Search Icon
Nav Arrow
Food Processing
Food Processing

ખર્ચ માત્ર 10 હજાર રૂપિયા અને કમાણી કરે છે લાખોમાં! આમની પાસેથી જાણો ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ લેવાના ફાયદાઓ

પંજાબનાં ભઠિંડાની આ મહિલાએ કૃષિ યુનિવર્સિટીમાંથી લીધી ટ્રેનિંગ અને શરૂ કર્યો બિઝનેસ, મહિને કરે છે લાખની કમાણી

“કંઈક નવું શરૂ કરવા માટે કોઈ નિશ્ચિત ઉંમર હોતી નથી. ઘરે નવરા બેસવા કરતાં સારું છે કે આપણે કંઇક શીખતા રહીએ અને આપણી ઓળખ બનાવવા માટે કામ કરીએ.” આ કહેવું પંજાબની મહિલા ઉદ્યમી બલવિંદર કૌર સિદ્ધુનું છે. 52 વર્ષીય બલવિંદર કૌર પંજાબનાં ભઠિંડામાં પોતાનો ફૂડ સ્ટાર્ટઅપ ઝેબ્રા સ્માર્ટ ફૂડ્સ ચલાવી રહી છે. જેના દ્વારા તે ગ્રાહકોને અથાણાં, ચટણી, મુરબ્બો, મલ્ટિગ્રેન લોટ, સ્ક્વોશ અને બિસ્કિટ જેવા ખાદ્ય ઉત્પાદનો પહોંચાડે છે. ઘરે કેમિકલ ફ્રી રીતે બનેલાં તેમના સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓની માંગ, પંજાબની બહાર ગુરૂગ્રામ અને નોઈડા જેવાં શહેરોમાં પણ છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે બલવિંદરે તેના વ્યવસાયની શરૂઆત વર્ષ 2018માં કરી હતી. લગભગ બે વર્ષ સુધી, ઘરેથી રાત-દિવસ સખત મહેનત કર્યા પછી, તેણે ફેબ્રુઆરી 2020માં શહેરમાં તેની નાની દુકાન પણ શરૂ કરી. આજે, લોકો ફક્ત તેમના ઘરો માટે વાનગીઓ જ ખરીદતા નથી, પરંતુ ઘણા લોકો વધુ ખરીદે છે અને તેમની આગળ તેમની વસ્તુઓ વેચે છે. આ રીતે, બલવિંદર કૌરનો વ્યવસાય તેણીને માત્ર એક ઓળખ જ નથી આપી રહ્યો છે, પરંતુ તે ઘણા લોકો માટે સારા રોજગારનું સાધન પણ બની રહ્યો છે.

બલવિંદર કૌરે ‘બેટર ઈન્ડિયા’ને તેમની યાત્રા વિશે વિગતવાર જણાવ્યું,“ મેં પંજાબી વિષયમાં એમ.એ કર્યું છે. લગ્ન પછી, ઘરની અને પરિવારની જવાબદારીઓ આવી, તેથી ક્યારેય નોકરી કરી નહીં. પરંતુ, હંમેશાં અમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા રહેતી હતી.”

New Business

કૃષિ યુનિવર્સિટીમાંથી લીધી તાલીમ:

બલવિંદર કૌર ક્યારેય પણ ખાલી બેસવા માંગતા નહોતા. તેથી, તેઓ તેમના ઘરેથી કંઇક કરવાનો પ્રયાસ કરતા રહ્યા. પહેલા તેમણે તેમના ઘરે ‘પેઈંગ ગેસ્ટ / પીજી’ નું કામ શરૂ કર્યું. જો કે, તેમણે થોડા વર્ષોમાં આ કામ બંધ કરી દીધું. કારણ કે તેમાં ઘણી સમસ્યાઓ હતી. આ પછી, તેમણે બુટિક અથવા બ્યુટિશિયન તરીકે કામ કરવાનું વિચાર્યું. તેમણે બ્યુટિશિયન તાલીમ પણ લીધી હતી. પરંતુ, તેઓ આ ક્ષેત્રમાં ક્યારેય પ્રગતિ કરી નથી કારણ કે, તેમનું પેશન કંઈક બીજું હતો.

તે જણાવે છે, “મને હંમેશાં વિવિધ પ્રકારનાં અથાણાં, જામ વગેરે બનાવવામાં રસ હતો. મેં હંમેશાં મારા દાદી અને માતાને મોસમ પ્રમાણે વિવિધ પ્રકારના અથાણાં બનાવતા જોયા હતા. ક્યારેક ખાટા અથાણાં, તો ક્યારેક મીઠા અને ક્યારેક ખાટા-મીઠા. હું તેમની પાસેથી વિવિધ પ્રકારના અથાણાં બનાવવાનું શીખી હતી. મારા સાસરાના ઘરે પણ મારા હાથથી બનાવેલી વસ્તુઓ દરેક વ્યક્તિને ગમે છે.” રસોઈ બનાવવાના તેમના જુસ્સાને કારણે બલવિન્દરે પંજાબ કૃષિ યુનિવર્સિટીના એક પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધો.

તેમણે કહ્યું,“ત્યાં અમને અથાણાં અને ચટણી બનાવવાની તાલીમ આપવામાં આવી. એક પ્રક્રિયા દ્વારા યુનિવર્સિટીમાં બધું શીખવવામાં આવ્યું હતું જેથી અમે જે પણ વાનગી બનાવીએ, તેનો સ્વાદ અને પોષણ અકબંધ રહે. તાલીમથી મને પ્રોત્સાહન મળ્યું અને ઘણી નવી બાબતો પણ શીખવા મળી.”

Woman Empowerment

પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી અથાણાં અને ચટણીની તાલીમ લીધા પછી, તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ફળોના સ્ક્વોશ અને શરબત બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેઓ કહે છે કે તેમણે તેમના પરિવાર માટે અથાણા બનાવવાનું શરૂ કર્યું. દરેકને તેમનું બનાવેલું અથાણું એટલું ગમ્યું કે લોકોએ તેમને ઓર્ડર આપવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે જ્યારે લોકો તેમના અથાણાં ચાખે છે ત્યારે લોકો તેમને ઓર્ડર આપવાનું ભૂલતા નથી. લોકોના પ્રતિક્રિયા પછી, બલવિંદરનો પોતાના પર વિશ્વાસ વધ્યો અને તેમણે આ વ્યવસાયને તક આપવાનું વિચાર્યું.

વર્ષ 2018માં તેમણે ફક્ત 10 હજાર રૂપિયાથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેઓ કહે છે, “મેં નાના પાયે કામ શરૂ કર્યું હતું અને મારા ઘરેથી બધું જ કરતી હતી. મને ઘણી વાનગીઓ બનાવતા આવડતી હતી. પરંતુ ધંધો ચલાવવા માટે વધુ કુશળતા જરૂરી છે. જેમાં ડો ગુરપ્રીત કૌર ધિલ્લોને મને ખૂબ મદદ કરી. હું ફક્ત તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધી શકી છું.”

ડૉ.ગુરપ્રીત કૌર ધિલ્લોનને પંજાબ કૃષિ યુનિવર્સિટીના ભટીંડાના પ્રાદેશિક સ્ટેશનમાં સહાયક ફૂડ ટેક્નોલોજિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રનો ઉદ્દેશ ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ફૂડ પ્રોસેસિંગની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. ડો.ગુરપ્રીત કહે છે, “આ કેન્દ્રને ખાસ ખેડુતો અને મહિલાઓને મદદ કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું હતું. અમે વિવિધ પ્રકારની તાલીમ પ્રદાન કરીએ છીએ, જેમાં કોઈપણ ભાગ લઈ શકે છે. તાલીમ પછી, જો કોઈ પોતાનું કાર્ય શરૂ કરવા માંગે છે, તો અમે તેમને મદદ પણ કરીએ છીએ.જેમ કે – અમે બાલવિંદર જીને લાઇસન્સિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ વગેરેમાં મદદ કરી છે.”

તેમણે આગળ કહ્યું કે બલવિંદર ખૂબ મહેનતુ છે અને તેમણે ફક્ત પોતાનો ધંધો જ ઉભો નથી કર્યો પરંતુ તે 10 મહિલાઓને રોજગારી પણ આપી રહી છે. તેમણે ઉમેર્યું, “અમારો ઉદ્દેશ લોકોને સક્ષમ બનાવવાનો જ છે. અમે જાતે પણ બલવિંદર જેવા બિઝનેસ વુમનની સ્ટોરી લોકોને કહીએ છીએ જેથી તેઓને પણ પ્રેરણા મળી શકે. તેથી, જો કોઈ પણ ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રે આગળ વધવા માંગે છે, તો તેઓ ખચકાયા વગર અમારો સંપર્ક કરી શકે છે.”

Smart Business

લગભગ 30 પ્રકારની વાનગીઓ બનાવે છે:

બલવિંદર કૌરે તેમની શરૂઆત ભલે અથાણાં અને ચટણીથી શરૂઆત કરી હોય, પરંતુ આજે તેઓ ઘણી વધુ વાનગીઓ બનાવી રહી છે. અથાણાંની વાત કરીએ તો તે મોસમી ફળ અને શાકભાજી જેવા કેરી, લીંબુ, આમળા, મરચું, મૂળો, ગાજર વગેરેનાં અથાણાં બનાવે છે. તેઓ આમળાની કેન્ડી અને મુરબ્બો પણ બનાવે છે. ઉપરાંત, તમે તેમની પાસેથી સફરજનનો મુરબ્બો પણ ખરીદી શકો છો. તેઓ કેરી અને જામફળના સ્ક્વોશ સિવાય સફરજન, લીચી, ગુલાબ વગેરેનાં શરબત પણ બનાવે છે.

આ સિવાય તેમણે રાગી, બાજરો, કોદો, જુવાર, ચણા વગેરેનું મિશ્રણ કરીને ‘મલ્ટિગ્રેન લોટ’ બનાવવાની શરૂઆત પણ કરી છે. આ લોટ સામાન્ય ઘઉંના લોટ કરતા વધારે સારો છે, ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓ માટે. તેવી જ રીતે, તે ગ્રાહકોને પણ ગ્લૂટન ફ્રી લોટ અને બિસ્કિટ ઉપલબ્ધ કરાવી રહી છે. તે જણાવે છે, “અમે ગ્રાહકોની માંગ પર મોટાભાગની ચીજો બનાવવાનું શરૂ કર્યું છે. જેમ જેમ અમારા ગ્રાહકો વધ્યા, તેમ તેમ અમારા કામનું સ્તર અને મેનૂ પણ વધ્યું. ઘણા લોકોમાં ઘઉંમાં હાજર ‘ગ્લૂટન’થી એલર્જી જોવા મળે છે. તેથી, અમે ફાઇબર યુક્ત અને ગ્લૂટન ફ્રી લોટ અને બિસ્કિટ પણ બનાવવાનું શરૂ કર્યું છે.”

તેમણે મોટે ભાગે વોટ્સએપ અને ફેસબુક દ્વારા તેમના વ્યવસાયનું માર્કેટિંગ કર્યું છે. આ સિવાય તેઓ અનેક વાર જુદા જુદા સ્થળોએ યોજાયેલા ‘કૃષિ મેળા’ અથવા ‘ઓર્ગેનિક મેળાઓ’ માં પણ સ્ટોલ ઉભા કરી ચૂક્યા છે. તેમણે દિલ્હીના એક ઓર્ગેનિક મેળામાં સ્ટોલ ઉભો કર્યો હતો અને ત્યાં તેમને ગુરુગ્રામ અને નોઇડાના ઘણા ગ્રાહકો મળ્યા હતા. લોકડાઉન પહેલાં તેમની વાનગીઓ ગુરુગ્રામ અને નોઈડા પહોંચતી હતી. જોકે, હાલમાં તેમનું કામ માત્ર પંજાબ પૂરતું મર્યાદિત છે.

દર મહિને આશરે 250 ગ્રાહકોના ઓર્ડર પૂરા કરવા ઉપરાંત, તે અનેક રિસેલરને ઉત્પાદનો પણ પહોંચાડે છે. તેમના અથાણાં, મુરબ્બા વગેરે ખરીદીને આગળ ગ્રાહકોને વેચાણ કરતાં રિસેલર ગુરવિંદર સિંહ જણાવે છેકે, તેમણે 2021ની શરૂઆતમાં જ તેમની પાસેથી માલ ખરીદવાનું શરૂ કર્યું. તેમના તમામ ગ્રાહકોમાં, બલવિંદર દ્વારા બનાવવામાં આવતી વાનગીની ઉંચી માંગ છે. કારણ કે, તેમની વાનગીઓ જૈવિક રીતે બનાવવામાં આવે છે અને બજારમાં મળતી અન્ય વાનગીઓ કરતાં ઘણી સારી હોય છે. તેથી, તેઓને હવે સંતોષ છે કે તે ગ્રાહકોને સારી વસ્તુઓ આપી રહ્યા છે અને સારી કમાણી કરી રહ્યા છે.

બલવિંદર કહે છે કે તે તેમના ધંધામાંથી તેઓ મહિને એક લાખ રૂપિયાની કામણી કરી લે છે. તેઓનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં તેમનો ધંધો વધ્યો છે અને આજે તેમણે શહેરમાં પણ પોતાની દુકાન સેટઅપ કરી છે. આગામી કેટલાક વર્ષોમાં તે ભારતભરમાં પોતાનો વ્યવસાય ફેલાવવા માંગે છે. આ માટે, તેઓ સખત મહેનત પણ કરી રહ્યા છે જેથી તેઓ પોતાનું પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરી શકે અને વધુને વધુ લોકોને રોજગારી આપી શકે.

જો તમે બલવિંદરે બનાવેલી વાનગી ખરીદવા માંગતા હો, તો તમે તેમને 7589827287 પર મેસેજ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: આ અમદાવાદીએ લૉકડાઉનમાં 750 લોકોને જ્વેલરી બનાવતાં શીખવાડી કમાયા 30 લાખ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon