વર્તમાન સમયમાં જ્યાં શિક્ષણથી લઈને રોજગારી મેળવવા સુધી ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યાં એક હદે સારા એવા પ્રમાણમાં ખર્ચ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર ઘણા યુવાનો નાના પાયાના ધંધાઓ કરવામાં નાનપ અનુભવતા હોય છે અને તે જ કારણે નંદવાઇને ખુબ જ નજીવા પગારમાં જોબ કરવાનું વિચારે છે કે જેમાં તેઓ પોતાનો ખર્ચો પણ માંડ કાઢતા હોય છે ત્યારે આજે ધ બેટર ઇન્ડિયા તમારી સમક્ષ એક એવા નવ યુવાનની વાત લઈને આવ્યું છે કે જે કોઈ પણ જાતની શરમ કે સંકોચ વગર ઇલેકટ્રીક એન્જીનીયર હોવા છતાં વર્તમાન સમયની રોજગારીમાં જોવા મળતા ફુગાવા સામે નજીવા પગારની નોકરી છોડી નવો ચીલો ચાતર્યો છે.
અમદાવાદના રોનક ભરતભાઈ રાજવંશીએ અમદાવાદ ખાતે એન્જીનીયરની ચાના નામે પોતાનો ચાનો વ્યવસાય શરૂ કર્યો છે. આ માટે તેણે ગાડરિયા પ્રવાહથી વિપરીત કંઈ રીતે શરૂઆત કરી તે વિશે ધ બેટર ઇન્ડિયાને સવિસ્તાર જણાવ્યું હતું તો ચાલો તેના આ સાહસની સફર વિશે વિધિવત જાણીએ.

શરૂઆત
ધ બેટર ઈન્ડિયા રોનક કહે છે કે,”મેં 2015 માં એન્જીનીયરીંગ પૂરું કર્યા પછી કંપનીઓમાં એપ્લાય કર્યું પરંતુ કામના ભારણ પ્રમાણે સેલેરી સારી ન મળતી હોવાથી સરકારી ભરતીની પરીક્ષા માટે તૈયારી કરવાનું વિચાર્યું. આ કારણે જ વર્ષ 2015 થી 2018 સુધી ઘેર બેઠા ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જ કરી.
ત્રણ વર્ષની મહેનત બાદ પણ કંઈ મેળ ન પડતા ઘરમાં મદદરૂપ થવા એક દિવસ વિચાર આવ્યો કે હવે બેસી રહેવાથી કંઈ નહિ વળે. આ કારણે જ પપ્પાને વાત કરી કે આપણે એક ધંધો શરુ કરીએ તો? પપ્પા કહે કે શેનો ધંધો? તો મેં કીધું ચા નો અને પછી તેમને તે બાબતે સમજાવ્યા પણ ખરા કે ભારતમાં ચા એ ચા તરીકે પીવાતી નથી પણ એક પ્રેમ અને આવકાર તરીકે પીરસવામાં આવે છે, તે એક પીણાં કરતા પણ વધારે છે અને સાથે સાથે તે એકદમ નજીવી કિંમતના રોકાણમાં શરુ પણ થઇ શકે છે.
એ પછી 2018 થી 2020 સુધી તેણે પપ્પાની સાથે એક ચાની ટપરી શરું કરી. આ બે વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે તે પોતાના પિતાને ચાના ધંધામાં મદદ કરતા રહ્યા. સાથે સાથે નાના ધંધાને કંઈ રીતે ધીરે ધીરે આગળ વધારવો અને બધા લોકો જે ચા વેચે છે તેમાંથી પોતાના ધંધાને કંઈ રીતે અલગ રીતે તારવવો તે વિચાર સાથે રોનક સતત ક્રિયાશીલ પણ રહ્યો જેના પરિણામ સ્વરૂપ એક યુનિક કોન્સેપ્ટે જન્મ લીધો જેનું નામ રોનકે આપ્યું એન્જીનીયરની ચા.
એન્જીનીયરની ચા
13 ડિસેમ્બર 2020 માં રોનકે સુભાસબ્રિજનાં છેડે નારાયણ ઘાટની સામે આ નવા નામ સાથે ફરી પોતાનો ચાનો વ્યવસાય શરૂ કર્યો. એન્જીનીયરની ચા નામ રાખવા પાછળનું કારણ એ કે તે અને તેની બહેન બંને એન્જીનીયર છે. અનાયાસે રોનકે જયારે 13 ડિસેમ્બરના રોજ પોતાના આ વ્યવસાયની શરૂઆત કરી એ જ દિવસે ઇન્ટરનૅશનલ ટી ડે પણ હતો.
તે આગળ કહે છે કે શરૂઆતમાં રોજના 75 કપ વેચાતા હતા જેમાં એક કટિંગ પંદર રૂપિયા લેખે હતી પરંતુ તેની સાથે બે બિસ્કિટ અને પ્રોપર હાયજીન સાથેની પ્લેટમાં ચા પીરસાતી. તે હસતા મોઢે અને નિખાલસ ભાવે જ્ણાવેવ છે કે અમે ફક્ત ચા નથી વેંચતા પણ સાથે પ્રેમ પણ વેચીએ છીએ જેથી ટૂંક સમયમાં જ તેમની ચા ફેમસ થઇ ગઈ અને લોકોનો ધસારો વધવા લાગ્યો.

