Search Icon
Nav Arrow
Help to needy
Help to needy

“જરૂરિયાતમંદોને પૈસાની જગ્યાએ ભોજન આપવું વધારે યોગ્ય…” મળો કોચ્ચીના આ પ્રેરક ચાવાળાને!

“જો આપણે પૈસા આપીએ તો, બની શકે કે તેઓ કઈંક સારું કામ કરવાની જગ્યાએ, તેનો ઉપયોગ દારૂ ખરીદવામાં પણ કરી શકે છે. એટલે, હું તેમને મફતમાં ભોજન આપું છું”

કોચ્ચીમાં ચાની દુકાન ચલાવતા ઓ.એ. નજર કહે છે કે, “જરૂરિયાતમંદોને પૈસાની મદદ કરવાની જગ્યાએ, ભોજન આપવું સારો વિકલ્પ છે.”

તેઓ કહે છે, “જો આપણે પૈસા આપીએ તો, બની શકે કે તેઓ કઈંક સારું કામ કરવાની જગ્યાએ, તેનો ઉપયોગ દારૂ ખરીદવામાં પણ કરી શકે છે. એટલે, હું તેમને મફતમાં ભોજન આપું છું.”

પોતાના પિતાના પગલે ચાલતાં, નજર અને તેમના ભાઈ ઓ.એ.શમસુદ્દીન, દરરોજ ઓછામાં ઓછા 10 લોકોને જમાડે છે અને અત્યાર સુધીમાં તેઓ 180 કરતાં પણ વધારે લોકોને જમાડી ચૂક્યા છે.

નજરના પિતા કોચ્ચીમાં કલૂર પાસે અશોક રોડ પર એક નાનકડી સ્ટેશનરીની દુકાન ચલાવતા હતા. તેઓ તેમની કમાણીમાંથી મોટાભાગનો હિસ્સો લોકોની મદદ પાછળ ખર્ચી નાખતા હતા. જેના કારણે તેમને નુકસાન પણ બહુ થતું. અંતે તેમને પોતાની દુકાન બંધ કરવી પડી.

નજર જણાવે છે, “અમે અમારા પિતાને ખોયા, ત્યારબાદ અમે ચાની દુકાન શરૂ કરી. અમારી દુકાન 1984 થી ચાલે છે. લોકોને મફતમાં ભોજન આપવાનું શરૂ કરતાં પહેલાં અમે લોકોને સસ્તામાં ભોજન પૂરું પાડતા હતા, એટલે કે, જો ભોજનની કિંમત 30 રૂપિયા હોય તો અમે લોકો પાસેથી માત્ર 20 રૂપિયા જ લેતા હતા.”

તેઓ કહે છે, “મફતમાં ભોજન આપવાની સેવા અમે થોડાં અઠવાડિયાં પહેલાં જ શરૂ કરી હતી. મારા એક મિત્રએ મને જણાવ્યું કે, કોઈ સ્પોન્સર મને લોકોને મફતમાં ભોજન આપવા માટે પૈસા આપવા ઇચ્છે છે. મને આજ સુધી ખબર નથી કે એ સ્પોન્સર કોણ છે.”

સ્પોન્સરની મદદથી નજર અને તેમના ભાઈ લોકોને મફતમાં ભોજન આપે છે.

આ અંગે 52 વર્ષિય નજર કહે છે, “ભોજન માટે સ્પોન્સર અમને એક અઠવાડિયા પહેલાં જ પૈસા મોકલી દે છે.”

રવિવાર સિવાય દરરોજ નજરની દુકાન સવારે 6 થી બપોરે 3 વાગે સુધી ખુલ્લી રહે છે.

આ બાબતે નજર જણાવે છે, “અજાણ્યા સ્પોન્સર દ્વારા પૈસા આપતાં પહેલાં એક શરત મૂકવામાં આવી હતી કે, લોકો ખાવાની આ વસ્તુઓ ફરીથી વેચે નહીં એ માટે તેમને પેકેટમાં ન આપવું.”

નજર જણાવે છે કે, તેમનામાં પોતાની ચાની દુકાને આવતા જરૂરિયાતમંદ ગ્રાહકોને ઓળખવાની વિશેષ ક્ષમતા છે.

Free food for needy

ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, “મારી દુકાનમાં ઘણા લોકો આવે છે. હું માત્ર તેમની આંખ જોઈને સમજી જઉં છું કે, તેમની પાસે પૈસા છે કે નહીં, એક વાર મને વિશ્વાસ થઈ જાય કે, તેઓ ભોજન માટે પૈસા આપવા સક્ષમ નથી ત્યારે હું તેમને મફતમાં જ ભોજન આપી દઉં છું.”

નજર કહે છે કે, જે કહાની એક સ્પોન્સરથી શરૂ થઈ હતી, તેનું વિસ્તરણ થઈ ગયું છે. કારણકે, હવે તેમની પાસે આવા ઘણા સ્પોન્સર છે. તેમને વિશ્વાસ છે કે, નવા સ્પોન્સર્સની સાથે તેઓ વધુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી સકશે.

લૉકડાઉનના શરૂઆતના દિવસો દરમિયાન, નજરની દુકાન બંધ થઈ ગઈ હતી. તેઓ પહેલાં 35 રૂપિયામાં એક થાળી વેચતા હતા, પરંતુ પોતાની જરૂરિયાતો પૂરી કરવા તેનો ભાવ વધારી 40 રૂપિયા કરવો પડ્યો હતો.

તેઓ જણાવે છે કે, અમારા રોજિંદા ગ્રાહકો ડ્રાઇવર છે, જેમને સારા ભોજન માટે બહુ સંઘર્ષ કરવો પડે છે. અમે તેમને થાળીમાં કરી, ભાત અને નોન વેજ ભોજન પણ પૂરું પાડીએ છીએ.

જોકે, નજરના ભાઈ, શમસુદ્દીન પણ કોરોનાની લપેટમાં આવી ગયા. તેઓ ઠીક થતાં જ, તેઓ તેમની આ દુકાનનું વિસ્તરણ કરશે, જેથી વધુમાં વધુ લોકોને મદદ કરી શકે.

તેઓ જણાવે છે, “આપણે કેમ માત્ર 10 લોકો સુધી મર્યાદિત કેમ રહેવું જોઈએ? અમારાથી જેટલું શક્ય બનશે, અમે વધુમાં વધુ લોકોને મફતમાં ભોજન પૂરું પાડતા રહેશું.”

મૂળ લેખ: SANJANA SANTHOSH

આ પણ વાંચો: વડોદરા: દરરોજ 300 જરૂરિયાદમંદ લોકોનું પેટ ઠારે છે 84 વર્ષના નર્મદાબેન!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon