શું આપણે જે ફળો અને શાકભાજીને તાજા સમજીને ખાઈએ છીએ તે આપણા માટે ખરેખર પોષક છે? કદાચ નહીં, પરંતુ આપણે આ ફળો અને શાકભાજીને સ્વાસ્થ્યવર્ધક સમજીને ખાતા આવ્યા છીએ. કારણ કે આપણી પાસે શાકભાજી અને ફળો ક્યાંથી આવે છે અને તે કેવી રીતે ઉગાડવામાં આવે છે તે શોધવા માટે પૂરતો સમય નથી. ખેતરમાંથી આપણા ઘરમાં આવતા આ શાકભાજીના ઘણા પોષક તત્વો ખતમ થઈ જાય છે અને તે તાજા રહેતા નથી.
હવે તમે કહેશો, અમે જાતે શાકભાજી ઉગાડી શકતા નથી, કારણ કે અમારી પાસે ન તો વધારે સમય છે અને ન તો જગ્યા. પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેઓએ લગભગ ચાર વર્ષથી તેમના ઉપયોગ માટે ઘરે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ સુરતના એક દંપતી ડો.કેયુરી અને પરેશ શાહની.
એવું નથી કે તેમની પાસે ઘણો સમય હતો. તેમણે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢ્યો અને આજે તે કાળા મરી, એલચી, હળદર, લસણ જેવી ઔષધીઓ સાથે 30થી વધુ પ્રકારના શાકભાજી અને 10 થી વધુ ફળો ઉગાડી રહ્યા છે.
ડૉ. કેયુરી બાળરોગના નિષ્ણાંત છે અને તેમના પતિ ડૉ. પરેશ સર્જન છે. તે રોજ સવારે કામ પર જતા પહેલા છોડની સંભાળ રાખે છે અને તેમની સાથે સમય વિતાવે છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ડૉ. કેયુરી કહે છે, “આ છોડને કારણે ઘરની છત પર એક સુંદર ઇકોસિસ્ટમ બની ગયુ છે. ઘણા પક્ષીઓ, પતંગિયા અને મધમાખીઓ અહીં આવવા લાગ્યા છે. આ બગીચો અમને માત્ર તાજી શાકભાજી જ નથી આપતો પણ અમને પ્રકૃતિની નજીક હોવાનો અહેસાસ પણ આપે છે, જે શહેરમાં શોધવાનું ખૂબ જ મુશ્કેલ છે.”

છત પર મલ્ટિલેયર ખેતી કરે છે
આ ડૉ. દંપતીનું તેમના ઘરમાં ક્લિનિક પણ છે. તેમનું ઘર પહેલા માળે છે અને તે આશરે 400 ચોરસ ફૂટ ઉપર ટેરેસ પર બાગકામ કરે છે. કારણ કે તેમના ઘરમાં સૂર્યપ્રકાશ બરાબર આવતો નથી. તેથી તેમણે ટેરેસ પર બાગકામ શરૂ કર્યું. ટેરેસ પર ગાર્ડનિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે.
છત પર વજન વધારે ન વધે, તેથી તેઓએ ક્યારીઓ બનાવી અને તેમાં એક ફૂટ જેટલી માટી ઉમેરીને રોપા રોપવાનું શરૂ કર્યું. ડૉ. કેયુરી કહે છે, “અમને બાગકામનો એટલો શોખ હતો કે અમે હંમેશા કેટલાક રોપા લગાવતા રહેતા હતા. આશરે ચાર વર્ષ પહેલા, જ્યારે અમને સમજાયું કે ટેરેસ પર શાકભાજી ઉગાડી શકાય છે, ત્યારે અમે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો. જેથી અમે યોગ્ય માહિતી અને સારી પદ્ધતિથી બાગકામ કરી શકીએ.”
તેમણે મલ્ટિલેયરમાં રોપા લગાવ્યા છે. જમીનની નીચે રોપવામાં આવનાર પ્રથમ છોડ હળદર, ગાજર, બટાકા, મૂળા, બીટ વગેરે છે. પછી પાંદડાવાળા શાકભાજી છે જે જમીનને આવરી લે છે જેમ કે પાલક, ધાણા, ફુદીનો, મેથી અને સરસવ વગેરે. ત્રીજા સ્તરમાં ટમેટા, કેપ્સિકમ, રીંગણ, ભીંડા, મરચા વગેરે જેવા સહેજ મોટા છોડ વાવવામાં આવ્યા છે. ટેરેસ પર ઘણા વેલાઓ પણ છે, જેમાં દૂધી, તુરિયા જેવા શાકભાજી ઉગાડવામાં આવ્યા છે. છેલ્લા સ્તરમાં, સિંગાપોર ચેરી, દાડમ, સીતાફળ, ચીકુ વગેરે જેવા ઘણા ફળોના વૃક્ષો વાવવામાં આવ્યા છે.

