આજે આપણે વાત કરી રહ્યા છીએ સુરતના 88 વર્ષના દાદા, પદ્માકર ફારસોલેની કે જેઓ જ્યારથી સમજતા થયા છે ત્યારથી પ્રકૃતિ સાથે સંકળાયેલા છે અને જિંદગીમાં વિવિધ પડાવ પરની વિવિધ જવાબદારીઓ હોવા છતાં ગાર્ડનિંગની પ્રવૃત્તિને ક્યારેય છોડી નથી. આજે તેમનું ઘર બહારથી જુઓ તો તમને ઘર ઓછું અને જંગલ વધારે લાગે. પરિવારના સભ્યોને તો રોજ તાજાં-તાજાં ફળ-શાકભાજી મળે જ છે, સાથે-સાથે અડોસી-પડોશીઓને પણ ઘરેબેઠાં તાજાં અને જૈવિક ફળ-શાકભાજી મળી રહે છે. તો ઘર તો આખો દિવસ પક્ષીઓના મધુર કલરવથી ગુંજતું જ રહે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા દાદા ગાર્ડનિંગના પોતાના અનુભવોને સવિસ્તાર જણાવે છે. તો ચાલો તેમના અનુભવોના ભથ્થાનો આજે આપણે આનંદ લઈએ.

શિક્ષણની શરૂઆત વર્ધા ગાંધી આશ્રમ ખાતેથી
ફારસોલે દાદા જણાવે છે કે,”તેમના ભાઈ સ્વતંત્રસેનાની હતા અને વર્ધા આશ્રમ સાથે સંકળાયેલા હતા જેથી તેઓ પણ આશ્રમમાં જ ભણી મોટા થયા. આશ્રમમાં ભણતર દરમિયાન વિવિધ પ્રવૃતિઓ થતી જેમાં ખેતી કામ, બાગકામ, અને રૂ કાંતવાની પ્રવૃતિઓ મુખ્ય હતી. આમ હું ત્યારથી જ કુદરત સાથેના સંસર્ગમાં અનાયાસે જોડાયો અને આગળ જતા તે મારા દૈનિક જીવનનું કામ થઇ ગયું.”
સુરતમાં આગમન અને બાગકામની શરૂઆત
ત્યારબાદ તેઓ ગુજરાતવિદ્યાપીઠમાં ભણી સુરતમાં શિક્ષકની નોકરીમાં જોડાયા અને ત્યાં પણ તેમને જ્યાં પણ રહ્યા એ પછી ભાડાનું મકાન હોય કે પોતાનું પણ બાગકામ નિયમત ચાલુ રાખ્યું જે આજે પણ છે.
રાસાયણિકથી જૈવિક તરફ પ્રયાણ
તેઓ જણાવે છે કે,” શરૂઆતમાં હું ફક્ત ફૂલ, છોડ અને કેક્ટસ જ ઉગાડાતો પરંતુ આગળ જતા શાકભાજી, ફળ, ઔષધીય વનસ્પતિ, બોન્સાઇ પણ ઉછેરતો થયો.
આગળ તેઓ કહે છે, “શરૂમાં ક્યારેક જીવાત તથા રોગના નિયંત્રણ માટે રાસાયણિક દવાઓનો છંટકાવ કરતો પણ મહારાષ્ટ્રના જૈવિક ખેતી માટે જાગૃતિ લાવનાર દાભોલકરના એક સેમિનારમાં ભાગ લીધા પછી મેં હંમેશ માટે રસાયણોનો ત્યાગ કરી બાગકામ માટે જૈવિક પદ્ધતિઓને અપનાવી જે હજી પણ ચાલુ જ છે.”

બીજની પસંદગીથી લઈને કાપણી સુધીની માહિતી
પદ્માકર દાદા કહે છે કે,” હું તો વર્ષોથી આ કાર્ય સાથે જોડાયેલો છું તો શાકભાજી માટે ઘરે જાતે જ કોઈક સારી એવી શાકભાજીને સંઘરી તેમાંથી બીજ કાઢી સુકવી તેને વાવણી લાયક તૈયાર કરું છું.”
“બીજને વાવવા માટે જમીન પર તો સીધા જ રોપું છું પણ અગાશી પર સિમેન્ટની થેલી, ગ્રો બેગ, કુંડા કે બેકાર પડેલા પ્લાસ્ટિકના ડબ્બાઓનો ઉપયોગ કરું છું. ત્યારબાદ તેમાં પોટિંગ મિક્સ માટે માટી તથા મારી જાતે જ ઘરે બનાવેલ પાંદડા તથા બકરીની લિંડીના ખાતરનો ઉપયોગ કરું કરું છું.”
“ત્યારબાદ જરૂર પ્રમાણે જે તે છોડવાઓની જરુયરિયાત પ્રમાણેની કાળજી રાખી સંવર્ધન કરું છું.”
સાથે -સાથે તેઓ જણાવે છે કે છત પેપર 50 જેટલી બેગમાં છોડવાઓની રોપણી કરેલી છે જેને કોઈ પણ સ્ટેન્ડ વગર સીધી જ મુકેલી છે કારણ કે છતમાં તેમણે વોટરપ્રૂફિંગ કરાવેલું છે.

4 થી 5 મહિના લાગે છે ખાતર બનતા
તેઓ જણાવે છે કે, વર્ષમાં તેઓ લગભગ 2 ટન જેટલું ખાતર બનાવે છે પોતાના બગીચા માટે. આ માટે તેઓ પોતાના બગીચા તથા સોસાયટીમાં જમા થતા પાંદડાઓને ભેગા કરી એક ખાડામાં બકરીની લીંડીઓ સાથે થર પર થર પ્રમાણે ગોઠવે છે અને તેમાં પાણીનો છંટકાવ કરે છે. ત્યારબાદ ખાડાની ઉપર એકાદ ફૂટ ઊંચે સુધી લાવીને તેને પતરાથી ઢાંકી તેમાં જરૂરિયાત પ્રમાણે નિયમત પાણી આપતા રહે છે. આમ તેને સડતા અને વ્યવસ્થિત ખાતર બનતા 4-5 મહિનાનો સમયગાળો થાય છે. જેનો ઉપયોગ બગીચામાં ઉગતા વિવિધ છોડ તેમજ ઝાડ માટે કરવામાં આવે છે.
જીવાત તથા રોગનું નિયંત્રણ
તેઓ કહે છે કે “મોટાભાગે એટલા વર્ષોમાં એટલી બધી જીવાત કે રોગ મારા બગીચામાં જોવા નથી મળ્યા પણ જો જોવા મળે તો મુખ્યત્વે નીમ ઓઇલનો ઉપયોગ કરું છું. આ સિવાય તો બીજું કંઈ ખાસ ઉપયોગમાં નથી લેતો પણ હા. પહેલાથી તેટલી તકેદારી તો જરૂર રાખું જ છું કે પાકમાં રોગ કે જીવાતનો ઉપદ્રવ ના વધે.”
લગભગ દરેક પ્રકારના છોડ ઝાડનું વાવેતર
ફારસોલે દાદા જણાવે છે કે તેમના પ્લોટ તથા અગાશી પરના બગીચામાં વિવિધ પ્રકારના છોડ ઝાડનું વાવેતર તેઓ કરે છે. જેમાં શાકભાજી તથા કઠોળમાં રીંગણ, ચોળી, ગવાર, ભીંડા, પાપડી, કેપ્સિકમ, લીલા મરચાં, દૂધી વગેરે. ફળમાં ફિગ, સીતાફળ, પપૈયા, કેળા, દાડમ, સેતુર, નારિયેળ, અંજીર, તડબૂચ, સક્કરટેટી, અનાનસ વગેરે. ઔષધીય વનસ્પતિમાં અરડૂસી, શતાવરી, પીપર, કુંવારપાંઠુ વગેરે અને સુશોભન માટેના ફૂલ તથા વિવિધ બોંસાઈ જેવાકે, વડ, પીપળો, આંબલી, એડેનિયમ વગેરેનો ઉછેર કરે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, તેમના આ ગાર્ડનમાં ઉગતાં ફળ-શાકભાજી-કઠોળમાંથી તેમના ઘર માટે તો બધુ મળી જ રહે છે, પરંતુ કેટલીકવાર આ ઉત્પાદન એટલું વધારે હોય છે કે, તેઓ સોસાયટીમાં ઘરે-ઘરે જઈને બધાંને આ ફળ-શાકભાજી આપે છે અને તે લોકોને પણ આ બહુ ભાવે છે.