તકલીફો વચ્ચે પણ વ્યવસાય માટે અડીખમ
તેણે આ નવી શરૂઆતમાં તકલીફ પણ ઘણી પડી કેમકે તે મેઘાણી નગરમાં રહે છે અને ચાનો વ્યવસાય સુભાસબ્રિજ પાસે હતો જેથી રોજે રોજ ગેસ, સગડી અને ચા બનાવવા માટેની સામગ્રી સાથે નાસ્તોને બધું બાઈક કે એક્ટિવ પર લઇ જવું અને લાવવું ખુબ મુશ્કેલી ભર્યું હતું.
રોનક જયારે દસમાં ધોરણમાં હતો ત્યારે જ તેની માતાનું અવસાન થઇ ગયેલું અને એટલે જ એટલી નાની ઉંમરથી જ ઘરના કામકાજની અમુક જવાબદારીઓ તેના માથે આવેલી જેમ કે ઘરની સાફ સફાઈ કરવી, કપડાં ધોવા, રસોઈ બનાવવી, વાસણ માંજવા વગેરે. આમ તો આ બધા કામોમાં તેણે તેની બહેનનો ભરપૂર સાથ મળે છે પણ અત્યારે તેનું ભણતર ના બગાડે તે માટે રોનક સવારે 5 વાગ્યાથી લઈને સવારના જ 11 વાગ્યા સુધી ચાના વ્યવસાયને સાંભળી શકે છે બાકીનો સમગ્ર દિવસ તે ઘર પ્રત્યેની પોતાની બધી જવાબદારીઓને પૂર્ણ કરવા પાછળ વિતાવે છે.
પોતાના ધંધામાં લોકોને આકર્ષવા માટે અને તેઓ ચા ના પીવે તો કંઈ નહિ પણ પોતાની ટપરી પર દરેક ફીલ્ડનો માણસ આવીને શાંતિથી બેસી પણ શકે તે માટે રોનકે રોજના ત્રણ ન્યુઝ પેપર હિન્દી, ઈંગ્લિશ અને ગુજરાતી, બંધાવેલા છે, સાથે સાથે થોડી ઘણી બુક્સ પણ વસાવીને ડિસ્પ્લેમાં રાખી છે, જે તે વ્યક્તિ એમ જ ચા ના પીવા મગતો હોય તો પણ નિઃસંકોચ વાંચી શકે છે. સાથે સાથે નાનકડું એક બોર્ડ પણ રાખ્યું છે જેમાં તે રોજ એક મોટિવેશનલ ક્વોટ લખતો હોય છે જેથી ઘણા બધા લોકો આ બધાથી આકર્ષાઈ તેની પાસે આવતા રહે ભલે તેઓ ચા ના પિતા હોય તો પણ.

ઉચ્ચ અભ્યાસ છતાં પણ ચા વેચવી તે બાબતે શરમ ન અનુભવી
ચાની શરૂઆત કરી કોઈ દિવસ નકારાત્મકતા કે શરમ નથી અનુભવી કારણ કે, મમ્મીના અવસાન વખતે દસમા ધોરણમાં જ હતો એટલે ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે મારું દરેક કામ હવે મારે જાતે જ કરવાનું છે.
શરૂઆતમાં ચા બનાવવાની પહેલ વખતે આસપાસના લોકોમાં એક ફરિયાદ હતી અને તે કારણે તેઓ તેના પિતાને કહેતા રહેતા હતા કે શા કારણે છોકરાને એન્જીનીયર બનાવ્યો છે પરંતુ રોનકને તેનો આ વ્યવસાય પસંદ છે એટલે જ કોઈ દિવસ એ નીચું કામ છે કે એવા બીજા કોઈ જ નકારાત્મક વિચાર તેણે આવતા જ નથી.અને આખરે કામ તો કામ છે એ પછી ગમે ત્યાંથી તેની શરૂઆત થાય એટલે જ તો ટપરી પર ચા બનાવવાથી લઇને વાસણની સાફ સફાઈ બધું જ રોનક જાતે જ સંભાળે છે અને તે માટે કોઈ માણસ પણ તેણે રાખ્યો નથી.
હજી પણ રોજ રોનક સવારે પાંચથી અગિયારના સમય ગાળામાં તમને ચા વેચતો જોવા મળશે પરંતુ તે હવે સુભાસબ્રિજ પાસે નથી ઉભો રહેતો તે હવે મળશે તમને મેઘાણી નગર ખાતે જ. જો તમારે મેઘાણી નગર બાજુ આંટો મારવાનો થાય તો આ 9173775332 નંબર પર બેઝિઝક ફોન કરી પૂછી લેવાનું કે ભાઈ તું ક્યાં ઉભો છે પણ હા જજો પાછા સવારે જ.
છેલ્લે તે એટલું જ કહે છે કે હવે ચાના આ વ્યવસાયને આગળ મીની ફૂડ ટ્રકમાં પરિવર્તિત કરી વ્યવસ્થિત નાસ્તા સાથે જ પોતાની આ ચાને આખા અમદાવાદમાં પીરસવી છે. ધ બેટર ઇન્ડિયા પરિવાર રોનક હજી પણ વધારે સફળ થાય અને પોતાના આ વ્યવસાય દ્વારા ખુબ નામના સાથે સંપત્તિ પણ કમાય અને તે દ્વારા નવયુવાનો માટે આજના નકારાત્મક માહોલમાં એક પ્રેરણાનો સ્ત્રોત બની ઉભરી આવે તેવી હ્રદય પૂર્વક શુભેચ્છા પાઠવે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો