મહારાષ્ટ્રના પૂણેના કેદાર ખિલારે 100 કિલો મીટર દૂર ફલટણ શહેરના રહેવાસી છે. તે વ્યવસાયે ખેડૂત છે. જો તમે તેના ઘરે જશો તો તેના કેમ્પસમાં તમને એક મોટી પ્લાસ્ટિકની બેગ જેવું કંઈક જોવા મળશે. તમે તેને નજીકથી જોશો તો લાગશે કે આ હવાથી ભરેલો કોઈ મોટો ફુગ્ગો છે. તેમાં એક છેડા પર પાઈપ લાગેલો રહે છે, જે તેને રસોઈ ઘર સાથે જોડે છે. વાસ્તવમાં આ બાયોગેસ પ્લાન્ટ છે, આજે ધ બેટર ઈન્ડિયા તમને આ અનોખા બાયોગેસ પ્લાન્ટ અંગે જણાવવા જઈ રહ્યું છે, જેના દ્વારા તમે LPG રસોઈ ગેસનો ઉપયોગ ઓછો કરી શકો છો.
આ અનોખી બાયોડાઈજેસ્ટર સિસ્ટમ અંગે વાત કરતા કેદાર કહે છે કે, આ એક બાયોગેસ પ્લાન્ટ છે અને તેના કારણે અમે લગભગ બે વર્ષથી કોઈ LPG સિલિન્ડર ખરીદ્યો નથી. મારા પરિવારમાં 8 સભ્ય છે અને અમારે દર મહિને બે રસોઈ ગેસ સિલિન્ડરની જરૂર પડતી હતી, જેમાં લગભગ રૂ.1500નો ખર્ચ થતો હતો અને મારા માટે આ ખર્ચ ઉપાડવો ખૂબ મુશ્કેલ હતો.
પરંતુ 2018માં પૂણેની ઈનોવેટિવ બાયોડાઈજેસ્ટર વેચતી કંપની સિસ્ટેમા બાયો એ ગામમાં એક શિબિરનું આયોજન કર્યું અને ગ્રામીણોને તેના ફાયદા જણાવ્યા. ત્યારબાદ કેદારે પ્રોડક્ટ પર વિશ્વાસ કરીને જાન્યુઆરી 2018માં પોતાના ઘરમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો અને આજે તેનો પુરો લાભ લઈ રહ્યા છે.
સક્ષમ અને સુવિધાનજનક બાયોગેસ
કેદાર કહે છે, આ બાયોગેસ પ્લાન્ટના ઉપયોગને કારણે મારે દર વર્ષે 15000ની બચત થાય છે. મેં પહેલા પ્લાસ્ટિક અને ધાતુમાંથી બનેલા પારંપરિક પ્લાન્ટ અજમાવ્યો હતો. પરંતુ અમ્લીય(એસિડિક)વસ્તુઓને કારણે તેમાં તિરાડો પડી જાય છે.
કેદાર કહે છે કે બાયો-ડાઈજેસ્ટરે તેને નિરાશ કર્યો નથી અને આ અપેક્ષાથી ઘણી વધુ સક્ષમ છે. ઠંડી ઋતુમાં પણ આ બાયોડાઈજેસ્ટર પરિવાર માટે જમવાનું બનાવવા માટે પર્યાપ્ત ગેસ આપે છે.

આજે કેદારની જેમ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના લગભગ 5000 ખેડૂતો આવા બાયોડાઈજેસ્ટરનો ઉપયોગ કરી રહ્યાં છે. આ પ્લાન્ટમાં બાયોગેસ એનારોબિક બેક્ટેરિયાના ડાઈજેસ્ટનની પ્રક્રિયા અંતર્ગત ઉત્પન્ન થાય છે. તેમાં ગાયના છાણને એક એર ટાઈટ ટેન્ક કે ખાડામાં નાંખવામાં આવે છે અને પછી તેમાં પાણી ભરવામાં આવે છે. લગભગ એક મહિના સુધી પ્રાકૃતિક પ્રતિક્રિયાઓના ફળ સ્વરૂપે તેમાં મિથેનની સાથે સલ્ફર અને અન્ય ગેસોનું નિર્માણ થાય છે. પછી, આ ગેસનો ઉપયોગ રસોઈ ઘરમાં કરવામાં આવે છે. આ પ્રતિક્રિયા બાદ અવશેષોને ગારા કહેવામાં આવે છે અને ખેતરોમાં તેનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ખાતરના રૂપમાં કરી શકાય છે.
સિસ્ટેમા બાયો કંપનીના મેનેજર પિયુષ સોહાની કહે છે કે, આ બાયો ડાઈજેસ્ટરોને ઔદ્યોગિક જિયો-મિમ્બ્રેનમાંથી બનાવામાં આવે છે અને તેનું આયુષ્ય 20 વર્ષ સુધીનું હોય છે. સિસ્ટેમા બાયો અનારોબિક ડાઈજેસ્ટન ટેકનિકની સાથે સાથે અન્ય કૃષિ સેવાઓ દ્વારા નાના ખેડૂતોને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે.
તેઓ આગળ કહે છે કે, અમારો પ્રયાસ અક્ષય ઉર્જા અને ખેતરોની પર્યાવરણીય સ્થિરતાને ઉત્તમ બનાવવામાં મદદ કરવાનો છે.
પિયુષ મુજબ, પ્રી-ફેબ્રિકેટેડ બાયોડાઈજેસ્ટર, ખેડૂતોને લાકડા અને જીવાશ્મ(પ્રાકૃતિક ગેસ, કોલસો) ઈંધણ પરની નિર્ભરતા ઘટાડે છે, આ રીતે પ્રદૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
પિયુષ કહે છે કે, બાયોગેસ પર જલ્દી ભોજન બની જાય છે અને ધૂમાડા રહીત હોય છે. જેનાથી ખાસ કરીને મહિલા અને બાળકોના સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે. તો બીજી તરફ પ્રક્રિયાની આડપેદાશો એટલે કે ગારો નાંખવાથી પાકનું ઉત્પાદન પણ વધે છે અને ખેડૂતોની આવક સુનિશ્ચિત થાય છે.
તેઓ આગળ કહે છે કે, પ્લાન્ટને સરખી રીતે શરૂ થવામાં અમુક કલાક લાગે છે. આ પ્લાન્ટના મેઈન્ટેનન્સની જરૂર રહેતી નથી, કારણ કે તેમાંથી છાણના રગડાને ઈન બિલ્ટ સિસ્ટમ દ્વારા બહાર કાઢવામાં આવે છે. સામાન્ય રીતે આ રગડાને બહાર કાઢવા માટે બહારની શક્તિની ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમાં હાથ લગાવવાની જરૂર પડતી નથી.
પિયુષ કહે છે કે, ગોબર ગેસ પ્લાન્ટને અલગ અલગ જગ્યાએ મૌસમ અનુસાર બનાવવામાં આવ્યા છે. આ પ્લાન્ટ બે ગાય ધરાવતા પરિવાર માટે સ્થાપિત થઈ શકે છે. તેની મોટા ડેરી ફાર્મો સુધી વધારી શકાય છે. તેને દૂરના ગામડાઓમાં પણ સરળતાથી સ્થાપિત કરી શકાય છે.

ઉદાહરણ તરીકે બાયો-ડાઈજેસ્ટર એક દિવસમાં 45 કિલોથી લઈ બે ટન છાણની પ્રોસેસ કરી શકે છે. તેની સાથે જ આ પ્લાન્ટને સરળતાથી એક કે બીજા સ્થળે લઈ જઈ શકાય છે.
ખામીઓને દૂર કરવા માટે નવીનીકરણ
બાયો-ડાઈજેસ્ટરમાં અનેક વિશેષતાઓ છે, જેમ કે પારંપરિક પ્લાન્ટના ઉચ્ચ દબાણ વિપરિત આ ઓછા દબાણ પર પણ કામ કરે છે. તેની સાથે જ આ લીકપ્રૂફ પણ છે.
બાયો-ડાઈજેસ્ટરમાં ગેસ પ્રવાહ માટે એક ઈંચનો પાઈપ લાગેલો હોય છે, જેનાથી ગેસ સરળતાથી રસોડા સુધી પહોંચી જાય છે. પાઈપમાં ભીનાશને કારણે ચેકિંગ કે પાણીને અટકતું બચાવવા માટે ટ્રેપિંગ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે. જેથી ખેડૂત તેને સરળતાથી કરી શકે.
પિયુષ મુજબ બાયો-ડાઈજેસ્ટરની કિંમત લગભગ 40,000 રૂપિયા છે. તેનો ખર્ચ માત્ર દોઢ મહિનામાં વસૂલ થઈ જાય છે અને આગામી 10-15 વર્ષ સુધી તેનો નિઃશુલ્ક લાભ લઈ શકાય છે.
મોટા પાયે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે
પિયુષ કહે છે કે, આ પ્લાન્ટ દ્વારા દેશના લગભગ 5000 પરિવારો સુધી સીધો લાભ પહોંચ્યો છે અને તેનાથી પર્યાવરણમાં ઝેરીલા ગેસ ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ગત બે વર્ષમાં સિસ્ટેમા બાયો ગ્રામીણ ક્ષેત્રોમાં 25000 લોકો સુધી ક્લીન કુકિંગ ગેસ પુરો પાડી ચૂકી છે.
પિયુષ કહે છે, આ પહેલા 60000 ટન કાર્બન ડાયોક્સાઈડને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. અંદાજે 5 લાખ ટન વેસ્ટની પ્રોસેસ કરવામાં આવી ચૂકી છે. આ રીતે 72 લાખ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થયું છે અને 6 લાખ વૃક્ષોની રક્ષા થઈ છે. આ સિવાય આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન બાયો ફર્ટિલાઈઝરમાંથી 23450 હેક્ટર ખેતીને લાભ મળ્યો છે.

સિસ્ટેમા બાયો કંપની કેન્યા, મેક્સિકો અને કોલંબિયામાં પણ સંચાલિત છે
તેને લઈ પિયુષ કહે છે કે, ગત એક દાયકાથી બીજા દેશોમાં સંચાલન દરમિયાન અમારા પ્રયાસોથી લગભગ 30 લાખ વૃક્ષોની રક્ષા થઈ છે. લાકડી અને જીવાશ્મ ઈંધણના ઉપયોગને ઓછો કરવાને કારણે લગભગ બે લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી છે.
કંપની દ્વારા આ ગણતરી જલવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક(UNFCC) દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર કરવામાં આવી છે.
પિયુષ કહે છે, અમે બાયો-ડાયજેસ્ટર સિસ્ટમને સ્થાપિત કરતા પહેલા ઘરમાં ગેસ સિલિન્ડર કે જ્વલનશીલના ઉપયોગના સંબંધમાં આંકડા મેળવ્યા અને બાયોગેસનું ઉત્પાદન પ્રતિ ઘન મીટર કર્યું અને આ ગણિત સાથે જ આગળ વધ્યા.
પિયુષનું અનુમાન છે કે, વર્ષ 2040 સુધી બાયોગેસના ઉપયોગમાં 40 ટકાનો વધારો થશે. આ કારણે ઉર્જાની વધી રહેલી માંગની સાથે પશુઓની સંખ્યામાં વૃદ્ધી, પાક ઉત્પાદન અને સમાનરૂપથી અપશિષ્ટોનું ઉત્પાદન છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે બાયોગેસની આ રીતોને વ્યવહારમાં લાવવી અસરકારક સાબિત થઈ શકે છે.
ભારતમાં દરરોજ 550 મિલિયન પશુ 50 લાખ ટન છાણનું ઉત્પાદન કરે છે અને કંપનીનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં 50000 પરિવાર સુધી પહોંચવાનું છે.
મૂળ લેખ: Kumar Devanshu Dev (https://hindi.thebetterindia.com/51782/pune-startup-sistema-bio-helps-5000-families-give-up-lpg-and-saves-6-million-trees-by-their-innovative-bio-digester/)
આ પણ વાંચો: મોતી બનાવે લાખોપતિ, શિક્ષિત યુવાઓને કરે છે ખેતી કરવા અપીલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.