બાગમાં પ્રકૃતિ છે ફૂલીફાલી
દાદા જણાવે છે કે અત્યારે બાગમાં 12 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ રહે છે જેમાં બુલબુલ, કાબર, કબૂતર, હોલા, કોયલ, પોપટ છે. તથા ખિસકોલીઓ પણ ઘણી રહે છે, સાથે સાથે અમુક જીવ જંતુ તથા પક્ષીઓની આવજાવ તો હોય જ છે. અત્યારે બગીચાના કારણે આસપાસનું વાતાવરણ પણ એકદમ આહલાદક છે.
ગાર્ડનિંગ દ્વારા થાય છે ઘણા લાભ
તેઓ જણાવે છે, “ગાર્ડનિંગ દ્વારા વિવિધ પ્રકારના લાભ થાય છે, જેમાં આજકાલના રાસાયણિક યુગમાં આપણને ઘરે ઉગેલ જૈવિક ફળ-શાકભાજી મળી રહે છે. જે આપણી નજર સામે જ ઉગેલ હોવાથી આપણે તેને સંતોષ સાથે ખાઈ શકીએ છીએ. આ ઉપરાંત ગાર્ડનિંગ એક પ્રકારના મેડિટેશનનું કામ કરે છે. આ બધા ઝાડ-છોડ સુધી સમય પસાર કરવાથી ક્યારેય એકલતા સાલતી નથી. લૉકડાઉન જેવા કપરા સમયમાં પણ મને ક્યારેય ઘરમાં કંટાળો નથી આવ્યો, કારણકે જ્યારે બધાં પોતપોતાના ઘરમાં પૂરાયેલા હતા ત્યારે મારી સાથે આ બધાં લહેરાતાં છોડ ઝાડ અને કલરવ કરતાં પક્ષીઓ હતાં. એટલે જેમને પણ પ્રકૃતિની નજીક રહેવું ગમતું હોય, તેમણે જેટલો પણ સમય મળે, જેટલી પણ જગ્યા હોય તેનો ચોક્કસથી સદઉપયોગ કરવો જ જોઈએ.”

ઘરમાં બધાંને તાજાં અને જૈવિક શાકભાજી મળી રહેતાં બધાંનું સ્વાસ્થ્ય સારું રહે છે, તો ઘરમાં જ હરિયાળી હોવાથી શુદ્ધ ખોરાકની સાથે-સાથે શુદ્ધ હવા પણ મળે છે. વૃદ્ધાવસ્થામાં પણ તેમને આ બધાં કાર્યોમાં વ્યસ્ત રહેવાથી, શરીરને પણ કસરત મળી રહે છે અને મનમાં નકારાત્મક વિચારો આવતા જ નથી.
હાલ ઉંમર વધવાને કારણે પદ્માકર દાદા ગાર્ડનિંગમાં જરૂરી કોઈ ભારે કામ માળીઓની મદદથી કરાવે છે બાકી બીજું બધું હજી પણ તેઓ પોતે જાતે જ સાંભળે છે.

જો તમે તેમના ગાર્ડનિંગ વિશેના અનુભવોનો લાભ લેવા ઇચ્છતા હોવ તો 9377750416 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સુરતની આ સરકારી શાળા બની આત્મનિર્ભર, પાણી, વિજળી અને શાકભાજી બધુ છે મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.