જે લોકો ગાર્ડનિંગના શોખીન હોય છે તેઓ મોટાભાગે પોતાના ઘરની જગ્યા પ્રમાણે નાના -મોટા બગીચા બનાવે છે. કેટલાક તેમના ઘરના બગીચાને ફૂલો અને ફળોના છોડથી શણગારે છે, જ્યારે કેટલાક કિચન ગાર્ડન તૈયાર કરે છે. બાગકામ એ એક શોખ છે જે તમને પ્રકૃતિની નજીક લાવે છે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિ સાથે પરિચય કરાવી રહ્યા છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરને હરિયાળીથી ભરવામાં વ્યસ્ત છે.
હરિયાણાના ફરીદાબાદના રહેતા 30 વર્ષીય અમિત ધીમાન મિકેનિકલ એન્જિનિયર છે અને આઠ વર્ષથી બાગકામ કરી રહ્યા છે. તેમણે ધ બેટર ઇન્ડિયાને કહ્યું, “મને બાળપણથી જ વૃક્ષો વાવવાનો શોખ છે. મને આ શોખ મારી માતા પાસેથી મળ્યો છે. મને યાદ છે કે મારા બાળપણમાં લોકો મમ્મીને ફૂલોવાળા આન્ટી કહેતા હતા કારણ કે તે વિવિધ પ્રકારના ફૂલો રોપતી હતી. પરંતુ હું મારા બગીચામાં ફૂલોની સાથે ફળો અને લીલા શાકભાજી ઉગાડું છું.”

સેંકડો ઝાડ-છોડ વાવ્યા
અમિત કહે છે, “આશરે આઠ વર્ષ પહેલા, છોડ વેચતો એક ભાઈ મારા વિસ્તારમાં આવ્યો. મેં તેની પાસેથી પહેલીવાર પ્લાન્ટ ખરીદ્યો. આ બધા છોડ ખૂબ સુંદર હતા. પરંતુ ત્યારે મને ખબર નહોતી કે આ બધા ઇન્ડોર પ્લાન્ટ્સ છે. મેં તેમને તડકામાં મૂક્યા અને બધા છોડ ખરાબ થઈ ગયા. તે પછી, મેં છોડની જાતો અને તેની જાળવણી વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. મેં શરૂઆતમાં બજારમાંથી 10 કુંડા ખરીદ્યા હતા. તે પછી કુંડાઓની સંખ્યા વધવા લાગી.”
તેના બગીચામાં પીપળો, વટાણા, રામબાંસ, ફાઈકસ પાંડા, મિલ્કબુશ, લીમડો, ફાકસ બેન્જામિન, જેડ પ્લાન્ટ, મહેંદી, પીલખન, સાંગ ઓફ ઇન્ડિયા, હિબિસ્કસ જેવા છોડ સિવાય આમળા, લીંબુ, દાડમ, ચાઇનીઝ ઓરેન્જ, કારોંદા, જાંબુ, શેતૂર, ચીકુ, અંજીર, એપલબેરી, મોસંબી, રાસબેરી, આમલી જેવા ફળોના વૃક્ષો પણ છે. આ સિવાય તે કેટલાક ઔષધીય છોડ જેમ કે અજમો, મીઠો લીમડો, મરચાં, ઇન્સ્યુલિન, ફુદીનો, સ્ટોનક્રોપ અને એલોવેરા પણ ઉગાડે છે.
તેના સદાબહાર ફૂલોના સંગ્રહમાં હિબિસ્કસ, બોનાકનર, મોતીયા, મોગરા, જુહી, મધુકામિની, મધુમાલતી, પીળી કરેણ, લાલકરેણ, રાતરાણી, બોગેનવિલીયા (લાલ, પીળો, નારંગી, સફેદ) અને મોસમી ફૂલોમાં કોચિયા, ઝેનિયા, ગલગોટા, પેટોનિયાનો સમાવેશ થાય છે. તેઓએ લગભગ 100 લિટરના 16 ડ્રમમાં ફળોના છોડ રોપ્યા છે, જેથી તેમને ઉગવા માટે પૂરતી જગ્યા અને પોષણ મળે.

અમિતે એક નાનું કિચન ગાર્ડન પણ તૈયાર કર્યુ છે, જેમાં રીંગણ, કેપ્સિકમ, ગાજર, ધાણા, પાલક, મૂળા, સલગમ, બીટરૂટના છોડ છે. તેમણે શાકભાજી ઉગાડવા માટે 100 લિટરની જૂની ટાંકીનો પ્લાન્ટર તરીકે ઉપયોગ કર્યો છે. તેણે ટાંકીને બે ભાગમાં વહેંચીને એક પ્લાન્ટર તૈયાર કર્યુ છે, જેમાં તે વિવિધ પ્રકારના શાકભાજી ઉગાડે છે.
અમિત કહે છે કે બાગકામમાં સૌથી મહત્વની વસ્તુ ધીરજ છે. તેમણે કહ્યું,“છોડની સૂકાઈ જવાની અને મરવાની પ્રક્રિયા બાગકામમાં ચાલતી રહે છે કારણ કે તે પ્રકૃતિ છે જે કોઈના નિયંત્રણમાં નથી. પરંતુ તે ફક્ત મારો અનુભવ વધારે છે, જે હું યુટ્યુબ દ્વારા અન્ય લોકો સાથે પણ શેર કરું છું. સૌથી અલગ વાત એ છે કે મને તમામ પ્રકારના વૃક્ષો વાવવા ગમે છે. હું મારા ઘરમાં પર્ણસમૂહથી લઈને ફળો અને શાકભાજી સુધી તમામ પ્રકારના છોડ રોપવા માંગુ છું.”
આ પણ વાંચો: ન માટી, ન ભારે કુંડા, જાણો કેવી રીતે આ ભાઈ Potting Mix થી ધાબામાં 30 થી વધુ શાકભાજી ઉગાડે છે
ઓછી માટી અને વધુ ખાતર છે સફળતાનો નુસ્ખો
અમિત કહે છે કે લોકો બાગકામ કરતી વખતે ઘણી વખત તેમની પહેલી નિષ્ફળતાથી હાર માની લે છે. તેમને લાગવા માંડે છે કે તેઓ છોડ લગાવી શકતા નથી અથવા માળી પર સંપૂર્ણપણે નિર્ભર બની જાય છે. અમિત આવા લોકોને તેમના વિસ્તારના સ્થાનિક છોડ સાથે બાગકામ શરૂ કરવાની સલાહ આપે છે. આ ઉપરાંત, તમે રસ્તાની બાજુમાં અથવા તમારા શહેરમાં જાહેર સ્થળોએ જે વૃક્ષો અને છોડ જુઓ છો તે રોપી શકો છો. હંમેશા નાના છોડ સાથે શરૂઆત કરો

તેઓ આગળ કહે છે કે છોડ માટે માટી તૈયાર કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તે કડક ન હોવી જોઈએ. જેથી કુંડામાં પાણી સ્થિર ન રહે અને ભેજ લાંબા સમય સુધી રહે.“હું હંમેશા 20% સામાન્ય માટીમાં 80% ગાયનું છાણ અથવા અન્ય જૈવિક ખાતર મિક્સ કરું છું, જેમ કે અળસિયાંનું ખાતર, હોમ કમ્પોસ્ટ અથવા નીમખળી વગેરે. આ પોટિંગ મિક્સમાં, પાણી સ્થિર રહેતું નથી અને છોડને સંપૂર્ણ પોષણ મળતું નથી. હું ઘરે વેસ્ટ ડીકમ્પોઝર, પંચગવ્ય, જીવામૃત જેવા ઓર્ગેનિક પ્રવાહી પણ તૈયાર કરું છું જેથી મારો બગીચો હંમેશા હરિયાળો રહે અને તેમાં કોઈ રસાયણો ઉમેરવાની જરૂર ન પડે.” તેણે કહ્યુ.
આ પણ વાંચો: બાળપણની હરિયાળીની યાદ સતાવતાં સુમિતાએ માત્ર 8 ફૂટની બાલ્કનીમાં વાવ્યા 300+ છોડ
છેલ્લા એક વર્ષથી અમિત પોતાની ગાર્ડનિંગ યુટ્યુબ ચેનલ ‘Green Terrace‘ પણ ચલાવે છે. તે કહે છે કે તે પોતાના જ્ઞાન અને બાગકામના જ્ઞાનને વધુમાં વધુ લોકો સાથે વહેંચવા માંગે છે જેથી વધુ લોકોને મદદ મળી શકે. “હું બાગાયતના ક્ષેત્રમાં આગળ વધવા માંગુ છું અને તેને વ્યાવસાયિક સ્તરે લઇ જવા માંગુ છું. ઘણા લોકોને તેમના ઘરના બગીચા માટે છોડ, ખાતર અને સલાહની જરૂર હોય છે. કારણ કે તેમની પાસે વધારે સમય નથી. હું આવા લોકો માટે બાગકામ સરળ બનાવવા માંગુ છું.”અંતમાં તેણે કહ્યુ.
જો તમને આ કહાનીમાંથી પ્રેરણા મળી છે અને તમે અમિતનો સંપર્ક કરવા માંગો છો તો તમે તેનાં ફેસબુક પેજ સાથે જોડાઈ શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 1. છોડમાં હોય ઈયળ કે જીવાતની સમસ્યા તો કરો આ કુદરતી ઉપાય, ઉકેલ છે તમારા રસોડામાં જ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.