શું તમે જાણો છો કે ઓડિશાના કટક શહેરને ‘સિલ્વર સિટી’ કહેવામાં આવે છે? હકીકતમાં, કટક માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચાંદીના ઘરેણાં માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ શહેરમાં ચાંદીના આભૂષણો સામાન્ય નથી, પરંતુ તેને બનાવવામાં ખાસ કારીગરી કરવામાં આવે છે. ચાંદીનાં તારોમાંથી બહુજ બારીકાઈથી ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે, જેને ‘સિલ્વર ફિલિગ્રી’ કહેવામાં આવે છે.
આ કળાને સ્થાનિક ભાષામાં ‘તારકસી’ કહે છે. જેમ જ્વેલરીમાં મીનાકારી અને કુંદનની ડિઝાઈન હોય છે, તેવી જ રીતે ચાંદીના ઝીણા તારોની સુંદર ડિઝાઈનમાંથી ખૂબ જ સુંદર અને આકર્ષક જ્વેલરી બનાવવામાં આવે છે. આ કળાને ‘તારકસી’ અથવા ‘તારકશી’ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ કળાની શરૂઆત ઓડિશામાં મુઘલ શાસન દરમિયાન થઈ હતી. તેમાંથી માત્ર ઘરેણાં જ નહીં પણ વાસણો અને શણગારની વસ્તુઓ પણ તૈયાર કરવામાં આવે છે.
કેવી રીતે થાય છે ફિલીગ્રી
સૌ પ્રથમ, સામાન્ય ચાંદીની ઇંટો અથવા બિસ્કિટ ખરીદવામાં આવે છે. ત્યારબાદ તેને ઓગાળીને અલગ અલગ ડિઝાઈનના આધારે ચાંદીના તાર બનાવવામાં આવે છે. કારીગરો આ વાયરને વધુ ઝીણા બનાવે છે જેથી તેનો ઉપયોગ ઘરેણાં, વાસણો અથવા અન્ય આર્ટવર્કની ડિઝાઇનમાં કરી શકાય. આ તારોમાંથી ઘરેણાં બનાવવા માટે કારીગરો દ્વારા કેટલાક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંનું મોટા ભાગનું કામ હાથ દ્વારા કરવામાં આવે છે. ખાસ કરીને ચાંદીના તાર વડે જ્વેલરી બનાવવાનું કામ હાથ વડે થાય છે. તારને આકાર આપવા માટે વિવિધ ડાઈઝનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયા ઘણો સમય અને મહેનત લે છે. ક્યારેક બે કે ત્રણ કારીગરો નાની ડિઝાઈન પર કામ કરે છે. જેથી જ્યારે તે વસ્તુ તૈયાર થઈ જાય ત્યારે કોઈ સવાલનો અવકાશ ન રહે. આ કાર્ય માટે આગ અને ગરમીની જરૂર હોય છે. મોટાભાગના કારીગરો તેમની પોતાની નાની વર્કશોપ અથવા દુકાનોમાં કામ કરે છે. તેથી તેમનો પ્રયાસ છે કે શિયાળાની ઋતુમાં ફીલીગ્રી બનાવવાનું કામ મહત્તમ થાય. કારણ કે ઓડિશામાં ઉનાળામાં આ કામ કરવું અશક્ય લાગે છે.
આભૂષણો અથવા કલાકૃતિઓ તૈયાર થયા પછી, તેને સારી રીતે સાફ કરીને ધોવામાં આવે છે અને પછી તેના પર પોલિશ કરવામાં આવે છે. ફિલિગ્રીમાં, તમે કાન, ગળા, હાથ અને પગના ઘરેણાંથી માંડીને વિવિધ પ્રકારના વાસણો અને સજાવટી વસ્તુઓ ખરીદી શકો છો. એક સમય હતો જ્યારે કારીગરો પાસે શ્વાસ લેવાનો પણ સમય ન હતો કારણ કે તેમને ઘણા બધા ઓર્ડર મળતા હતા. પરંતુ આધુનિક સમયમાં આર્ટિફિશિયલ જ્વેલરીની વધતી જતી માંગ અને દરરોજ બદલાતા ટ્રેન્ડને કારણે ઓડિશાનો આ અનોખી તારકસી ક્યાંકને ક્યાંક મર્યાદિત થવા લાગી છે.
