Search Icon
Nav Arrow
Part Time Farming
Part Time Farming

ઉત્તર પ્રદેશના શિક્ષકે શરૂ કરી પાર્ટ ટાઇમ ખેતી, વાર્ષિક ટર્નઓવર પહોંચ્યુ 1 કરોડ રૂપિયા

પરંપરાગત ખેતીની જગ્યાએ ફળ અને શાકભાજીની શરૂ કરી ખેતી, કમાણી જોઈને 350 ખેડૂતો ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવા જોડાયા

છેલ્લાં એક દાયકાથી વધારે સમયથી ઉત્તર પ્રદેશની એક સ્કૂલમાં બાળકોને ભણાવી રહેલાં અમરેન્દ્રસિંહે જ્યારે ખેતી કરવાની ઈચ્છા થઈ તો તેમણે સૌથી પહેલાં ખેતીની યુક્તિઓ શીખી અને પછી પારિવારિક ખેતીની જગ્યાએ ફળ અને શાકભાજીની ખેતીનાં ક્ષેત્રમાં પગલાં રાખ્યા હતા. આજે તેઓ ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. સાથે શાળામાં નોકરી પણ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના દૌલતપુર ગામની સરકારી શાળામાં શિક્ષક અમરેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે, “શાળામાં મારો વાર્ષિક પગાર 1.20 લાખ રૂપિયા છે, પરંતુ હું દર વર્ષે ખેતી કરીને 30 લાખ રૂપિયા કમાઈ રહ્યો છું.”

લખનૌથી એક કલાકનાં અંતરે રહેતા આ ખેડૂતે ન માત્ર ખેતીની કુશળતા જ નિપુણ બનાવી છે, પરંતુ તે અન્ય લોકોને ખેતીની યુક્તિઓ પણ શીખવી રહ્યા છે.

અમરેન્દ્ર કહે છે, “હું શાળામાં એક શિક્ષક છું. મારા પરિવાર સાથે લખનૌમાં રહેતો હતો. 2014માં શાળાની રજા દરમિયાન, મેં મારા કુટુંબની 30 એકર જમીનમાં ખેતીમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું.”

Amarandra Pratap Singh In Farm
Amarandra Pratap Singh In Farm

ખેતીની શરૂઆત

કેટલાક યુટ્યુબ વીડિયો અને ઓનલાઇન ટ્યુટોરિયલથી ખેતીની રીતો શીખ્યા પછી, અમરેન્દ્રએ એક એકર જમીનમાં કેળા ઉગાડવાનું નક્કી કર્યું.

“અમારા ક્ષેત્રમાં ખેતીના કાર્યમાં ઘણી સમસ્યાઓ આવે છે. સામાન્ય રીતે ખેડુતો શેરડી, અનાજ અને ઘઉં ઉગાડે છે. પરંતુ આ ત્રણ પાકથી વધારે કમાણી થતી નથી. શેરડીમાંથી પૈસા કમાવવા માટે અમારે લગભગ બે વર્ષ રાહ જોવી પડે છે. અન્ય પાકની લાંબી રાહ જોયા પછી માત્ર એકવાર કમાણી થઈ શકે છે અને ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો ખૂબ મુશ્કેલ હતો. તેથી મેં કેળા ઉગાડવાનો વિચાર કર્યો,” અમરેન્દ્ર કહે છે.

અમરેન્દ્રએ ઘણા પાકની ખેતી કરવા માટે પોતાનો હાથ અજમાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, “મેં એક એકર જમીન ઉપર કેળા ઉગાડવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે મને સફળતા મળવા લાગી. ગયા વર્ષે મને ખબર પડી કે, કેળા સાથે હળદર, આદુ અને ફુલાવરને અદલ-બદલ કરીને વાવવાથી સારી ઉપજ થાય છે. આદુંથી તો બહુજ મદદ ન મળી પરંતુ હળદરનું ઉત્પાદન ખૂબ સારું થયુ હતું. હળદરથી થયેલી કમાણીમાંથી કેળાની ખેતીમાં રોકાણ કરેલાં પૈસા નીકળી ગયા. કેળા વેચીને જે પૈસાની કમાણી થઈ હતી તે પુરેપુરો નફો હતો.”

Organic Farming

ખોટથી નફા સુધીની સફર

ખેતીના કામમાં સફળતા મેળ્યા બાદ અમરેન્દ્ર દોલતપુર આવી ગયા હતા. અમરેન્દ્ર કહે છે, “બાદમાં મેં તડબૂચ, ટેટી અને બટાકાની ખેતી શરૂ કરી. ખેતીની સારી પદ્ધતિઓ શીખવા માટે, હું ઘણાં લોકોનાં ખેતરોમાં ગયો, ઘણા યુટ્યુબ વિડિઓઝ જોયા અને પછી સ્ટ્રોબેરી, કેપ્સિકમ અને મશરૂમ્સ ઉગાડ્યા.”

પહેલા પાકથી તેમને ઘણું નુકસાન થયુ હતુ, પરંતુ બાદમાં અમરેન્દ્રએ નુકસાનને નફામાં બદલી નાંખ્યુ હતુ. તેઓ કહે છે, “વર્ષોથી, મેં ખેતીની કંઈક એવી યોજના બનાવી છે કે, એક પાકમાંથી નીકળેલો કચરો અથવા અવશેષોનો ઉપયોગ બીજા પાક માટે માટીને પોષક તત્વોથી ભરપુર અને ઉપજાઉ બનાવવા માટે કરું છું. આ રીતે, ખેતરમાંથી નીકળતો કચરો ક્યારેય પણ ખેતરની બહાર જતો નથી.”