સાચી બાગકામ ટેક્નિકનો ઉપયોગ
બંનેને છોડ માટે પ્રેમ હોવાથી, તેઓ હંમેશા નવા પ્રયોગો કરતા રહે છે. આ સાથે વધુમાં વધુ છોડ વિશે માહિતી લેતા રહે છે, જેથી ઉત્પાદકતા સારી રહે. ડૉ. કેયુરી કહે છે, “અમે ક્યારીઓમાં નાના અંતરે મકાઈ અને જુવારના છોડ વાવ્યા છે. આ છોડ અન્ય છોડને જીવાતોથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય બેસિલ અને તુલસી જેવા મજબૂત સુગંધ ધરાવતા છોડ પણ જીવાતો સામે રક્ષણ આપે છે.”

છોડને છત પર એવી રીતે મુકવામાં આવ્યા છે કે એક છોડ બીજા છોડને વધવામાં મદદ કરે છે. તેણી કહે છે કે તેને કમ્પેનિયન પ્લાન્ટિંગ કહેવામાં આવે છે. મૂળા અને મેથીની જેમ, તુરિયાની સાથે હળદરના છોડ રોપવાથી ઉત્પાદકતામાં સુધારો થાય છે. આ રીતે, કમ્પેનિયન પ્લાન્ટિંગનું સંપૂર્ણ લિસ્ટ છે, જે મુજબ છોડ છત પર રોપવામાં આવ્યા છે. તેમની છત પર સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. તેઓએ સોલર પેનલ્સ હેઠળ એવા છોડ મૂક્યા છે જેને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે.

ઘર પર બને છે ઓર્ગેનિક કમ્પોસ્ટ
આરોગ્યને ધ્યાનમાં રાખીને તેઓએ આ રીતે તાજા શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. તેથી, તે બાગકામમાં કોઈપણ પ્રકારના રાસાયણિક અથવા જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તે પોતાના રસોડાના કચરામાંથી ઘરે બેસ્ટ ખાતર તૈયાર કરે છે. ડૉ.કેયુરી જણાવે છે, “ખાતર બનાવવું ખૂબ જ સરળ છે અને તે પર્યાવરણને દૂષિત થવાથી પણ બચાવી શકે છે. હવે અમારા ઘરમાંથી કોઈ બાયોવેસ્ટ બહાર જતુ નથી, તેના બદલે તે મારા છોડ માટે ખોરાક બની જાય છે.”

ગયા વર્ષે જ, તેણે તેની છતનું વોટરપ્રૂફિંગ પણ કરાવ્યુ છે. તે સમયાંતરે નવી વસ્તુઓનો પ્રયોગ કરતા રહે છે. ડૉ. કેયુરી કહે છે, “અમે ટેરેસ પર કાળા મરી અને એલચીના છોડ પણ વાવ્યા છે. છોડ સારી રીતે વિકસી રહ્યા છે અને અમને આશા છે કે ટૂંક સમયમાં ફૂલો ઉભરી આવશે.”
બાગકામ માટે તેમના શોખને કારણે, આજે તેઓ તાજા ફળો અને શાકભાજી ખાઈ શકે છે. તમારે તમારા સ્થાન અને સમય અનુસાર કંઈક ઉગાડવાનો પ્રયાસ કરવો જોઈએ. ડો. કેયુરી કહે છે, “એકવાર તમે તમારા પોતાના ઘરમાં ઉગાડેલા શાકભાજી ખાવાનું શરૂ કરી દો, પછી તમને બજારનાં ફળો અને શાકભાજીનો સ્વાદ ગમશે નહીં.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જ્યાં જેસીબી પણ પાછું પડતું હતું ત્યાં આ શિક્ષક દંપતિએ ઊભુ કર્યું નંદનવન, શાક, ફળો અને ઔષધી બધુ જ ઘરમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.