નૃત્યથી લઈને લગ્ન સુધી
એવું કહેવાય છે કે ઓડિશી નર્તકોના ઘરેણાં ફિલિગ્રીના બનેલા હોય છે. પ્રાચીન સમયમાં ઓડિયા સંસ્કૃતિ અનુસાર, તારકસી દ્વારા તૈયાર કરાયેલ સિંદૂર દાનનો ઉપયોગ લગ્નમાં ફરજિયાત હતો. તો, ઓડિશામાં કોઈ પણ દુલ્હનનો સાજ-શણગાર તારકસી વિંછિયા અને પાયલ વગર પૂર્ણ થતો નથી. ઉપરાંત, કટકમાં દુર્ગા પૂજા દરમિયાન વિવિધ પંડાલોમાં તારકસી કલાનો ઉપયોગ કરવામાં આવે છે. મા દુર્ગાના આભૂષણો પણ તારકસી દ્વારા બનાવવામાં આવે છે જે ખૂબ જ આકર્ષક હોય છે.

કટકના સેંકડો પરિવારો તારકસીમાંથી જ રોજગાર મેળવે છે. જોકે, સમયની સાથે જ્વેલરીની ડિઝાઈન અને ડિમાન્ડમાં ઘણો બદલાવ આવ્યો છે. આજના યુગમાં જ્યાં નવા પ્રકારની જ્વેલરી તરફ લોકોનું વલણ વધ્યું છે. સાથે જ વિદેશીઓનો ટ્રેન્ડ ભારતીય હસ્તકલા તરફ વધી રહ્યો છે. આજે ઘણા નાના અને મોટા સ્ટાર્ટઅપ્સ અન્ય દેશોમાં સિલ્વર ફિલિગ્રી જ્વેલરી વેચી રહ્યા છે.
Silver Liningsના કો-ફાઉન્ડર નિશા અગ્રવાલ કહે છે કે તેમને માત્ર ભારતીય ગ્રાહકો જ નહીં પરંતુ વિદેશમાંથી પણ સતત ઓર્ડર મળી રહ્યા છે. MBA ગ્રેજ્યુએટ નિશા કહે છે કે તેનો પરિવાર ઘણા વર્ષોથી ફિલિગ્રી વર્ક સાથે જોડાયેલો છે. “જો કે, મેં તેના પર ક્યારેય ધ્યાન આપ્યું નથી. મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઈન્ફોસિસ જેવી કંપનીઓમાં કામ કર્યું. પરંતુ એકવાર હું કટકમાં હતી, ત્યારે એક કારીગરે મને કહ્યું કે તે ઇચ્છે છે કે તેનો પુત્ર એમબીએ કરે અને મોટી એસી ઓફિસમાં કામ કરે,” તેણીએ કહ્યું.
જ્યારે નિશાએ તેનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે ફિલિગ્રી વર્કમાં એક મહિનો બહુ ઓછો ખર્ચ નીકળે છે જ્યારે તે દિવસ-રાત મહેનત કરે છે. તો, કંપનીઓમાં એસીમાં કામ કરનારાઓને વધુ પગાર મળે છે. નિશા કહે છે, “તેની વાત એકદમ સાચી હતી. આ હસ્તકલામાં જેટલી મહેનત કરવામાં આવે છે તેટલી કમાણી થતી નથી. કારણ કે કારીગરો પાસે એવા પ્લેટફોર્મ નથી કે જ્યાં તેમનું કામ દેશ અને દુનિયા સુધી પહોંચી શકે. પછી મને લાગ્યું કે માત્ર ભારતના અન્ય ભાગોમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ભાગમાં ફીલીગ્રી લેવાની જરૂર છે.”