અમરેન્દ્ર તેના ખેતરોમાંથી મહત્તમ ઉપજ પ્રાપ્ત કરવા માટે ઈંટરક્રોપિંગ ટેક્નિકનો ઉપયોગ કરે છે.

આ વર્ષોમાં, આ પ્રગતિશીલ ખેડૂતે 60 એકર જમીનમાં ખેતી વધારી દીધી છે, જેમાંથી 30 એકર તેમની પોતાની જ જમીન છે, 20 એકર જમીન લીઝ પર છે અને તેમણે તાજેતરમાં 10 એકર જમીન ખરીદી છે. આ ખેતરોમાં તે ધાણા, લસણ અને મકાઈની ખેતી કરે છે.

અમરેન્દ્રએ કહ્યું, “તેઓ શાકભાજી અને ફળો ઉગાડવા માટે 30 એકર જમીનનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીનો અડધી જમીનનો ઉપયોગ શેરડી, ઘઉં અને અનાજ ઉગાડવા માટે કરાય છે. કુલ જમીનમાંથી તે વર્ષે 1 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે અને દર વર્ષે 30 લાખ રૂપિયાનો નફો કમાય છે.”

સમયની સાથે તેઓ ફ્લડ ઈરિગેશનની જગ્યાએ ડ્રિપ સિંચાઇ અને સ્પ્રિંકલરથી પાકોનું સિંચન કરવા લાગ્યા. મલ્ચિંગ ટેક્નિક જમીનના ભેજને જાળવવામાં મદદ કરે છે. અમરેન્દ્ર કહે છે કે, ખેતીની માંગ મુજબ તેઓ ઘણીવાર તેમની સ્કૂલમાંથી પગાર લીધા વિના રજા લે છે.

“ઘણા લોકો અને સહકર્મીઓએ કહ્યું કે ખેતીનો નિર્ણય મારા માટે ખરાબ સાબિત થઈ શકે છે. મારા સંબંધીઓએ કહ્યું હતું કે, લોકો ખેતી છોડીને નોકરીથી વધુ સારી આવકની શોધ કરે છે અને તમે વિપરિત રસ્તા પર જઇ રહ્યા છો, પરંતુ હું મારું કામ કરતો રહ્યો” અમરેન્દ્ર હસતાં હસતાં કહે છે.

Organic Farming

ખેતીમાં સફળતા મેળવવા માટે અન્યોની મદદ કરવી

અમરેન્દ્રની સફળતા જોઈને, પોતાની પરંપરાગત ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવા માટે 350 ખેડૂતો તેમની સાથે જોડાયા છે. તેમના બાળપણના મિત્ર અને ખેડૂત નરેન્દ્ર શુક્લા એવા જ એક ખેડૂત છે જેમણે અમરેન્દ્ર પાસેથી ખેતીની યુક્તિઓ શીખી છે.

“અમરેન્દ્ર અને હું એકસાથે ભણ્યા. તેમની સફળતા જોઈને મને પણ અલગ રીતે ખેતી કરવા પ્રેરણા મળી. મે 2015માં એક એકર જમીન પર કેળા ઉગાડવાનું નક્કી કર્યું અને બધી ટેક્નિકો શીખી.”

અમરેન્દ્ર કહે છે કે તેમણે વધુ પૈસા કમાવવા માટે શાકભાજી પણ ઉગાડી હતી.

“આ પદ્ધતિ ખૂબ અસરકારક છે કારણ કે તેનું ઉત્પાદન દર 60 દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે. તેનાંથી એક સ્થિર આવક થઈ જાય છે અને કોઈ અન્ય પાકની ખેતીમાં આ નાણાં રોકીને નફો કમાઈ શકાય છે,”તે કહે છે.

અમરેન્દ્ર કહે છે કે, જો ખેડૂતને પાકનો યોગ્ય ભાવ ન મળે તો ઘણું નુકસાન ઉઠાવવું પડે છે.

Fruit Farming

તેના વિશે, તેઓ સમજાવે છે,”મને વિશ્વાસ હતોકે વધારે નફો મેળવવા માટે વધારે જોખમ ઉઠાવવું પડશે.પાકને બજારમાં લાવવો હજી ખૂબ થકાવી દેવાવાળું કામ છે. લખનૌમાં માર્કેટ 70 કિ.મી. દૂર છે, અને દરેક વખતે આટલું અંતર કાપવા માટે પેટ્રોલ પર 200 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સમસ્યા દરેક ખેડૂત સાથે છે. હું આ બજારોમાં વચેટિયાઓને ઘટાડવા માંગુ છું અને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા માંગુ છું. અમે આ દિશામાં કામ કરવાનું વિચારી રહ્યા છીએ.

શિક્ષકમાંથી ખેડૂત બનેલાં અમરેન્દ્રનું કહેવું છે કે, તેમણે હજી પણ શિક્ષકની નોકરી છોડવાનો નિર્ણય લીધો નથી.

“બેશક હું તેના પર વિચાર કરી રહ્યો છું. મેં ફૂડ પ્રોસેસિંગ અને ફળોનો રસ બનાવવા માટેનું લાઇસન્સ મેળવ્યું છે. એકવાર તેને શરૂ કર્યા પછી હું આરામથી શિક્ષકની નોકરી છોડવા વિશે વિચાર કરી શકું છું.”

શિક્ષણની દુનિયામાંથી ખેતીમાં પ્રવેશ કરી રહેલાં અમરેન્દ્રના જુસ્સાને ધ બેટર ઇન્ડિયા સલામ કરે છે.

મૂળ લેખ: HIMANSHU NITNAWARE

આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon