અને જાણીએ તેમની પ્રકૃતિ પ્રેમની જીવનગાથા વિશે
દિનેશભાઈ અને દેવિન્દ્રાબહેન
32 વર્ષ સુધી શિક્ષક દંપતી તરીકેની નોકરી કર્યા બાદ પ્રકૃતિના ઋણને ઉતારવા માટે શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ રિટાયર્ડમેન્ટની આખી મૂડી ખર્ચી રણમાં જંગલ ઊભુ કર્યુ છે. અમે વાત કરી રહ્યા છીએ 72 વર્ષીય દિનેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની દેવિન્દ્રાબહેનની જેમણે દુષ્કાળમાં પ્રાણીઓને મરતાં જોઈ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામમાં ખુદના પૈસે ૩ એકર જમીનમાં ‘નિસર્ગ નિકેતન’ ના નામે પક્ષીઓ માટે એક નાનકડું જંગલ બનાવ્યું છે. 14 વર્ષની મહેનત બાદ આજે 7000 કરતાં વધારે વૃક્ષો ઊગી નીકળ્યા છે. આ જગ્યા અત્યારે હજારો પશુ-પક્ષીઓ માટે કાયમી આવાસ બની ગઈ છે. નિસર્ગ નિકેતનમાં દરરોજ લગભગ 80 કિલોની આસપાસ ચણ આપવામાં આવે છે. અત્યાર સુધી 85 લાખ રૂપિયા સુધીનું ચણ આપવામાં આવેલ છે. અહીં દિવ્યાંગ પક્ષીઓની સાર સંભાળ ખુબ સારી રીતે કરવામાં આવે છે જેમાં તેમના માટે દરરોજ સવારે 5 કિલો રોટલીઓ બનાવી અલગથી ચણ તરીકે આપવામાં આવે છે. ‘નિસર્ગ નિકેતન’ માં પક્ષીઓને જે વૃક્ષો પસંદ હોય છે તેવા પ્રકારના વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. તેનો આશય એટલો જ છે કે, પક્ષીઓ પોતાના ગમતા મનગમતા વૃક્ષો દ્વારા અહીંયા આકર્ષાઈ પોતાના માળા બનાવી ઈંડા મૂકે તથા આગળ જતાં કાયમી વસવાટ માટે પ્રોત્સાહિત થાય. આ જગ્યામાં અત્યારે લગભગ વિવિધ પ્રકારના 7000 જેટલા વૃક્ષો, 5000 જેટલા કાન ખજૂરા, 150 જેટલી ગરોળીઓ, ઘો, કાચબા, શેરા, વીંછી, વીંછણ, નોળીયા, ખિસકોલી વગેરે છે તથા પક્ષીઓમાં મોર, પોપટ, હોલા, સુગરી, સમડી, ચીબરી, ઘુવડ, કલકલિયો, બુલબુલ વગેરે છે. આ દંપતિએ અત્યાર સુધી આ પ્રદેશમાં દોઢ લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેને જોઈ આસપાસના ઘણા લોકો હવે વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવા માટે પ્રેરાયા છે.

સવજીભાઈ ધોળકીયા
દેશ અને દુનિયાભરમાં હીરાના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા હીરાના વ્યવસાય સાથે સેવા કાર્યોના કારણે પણ વધારે લોકપ્રિય છે. તેમણે પોતાના વતન માટે એક અદભૂત અને અવર્ણનિય સેવાકાર્ય કર્યું છે જેનો ફાયદો આજે 20 ગામડાના 20 લાખ ખેડૂતોને મળ્યો છે. એક સમયે ખેતરમાં કૂવા તો હતા, પરંતુ ખાલી હોવાના કારણે ખેડૂતોને ખેતરમાં પણ પોતાના પીવા માટે પાણી લઈને જવું પડતું હતું, ત્યાં આજે પાણીની નદીઓ વહી રહી છે. ગુજરાતના આ ગામમાં પાણીની અછતના કારણે લોકો પોતાની છોકરી પરણાવતા ન હતા ત્યાં આજે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પાણીના સંગ્રહની અદભુત વ્યવસ્થા કરવામાં આવતા હરિયાળી છવાઈ ગઈ છે. સાથે જ 21 લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જ્યાં પહેલા પીવાના પાણીના પણ ફાંફા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 700 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારોમાં કુલ 60 તળાવ બનાવવામાં આવ્યાં છે અને આ બધા જ તળાવની આસપાસ 21 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સંસ્થા કુલ 100 તળાવ બનાવવા ઈચ્છે છે. એક સમયે વેરાન ગણાતો આ વિસ્તારમાં આજે હરિયાળી પથરાઈ ગઈ છે. વૃક્ષો વધતાં, વરસાદ પણ વધશે અને વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર પણ વધશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ જેવો જ અહીં રિવરફ્રંટ બનાવવામાં આવ્યો. જેથી આજે આ એક પર્યટન સ્થળ પણ બની ગયુ છે. તમે આ આખો લેખ અહીં વાંચી શકો છો.

કંકુબેન
પહેલાંથી જ દુષ્કાળથી વ્યથિત અને માત્ર 8,200 લોકોની વસ્તી ધરાવતા કચ્છના કુકમાં ગામમાં પ્રદૂષણ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. આજુબાજુનાં ગામમાં સતત ભૂગર્ભ જળનો ઉપયોગ વધતાં કુકમા ગામમાં પાણીનું સ્તર પણ 600 ફૂટની ઊંડાઈએ પહોંચી જતા ઝાડ-છોડ માટે ભૂગર્ભ જળ વાપરવું પણ અશક્ય બની ગયું હતું. પણ આ ગામની મહિલા સરપંચ કંકુબેનના એક નવીન વિચારથી પાણીની નદીઓ પર આધારિત રહ્યા વગર હરિયાળી ફેલાઈ ગઈ છે. આ ગામની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી મિયાવાકી જંગલ ઊભુ કર્યુ છે. તેણીએ ગામલોકો અને સ્વયંસેવકોની મદદથી કચ્છના રણમાં ઝાડનું જંગલ ઊભુ કર્યુ છે. જેમાં કારખાનામાંથી નીકળતા ગંદા પાણીને રિસાયકલ કરી પાણી સીંચ્યું છે. આ ગામમાં આજે 7,500 ઝાડ વિકસી રહ્યાં છે જ્યાં દરરોજ 10,000 લિટર ગંદા પાણીને આરઓ પ્લાન્ટમાં રિસાયકલ કરી ઝાડને પાવામાં આવે છે. જણાવી દઈએ કે, વર્ષ 2017 માં 7,50,000 માં આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યો. આ ગામમાં વાવેલ વૃક્ષોમાં 85% વૃક્ષો બહુ સરસ વધી રહ્યાં છે અને ફળ-ફૂલ આપી રહ્યાં છે, જેનાથી ખુશ થઈને આસપસનાં ઘણાં ગામના લોકો સુધી તેના સમાચાર ફેલાઈ ગયા અને એક્સપર્ટ્સ પણ આ વિલેજ મોડેલની મુલાકાત લેવા માટે આવે છે. સરપંચ દ્વારા એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, વિવિધ પ્રકારનાં ફળ-ફૂલ આપતાં ઝાડ ઉગાડવામાં આવે છે. આ મિયાવાકી સિવાય બીજાં 50,000 કરતાં વધારે વૃક્ષો પંચાયત દ્વારા વાવવામાં આવ્યાં છે. આગામી મહિનાઓમાં તેમનો આ ટાર્ગેટ 1 લાખ સુધી પહોંચાડવાનો છે.