વિદેશોમાં તારકસીની માંગ વધી રહી છે.
વર્ષ 2016થી, તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે તારકસીનો પ્રચાર કર્યો. તેમનું ધ્યાન આ હસ્તકલા સાથે યુવાનોને જોડવા પર છે. તેમણે કહ્યું, “છેલ્લા કેટલાક સમયથી તારકસીની ઘટતી માંગને કારણે અમે તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક ક્ષેત્રમાં બદલાતા સમય સાથે તાલ મિલાવવાની જરૂર છે, તો સિલ્વર ફિલિગ્રીમાં કેમ પાછળ રહીએ? અમે બ્રેસલેટ, એંકલેટ અને નોઝ પિન જેવી આધુનિક જ્વેલરીની સાથે પરંપરાગત જ્વેલરી પણ લોકો માટે લાવી રહ્યા છીએ.”

નિશા કહે છે કે હાલમાં તેને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ઓર્ડર મળી રહ્યા છે. ખાસ કરીને આવા દેશોમાંથી જ્યાં નૃત્ય શાળાઓ છે અને આ ભારતીય નૃત્ય કલામાં ઓડિશી પણ શીખવવામાં આવે છે. તેને ઓડિશી ડાન્સ જ્વેલરી માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. “ઓડિશી ડાન્સ ફોર્મ ખૂબ પ્રખ્યાત છે. અન્ય દેશોના લોકો પણ તેની પ્રેક્ટિસ કરે છે, પરંતુ અત્યાર સુધી તેમની પાસે એવું કોઈ સાધન નહોતું કે જેથી તેઓ આ દરમિયાન પહેરવા માટે ખાસ ફીલીગ્રી જ્વેલરી મેળવી શકે. પરંતુ હવે અમે તેમને આ જ્વેલરી ઓનલાઈન આપી રહ્યા છીએ,” તેમણે કહ્યું.
આ ઉપરાંત તેમને વિદેશમાંથી રિટેલ ઓર્ડર પણ મળી રહ્યા છે. નિશાએ જણાવ્યું કે ધીરે ધીરે તેમના ઓર્ડર વધી રહ્યા છે અને હવે તેમને ઘણા બધા બલ્ક ઓર્ડર પણ મળવા લાગ્યા છે. સિલ્વર લાઈનિંગ્સમાંથી જ્વેલરી ઓર્ડર કરનારા લંડનનાં જોનેથન કહે છેકે, તેમણે ક્રિસમસની કેટલીક આઈટમ ખરીદી હતી અને તેને અને તેની પત્નીને બધી જ જ્વેલરી બહુજ પસંદ આવી હતી. તો અમેરિકાની અરિથરાએ તેની પાસેથી ડાન્સ માટે બાજુબંધ ઓર્ડર કર્યા હતા અને તેમનું કહેવું છેકે, જ્યારે તેને બાજુબંધ મળ્યા ત્યારે તે ફોટા કરતા પણ વધુ સુંદર હતા.
સિલ્વર ફિલિગ્રી દેખાવમાં જેટલી ભરેલી લાગે છે, વાસ્તવમાં જ્વેલરી તેટલી જ હળવી હોય છે. તેથી, આજકાલ આ ફીલીગ્રી માત્ર ચાંદીમાં જ નહીં પરંતુ સોના અને પ્લેટિનમમાં પણ કરવામાં આવે છે. બદલાતા ટ્રેન્ડની સાથે તેનું રૂપ પણ બદલાઈ રહ્યું છે અને ભારત તેની હસ્તકલાને આગળ વધારવા માટે તેનો લાભ લઈ શકે છે.
જો તમે તારકસી જ્વેલરી ખરીદવા માંગતા હો, તો તમે https://silverlinings.in/ પર ક્લિક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માઈક્રોવેવ આવ્યા તે પહેલાંથી જ ભારતનાં આ ગામમાં બની રહ્યા છે માઈક્રોવેવ-સેફ વાસણો
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.