વનિતાબેન રાઠોડ
રાજકોટની વિનોબા ભાવે સરકારી શાળામાં શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વનિતાબેન રાઠોડ છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ સૂર્યને પાણી અર્પણ કર્યા બાદ જ પાણી પીવે છે. આ શિક્ષિકાએ પોતાની શાળામાં લગભગ 200 જેટલી ઔષધીઓ અને ફળોનાં ઝાડ-છોડ વાવ્યાં છે. શાળાના મેદાનમાં જેટલા ઝાડ-છોડ છે તેના કરતા બમણા હેન્ગિંગ પ્લાન્ટ્સ પણ બનાવ્યા છે. જે નકામા પ્લાસ્ટિકના ડબ્બા, લીલા નારિયેળ, નવરાત્રીના ગરબાની માટલીઓ વગેરેમાં બનાવવામાં આવ્યા છે. જેના કારણે અત્યારે શાળાનાં બાળકો પણ વનિતાબેનના આ અભિયાનમાં જોડાયા છે. વનિતાબેને વાવેલ આ બધાં વૃક્ષો અત્યારે હજારો પક્ષીઓ માટે રહેઠાણ અને ખોરાકનું સ્થળ બન્યાં છે. વનિતાબેને અત્યારે તેમની શાળામાં 2 હજાર કરતાં વધારે વૃક્ષો વાવી દીધાં છે. આ ચોમાસામાં વાવવા માટે વનિતાબેન 10 હજાર રોપા અગાઉથી જ તૈયાર કરી દે છે. સામાન્ય રીતે દર વર્ષે તેઓ રોપા નર્સરીમાંથી ખરીદતાં હતાં, પરંતુ આ વર્ષે તેમણે આ બધા રોપા જાતે જ બીજમાંથી તૈયાર કર્યા હતા. વનિતાબેન જ્યારે પણ બહાર નીકળે ત્યારે સ્કૂટરમાં આગળ પાણીનો મોટો કેરબો લઈને નીકળે અને છોડને પાણી પાય છે. તેમનું સપનું છે કે, તેઓ આખા રાજકોટને એવું હરિયાળુ બનાવી દે કે, કોઈ ડ્રોનથી ફોટો પાડે તો હરિયાળી જોઈને દિલ ખુશ થઈ જાય.
ભરત-જાગૃતિ મકવાણા
કચ્છમાં વસવાટ કરતા જાગૃતિબેન અને ભરતભાઈ મકવાણા એક પ્રાથમિક શાળાનાં શિક્ષક દપંતિ છે અને ઘણાં વર્ષોથી પર્યાવરણ સંરક્ષણનાં કાર્યો સાથે સંકળાયેલા છે. આ દંપતિ 21મી સદીમાં લુપ્ત થતી વનસ્પતિને બચાવવા જંગલોમાંથી દેશી બીજ ભેગાં કરી લોકોને મફતમાં પહોંચાડે છે. ગત્ વર્ષ સુધીમાં ભરતભાઈએ જંગલમાંથી 11 લાખ કરતા પણ વધારે બીજ એકઠા કરી લોકોમાં વહેંચી ચૂક્યા છે. આ દંપતિનો એકમાત્ર ધ્યેય છે કે, આસપાસ લુપ્ત થતી વનસ્પતિને સાચવી આગામી પેઢી સુધી પહોંચાડવી. આ દંપતિનું માનવું છે કે, આજના સમયને જોતાં એ બહુ જરૂરી છે કે, આપણે અત્યારથી સંરક્ષણ માટે ઠોસ પગલાં લઈએ. જો શિક્ષક બાળકને બાળપણથી જ ઝાડ-છોડ સાથે બાંધશે તો, તેઓ આ શીખ હંમેશાં યાદ રાખશે. ભરતભાઈની આ પહેલ ગુજરાતની ઘણી સ્કૂલો અને જિલ્લાઓ સુધી પહોંચી. શિક્ષક દંપતિ આખા વર્ષ દરમિયાન પોતાના એક મહિનાનો પગાર આ કાર્યમાં ખર્ચે છે. તેમનું ઉદ્દેશ્ય છે કે, ‘હર-હર ડોડી, ઘર-ઘર ડોડી’, જેથી ઘરમાં ઝાડ-છોડ હોય. અત્યારે આ દંપતિ પાસે જીવંતી, ગૂગળ, ગિલોય અને કોળું, કારેલાં જેવાં ઘણાં શાકભાજીનાં પણ દેશી બીજ છે. જો કોઈ આમાંથી કોઈપણ બીજ મંગાવે તો, તેઓ પોતાના ખર્ચે કૂરિયરથી તેમને મોકલાવે છે. જો કોઈને છોડ જોઈએ તો તેઓ ન્યૂનતમ ટોકન ચાર્જ લઈને તેમને મોકલી આપે છે. છેલ્લાં બે વર્ષથી તેઓ છોડ પણ તૈયાર કરે છે અને દર વર્ષે લગભગ 5,000 છોડ વહેંચે છે. તમે તેમનો આખો લેખ અહીં વાંચી શકો છો.

અત્યારે જે રીતે ગ્લોબલ વૉર્મિંગ વધી રહ્યું છે અને તેના કારણે હવામાનમાં અસર જોવા મળી રહી છે, એ જોતાં, આ લોકોની સેવા ખરેખર ખૂબજ ઉત્તમ છે અને દરેક વિસ્તારમાં આવાં ભગિરથ કાર્યોની જરૂર છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.